Shikar - 10 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 10

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

શિકાર : પ્રકરણ 10

ઓડીની કેબિનમાં એન્જી, વિલી, મેરી અને પોતાના બાળપણના ફોટા જોતી નિધિ અત્યારે જાણે કોઈ સિંગર હતી જ નહીં. અત્યારે કોઈ વેરાન ભૂમિમાં એકલી પડી ગયેલી એ કોઈ બીજી જ દુનિયાની છોકરી હતી. સખત પહાડોની વચ્ચે વહેતી નદીના પોચા પાણી જેવા મીઠા ભૂતકાળને એ યાદ કરતી હતી અને ફરી એકવાર વરસાદ શરૂ થયો. બારીમાંથી વરસાદના ફોરા એના ગાલ ઉપર પથરાયા અને આંસુઓ સાથે ભળી ગાલ ઉપરથી દડીને એન્જીના ફોટા ઉપર બે એક ટીપાં પડ્યા. ફોટામાંનો એન્જીનો ચહેરો એ ટીપાને લીધે ધૂંધળો થઈ ગયો ત્યારે એ ફરી વર્તમાનમાં આવી.

ઝડપથી કાચ ચડાવી લીધા. આલબમ્બ ઉપર એન્જીની છેલ્લી નિશાની ઉપર પડેલા પાણીના ટીપાઓ ખંખેરી પોતાના રૂમાલથી લૂછીને આલબમ્બ બેગમાં સરકાવી દીધો.

"જુહી કેટલે આવ્યા ?"

"મેડમ હજુ અરધો કલાક થશે. હજુ હમણાં જ આણંદ ગયું છે."

કઈ બોલ્યા વગર નિધીએ કાંડા ઘડિયાળમાં જોયું. છ ને ઉપર દસ મિનિટ થઈ હતી. વરસાદને લીધે વાતાવરણ વાદળોથી ઘેરાયું હતું. ઓડીમાં હવે અંધારું થતું હતું. જુહીએ ક્યારનીયે હેડ લાઇટ્સ ઓન કરી દીધી હતી. રોડ ઉપર પાણીમાં હેડ લાઇટ્સના અજવાળાને લીધે સડક ચમકતી હતી. અને લગભગ ટ્રાફિક વગરના રોડ ઉપર કાળા અંધારામાં સફેદ ઓડી કોઈ ઊંચી ઓલાદની ઘોડીની જેમ સરકતી રહી. એ સાથે જ નિધિનું જીવન પણ અંધારા તરફ ઠેલાઈ રહ્યું હતું જેના એને જરાય અણસાર ન હતા.

એ તો બસ ઘરે જઈને ઊંઘની ગોળી લઈને એક લાંબી ઊંઘ લઈને એન્જીની વિલિની અને મેરીની પ્રેમ અને ઉષ્મા ભરી યાદોથી અને દુઃખદ મૃત્યુથી છુટકારો મેળવવા માંગતી હતી....! પણ આકાશમાં થતા ગડગડાટ ભયાનક મેઘ ગર્જના અને છાતી બેસી જાય એવા વીજળીના ચમકારા એ જીવનમાં આવનાર તુફાનના એંધાણ હતા એવું નિધીને સમજાયું નહીં.....!

*

અમદાવાદમાં પણ વાતાવરણ ભયાનક હતું. વાદળો ઘેરાઈને સાંજના સાત વાગ્યે પણ રાતના બાર જેવું અંધારું ઘેરાયું હતું. ધરતીને ફાડી નાખવા મથતો હોય એમ વરસાદ ઝીંકાતો હતો. લંકેશની ગાડીના વાઈપર ખોટા થઈ ગયા હોય એમ કાચ ઉપરથી પાણી બરાબર હઠાવી નહોતા શકતા. મેઘ ગર્જના અને વીજળીના કડાકામાં છળી મરાય એવા વાતાવરણમાં આ બે શિકારીઓની ગાડી ડીવાઇન ડિનર પ્લોટ તરફ ધસી રહી હતી.

"લંકેશ બસ આગળની તરફ લેફ્ટ લેવાનું છે. લેફ્ટ લઈને થોડાક જ કદમ દૂર ડીવાઈન ડિનર પ્લોટ છે."

"ઓકે."

લંકેશે ગાડી ધીમી કરી. અને લેફ્ટ બાજુ ટર્ન લીધો. થોડેક આગળ જઈને ડીવાઈન ડિનર પ્લોટ રેસ્ટોરાંના સાઇનિંગ બોર્ડ આગળ ગાડી ઉભી રાખી. બંને નીચે ઉતર્યા.

વરસાદ એટલો ભારે હતો કે ડીવાઈનના ઝાંપા સુધી જતા તો અનુપનું શર્ટ અને તેના ઉપરની જાડા કાપડની ટી શર્ટ તેમજ લંકેશનું કથ્થઈ ટી શર્ટ એમના શરીર ઉપર ચોંટી ગયા.

"આપણે એને ગાર્ડનમાં ખૂણાના ટેબલ પર બેસવા કહ્યું હતું પણ અહીં તો બેસાય એમ નથી. હવે એની રાહ ક્યાં જોઈશું?" વાળમાંથી પાણી ખંખેરતા લંકેશ બોલ્યો.

"એ ભલે આપણને ગાર્ડનમાં નહિ દેખે પણ બહાર આ આપણી ગાડીને ઓળખી લેશે."

"પણ એ ઊંઘી ખોપરીનો છે અનુપ, ગાર્ડનમાં આપણને નહિ દેખે તો એક ફોન પણ કરવા ઉભો નહિ રહે. ગાડી જોશે તો પણ એ આપણને હેરાન કર્યા વગર રહેવાનો નથી જ."

"નહિ, મેં એને કહ્યું છે કે વાત ગંભીર છે મજાક નહિ કરતો."

"તો ઠીક છે."

બંને રેસ્ટોરના કાઉન્ટર તરફ ગયા.

*

બરાબર લંકેશે જ્યારે લેફ્ટ ટર્ન લીધો ત્યારે એક ઓટો રીક્ષા ત્યાં આવીને ઉભી રહી હતી. સમીર ખાન ઓટોમાંથી ઉતર્યો હતો. ઓટો વાળાને ભાડું આપીને એ દબાતા પગલે અનુપની ગાડી તરફ ધસ્યો હતો.

બિલ્ડીંગોના અંધારામાં મોઢે રૂમાલ બાંધીને સમીર જ્યાં અનુપની ગાડી પડી હતી એની સામેની બે બિલ્ડીંગો વચ્ચેની ગળીમાં જઈને ઉભો રહ્યો હતો. તે પૂરો ભીંજાઈ ગયો હતો.

અનુપે અને લંકેશે કશીક વાત કરી પણ શું વાત કરી એ એને સંભળાઈ ન હતી. એ મનોમન બબડયો હતો કમબખ્ત લિપ રીડિંગ આવડતું હોત તો આ ઉપાધિ ન થઈ હોત. પણ ગાડીના બોનટ ઉપર ઝીંકાતા વરસાદના ટપ ટપ અવાજ, બાજુમાં જ રોડ ઉપર ચાલતા વાહનોના હોર્નને લીધે એને વાત સંભળાઈ ન હતી. આમેય પોતે જ્યાં સંતાયો હતો ત્યાંથી અનુપ અને લંકેશ જ્યાં ઉભા હતા એ વચ્ચે ખાસ્સો પંદર ફૂટનો રોડ અને બંને બાજુ અઢી ફૂટની ફૂટપાથ હતી. તેમ જ અનુપની ગાડી રેસ્ટોરાંના ખાંચામાં હતી. એ ખાંચો ફૂટપાથ અને રેસ્ટોરાં વચ્ચે કસ્ટમરના વિહિકલ મુકવા ઉપયોગમાં લેવાતો હતો. થોડોક સમય વિતાવવા કે ચા કોફી લેવા આવતા કસ્ટમર ગાડી કે બાઈક વગેરે વાહનો રેસ્ટોરાંમાં છેક અંદર ન લઈ જતા. પણ રેસ્ટોરાંના ગાર્ડન અને ફૂટપાથ વચ્ચેની 6 - 7 ફૂટ જગ્યામાં મુકતા.

એટલે વરસાદ ન હોત તોય આટલે દૂરથી સમીરને વાત ચીત સંભળાવાની ન હતી.

પણ સમીરને એક વાતની ખાતરી હતી કે આખો દિવસ આ બેમાંથી કોઈએ એનો પીછો કર્યો ન હતો એટલે એ કોઈ બીજી વેંતરણમાં પડ્યા હશે. અને જ્યારે સમીરના ફ્લેટની સામે જ એ લોકો આવ્યા ત્યારે તો સમીરને ખાતરી થઈ ગઈ હતી કે જરૂર આ લોકો કોઈ બીજી વેંતરણમાં પડ્યા છે.

સમીરે બકુલ શાહને એક ફ્લેટ જોઈએ છે એમ કહીને પૂછપરછ કરી હતી ત્યારે બકુલ શેઠે કહ્યું હતું કે સસ્તા ભાડામાં તો એક જ ફ્લેટ હતો જે આજે જ અપાઈ ગયો છે. કોઈ સરફરાઝ નામના સ્ટુડિન્ટને આપ્યો છે. તમે વહેલા આવ્યા હોત તો કામ બની જાઓત. સમીરે ઠાવકાઈથી અફસોસ વ્યક્ત કરીને કહ્યું હતું કે તમારા ધ્યાનમાં કોઈ બીજો ફ્લેટ આ એરિયામાં હોય તો મને જાણ કરજો. આ નંબર છે કહીને પોતાનું કાર્ડ આપ્યું હતું. અને એમ પણ ઉમેર્યું હતું કે જો તમારો બીજો કોઇ ફ્લેટ વેચાય અને નવો મલિક તમને એ ફ્લેટ ભાડે આપવાની ભલામણ કરે તો મને અચૂક જાણ કરજો શેઠ.

પણ હજુય સમીરને એ સમજાતું ન હતું કે અનુપ અને લંકેશ અહીં કેમ આવ્યા હશે? એ વિચારતો હતો. વરસાદમાં પલળતો ધ્રૂજતો ઉભો રહ્યો. એના કપડાંમાંથી પાણી નીતરતું હતું. પંદરેક મિનિટ વીતી ગઈ, કેટલાય માણસો અંદર ગયા અને બહાર આવ્યા છતાંય પેલા બે બહાર આવ્યા નહી એટલે એ કંટાળ્યો પણ તરત જ એની આતુરતાનો અંત આવ્યો.

પાંચેક મિનિટ પહેલા જ એક પાતળા અને સ્માર્ટ દેખાતા છોકરાને એણે રેસ્ટોરાંમાં જતા જોયો હતો એના હાથમાં બેગ હતી. એ છોકરો અનુપ અને લંકેશ સાથે બહાર આવ્યો.

એ લોકો ગાડીમાં ગોઠવાયા. સમીર ધીમે રહીને બિલ્ડીંગના ખાંચામાં ઘેરા અંધારામાં દીવાલને અઢેલીને સંતાઈ ગયો. ગાડી ઉપડી ટર્ન લીધો રિવર્સ થઈ અને પછી બહારના રોડ તરફ ગઈ એ સમીરને દેખાયું નહિ. પણ ગાડી ગઈ છે એવું અવાજ પરથી એને ખ્યાલ આવ્યો. એટલે તરત એ બહાર આવ્યો.

ઘડીભર એ વિચારતો રહ્યો. એને સમજાયું નહીં કે એ લોકો અહીં કેમ આવ્યા હશે?

સમીર મુખ્ય રસ્તા પર પહોંચ્યો. ઓટો કરવાને બદલે એ ચાલતો રહ્યો. વરસાદના છાંટા એના ચહેરા ઉપર વાગતાં હતાં આંખો મીંચતી હતી. દાઢીમાં પાણી એકઠું થઈને શર્ટ ઉપર રેલાવા લાગ્યું.

એ લોકો અહીં કેમ આવ્યા? આ છોકરો અહીં એમને મળવા કેમ આવ્યો? એમની સાથે કેમ ગયો? વીજળીના ઝબકારા અને રોડ ઉપર વહેતા પાણીના અવાજમાં એ ઉતાવળી ચાલે ચાલતો રહ્યો ત્યાં એકાએક એના મગજમાં ઝબકારો થયો. એ છોકરાના હાથમાં મોટી બેગ હતી અને એક હોલ્ડહોલ ખભે ભરાવેલો હતો.

અને સમીરના ગુલાબી હોઠ જે હમણાં સુધી વરસાદમાં ભીંજાઈને ધ્રુજતા હતા એ મલકયા. એ મનોમન બબડયો, ‘ઓહ તો આ છે સરફરાઝ.....’

*

ફ્લેટનો દરવાજો ખોલીને અનુપ, લંકેશ અને સરફરાઝ ત્રણેય અંદર પ્રવેશ્યા. ત્રણેય ઠીક ઠીક પલળ્યા હતા. અંદર પ્રવેશતા તરત જ સરફરાજે એની બેગમાંથી ટુવાલ કાઢ્યો. પલળેલું માથું કોરું કર્યું. અને ટુવાલ લંકેશને આપ્યો.

ત્રણેયે વાળ લૂછ્યા. સરફરાઝે કપડા બદલ્યા. અનુપ અને લંકેશ ભીના જ સોફામાં ગોઠવાયા. અનુપ ઘડીભર સરફરાઝને જોઈ રહ્યો. પાતળો દેહ, ક્લીન ઉજળો ચહેરો, ફ્રેન્ચ દાઢી મૂછ, એ બધામાં પ્રોફેશનલ કપડાં, શર્ટ ઇન કરેલું.... સરફરાઝ હતો છવ્વીસનો પણ લાગતો બાવીસનો. એના દેખાવ પરથી એ વિદ્યાર્થી જ લાગતો. અલબત્ત એ બીટેક કરેલો વિદ્યાર્થી જ હતો. પણ એના કામ એની સકલને મેચ થાય એવા ન હતા.

"ક્યાં દેખ રહે હો અનુપ મિયા?" ફર્શ ઉપર છાપાના બે ટુકડા પાથરતા સરફરાઝ હસીને બોલ્યો.

"યે માસૂમિયત તો કિશીકો ભી શિકાર બના દે યાર." અનુપે તેના ચહેરા અને મલકતાં હોઠ જોઇને જવાબ આપ્યો.

"શુભાન અલ્લાહ!" ટૂંકો પણ પોરસ કરતો જવાબ આપીને એણે નમાજ માટેની તૈયારી કરી. પછી બેગમાંથી એક ચાદર કાઢી ફર્શ ઉપર પાથરી. પશ્ચિમ દિશામાં મોઢું રાખી અને ઈશા કરી.

અલ્લાહને યાદ કરી લીધા પછી હમણાં જ રસ્તામાંથી લીધેલા ઢોસા છાપા પર પાથર્યા. ત્રણ ડિસમાં ડુંગળી ટમેટરનું કચુંબર લીધું.

"બાકીની વાતો જમતા જમતા... ચલો."

અનુપ અને લંકેશ એની સાથે જોડાયા. ત્રણેય જમવા સાથે વિગતથી વાત કરવા લાગ્યા.

"અનુપ હવે મને એ સમીરનો ફોટો બતાવ."

ડાબા હાથથી ફોન નીકાળી અનુપે ગેલેરી ખોલી. સમીરનો ફોટો કાઢીને જુમ કર્યો અને સરફરાઝ સામે મોબાઈલ ધર્યો.

"આ છે સમીર ખાન."

"હમ્મ. અને એની બગલબચ્ચી?"

"કઈ સોનિયા કે નિમિ?"

"બંને જોવી તો પડશે જ ને?" કચુંબર ચાવતા સરફરાઝે લંકેશ સામે આંખ મારી.

"આપણા ધંધામાં એ નહિ સરફરાઝ, લોન્ડિયા બાજીમાં તો ભલભલા મરી ગયા છે એ ભૂલતો નહિ."

"અહીં આપણી ત્રણ વચ્ચે મજાક પણ ન થાય શુ?" સરફરાઝ ચિડાઈને બોલ્યો.

"ઓકે મિયા ઠીક છે. આ રહી નિમિ." અનુપે એને નિમિનો ફોટો બતાવ્યો. એણે ધારી ધારીને નિમિને જોઈ લીધી.

"ખાલી ચહેરો જ જોવાનો છે ફિગરનો અંદાજ મનમાં લગાવવાનો નથી." ખાસ્સી સેકન્ડો સુધી ફોટાને એ તાકી રહ્યો એટલે અનુપે ટોન્ટ માર્યો.

"ફિગર! વેલ એ તો હું રૂબરૂ મળીશ ત્યારે ગણતરી કરી લઈશ. હવે મને પેલી સોનિયા બિચારીનો ફોટો બતાવ."

"એનો ફોટો તો નથી." અનુપે કહ્યું.

"કેમ તે કહ્યું હતું ને કે એણીએ તને વોટ્સએપ કર્યું હતું? તો વોટસેપમાં જરૂર એનો ફોટો હોવો જોઈએ. છોકરી ભલે સંસ્કારી હોય તો ફેસબુકમાં ફોટા ન મૂકે પણ વોટ્સએપ તો સેફ છે યાર. ચેક ઇટ." સરફરાઝ મક્કમતાથી બોલ્યો.

અને પહેલી જ વાર જાણે પોતે ભૂલ કરી હોય પોતાના ધ્યાન બહાર કઈક રહી ગયું હોય જે બીજા કોઈએ નોટ કર્યું હોય એમ ભોઠપ અનુભવીને એણે વોટ્સએપ ખોલ્યું.

"કેમ ડુંગળીમાં મરચું આવી ગયું કે શું?" સરફરાઝે તેને ટોણો માર્યો એટલે તરત જ ચહેરાના હાવભાવ સ્વસ્થ કરીને સોનિયાના પ્રોફાઈલ પિક્ચરને ઓપન કર્યું. અને સરફરાઝને જવાબ આપવાને બદલે મોબાઈલ ધર્યો.

સરફરાઝે સોનિયાનો ફોટો બરાબર જોઈ લીધો. "નિમિ જેવી નથી લાગતી યાર, સમીરનો વાંક નથી એની જગ્યાએ હું હોવ તો હું ય આ સોનિયાને બદલે નિમિને જ....."

સામેવાળા કોઈને એની એ વાતમાં રસ નથી એ જોઈને એણે વાક્ય અધ્યાહાર જ મૂક્યું. પછી સોનિયાના સ્ટેટસ ઉપર નજર કરી લીધી. એણીએ 12 કલાક પહેલાં સ્ટેટ્સ અપડેટ કર્યું હતું.

"લવ ઇઝ પેઇનફુલ..."

સ્ટેટ્સ વાંચીને સરફરાઝ હસ્યો.

"મજા આવશે આ બલામાં તો......" ઢોસાનું છેલ્લું બટકું ચાવી એ ઉભો થયો. બોટલ કાઢી પાણી પીધું. વોસબેસીનમાં જઈને હાથ ધોયા. એની પાછળ અનુપ અને લંકેશે પણ ઓડકાર ખાઈ હાથ ધોયા. પાણી પીધું.

"ઠીક છે હવે આપણે રૂબરૂ મળવાના નથી. કોઈ જરૂરી વાત હોય તો ફોન પર ડિટેઇલ્સ આપતો રહેજે." અનુપે કહ્યું.

"ડોન્ટ વરી બધું થઈ જશે. ખુદા હાફિઝ."

અનુપ અને લંકેશ ગયા એટલે દરવાજો બંધ કરીને સરફરાઝ સોફામાં પડ્યો. એની માસૂમ સકલ ઉપર ગુસ્સો તરી આવ્યો. એક કિસ્સો એના ભૂતકાળનો ભયાનક ગમખ્વાર કિસ્સો એને રોજ રાત્રે પજવતો રહેતો.

ગુજરાતમાં એ સમયે હિન્દૂ મુસ્લિમ દંગા થયા હતા. સરફરાઝ ત્યારે આઠમીમાં હતો. એના પિતા ઇસ્માઇલ પઠાણ એક સજ્જન હતા. સરકારી સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. સુરતમાં એ રહેતા હતા. સરફરાઝની મોટી બહેન કૌશલ ત્યારે અગિયાર કોમર્સમાં હતી.

આ ભણેલો ગણેલો પરિવાર હિન્દૂ મુસ્લિમ નામની રેખાઓથી પર હતો. માત્ર માનવતામાં માનતા આ પરિવારને પડોશમાં પણ સારું બનતું.

પણ દંગામાં એક ટોળું ઘરમાં ધસી આવ્યું હતું. ઇસ્માઇલ માસ્તરે બેટા અને બીબીને ઘરમાં પુરી તાળું મારી દીધું પોતે આગળના દરવાજા બંધ કરીને પોલીસને ફોન જોડ્યો હતો. પણ બદકિસ્મતીથી કૌશલ ઘરની બહાર રહી ગઈ હતી. ટોળાએ કૌશલને ઝડપી હતી. માસ્તરને દરવાજો ખોલ નહિતર બેટીના ટુકડા જોઇશ કહીને દરવાજો ખોલવા મજબુર કર્યા હતા. એ કોઈ પણ ધર્મના લોકો ન હતા. એ રાની પશુ હતા જે હુલ્લડની આડમાં પોતાની શેતાની ઇચ્છાઓ પૂરી કરવા આવ્યા હતા.

માસ્તરે આખરે દરવાજો ખોલ્યો હતો. ઇસ્માઇલને તલવારના ઝાટકે કાપી નાખ્યા હતા. અને કોઈ ધર્મ વગરનું માનવતા વગરનું ટોળું કૌશલને ઉઠાવી ગયું હતું. દરવાજાની તડમાંથી આ દ્રશ્ય આ ભયાનક દ્રશ્ય સરફરાઝે જોયું હતું. આગંતુક કોઈ ધર્મના ન હતા. એ બધા રાની પશુ હતા. શેતાની ક્રુરતા એકાએક ચહેરા ઉપર હતી. જય શ્રી રામના નામની પોકાર સાથે તલવારના ઝટકા માર્યા એ જોઇને એની મા તો મૂર્છા ખાઇને બેશુદ્ધ બની ગઈ હતી.

પોલીસ આવી ત્યારે સરફરાઝ અંદરથી દરવાજો ખખડાવતો હતો. પોલીસે દરવાજો ખોલ્યો અને એની માને હોસ્પિટલ ખસેડી હતી પણ હૃદયના દોરામાં તસલીમાં અલ્લાહને પ્યારી થઈ ગઈ હતી.

થોડા દિવસો પછી વાતાવરણ શાંત થયું. કરફ્યુ લાગ્યા ત્યારે કૌશલની બોડી મળી હતી. સામુહિક બળાત્કારથી એની નશો ફાટી ગઈ હતી. તેના ઘરે ઘુસી આવેલું ટોળું કોઈ ધર્મનું ન હતું. તેમાં ટેણો ઉર્ફ ચંદન અને ડબલ એક્કો ઉર્ફ અક્ષય આ બે વરાછાના લુખ્ખા આગેવાન હતા. શ્રી રામ અને ધર્મની આડશમાં બંનેએ કૌશલને ઉઠાવવા માટે એ અધર્મ આચર્યું હતું. કૌશલને એ બંને ઘણીવાર રસ્તામાં છેડતી કરતા તે સરફરાઝ જાણતો હતો. ટોળામાં એ બંનેએ જ તલવારની પહેલ કરી હતી.

ઘણા મુસલમાનોએ પણ બીજા એરિયામાં ધર્મના નામે આ જ શેતાની ક્રુરતા બતાવી હતી પણ તેમાં આ પરિવાર સાવ નિર્દોષ હતો. માત્ર કૌશલનો બળાત્કાર કરવા જ એ બંને લુખ્ખાઓએ આ બધું કર્યું હતું. એ બંને ઉપર એક ગરીબ સુથારની છોકરીનો રેપ કરવાનો કેસ પણ 1998માં થયો જ હતો.

આ દ્રશ્યો એના મગજમાંથી ક્યારેય હઠતા ન હતા. પિતાના પૈસાથી એ જીવી શકે એમ હતો. એણે ભણવાનું ચાલુ રાખ્યું. શહેર છોડી દીધું. બીટેક કર્યું. પણ કોલેજમાં એ એના હૃદયની આગ બુજવવા ખોટા રસ્તે વળ્યો હતો. એણે ચંદન અને અક્ષય બંનેથી બદલો લેવા પ્રયત્ન કર્યો હતો પણ એમ.એલ.એ. બદલાતા એ બંનેને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.

પછી સરફરાઝ એના સ્માર્ટ લુકથી છોકરીઓને પ્રેમમાં ફસાવતો. અંગત પળોના ફોટા વિડીયો લેતો અને પછી બ્લેકમેઇલ કરતો. આ એનો મનપસંદ ધંધો હતો. એમાં એને મરેલી બહેનની આત્માને શાંતિ મળે છે એવું લાગતું. તર્પણ થતું.

પણ એ નફરત ધીમે ધીમે વધ્યા જ કરી. કેટલીયે હિન્દૂ છોકરીઓને એણે આમ બ્લેકમેઈલ કરી હતી. પણ હજુ સુધી કોઈના એણે જીવ લીધા ન હતા. કોઈના જીવ લેવા એ એના બસની વાત ન હતી.

રોજની જેમ એ ભયાનક દ્રશ્ય એ તલવારથી કપાયેલો બાપનો ચહેરો અને લોહીથી લથપથ પ્યારી બહેનની લાશ એને દેખાઈ અને સોનિયા તેમજ નિમિ માટે એના દાંત ભીંસાયા....! તેની આંખોમાં પાણી ઉપસી આવ્યું પણ તેણે તરત જ આંખો લુછી લીધી. હવે તેના માટે સ્વસ્થ થઇ જવું અઘરું ન હતું. શરુઆતમાં દિવસો મહિનાઓ સુધી તે રડ્યો હતો – તેનાથી બાપની ટુકડા કરેલી લાશ અને કૌશલની આંખમાં મૃત્યુ સમયે થીજી ગયેલા આંસુ સહન ન થતા – તે પાગલની જેમ માથા પછાડતો પણ આખરે તે ગુનાહો તરફ વળ્યો હતો. સાયન્સના નિયમ મુજબ માણસ ખુબ દુખી થાય ત્યારે તે આપઘાત તરફ વળે છે પણ જો આપઘાતના આવેગથી બચી જાય તો તે કદાચ ગુનાહો તરફ વળે છે. સરફરાઝ પરિપક્વ ન હતો પરિણામે તે આપઘાતથી બચી ગયો પણ તેના મગજનું નિયંત્રણ અસ્વસ્થ થયું અને તેણે માનસિક શાંતિ માટે ખોટો રસ્તો અપનાવી લીધો હતો. અંતરની આગ ઠરવાનો તેણે ખોટો રસ્તો અપનાવી લીધો!

હમણાં જ હસતો મજાક મશ્કરી કરતો સરફરાઝ એક મીનીટમાં એ ભૂતકાળ યાદ કરીને બદલાઈ ગયો. એના ચહેરાની માસૂમિયત ક્યાય ઉડી ગઈ. એની આંખોમાં તેના ચહેરા ઉપર નફરતના અંગાર ધખવા લાગ્યા.

*

હોટેલમાં જમીને લંકેશ અને અનુપ પોતાની રૂમ પર પહોંચ્યા. કપડા બદલીને બંનેએ સિગારેટ સળગાવી એ સાથે જ અનુપનો મોબાઈલ રણક્યો.

"જી બાપુ." કાને ફોન ધરી લંકેશને સમજાય કે ફોન બાપુનો છે એ માટે એણે જી બાપુ કહ્યું એટલે લંકેશ પણ વાત કરતો બંધ થઈ ગયો.

"ઓલ્ડ કોનસાઈનમેન્ટ ઇઝ ઓવર. જૂનું કામ થઈ ગયું છે હવે એના લાગતા વળગતાનું કામ કરવામાં વાંધો નથી."

"ઠીક છે બાપુ હું કાલે જ રવાના થાઉં છું." કઈક ઉત્સાહમાં અનુપે કહ્યું.

"નહિ તારે તારું કામ અહી કરવાનું છે. ત્યાનું કામ થોડા દિવસ પછી થશે તો કોઈ ઉતાવળ નથી. તારું કામ અહીંથી આટોપાઈ જાય એટલે પછી ત્યાં જજે."

"ઠીક છે બાપુ હું અહી કામ કરૂં છું. બસ હવે કામ પૂરું થઈ જવાનું છે. થોડા જ દિવસોમાં પછી હું ત્યાં જઈશ."

"વિજયી ભવ."

સામેથી ફોન ડિસ્કનેકટ થઇ ગયો. કટ થયેલા ફોન સામે સેકંડો સુધી અનુપ તાકતો રહ્યો.

"શુ થયું અનુપ? શુ કહ્યું બાપુએ?" તેનો ચહેરો જરાક ઉતરી ગયો એટલે લંકેશે પૂછ્યું.

"કઈ નહિ, બાપુ ના પાડે છે. અત્યારે આ કામ કરીને જ પછી બીજું કામ કરવાનું કહે છે." ઉદાસ શ્વરે અનુપે કહ્યું.

"તો આપણી એ બધી મહેનતનું શુ?"

"તું ચિંતા કેમ કરે છે? બાપુએ મને અહીં આ કામ પૂરું કરવા કહ્યું છે ને?"

"એટલે?"

છતાંય લંકેશ સમજ્યો નહિ એટલે દાઢમાંમાં હસીને અનુપે એને કહ્યું, "મતલબ કે તું એ કામ કરી શકે છે."

એ સાથે જ લંકેશના ચહેરા ઉપર એક શેતાની હાસ્ય છવાયું. તેને જયારે પણ આવા મોકા મળતા ત્યારે તેના કઠોર ચહેરા ઉપર શેતાની રેખાઓ છવાઈ જતી.

"પણ તું અહીં એકલો બધું કરી લઈશ?"

"એકલો તો તું પણ ત્યાં હોઈશ ને? અહીં સરફરાઝ છે, ડોન્ટ વરી. અને હા, તું એની સામે ખુલ્લો ન પડતો. બીજા માણસ જોડે કામ કરાવજે."

"પણ બીજા માણસોને કઈ રીતે બોલાવું? એ બધા બાપુને પૂછશે તો?"

"ઓહ, લંકેશ કેટલીવાર કહ્યું તને મેં?" ગુસ્સે થઈને અનુપ સોફામાં બેઠો, "બાપુને આપણા જેવા ખાસ માણસો જ ઓળખે છે. જે નવા છે એમને બાપુ કોણ છે કેવા છે એ ક્યાં ખબર છે?"

"ઓકે તો તું માણસોની વ્યવસ્થા કરી લેજે." કહીને લંકેશ બેડમાં પડ્યો, "જ્યારે જવાનું હોય ત્યારે મને કહેજે પણ અત્યારે તો સુઈ જવું છે."

લંકેશ બેડમાં સુઈ ગયો. પણ અનુપ સોફામાં બેઠો બેઠો બારી બહાર જોઇને નવા શિકાર વિષે વિચારવા લાગ્યો. અનુપ લંકેશ જેમ વિચાર્યા વગર કોઈ કામ ભાગ્યે જ કરતો. પણ નવા શિકાર સાથે જૂની તરકીબોથી કામ લઇ શકાય તેમ ન હતું.

બારીમાંથી હજુય ઠંડો પવન આવતો હતો. વરસાદ બંધ થઈ ગયો હતો. મેઘ ગર્જના અને વીજળીના કડાકા બંધ થઈને વાતાવરણ શાંત થઈ ગયું હતું. આકાશમાં તારાઓ દેખાવા લાગ્યા હતા. વાદળો હટી ગયા હતા. પણ એ શાંતિ તુફાન પહેલાની શાંતિ હતી.....!

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky