અર્ધ અસત્ય.
પ્રકરણ-૫૮
પ્રવીણ પીઠડીયા
“આઇ કાન્ટ બિલિવ કે કોઈ વ્યક્તિની પત્ની ગુજરી ગઇ હોય અને તેને હજું મહીનો જ વિત્યો હોય એવી વ્યક્તિ આવું અધમ ક્રૃત્ય આચરે!” અભય શોકમાં આવી ગયો હતો. વિષ્ણુંસિંહના કાળા કરતૂતોમાં તેના જ સગ્ગા ભાઈઓ જોડાયાં હોય અને એ પણ એવા સમયે જ્યારે આખું રાજગઢ તેમની પત્નીઓનાં મોતનો શોક મનાવી રહ્યું હોય, એ વાતનો જબરજસ્ત આઘાત તેને લાગ્યો હતો. તેણે શંકાભરી નજરે વૈદેહીબા સામું જોયું. વૈદેહીસિંહ ફક્ત હસ્યાં.
“રાજ પરીવારોમાં તો એવું ઘણું બધું બનતું હોય છે અભય કે જેના કિસ્સાઓ તું સાંભળેને તો તારું દિમાગ ચકરાઈ જાય. પરંતુ સચ્ચાઈ એ જ હતી. ખબર નહીં કેમ પણ અમારાં ઠાકોર પરિવારનો ઈતિહાસ મારા પિતાજી, એટલે કે પૃથ્વીસિંહજીના જન્મ પછી સાવ બદલાઇ ગયો હતો. ઓગણિસ વર્ષની નાની ઉંમરે તેમના લગ્ન થયાં, પચ્ચીસ વર્ષ થતાં સુધીમાં પાંચ-પાંચ બાળકોના પિતા બની ગયા, અને તેમા પણ બબ્બે વખત જોડિયા બાળકો અવતરવા, ઉપરાંત મારાં ચાર ભાઈઓમાં ફક્ત ભૈરવસિંહને ત્યાં જ સંતાન થવું, મારું કુંવારું રહેવું… આ બધું કોઇ ફિલ્મી ઘટનાઓથી કમ તો નથી જ. તેમાં વિષ્ણુંસિંહ સાથે મારા ભાઈઓ જોડાયા હોય એ મને તો સહેજે નવાઇ કારક લાગતું નથી. કારણ કે આખરે એ પણ ઠાકોર ખાનદાનનું જ લોહી ધરાવતાં હતા ને! અને રહી વાત તેમની પત્નીઓનાં મોતની, તો એની પણ એક આખી અલગ કહાની છે જે હું તને નિરાંતે કહીશ. હાં, એટલું જરૂર કહીશ કે કદાચ તેમની પત્નીઓનાં મોતથી તેમનો છૂટકારો થયો હતો કારણ કે મેં જોયું હતું કે મારી બન્ને ભાભીઓ લગ્ન કરીને ઠાકોર પરિવારમાં આવી એ પછીનાં એક વર્ષ તો બધું સમું-સૂતરું ચાલ્યું હતું પરંતુ બીજા જ વર્ષે તેઓને કોઇ અજીબ બિમારી લાગું પડી ગઇ હતી. એ બિમારીનાં કારણે જ મારાં ભાઈઓ તેમનાથી અતડા અને હંમેશા ગુસ્સે ભરાયેલા રહેતાં મેં જોયા છે. પણ ખેર, અત્યારે એ બધી વાતોને વિસ્તારથી કહેવાનો સમય નથી. મેં મારાં ત્રણેય નરાધમ ભાઈઓને મારી નજરોની સામે જ સંસારનું સૌથી ભયંકર ક્રૃત્ય આચરતાં જોયા છે. તું નહી માને અભય પરંતુ મને આજે પણ વિશ્વાસ નથી થતો કે હું આવાં નીચ ભાઈઓની બહેન છું અને આટલું બધું થવા છતાં ખામોશ બનીને જીવી રહી છું. મેં લગ્ન નહોતાં કર્યાં. મને ક્યારેય એવો ઉમળકો જાગ્યો જ નહોતો. અને પછી તો મારાં સગ્ગા ભાઈઓની આવી હૈવાનિયત ભરી કરતૂતો જોઇને મને સમસ્ત પુરુષ જાત પ્રત્યે નફરત ઉદભવી હતી એટલે લગ્ન કરવાનું તો મેં માંડી જ વાળ્યું હતું.” વૈદેહીસિંહે એક ભયાનક નિસાસો નાંખ્યો.
અભય ફક્ત સાંભળી રહ્યો હતો. તેને ખરેખર ખબર નહોતી પડતી કે તે શું રિએક્ટ કરે. રાજગઢનો ભૂતકાળ આટલો કલંકિત અને રક્તરંજીત હશે એનો તો તેને સ્વપ્નેય ખ્યાલ ક્યાંથી હોય. જો તે સસ્પેન્ડ ન થયો હોત અને રાજગઢમાં આવીને અનંતને મળ્યો ન હોત તો આ બધું તે ક્યારેય જાણી શકવાનો નહોતો. અચાનક તેની માંહ્યલો પોલીસ અફસર સળવળીને જાગી ઉઠયો. આ ક્રાઈમ હતો, ભયંકર ક્રાઈમ. જે કોઇપણ હિસાબે જસ્ટિફાઈ થઇ શકે તેમ નહોતો. આની પાછળ જે કોઇ પણ હોય એ તમામને સજા મળવી જ જોઇએ અને કબિલાની કન્યાઓનો ન્યાય થવો જ જોઇએ. પછી ભલેને તેના માટે તેણે સમસ્ત રાજગઢને ઉથલ-પાથલ કરી નાંખવું પડે. તે આવેશમાં આવી ગયો હતો. પરંતુ હજું કહાની ઘણી બાકી હતી…
@@@
દેવાનાં પહેરા પછી વૈદેહીસિંહ નંખાઇ ગયા હતા. તેઓને પોતાના કમરામાંથી બહાર નીકળતા પણ ડર લાગતો હતો. એક વર્ષ… જી હાં, પાછલાં છેલ્લા એક વર્ષથી તેઓ આ નર્કાગાર સમાન યાતનાઓ ભોગવતા આવ્યાં હતા. કબિલાનાં મૂખિયાને વિષ્ણુંસિંહ રાજગઢના ઘોડારમાં લઇને આવ્યો હતો એ ઘટનાને આજે પૂરા એક વર્ષનું વહાણું વીતી ગયું હતુ. અને આ એક વર્ષમાં તો તેઓ સાવ જ નંખાઇ ગયા હતા. ઘણી વખત તેમને થતું કે તેઓ પોતાના બાપુ પાસે દોડી જાય અને તેના ભાઈઓ કેવા ભયંકર અપરાધમાં સંડોવાયેલા છે એ વિશે જણાવી દે. પરંતુ એવી હિંમત તેઓ ક્યારેય ઝૂટાવી શકયાં જ નહી. એ દરમ્યાન ભાઈઓની પાપલીલાઓનો સીલસીલો લગાતાર ચાલું જ રહ્યો હતો. કોઇ તેમને રોકવાવાળું કે પૂછવાંવાળું હતું જ નહી. કબિલાના લાકો પણ ખામોશ હતા કારણ કે તેમને તો કશી સમજણ જ નહોતી પડતી કે કબિલાની યુવતીઓ એકાએક ક્યાં ગાયબ થઇ જાય છે.
એક પછી એક એમ કરતાં કરતાં સાત-સાત યુવતીઓ કબિલામાંથી ગાયબ થઇ ગઇ હતી અને કબિલામાં ભયંકર હાહાકાર મચી ગયો હતો. કબિલાનાં લોકો સ્તબ્ધ બની ગયા હતા. તેઓ ભયાનક ડરથી સતત ફફડતા હતા કે હવે કોનો વારો આવશે. આટલું ઓછું હોય એમ કબિલો જે પહાડની તળેટીમાં વસ્યો હતો તેની ઉપરવાસમાં અસંખ્ય ઝરણાઓ ફૂટી નીકળ્યાં હતા અને એ ઝરણાઓ ધોધનું સ્વરૂપ લઇને તળેટીમાં ખાબકવાં લાગ્યાં હતા. એ ધોધનું પાણી સીધું જ કબિલાવાસીઓનાં ઝૂપડાઓમાં ઘૂસવા લાગ્યું હતું. પરિસ્થિતિ એવી સર્જાઇ હતી કે જો તેઓ તાત્કાલિક ધોરણે કબિલાને કોઇ અન્યત્ર સ્થળે ખસેડે નહી તો આખો કબિલો જ નષ્ટ પામવાનો હતો. શું કરવું જોઇએ એની કોઇને ગતાગમ પડતી નહોતી કારણ કે નિર્ણય લેનાર કબિલાનો મૂખિયા ખુદ ગાયબ હતો. એવામાં કોઇએ સલાહ આપી હતી કે તેમણે બધાએ ભેગા મળીને રાજગઢનાં દરબારમાં મદદની ગુહાર નાંખવી જોઇએ. રાજગઢમાંથી ચોક્કસ તેમને કોઇને કોઇ મદદ મળી રહેશે. બધાને એ સૂચન યોગ્ય લાગ્યું અને આવતીકાલ સવારે રાજગઢનાં દરબારમાં જવાનું નક્કી કરવામાં આવ્યું.
એ એક નિર્ણયે કબિલાની કિસ્મત બદલી નાંખી હતી. કોઇ નહોતું જાણતું કે એ નિર્ણય લેવામાં પહાડ ઉપરથી વહેતા થયેલા ધોધે મહત્વનો ભાગ ભજવ્યો હતો. જો એ ઝરણાઓ રૂપી ધોધનું પાણી કબિલામાં ઘૂસ્યું ન હોત તો તેમના મનમાં ક્યારેય રાજગઢ જવાનો વિચાર ઉદભવ્યો જ ન હોત. અને તો હજું કેટલીય કોડીલી કન્યાઓનો ભોગ લેવાયો હોત. પરંતુ કહેવાય છે ને કે ઉપરવાળાને ત્યાં દેર જરૂર છે પરંતુ અંધેર નથી. ઈશ્વરે એ સમયે સંપૂર્ણ ન્યાય તો નહોતો તોળ્યો પરંતુ કબિલાવાળાઓને એક રાહ જરૂર ચીંધી હતી. જેના કારણે હવે તેમની કન્યાઓ ગાયબ થવામાંથી બચી જવાની હતી.
@@@
વિષ્ણુંસિંહ ધૂઆંફૂઆં થતો તેના કમરામાં આટાં મારી રહ્યો હતો. તેનું મગજ ભયાનક ક્રોધથી ફાટીને ધૂમાડે ગયું હતું. દેવો હમણાં જ ખબર લઇને આવ્યો હતો કે કબિલાના લોકો કાલે સવારે પૃથ્વીસિંહજીનાં દરબારમાં પેશ થવાના છે અને તેમને પોતાની સમસ્યાઓથી અવગત કરાવવાનાં છે. આ સમાચાર સાંભળીને થથરી ઉઠયો હતો વિષ્ણુંસિંહ. તેની આંખો સમક્ષ પોતાનું મોત નાંચવા લાગ્યું હતું. તે જાણતો હતો કે બાપુ કેટલા ન્યાયપ્રિય અને કાયદાનાં સખ્ત પાલનમાં માનનારાં વ્યક્તિ છે. જો બાપુ સુધી આ મામલો પહોંચ્યો તો ખેલ ખતમ થઇ જવાનો હતો. શું કરવું જોઇએ જેથી કબિલાવાળાઓને રાજગઢ આવતાં અટકાવી શકાય એ વિચારમાં તેમની ભૂખ પણ મરી ગઇ હતી. એકધારાં ચહલ કદમીથી હવે તેમના પગ પણ દુઃખવા આવ્યાં હતા. આમ પણ તેઓ હવે કંટાળ્યાં હતા. જે કીક પહેલી વખત તેમને લાગી હતી એ હવે લાગતી નહોતી. એટલે જ તેમણે કબિલામાંથી છોકરીઓને ઉઠાવાનું ઓછું કરી દીધું હતું. જોકે એ એટલું આસાન નિવડયું નહોતું. એ નિર્ણયથી દિલિપસિંહ અને મયુરસિંહ ભૂરાયા થયાં હતા. તેમની ડિમાંડ દિવસે-દિવસે વધતી જતી હતી અને તેઓ વિષ્ણુંસિંહ ઉપર રીતસરનું જબરજસ્ત પ્રેશર ઉભું કરવા માંડયા હતા. એ ઉપાધી તો હતી જ, તેમાં હવે કબિલાવાળાની ઉપાધી ઉમેરાઇ હતી. તે ભયંકર રીતે મુંઝાઇ ઉઠયો હતો. એવું લાગતું હતું કે હવે તેના પાપનો ઘડો ભરાઇ ગયો છે જે ગમે ત્યારે ફૂટી જશે. આમાથી બચવા શું કરવું જોઇએ એ વિચારી વિચારીને તેનું માથું દુખવા આવ્યું હતું છતાં તેનો કોઇ ઉકેલ મળતો નહોતો. એ જ પરિસ્થિતિમાં લગભગ કલાકેક તેમણે પોતાના બેડરૂમમાં આંટા માર્યે રાખ્યાં હશે.
અને… સાવ અચાનક જ એક અટપટો પરંતુ કારગત ઉપાય તેમને જડી ગયો. એકાએક તેમની બધી ચિંતાઓ જાણે સમાપ્ત થઇ ગઇ હોય એમ તેઓ હળવાફૂલ બની ગયા હતા અને તેમનું મોઢું મલકાઇ ઉઠયું હતું. એક કાંકરે બે પક્ષિઓને મારવાનો આઈડિયા તેના દિમાગમાં ઉદભવ્યો હતો.
તેઓ તરત હવેલીની બહાર નીકળી ઘોડારમાં પહોંચ્યાં. ઘોડારનાં માળિયે, ઘાસનાં ગંજ વચ્ચે, થાંભલા સાથે એક હાડપિંજર બંધાયેલું નજરે ચડતું હતું. એ મૂખિયા હતો. પાછલાં છેલ્લા એક વર્ષથી તે આ હાલતમાં જ થાંભલા સાથે બંધાયેલો પડયો હતો. તેની જીજીવિષા લગભગ ખતમ થઇ ચૂકી હતી. ક્યારેય અહીથી છૂટશે એ ખ્યાલ પણ હવે તેના મનમાં ઉભરતો નહોતો. વિષ્ણુંસિંહ તેની સન્મૂખ આવીને ઉભો રહ્યો છતાં તેણે આંખો ઉંચકીને જોવાની ચેષ્ટા સુધ્ધા કરી નહોતી. તે પોતાની દિકરીઓ સમાન કબિલાની કન્યાઓને બચાવી શકયો નહોતો એના અપરાધ ભાવ હેઠળ કચડાઇને ક્યારનો માનસિક રીતે તો મરી જ ચૂકયો હતો. હવે ખાલી તેનું હાડપિંજર જેવું શરીર બચ્યું હતું જે પ્રાણ છૂટવાની વાટ જોતું થાંભલા સાથે બંધાયેલું હતું. વિષ્ણુંસિંહ કંઇ પણ બોલ્યાં વગર તેના હાથ-પગનાં બંધન ખોલવા લાગ્યાં.
“ચાલ ઉઠ. તારી આઝાદીનો સમય આવી ચૂકયો છે. તું પાછો કબિલામાં જઇ શકીશ.” તેને બંધન મૂક્ત કરતાં બાપુ બોલ્યાં. મૂખિયાની બૂઝાતી જતી આંખોમાં એ શબ્દો સાંભળીને એકાએક ચમકારો ઉઠયો. “પણ મારી એક શરત છે. જે હું કહું, એટલું જ તારે કરવાનું. તો તારી આઝાદી સાથે કબિલાને અને તેની યુવતીઓને પણ હું બક્ષી દઇશ. બોલ છે મંજૂર?”
મૂખિયાને એ શબ્દો ઈન્દ્રનાં વરદાન સમા લાગ્યાં. તે ભલે મરી જાય પરંતુ જો તેના કબિલાની યુવતીઓને અભય વચન મળતું હોય તો એ ગમે તે કરવા તૈયાર હતો. તેણે માથું હલાવીને હામી ભરી.
“તો સાંભળ તારે શું કરવાનું છે એ… અહીથી સીધા જ તારા કબિલામાં જવાનું છે. ત્યાં એ લોકોને તું ક્યાં હતો એ વિશે જે કહાની સંભળાવવી હોય એ સંભળાવજે પરંતુ પછી એ લોકોમાંથી માત્ર થોડા તારા વિશ્વાસું માણસો સાથે પૃથ્વીસિંહ બાપુને ફરીયાદ કરવા આવવાનું છે કે તારા કબિલામાંથી એક યુવતી અચાનક ક્યાંક ગાયબ થઇ ગઇ છે. બસ તું આટલું કરજે. એના બદલામાં આજથી તું મૂક્ત અને હવે પછી કબિલામાં રાજગઢ તરફથી કોઇ રંજાડ નહી આવે.” વિષ્ણુંસિંહે એવી રીતે કહ્યું જાણે તેમણે જે અધમ ક્રૃત્ય કર્યું હતું એમા સમગ્ર રાજગઢની રજામંદી હતી. પણ મૂખિયો એ બધું સમજવાની હાલતમાં ક્યાં હતો! તેને તો બસ, આ દોઝખમાંથી છૂટવું હતું અને પોતાના કબિલાને સુરક્ષિત કરવો હતો. તેણે વગર વિચાર્યે વિષ્ણુંસિંહની તમામ શરતો માન્ય રાખી હતી.
વિષ્ણુંસિંહે દેવાને બોલાવ્યો અને તેને મૂખિયાને કબિલા સુધી પહોંચાડવાનું કામ સોંપ્યું. દેવો મૂખિયાને લઇને ઘોડારમાંથી રવાના થયો એ સમયે વિષ્ણુંસિંહ પોતાની ચાલ કામયાબ થવાથી મલકાઇ ઉઠયા હતા.
(ક્રમશઃ)