સૂરજ ઉગીને ક્યારનોય આકાશમાં ચડવા લાગ્યો હતો. વડોદરાના રસ્તા બહુમાળી ઇમારતો અને બગીચાઓ ઉપર કિરણો પથરાતા હતા. નિધિ રાવળના ઘરના ઉપરના માળની બારીમાંથી એ જ કિરણો પથારીમાં અને નિધિ ઉપર પડતા હતાં. દસ વાગીને ઉપર બે ત્રણ મિનિટો થઈ ત્યારે નિધીએ આંખ ખોલી. શરીર જકડાઈ ગયું હતું પણ મન થોડુંક હળવું થયું લાગ્યું.
પથારીમાંથી ઉભી થઇને તે બારી પાસે જઈ ઉભી રહી. કોલોનીના મેદાનમાં બાળકો રમતા હતા. ઘડીભર નિધિ ત્યાં જ ઉભી રહી. પછી બારી બંધ કરીને સીડીઓ ઉતરી નીચે ગઈ.
આંખો હજુ ઘેરાતી હતી. ફ્રીજમાંથી રાત્રે લાવેલું દૂધ લઈ હળવે ગેસે ચા મૂકી. આંગને, ગરમ થતા દુધને, ચા પત્તિના ઘૂંટાતા રંગને જોતી રહી. કશુંક વિચારતી રહી. ક્યારે નાનકડી તપેલી ઉભરાઈ એનોય ખ્યાલ ન રહ્યો.
ગેસ બંધ કરી તપેલી ઉતારી. કપડું લઈ જાણે કોઈ દુઃખ ભૂંસતી હોય એમ સ્ટવ ઉપર ઢોળાયેલી ચા અને ચા પત્તિ જોરથી લૂછી. કપડું ફંગોળી કપમાં ચા લીધી અને ફોયરમાં આવી સોફામાં ગોઠવાઈ. કપ ટીપોય ઉપર મુક્યો. ખુલ્લા થયેલા વાળ બંને હાથે સરખા કર્યા. આંખો થોડીક ચોળી. સોફાની બાજુના ટેબલ પરથી બ્રશ લીધું બીજા હાથે કોલગેટ લીધી અને ધીમેથી બ્રશ પર કોલગેટ લગાવી.
થોડીવાર ત્યાં જ બેઠા બેઠા બ્રશ દાંત ઉપર ઘસયું અને પછી ઉભા થઇ બાથરૂમમાં જઈને કોગળા કરી આવી. ફરી સોફામાં ગોઠવાઈ. કપ લીધો અને ચા પીવા લાગી.
કોઈ મશીનની ઢબે એ જાગી ત્યારથી એક એક કામ કરતી હતી. એને ખુદને જ સમજાતું નહોતું કે હું શું કરું છું. ચા પુરી થઈ ગયા પછી પણ કેટલીયે વાર કપ હાથમાં જ લઈને બેસી રહી.
સાડા દસનો ટકોરો વાગ્યો ત્યારે કપ મુક્યો. વોર્ડરોબમાંથી કથ્થઈ વોસ કરેલું જીન્સ અને આછું પિંક શર્ટ કાઢ્યું. કાઢ્યા નહિ જે હાથમાં આવ્યા એ કપડાં કાઢ્યા. કપડાં સોફામાં ફંગોળી અંદરના વસ્ત્રો હાથમાં લઈ બાથરૂમમાં ગઈ. દરવાજો બંધ કરી ગાઉન કાઢીને ફુવારા નીચે ઉભી રહી. આંખો બંધ કરીને......! અગિયારનો અને પછી સવા અગિયારનો ટકોરો બહાર વાગતો રહ્યો.....! ફુવારો ચાલુ રહ્યો......!
તે મેન્ટલ ટ્રોમાંમાં ગરકાવ થઇ ગઈ હતી. તેનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું.
*
એ જ દિવસે અમદાવાદમાં વહેલી સવારે સમીર જાગ્યો. આજે શુક્રવાર હતો એટલે એને નમાઝ મસ્જિદમાં જઈને પઢવાની હતી. વહેલી સવારે સ્નાન પતાવીને સફેદ લેંઘો અને સફેદ કુરતો પહેરી દાઢીમાં કાંસકો ફેરવી આયનામાં પોતાની જાતને જ સ્માઈલ આપતા જાળી વાળી ટોપી પહેરી એ તૈયાર થયો.
"ક્યાં ઝચ રિયા હે મિયા!" જાતે જ પોતાની તારીફ કરીને કિચનમાં જઈ ચા બનાવી.
ચાની ચૂસકીઓ લેતા એણે આખોય પ્લાન ઘડ્યો. અને પછી પોતાના શિકારી મગજ ઉપર ગર્વ લેતો ઉભો થઇ ગયો. બારી પાસે જઈને પરદો ખોલ્યો. સામેના ફ્લેટમાં પણ ક્યાંક ક્યાંક લાઈટ બળતી હતી. એમાં એક ખાસ ફ્લેટમાં લાઈટ બળતી હતી એ જોઈ જરાક ફરી હસીને એણે પરદો ખુલ્લો જ રાખ્યો. ઘડિયાળમાં નજર કરી. સૂરજ ઉગવાની હવે તૈયારી થવા આવી હતી. લાઈટ બંધ કરી એ બહાર નીકળ્યો.
બહાર નીકળીને લોક કર્યું. કી કુરતાના ખિસ્સામાં નાખી. અને લિફ્ટને બદલે દાદર ઉતરવા લાગ્યો.
દાદર ઉતરતા ઉતરતા એણે ગણતરી કરી. સરફરાઝ જરૂર મારા કરતાં વહેલો તૈયાર થઈ ગયો હોવો જોઈએ. કોફી કે ચા પીને એ બારી પાસે જ ઉભો હશે. મારા ફ્લેટની બારી ઉપર નજર રાખીને એણે ગણતરીઓ કરી હશે. એણે જરૂર ધાર્યું હશે કે હું શુક્રવારની ફઝર મસ્જિદમાં જઈને પઢવાનું નહિ ચુકુ.
અને સાચે જ સમીરનું ગણિત સાચું પડ્યું હોય એમ દાદરા ઉતરીને બાઈક લઈ એ ફ્લેટની બિલ્ડીંગ બહાર નીકળ્યો ત્યારે બ્લેક કુરતા અને પાયજામામાં એક દેખાવડો છોકરો સામેના ફ્લેટના ગેટ પાસે ઉભો હતો. ફ્લેટના ગેટ પાસેની ટ્યુબ લાઈટના અજવાળામાં સમીર એને ઓળખી ગયો. એ સરફરાઝ હતો.
એના તરફ ધ્યાન આપ્યા વગર જ સમીરે બાઈક હંકાર્યું. પણ નજીક જતા જ સરફરાઝે હાથ હલાવીને એને થોભવા ઈશારો કર્યો.
સમીરે બાઈક થોભાવ્યું એટલે પેલો બોલ્યો, "સલામઓ આલેઈકુમ."
"વાલેઈકુમ અસ્સલામ." કહીને સમીરે એની સામે જોયું. પહેલીવાર જ્યારે સરફરાઝને સમીરે જોયો ત્યારે દૂરથી અંધારામાં જોયો હતો. હમણાં નજીકથી જોતા એ સાવ નિર્દોષ અને માસૂમ લાગ્યો.
"હું અહી કાલે જ રહેવા આવ્યો છું." ફ્લેટ તરફ હાથનો ઈશારો કરી નમ્રતાથી સરફરાઝે શરૂઆત કરી, "અહીં નજીકમાં ક્યાંય અલ્લાહનું પાક સ્થળ છે?"
"હું ફઝર માટે જ નીકળ્યો છું. મારી સાથે આવી જા." સમીરે હસીને કહ્યું.
"શુક્રિયા જનાબ." બાઈક પાછળ ગોઠવાતા એણે ફરી વિવેક કર્યો.
સમીરે બાઈક ઉપાડ્યું. સરફરાઝ પોતાની ચાલ ઉપર મુસ્કુરાયો અને સમીર પોતાની…..!
*
વોસ કરેલા કથ્થઈ જીન્સની ગર્ડલમાં આછું પિંક શર્ટ ખોસીને વાળ ઓળાવતી નિધિ આયનામાં પ્રતિબિંબ જોતી હતી. આજ સુધી તેને આવી કોઈ એકલતા વળગી ન હતી. જીવનમાં સિંગિંગ ડ્રીમ, એન્જી, મેરી અને વિલી સિવાય તેને કોઈ વિચાર જ આવ્યો ન હતો. તેનો ચહેરો અને કાયા સુંદર હતી પણ કોઈના પ્રેમમાં તે પડી ન હતી. તે આયનામાં જોઈ રહી.
હમણાં સુધી પોતે કેટલી ખુશ હતી! હર એક પળે જીવનનો આનંદ ઉઠાવતી હતી. અમેરિકા, આફ્રિકા, દુબઇ, લંડન એક પણ દેશની સફર એણીએ બાકી રાખી ન હતી. પ્રોગ્રામ્સ માટે કરીને આખું વોર્ડરોબ ભરાઈ જાય એટલાં અવનવા અને સ્પેશિયલ ટ્રેઇલર પાસે સિવડાવેલા તેમજ ટ્રેડિશનલ કપડાઓના ઢગલા હતા! એ એકેય કપડું પહેરીને આજે ક્યાંય જવાની એની ઈચ્છા જ જાણે મરી પરવારી હતી.
તેનો ફોન રણક્યો એટલે એનું આયના સાથેનું ત્રાટક તૂટ્યું. ટેબલ પરથી મોબાઈલ લઈ કોલ રિસીવ કર્યો.
"હેલો."
"ગુડ મોર્નિંગ મિસ નિધિ."
"વેરી ગુડ મોર્નિંગ."
"હું વાજા બોલું છું, અમિત વાજા મારે સુરતમાં એક સોસીયલ પ્રોગ્રામ રાખવાનો છે. હાસ્ય કલાકાર, કવિ, લોક ગાયક સાથે એક આધુનિક સિંગરની જરૂર છે."
"માફ કરજો મી. વાજા પણ અત્યારે મારાથી કોઈ પ્રોગ્રામ થઈ શકે તેમ નથી."
"ઓહ કમોન નિધિ હું પૂરતા પૈસા આપીશ. તમને કલાકારોને પૈસા મળે એથી વિશેષ શુ જોઈએ?”
નિધીને ગુસ્સો તો આવ્યો પણ એ પી ગઈ. વાજા વડોદરાનો નામચીન ગુંડો હતો. સમાજ સેવાના નામે કરોડો રૂપિયા એણે ઉતાર્યા હતાં નિધિ નાહકની એવા લફંગા સાથે દુશ્મની વહોરી લેવા માંગતી ન હતી એટલે એણીએ વિવેક રાખ્યો.
"સોરી તમે કોઈ બીજા સિંગરને....."
"બીજાને લાવવા હોત તો બીજાને ફોન જોડ્યો હોત એ તને નથી સમજાતું શુ?" વાજા હવે બદતમીજી ઉપર ઉતરી આવ્યો.
"મી. વાજા તમે કુમારને કોન્ટેકટ કરોને. એ પણ અત્યારે ચાલતો સિંગર છે." વાજાની બદતમીજી ગણકાર્યા વગર એણીએ કહ્યું એટલે પેલો વધારે ખીલ્યો.
"ઓહો! પણ કુમારને જોવા કઈ પબ્લિક આવે? લોકોને પ્રોગ્રામ્સથી ક્યાં મતલબ છે. એ બધામાંથી સિત્તેર ટકા તો મદમસ્ત જવાની જોવા આવે છે. લેખકોની ભાષામાં કહું તો ભર્યા ભર્યા માંસલ દેહ ઉન્માદ જગાવતા સિંગરોના સીના અને ગાઈ ગાઈને ફુલતી છાતીના લય બદ્ધ થડકાર જોવા પૈસા ખર્ચે છે. અમસ્તા જ કઈ લેડી સિંગરો એવા કપડાં પહેરીને આવતી હશે?" કહીને વાજા હસ્યો.
"માઈન્ડ યોર લેન્ગવેજ વાજા, તારી ઔકાતમાં રહે નીચ. હું એ પ્રકારની સિંગર નથી જે પ્રોગ્રામ્સમાં ટેલેન્ટને બદલે શરીર બતાવીને અને બંધ દરવાજે વેચીને પૈસા કમાય છે."
"મને ગાળો બોલવાનું પરિણામ જાણે છે છોકરી?"
"ડું વોટ ઈવર યુ કેન. જે ઉખડે એ ઉખાડી લેજે ભડવા." કહીને નિધીએ ફોન કટ કરી દીધો.
ગુસ્સામાં લાલચોળ થઈને ફોન બેડમાં ફગાવ્યો. રબર બેન્ડ લઈને ખુલ્લા વાળ એક જ સેરમાં બાંધી લીધા. ટેબલ પરથી પર્સ ઉઠાવ્યું, પર્સમાંથી પૈસાની નોટો જીન્સના ખિસ્સામાં ખોસી. પર્સ મૂકીને ટેબલ પરથી ઓડીની ચાવી લીધી. ઘર બહાર નીકળી, લોક કર્યું અને ગાડી લઈને નીકળી પડી.
*
ફઝર પઢીને વળતા સમીર અને સરફરાઝ આવતા હતા ત્યારે રસ્તામાં ઘણી વાતો થઈ અને ટૂંક સમયમાં દોસ્તી થઈ ગઈ. જોકે એ દોસ્તી નહોતી એમાં બંનેના પ્લાન હતા. સરફરાઝ એમ સમજતો હતો કે મેં એને બનાવ્યો છે અને સમીર એમ સમજતો હતો કે મેં એને બનાવ્યો છે. બંને શિકારી એક બીજાને ઝાળમાં ફસાવી રહ્યા હતા.
"તો આજે મહેરબાન મારા મહેમાન બનશે એવી મારી વિનંતી છે." ખાસ્સી હસી મજાક થઈ ગયા પછી સમીરે આગળના પગલા શરુ કર્યા.
"કેમ નહિ? આપની વિનંતી નહિ પ્રેમ છે, એ સરઆંખો પર." બાઇકમાં ફરફર થતા કુરતાના અવાજમાં બંનેના અવાજ ભળતા હતા.
થોડીવાર આડી અવળી વાતો ચાલી અને બાઈક ફ્લેટ આગળ આવીને ઉભું રહ્યું.
"બે એક કલાક પછી તું આવી જા મારા ફ્લેટ પર." સમીરે કી કાઢતા કહ્યું. "ત્યાં સુધી હું તૈયારી કરી લઉં છું."
"જરૂર યાર ત્યાં સુધી હું થોડુંક વાંચી લઉં પરીક્ષાની તૈયારી છે ને." સરફરાઝ બોલ્યો. "પણ તમે કયા માળ ઉપર રહો છો? અને નંબર?"
"ત્રીજા માળે." હાથનો ઈશારો કરી સમીરે કહ્યું, "110માં" અને મનોમન એ બબડયો બેટા તું જાણે છે કે હું કયા મજલે રહું છું અને કયો ફ્લેટ છે છતાંય પૂછે છે પણ તું હજુ બચ્ચો છે.
"ઠીક છે નવેક વાગ્યે હું આવું."
"હા પણ કશું જ નાસ્તો ન કરતો આજે બે મુસલમાન ભાઈ પેટ ભરીને ખાશે." જતા જતા ફરી એક વાર સમીર એમ બોલ્યો જાણે વર્ષોના ભાઈબંધ ન હોય!
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky