VISHAD YOG- CHAPTER - 57 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | વિષાદ યોગ - પ્રકરણ - 57

Featured Books
Categories
Share

વિષાદ યોગ - પ્રકરણ - 57

વિષાદયોગ-પ્રકરણ-57

‌‌‌‌‌‌‌‌‌‌‌_______#######______‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌____________######__________#####-----------

બાપુએ ખેતરમાં રહેલી ઓરડી જોઇ એ સાથેજ તેના મનમાં શંકા થઇ આવી કે જરુર અહી કઇક હશે. બાપુએ જીપને તે ઓરડી પાસે લેવા કહ્યું. બાપુ જાણતા હતા કે આ કામમાં જોખમ હતું. જો તેનો શક સાચો હોય તો તો ત્યાં જવામાં ખૂબ મોટુ જોખમ હતું કેમકે તેમા કેટલા માણસો સામેલ છે અને તેની પાસે કયાં પ્રકારના શસ્ત્રો છે એવી કોઇ પણ માહિતી બાપુ પાસે નહોતી. બાપુને એ લોકો ચાર જણા હતા અને તેમાં માત્ર તેની અને દવે પાસે સર્વિસ રીવોલ્વોર હતી બાકીના બે કોંસ્ટેબલ પાસે તો એ પણ નહોતી. જો અંદરથી કોઇ હુમલો થાય તો તે લોકો ભારે મુસીબતમાં મુકાઇ જાય તેમ હતા. જો હેડક્વાટર પર જાણ કરી ફોર્સ બોલાવવામાં આવે તો આ લોકોને પહોંચી શકાય પણ એટલો સમય બાપુ પાસે નહોતો અને હજુ તેને ખાતરી પણ નહોતી કે ત્યાં અંદર કોઇ છે કે નહીં. બાપુએ ગણતરીના સમયમાં આ બધોજ વિચાર કરી લીધો. જીપ ત્યાં ઓરડીથી થોડે દૂર પહોંચી એ પહેલા બાપુએ બધાને સાવચેતીથી કામ લેવાનું છે તે સમજાવી દીધુ. ઓરડીથી થોડે દૂર જીપ ઊભી રાખી બધા નીચે ઉતર્યા અને ધીમે ધીમે ઓરડી તરફ ચાલ્યા. દવે અને એક કોંસ્ટેબલ ઓરડીની આગળની બાજુ તરફ ગયા. બાપુ અને બીજો એક કોંસ્ટેબલ પાછળની બાજુ તરફ આગળ વધ્યા. બધાએ ઓરડી અને તેની આજુબાજુના વિસ્તારમાં એક ચકકર લગાવ્યું પણ કઇ શંકાસ્પદ દેખાયુ નહી.પછી બાપુ ઓરડીના દરવાજા પાસે આવ્યા અને જોયુ તો ત્યાં તાળુ મારેલુ હતુ. આ જોઇ દવેએ કહ્યું “બાપુ અહીં કંઇ હોય તેવુ લાગતુ નથી.” પુરાવા પરથી તો દવેની વાત સાચી લાગતી હતી પણ બાપુની સિક્થ સેંસ તેને કઇક અલગજ સંકેત આપતી હતી. બાપુએ કોંસ્ટેબલને તાળુ તોડી નાખવાનું કહ્યું. કોંન્સ્ટેબલે એક પથરાથી તાળુ તોડ્યુ અને બધા અંદર દાખલ થયા. અંદર એક ખાટલો હતો અને બાકી થોડી ખેતરની વસ્તુઓ પડી હતી. બાપુએ ઓરડીમાં ઉપરછલ્લી નજર ફેરવી અને બહાર નિકળ્યા. આજ સમયે ઓરડીના અંડરગ્રાઉન્ડ રુમમાં વિલી ઉચાટમાં એકદમ શાંત બેઠો હતો. પાંચેક મિનીટ બાદ નિશીથે ફોનમાં કહ્યું “ઓકે વિલી હવે કોઇ ખતરો નથી તે લોકો ચાલ્યા ગયા છે. ચાલ મે તને કહ્યું છે તે કામ કરવા માંડ.” આ સાંભળી વિલીએ કહ્યું “જો પૈસા ત્રણ એકાઉન્ટમાં છે. હું એક એકાઉન્ટના પૈસા ટ્રાન્સફર કરુ છું. મને ખાતરી થશે કે આ રીઝર્વબેંકમાંજ પૈસા જાય છે તોજ હું બીજા પૈસા ટ્રાંસફર કરીશ.” આ સાંભળી નિશીથે કહ્યું “ઓકે ચાલ તું ટ્રાન્સફર કર.”

વિલી લેપટોપ પર કામ કરવા લાગ્યો. પાંચેક મિનીટ પછી વિલીએ કહ્યું “ઓકે 10 હજાર કરોડ ટ્રાંસફર કર્યા છે તેનું પ્રુફ મને આપો પછીજ બીજા ટ્રાન્સફર થશે.”

આ સાંભળી નિશીથે કહ્યું “ઓકે બે મિનીટ રાહ જો.”

બે મિનીટ બાદ વિલીની પાછળ રહેલ ટીવીમાં એક ન્યુઝ ચેનલ ચાલુ થઇ. ટીવી પર એન્કર ખૂબ મોટા અવાજથી બોલી રહી હતી “એક બ્રેકીંગ ન્યુઝ જાણવા મળ્યા છે. આજે ભારતીય રીઝર્વ બેંક્ના એકાઉન્ટમાં કોઇ સ્વીસ બેંક્ના એકાઉંટમાંથી દશ હજાર કરોડ રુપીયા જમા થયા છે. અહી અમારી સાથે રીઝર્વ બેંકના એક મોસ્ટ સીનીયર કર્મચારી બેઠા છે. તેની પાસેથી આપણે સાંભળીએ કે આ આખો મામલો શું છે.?”

તરતજ કેમેરા પેલા કર્મચારી તરફ ઘુમ્યા “ આજે સવારે અમારા પર એક નનામો ફોન આવ્યો હતો. ફોન કરનારે અમને જણાવ્યુ હતુ કે ટુંક સમયમાં સ્વીસ બેંકમાંથી ખૂબ મોટી રકમ રીઝર્વ બેંન્કમાં જમા થશે. અત્યારે આ મારા લેપ્ટોપમાં હું તમારી સામે જ ચેક કરી રહ્યો છું. જુઓ હજુ બે મિનિટ પહેલા આ એકાઉન્ટમાં પૈસા જમા થયા છે.”

આ ન્યુઝ સાંભળી વિલીએ કહ્યું “ઓકે ચાલ હવે હું ટ્રાંસફર કરું છું. જો તારે તારુ વચન પાળવાનું છે. મને અને મારા પરિવારને સહી સલામત અહીથી બહાર લઇ જવાના છે.”

“તું તેની ચિંતા છોડી દે. તારા આ કામ પછી તને કોઇ આંગળી નહીં અડાડી શકે.” નિશીથે તેને આશ્વાસન આપતા કહ્યું.

---------------*************----------------************-------------------***************----------

કૃપાલસિંહ તેના ઘરમાં આટા ફેરા મારતો હતો ત્યાં તેનો પી.એ આવ્યો અને કૃપાલસિંહને કહ્યું “સાહેબ ન્યુઝ ચાલુ કરો. અત્યારે ખૂબ અગત્યના સમાચાર આવી રહ્યા છે. કોઇએ સ્વીસ બેંક એકાઉંટમાંથી દશ હજાર કરોડ રુપીયા રીઝર્વબેંકના એકાઉંટમાં ટ્રાંસફર કર્યા છે.” આ સાંભળતાજ કૃપાલસિંહના હોશ ઉડી ગયા અને તે ઝડપથી ઊભો થઇ ગયો. ટીવી રીમોટથી ચાલુ કર્યુ એ સાથેજ ટીવી પર પેલા ન્યુઝ ચાલુ થયા. ન્યુઝ જોઇ કૃપાલસિંહના હાથમાંથી રીમોટ નીચે પડી ગયું અને તે સોફામાં ફસડાઇ પડ્યો. તેની નજર સામે તેની આખી જિંદગીની કમાઇ જઇ રહી હતી. જે કૃપાલસિંહના આંગળીના ઇશારે રાજ્યની સરકાર બદલાઇ જાય તે કૃપાલસિંહ અત્યારે એકદમ નિ:સહાય હતો. ન્યુઝ એંકર બરાડા પાડી પાડીને બોલી રહી હતી. “આજે ચમત્કાર થઇ ગયો છે. કોઇએ દશ હજાર કરોડ જેટલી મોટી રકમ રીઝર્વ બેંકમાં જમા કરાવી છે.” હજુ એન્કર બોલતી હતી ત્યાંજ બાજુમાં બેઠેલા રીઝર્વ બેંકના કર્મચારી જોરથી બોલી ઉઠ્યો “ઓહ માય ગોડ. એક મિનિટ ફરીથી પૈસા જમા થયા છે.” આ સાંભળતાજ એંકર બોલતી બંધ થઇ ગઇ અને કેમેરો પેલા કર્મચારી તરફ ઘુમ્યો. આખા દેશની પબ્લીક ટીવી યુનિટ સામે ગોઠવાઇ ગઇ હતી. દરેક દુકાન, શોપીંગ સેંટર, પાનના ગલ્લે ટીવી જોવા માટે ભીડ જમા થઇ ગઇ હતી. જેમ જેમ પબ્લીકને ખબર પડતી ગઇ તેમ પબ્લીક ટીવી યુનિટ સામે ગોઠવાતી ગઇ. અત્યારે આખા દેશની પબ્લીકનું ધ્યાન આ ઘટના પર હતું. તે સમયે જ ટીવી પર પેલા કર્મચારીએ તેના લેપટોપમાં જોઇ બોલવાની શરુઆત કરી.“હમણાજ ફરીથી એક મોટી રકમ રીઝર્વ બેંકમાં ટ્રાંસફર થઇ છે. આ રકમ છે 11હજાર કરોડ રુપીયા. કુલ મળીને 21હજાર કરોડ રુપીયા રીઝર્વ બેંકમાં ટ્રાંસફર થયા છે.” આ સાંભળતા જ આખા દેશમાં આનંદની લહેર છવાઇ ગઇ. આ સમાચાર જોઇ કૃપાલસિંહની હાલત એકદમ ખરાબ થઇ ગઇ તેને આખે અંધારા આવી ગયા. આ જોઇ તેનો પી.એ પરિસ્થિતિ પામી ગયો તેણે કૃપાલસિંહને પાણી આપ્યુ અને ડોક્ટરને ફોન લગાવ્યો.

કૃપાલસિંહ નજર ટીવી સેટ પર હતી. ટીવી પર એન્કર તેનુ ગળુ બેસી જાય એટલા જોર જોરથી બોલી રહી હતી “આજનો દિવસ દેશના ઇતિહાસમાં અમર થઇ જવાનો છે. અત્યાર સુધી બેન્કને ચુનો લગાવી જનારના જ સમાચાર આવતા હતા. આજે જિંદગીમાં પહેલીવાર કોઇ રીઝર્વ બેંકમાં પૈસા જમા કરાવી રહ્યું છે. આ પૈસા કોના છે અને કોણ જમા કરાવી રહ્યું છે? તેની હજુ સુધી કંઇ ખબર નથી. ભારતમાંથી ઘણા બધા કાળા નાણા સ્વીસ બેંકમાં જાય છે પણ આજે પહેલીવાર સ્વીસ બેન્કના નાણા ભારતમાં પાછા ફરી રહ્યા છે. આજે કોઇ અજાણી વ્યક્તીએ સ્વીસ બેંક્ના એકાઉન્ટમાંથી બે વખત પૈસા ટ્રાંસફર કર્યા છે અને કુલ 21 હજાર કરોડ રુપીયા અત્યાર સુધીમાં જમા કરાવ્યા છે.” એન્કર હજુ આગળ બોલતી હતી ત્યાં ફરીથી પેલા રીઝર્વ બેંકના કર્મચારીએ જોરથી બુમ પાડી “ઓહ માય ગોડ. ધેટ્સ અનબીલીવેબલ.” આ સાંભળતાજ રીપોર્ટર બોલતી બંધ થઇ ગઇ અને ન્યુઝ રુમના બધાજ કેમેરા પેલા કર્મચારી પર ફોકસ થઇ ગયા. કર્મચારી ખુશીને લીધે પોતાની જગ્યા પર ઊભો થઇ ગયો અને બોલ્યો “મારી જિંદગીમાં હું પહેલીવાર આટલી મોટી રકમ એક સાથે ટ્રાંસફર થતી જોઇ રહ્યો છું. ફરીથી રીઝર્વબેંકના એકાઉન્ટમાં 11હજાર કરોડ જમા થયા છે. અને અત્યાર સુધીની કુલ રકમ 32 હજાર કરોડ થઇ છે અને આ સાથે રીઝર્વ બેંકના ઇમેઇલ આઇ ડી પર એક મેઇલ આવ્યો છે તે હું વાંચું છું. “આ 32 હજાર કરોડ રુપીયા ભારતના જ છે અને હું તેને પરત કરુ છું તેમા કંઇ બહુ મોટી વાત નથી. હજુ તો આવા ઘણાય રુપીયા સ્વીસ બેન્કમાં પડ્યા છે. તે કોઇ પોલીટીશીયન, બીઝનેશમેન કે પછી માફીયાના હશે પણ તે બધાએ ભારતની જનતાનુ શોષણ કરીને જ આ રુપીયા મેળવેલા છે એટલે આ રુપીયા પર પહેલો હક ભારતની જનતાનો છે. મે કરેલુ આ કાર્ય એક દિશા સૂચન તરીકે લઇ આજ રીતે બધાજ પૈસા પાછા આવે અને સરકાર તેને ગરીબો અને વંચીતોના વિકાસ માટે વાપરે તેવી આશા.જયહિન્દ લી;- ભારત દેશનો એક જાગૃત નાગરીક.”

જેવા આ ન્યુઝ બ્રોડકાસ્ટ થયા એ સાથેજ જ આખા દેશમાં ખુશી અને ઉત્સવનો માહોલ સર્જાઇ ગયો. ફટાકડા ફુટવા લાગ્યા અને મીઠાઇ વેંચાવા લાગી. પણ આ સમાચાર સાંભળી કૃપાલસિંહની છાતીના પાટીયા ભિસાવા લાગ્યા અને હાર્ટ એટેક આવી ગયો. ડૉ. આવીને તેની પરિસ્થિતી જોઇ એ સાથેજ એમબ્યુલંસને ફોન કરી દીધો. થોડી મિનીટોમાં કૃપાલસિંહ હોસ્પિટલમાં પહોંચી ગયો.

આ બાજુ પ્રશાંત આ બધાથી અજાણ કૃપાલસિંહના ફાર્મ હાઉસમાં બેઠો હતો. તે તો મીઠા સ્વપ્ન જોઇ રહ્યો હતો કે આજના દિવસમાં તેના ખાતામાં 32હજાર કરોડ જમા થશે અને પછી તેની જિંદગીના બાકી રહેલા બધાજ સ્વપ્ન પુરા થઇ જશે. પણ તેને ક્યા ખબર હતી કે તે જે 32હજાર કરોડ મેળવવા માટે સ્વપ્ન જોઇ રહ્યો હતો તે સરકારની તીજોરીમાં જમા થઇ ગયા હતા. અને તેની ખુશી અત્યારે આખો દેશ મનાવી રહ્યો હતો. પ્રશાંતની આજુબાજુ જે માણસો હતા તે એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા પણ તે એકદમ સુનમુન બેસી રહ્યો હતો. ત્યાં અચાનક હોલનો દરવાજો ખુલ્યો અને એક માણસ અંદર આવ્યો તેણે એકદમ ઉદાસ અવાજે કહ્યું “બે સમાચાર છે એક સારા અને એક ખરાબ. ખરાબ સમાચાર એ છે કે આપણા કૃપાલસિંહને હાર્ટ એટેક આવ્યો છે અને તેને હોસ્પીટલમાં દાખલ કરવા પડ્યા છે.” આ સાંભળી બધા બોલી ઉઠ્યા “ઓહ માય ગોડ” મનોમન તો બધાએ વિચાર્યુ કે સારુ થયુ એજ લાગનો હતો. આ સમાચાર સાંભળી પ્રશાંત સૌથી વધુ ખુશ થઇ ગયો કેમકે તે આ એટેક આવવા પાછળનું કારણ જાણતો હતો. તે આ સમચાર સાંભળી એકદમ ખુશીમાં આવી ગયો તેની ઉદાસી ગાયબ થઇ ગઇ. પણ આ ખુશી લાંબી ટકી નહી. પેલા માણસે આગળ કહ્યું “અને સારા સમાચાર એ છે કે હમણા કોઇક અજાણી વ્યક્તિએ સ્વીસ બેંક એકાઉંટ્માંથી 32 હજાર કરોડ રુપીયા ભારતીય રીઝર્વ બેંકના એકાઉન્ટમાં ટ્રાંસફર કર્યા છે. અત્યારે આખા દેશમાં ઉત્સવનો માહોલ છે.” આ સાંભળી બધા ઊભા થઇ ગયા અને તાળીઓથી હોલ ગુંજી ઊઠ્યો. આ બધામાં એકજ જણ બેસી રહ્યો હતો. તે પ્રશાંત હતો. આ વાત સાંભળી પ્રશાંત બેભાન થઇ ગયો હતો.

પેલા ખેતરમાંથી નીકળી બાપુ જીપમાં બેઠા એટલે ડ્રાઇવરે જીપને ફરીથી આવ્યા હતા તે રસ્તા પર જવા દીધી. બાપુ વિચારમાં ખોવાયેલા હતા ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. બાપુ મોબાઇલ ઉંચકી વાત કરવા લાગ્યા. સામેથી જે કહેવાયુ તે સાંભળી બાપુ ચોંકી ગયા અને બોલ્યા “શુ વાત કરો છો? 32 હજાર કરોડ?” ક્યારે હમણા?” સામેથી કંઇ કહેવાયુ તે સાંભળી બાપુ ફરીથી બોલી ઉઠ્યા “ઓહ માય ગોડ. મારી જિંદગીમાં મે આવી ઘટના નથી જોઇ. તો હવે અમારે શું કરવાનું છે?” પછી સામેથી જે કહેવાયુ તે સાંભળી બાપુએ ફોન કટ કરી નાખ્યો. બાપુએ ફોન મુકી જોયુ તો બધાની નજરમાં શું થયું તે જાણવાની ઉત્સુકતા હતી અને બાપુ પણ ઉત્સાહમાં આવી બોલ્યા.

“જોરદાર, મારી જિંદગીમાં મે આવી ઘટના નથી જોઇ.”

“અરે બાપુ પણ શું થયું તે તો કહો?” દવેએ ઉત્સુકતાથી કહ્યું.

“આજે કોઇ અજાણ્યા વ્યક્તિએ સ્વીસ બેંક એકાઉન્ટમાંથી 32હજાર કરોડ રુપીયા ભારતીય રીઝર્વબેન્કમાં જમા કર્યા છે.” આટલુ કહી બાપુએ બધાને આખી વાત કરી. આ સાંભળી દવે પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા અને બોલ્યા.

“આ કામ કોનું હોઇ શકે?”

“હા, આ કામ એ માણસનુજ છે જેણે વિલીનું અપહરણ કરેલુ છે.” બાપુએ આત્મવિશ્વાસથી કહ્યું.

“તો હવે આપણે શું કરવાનું છે?” દવેએ કહ્યું.

“આપણે કોઇ સારુ કામ કરી શકીએ નહી તો કંઇ નહી પણ સારા કામમા વિઘ્નતો ઊભુ ના જ કરવુ જોઇએ.” આટલુ બોલી બાપુ ગર્ભીત હસ્યા. દવે બાપુના હાસ્યનો મતલબ સમજી ગયા એટલે બોલ્યા “ચાલોતો મારી મહેમાનગતિ માણો. એ પણ એક કામ જ છે ને?”

રાજમહેલમાં બેઠેલા ઉર્મિલાદેવીએ પણ ન્યુઝમાં આ સમાચાર સાંભળ્યા, ત્યારથી તેની હાલત પણ કૃપાલસિંહ અને પ્રશાંત જેવી જ હતી. તે કોઇને કહી શકે એમ નહોતા અને સહી શકે એમ પણ નહોતા. તેણે સમાચાર જોયા ત્યારથી અત્યાર સુધીમાં પ્રશાંતના મોબાઇલ પર 50 જેટલી રીંગ મારી હતી પણ તે ઉચકતો નહોતો. ઉર્મિલાદેવીએ મનમા પ્રશાંતને ઘણી બધી ગાળો આપી. જો અત્યારે પ્રશાંત તેની સામે હોતતો તે તેને ગોળી મારી દેત. પણ અત્યારે તેનાથી કંઇ શકે એમ નહોતું. અત્યારેજ નહીં હવે પછી ક્યારેય પણ તેનાથી કંઇ થઇ નહી શકે. તેની આખી જિંદગીના પ્લાન પર પાણી ફરી વળ્યુ હતું. આજ બીજી વખત તેના હાથમાંથી ખજાનો સરકી ગયો હતો. આ ખજાનો મેળવવા આખી જિંદગી તેણે કેટલા કાવતરા અને કેટલા ખોટા કામ કર્યા હતા પણ કહેવાય છે ને કે તમે ગમે તેટલી ચાલાકી કરો ફળ તો તમને તમારી નિયત મુજબનું જ મળશે. ઉર્મિલાદેવીને પણ તેની નિયત પ્રમાણેના ફળ મળ્યા હતા.

ઉર્મિલાદેવી એકદમ હતાશ થઇ ગયા હતા તેની નજર સામે અત્યારે વર્ષો પહેલાનું તે દૃશ્ય આવી ગયુ જ્યારે તેને પહેલીવાર આ ખજાના વિશે ખબર પડી હતી. તેની જિંદગીમાં સારી અને ખરાબ બે ઘટના એક સાથે બની હતી. તે દિવસે જ તેને ખબર પડી હતી કે તેના પતિ શક્તિસિંહ લગ્ન પહેલાથી એક છોકરીને પ્રેમ કરતા હતા. તે છોકરી બીજી કોઇ નહી પણ તેના મિત્ર સુર્યકાંત શાસ્ત્રીની બહેન સરસ્વતી હતી. તે બંનેને લગ્ન કરવા હતા પણ શક્તિસિંહના પિતાએ તેને ચોખ્ખા શબ્દોમાં કહી દીધેલુ કે “ભલે આપણા રાજ-કાજ જતા રહ્યા પણ આપણા પરિવારને હજુ રાજા જેટલુ જ માન લોકો આપે છે. તું આવુ પગલુ ભરીશ તો આપણી ઇજ્જત જતી રહેશે. હું તને મારી સંપતીમાંથી બે દખલ કરી દઇશ અને તારે આ ગામ છોડવુ પડશે.”

આ બોલતી વખતે પિતાના શબ્દોમાં જે દર્દ હતુ તે શક્તિસિંહ સહન ન કરી શક્યા અને તેણે તેના પિતાના કહેવાથી ઉર્મિલાદેવી સાથે લગ્ન કરી લીધા. પણ લગ્ન કરી લેવાથી દિલ થોડુ બદલાય જાય છે. આ લગ્નથી સરસ્વતીને ખૂબ આઘાત લાગ્યો પણ પછી શક્તિસિંહ તેને ચોરી છુપીથી મળવા આવવા લાગ્યો. શરુઆતમાં સરસ્વતીએ શક્તિસિંહને મળવાની ના પાડી દીધી પણ પછી તે વધુ સમય શક્તિસિંહથી નારાજ રહી શકી નહી. થોડા પ્રયત્ન બાદ બંને ફરીથી છુપી રીતે મળવા લાગ્યા. સુર્યકાંત શાસ્ત્રીએ તે બંનેને સમજાવ્યા પણ સરસ્વતી કે શક્તિસિંહ કોઇ કાંઇ સમજવા તૈયાર નહોતા. સુર્યકાંતે શક્તિસિંહને એકવાર તો ધમકી આપી હતી પણ શક્તિસિંહ તેની બહેનને સાચો પ્રેમ કરતો હતો અને સામે સરસ્વતી શક્તિસિંહ વિના રહી શકે એમ નહોતી એ જોઇ સુર્યકાંત પણ ચુપ થઇ ગયા હતા. શક્તિસિંહે સુર્યકાંતને વચન આપ્યુ હતુ કે તે ક્યારેય સરસ્વતીને દુ:ખી થવા નહીં દે. તે દિવસે આ વાત ઉર્મિલાદેવીને ખબર પડી હતી અને તેણે શક્તિસિંહ સાથે જોરદાર ઝગડો કર્યો હતો. તેણે તેના સાસરાને ફરીયાદ પણ કરી હતી. તેના સાસરાના શબ્દો અત્યારે પણ તેને યાદ હતા. “દિકરી અમુક સ્ત્રીઓને માત્ર પુરુસનો પ્રેમ મળે છે જ્યારે અમુક સ્ત્રીઓ સામ્રાગ્ની થવા જન્મી હોય છે. તું સામ્રાજ્ઞી થવા જન્મી છે દિકરી.” આ વાત ત્યારે તેને નહોતી સમજાઇ પણ તે રાત્રે જે ઘટના એવી ઘટના બની કે ઉર્મિલાદેવીને તેના સાસરાના કહેવાનો મતલબ સમજાઇ ગયો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે.

જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે

આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM