અર્ધ અસત્ય.
પ્રકરણ-૫૭
પ્રવીણ પીઠડીયા
“એ હું હતી અભય. બાપુની હવેલીના ઝરુખે હું ઉભી હતી અને મેં વિષ્ણુંભાઈને ઘોડારમાં કોઇકને ઉંચકીને જતાં જોયો. મને તાજ્જૂબી થઇ કે એ કોને લઇ આવ્યો છે અને ઘોડારમાં તેને શું કામ હશે? મારી જીજ્ઞાસા ઉછાળાં મારવા લાગી હતી એટલે હું તરત તેની પાછળ ગઇ. ઘોડાર તરફ મોટેભાગે કોઇ આવતું નહી એટલે એ જગ્યાં સાવ સૂમસાન જ પડી રહેતી. ભાઈ અંદર ગયો હતો અને તેણે ઘોડારનું તોતિંગ બારણું બંધ કર્યું હતું. હું ઘોડારની જમણી બાજું એક બારી હતી ત્યાં જઇને ઉભી રહી અને ધીમેથી બારી ખોલીને તેની તડમાંથી અંદર ઝાંકયું. એ સાથે જ હું થડકી ઉઠી. વિષ્ણું કોઇ ઘાયલ માણસને ઉઠાવી લાવ્યો હતો અને તેણે તેને ઘોડારના માળિયામાં ચડાવ્યો હતો. તેં ક્યારેય ઘોડા રાખવાનાં તબેલામાં ઘાસ ભરવાનો મેડો જોયો હોય તો તને સમજાશે કે એ માળિયું મોટેભાગે આગળથી ખુલ્લું જ રખાતું હોય છે. અમારા ઘોડારમાં પણ એમ જ હતું એટલે વિષ્ણું એ માણસ સાથે શું કરતો હતો એ મને સ્પષ્ટ દેખાતું હતું. તેણે તેને એક થાંભલા સાથે બાંધ્યો હતો અને પછી માળિયા ઉપરથી હેઠો ઉતરી આવ્યો હતો. મારું દિલ ધડકતું હતું. સમજ નહોતી પડતી કે અહીં શું થઇ રહ્યું છે? એ અસમંજસમાં જ હું ભાઈ નીકળે એ પહેલા પાછી હવેલીએ દોડી ગઇ હતી.” વૈદેહીસિંહે પોતાની વાત આગળ ધપાવી હતી. “પણ મને અપાર કૂતૂહલ જાગ્યું હતું. મારે જાણવું હતું કે ભાઈ એ ઘાયલ આદમીને દવાખાનાં ભેગો કરવાને બદલે ઘોડારમાં શું કામ લઇ ગયો? અને તેને થાંભલાં સાથે શું કામ બાંધ્યો? એ જાણવાની અપાર જીજ્ઞાસામાં જ હું ભાઈ ઉપર ધ્યાન રાખવા લાગી. એ ક્યાં જાય છે, શું કરે છે, એ બધું મનોમન મેં નોંધવાનું શરૂ કર્યું હતું. અને… એક દિવસ મારી ઉપર વ્રજ્રાઘાત થયો. ભાઈ વળી કોઇકને ઉંચકી લાવ્યો હતો. અને આ વખતે એ કોઇ અબૂધ યુવતી હતી.” થથરતાં અવાજે તેઓ બોલ્યાં.
@@@
પંદર-વીસ દિવસ શાંતીથી વિત્યાં બાદ વિષ્ણુંસિંહને ફરી પાછી તલબ ઉદભવી હતી. હવે તેની પાસે કબિલાનો મૂખિયો હતો. અને મૂખિયાનાં નામનો તેણે બરાબર ઉપયોગ કર્યો હતો. મૂખિયો ગૂમ થઇ જતાં કબિલાના લોકો તેને બધે શોધી વળે છે. એવામાં વિષ્ણુંસિંહ મૂખિયાનું નામ દઇને જંગલમાંથી ફરી પાછો એક યુવતીને ઉઠાવી લાવે છે. આ વખતે એ યુવતીને લઇને તે સીધો જ ઘોડારમાં આવે છે.
બે યુવતીઓ અને હવે મૂખિયો ખુદ ગાયબ થઇ જવાથી કબિલામાં ફફડાટ ફેલાયેલો હતો. બધાને એમ જ લાગતું હતું કે દેવતાઓનો પ્રકોપ અચાનક કબિલા ઉપર ત્રાટકયો છે અને દેવતાઓ બધાને એક પછી એક ઉઠાવી જાય છે. કબિલાના લોકો ભયંકર રીતે ડરી ગયાં હતા. એવામાં ફરી પાછી એક યુવતી ગાયબ થઇ જાય છે એટલે તેમનો શક પાક્કો થઇ જાય છે અને તેઓ દેવતાઓને રીઝવવા તાંત્રિક પૂજા વિધિ શરૂ કરે છે. એક રીતે કહી શકો કે કબિલામાંથી ગાયબ થતી વ્યક્તિઓની સચ્ચાઇ જાણવાને બદલે તેઓએ પરિસ્થિતિનો સ્વીકાર કરી લીધો હતો અને તેમાં વિષ્ણુંસિંહને તો જાણે મોકળું મેદાન મળી ગયું હતું.
વૈદેહીસિંહની નજરો સતત વિષ્ણુંસિંહ ઉપર જ ફરતી રહેતી હતી. એવામાં એક દિવસ તેણે વિષ્ણુંસિંહને એક યુવતીને લઇને ઘોડારમાં જતો જોયો. તેઓ ધડકતાં દિલે તેની પાછળ ગયાં હતા અને બારીમાંથી ઘોડારની અંદર ઝાકયું હતું. અને… અંદર ભજવાતા દ્રશ્યને જોઇને તેમની રુહ સુધ્ધાં કાંપી ઉઠી હતી. દુનીયાભરનો ખૌફ તેમની આંખોમાં ઉમટી પડયો હતો. એવું લાગ્યું કે જાણે કોઇ તેના હદયને બે હાથો વડે પકડીને નીચોવી રહ્યું છે. મૂખિયાની નજરોની સામે જ વિષ્ણુંસિંહ અટ્ટહાસ્ય વેરતો પેલી યુવતી સાથે પાપકર્મ આચરી રહ્યો હતો. વૈદેહીસિંહ આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા. પોતાના સગા મોટાભાઈનું આટલું ભયાનક રૂપ જોઇને તેઓ સહમી ગયા હતા. તેમના પગ જાણે જમીન ઉપર જ ખોડાઇ ગયાં હોય એમ તેઓ બારી પરથી હટવાનું પણ ભૂલી ગયાં હતા અને ફાટી આંખોએ અંદરનું દ્રશ્ય જોઇ રહ્યાં હતા. બરાબર એ સમયે જ વિષ્ણુંસિંહની નજર બારી તરફ ખેંચાઇ હતી અને તેમણે વૈદેહીને જોઇ લીધી હતી. એ ક્ષણ ખતરનાક હતી. વિષ્ણુંસિંહની આંખોમાં પોતાની બહેનને જોઇને અંગારા વરસવા લાગ્યાં હતા. તેમણે દાંત ભિંસીને યુવતીનું ગળું દબાવવું શરૂ કર્યું હતું અને જોતજોતામાં એ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. અને પછી તેઓ વૈદેહીસિંહ પાછળ લપકયાં હતા. વૈદેહીસિંહે એ ખૌફનાક દ્રશ્ય પોતાની સગ્ગી આંખો સમક્ષ ભજવાતું જોયું હતું અને તેમના જીગરમાં ભાઈ પ્રત્યે નફરતનો મહા-સાગર ઉમડયો હતો. સખત ધ્રૂણા અને ક્રોધથી તેમનું હદય કાંપતું હતું. જેવો વિષ્ણુંસિંહ તેમની સામે આવ્યો કે વૈદેહી તેના ઉપર રીતસરની તૂટી પડી હતી. તેણે તેના ચહેરા ઉપર ભયંકર ગુસ્સામાં બાખોચીયા ભર્યા હતા, છાતી ઉપર મુક્કાઓ માર્યા હતા. “તું ભાઈ નથી, રાક્ષસ છે રાક્ષસ. તને મારો ભાઈ કહેતાં પણ મને શરમ આવે છે.” બેતહાશા ડર, ક્રોધ, ધ્રૂણાથી તેઓ થરથર ધ્રૂજતા હતા. વિષ્ણુંસિંહે તેનો હાથ પકડયો અને ખેંચીને એક થપ્પડ તેના ચહેરા ઉપર ચોડી દીધી.
“ખબરદાર જો આ વાત કોઇને કહી છે તો. તારા ટૂકડે-ટૂકડા કરીને હું જંગલમાં ફેંકાવી દઇશ.” તે બોલ્યો અને પછી તેને ઘસડતો હોય એમ ખેંચીને ઘોડારમાંથી હવેલીમાં તેના કમરા સુધી લઇ આવ્યો. “તું જાણે છે કે જે હું બોલું છું એ કરીને પણ બતાવું છું. એટલે સાવ ચૂપચાપ પડી રહેજે. મારાં મામલામાં ટાંગ અડાવાની કોશિશ પણ કરી છે તો આ દુનીયામાંથી તને હું ગાયબ કરી નાંખીશ.” એ અવાજમાં હાડ પીઘળી જાય એવી ઠંડક ભળેલી હતી.
“હું કહીશ, જોર-જોરથી ચિલ્લાઈને બધાને તારાં કરતૂતો વિશે જણાવી દઇશ અને તને એની સજા અપાવીશ.” કોઇ ઘાયલ વાઘણની જેમ વૈદેહીસિંહ બોલ્યાં હતા.
“હાહાહા…” વિષ્ણુંસિંહે ફરીવખત અટ્ટહાસ્ય વેર્યું. “એવો મોકો તને હું આપીશ ત્યારે ને. આજથી મારો એક આદમી દેવો સતત તારી સાથે જ રહેશે. સહેજે અવાજ કર્યો કે બાપુને જણાવાની કોશિશ કરી છે તો એ સમયે જ તારાં શ્વાસોશ્વાસ થંભી જશે. જેમ બીજાઓને મેં માર્યાં છે એમ તને મારતા સહેજપણ મને અફસોસ નહી થાય.” તે બોલ્યો હતો અને કમરાનું બારણું પછાડીને બહાર નીકળી ગયો હતો.
એ દિવસ અને એ ક્ષણથી વૈદેહીસિંહ સતત દેવાનાં જાપ્તાં હેઠળ જીવતાં આવ્યાં હતા. બધાને એમ જ લાગતું હતું કે દેવો તેમનો અંગત માણસ છે, પરંતુ હકીકત તો એ હતી કે તેઓ દેવાની કરડાકીભરી નજરો હેઠળ બંદીવાન હતા.
@@@
એ સમય દરમ્યાન રાજગઢમાં એક ગંભીર ઘટના ઘટી હતી. ખબર નહી કેમ પરંતુ વચલાં બે ભાઇઓ, એટલે કે મયુરસિંહ અને દિલિપસિંહની પત્નીઓ એક પછી એક, એમ વારા-ફરતી કોઇક ગંભીર બિમારીમાં સપડાઈને મોતને ભેટી હતી. એ સાવ અચાનક જ થયું હતું. કોઇ કંઇ સમજે, તેમની દવા-દારૂ થાય એ પહેલા તેમનાં મૃત્યું થઇ ગયા હતા. રાજગઢ માટે એ સમય કપરો હતો. સમસ્ત રાજગઢ એકાએક શોકમાં ડૂબી ગયું હતું અને રાજગઢની હવેલી ખરખરો કરવાં આવતાં માણસોથી ઉભરાઇ પડી હતી.
વિષ્ણુંસિંહ એ સમય દરમ્યાન સંપૂર્ણપણે ખામોશ રહ્યો હતો. હવે તેનામાં ઘણો આત્મવિશ્વાસ આવી ચૂકયો હતો. તે જાણતો હતો કે જો અત્યારે તે પોતાની જાત ઉપર કાબું નહી રાખે તો તેનો ભાંડો ફૂટી જશે. એટલે જ્યાં સુધી રાજગઢ ઉપરથી શોકનાં વાદળો હટયાં નહી ત્યાં સુધી તેણે ભયંકર સંયમથી કામ લીધું હતું.
@@@
એક મહિનો શાંતીથી વિત્યો. રાજગઢ ઉપરથી શોક અને માયૂસીનાં વાદળો ધીરેધીરે હટતાં જતાં હતા. વિષ્ણુંસિંહને લાગ્યું કે હવે બધું થાળે પડી ગયું છે એટલે તેઓ ફરીથી શિકાર કરવાનાં સપના જોવા લાગ્યાં હતા. ત્રણ-ત્રણ વખત મળેલી સફળતાઓનો નશો તેમના મગજ ઉપર સવાર હતો. તેમને એમ જ લાગતું હતું કે હવે તેમને રોકવાવાળું કોઇ નથી. પરંતુ… ચોથા શિકાર વખતે એક અજબ ઘટના ઘટી. જેણે આ આખા ઘટનાક્રમને સાવ ઉલટાવી નાંખ્યો હતો અને પાશવીપણાની હદ વટાવી દીધી હતી. બન્યું એવું કે… એક દિવસ ચોથી યુવતીને વિષ્ણુંસિંહ જંગલમાંથી ઉઠાવી લાવ્યો અને તેને ઘોડાર તરફ લઇને જતો હતો.
બરાબર એ સમયે જ દિલિપસિંહ અને મયુરસિંહ, બસ એમ જ, હવેલીથી થોડે દૂર ટહેલવા નીકળ્યાં હતા. મહિના દિ’ સુધી હવેલીમાં ભરાઇ રહેવાથી તેમને ઘૂટન મહેસૂસ થતી હતી. એ દૂર કરવા તેઓ બહાર નીકળી પડયા હતા કે એકાએક તેમની નજર વિષ્ણુંસિંહ ઉપર પડી હતી. તે કોઇ યુવતીને ઉઠાવીને ઘોડાર તરફ જઇ રહ્યો હતો. ભારે કુતુહલતાં પૂર્વક તે બન્ને ભાઈઓ તેની પાછળ ચાલ્યાં અને ઘોડારના તોતિંગ દરવાજે આવીને ઉભા રહ્યાં હતા. વિષ્ણુંસિંહ પોતાના નાના ભાઈઓને અચાનક આવી ચડેલા જોઇને ચોંકી ઉઠયો હતો.
“મોટાભાઈ, શું છે આ બધું? તમે અહી શું કરો છો, કોણ છે આ યુવતી?” મયુરસિંહે ભારે અચરજથી પૂછયું હતું. તેમની નજરો સામે એક યુવતી વિષ્ણુંસિંહના હાથમાંથી છૂટવા છટપટાતી હતી અને ઘોડારના માળિયે એક વૃધ્ધ વ્યક્તિ બંધાયેલો નજરે ચડતો હતો. વિષ્ણુંસિંહ ઓઝપાઇ ગયો. તેને લાગ્યું કે તેનો ખેલ ખતમ થઇ ગયો છે. નજરો સામે દેખાતી સચ્ચાઈને તે ઝૂઠલાવી શકે તેમ નહોતો. જો તે કોઇ ખોટી કહાની સંભળાવે તો બન્ને ભાઈઓ સીધા જ પિતાજી પાસે પહોંચી જાય અને તેનો ખેલ અહી જ સમાપ્ત થઇ જાય. એવું ન થાય એટલાં માટે તેણે બન્ને ભાઈઓને પોતાની સાથે ભેળવવાનું નક્કી કર્યું અને તેમને વળોટવાનું શરૂ કર્યું. તે બન્ને ભાઈઓમાં પણ રાજવી પરિવારનું ગુમાન હતું. તેમનું લોહી પણ એક ભોળી આદીવાસી જેવી દેખાતી ભીલ કન્યાને અસહાય હાલતમાં જોઇને ઉંફાણ મારવાં લાગ્યું હતું. તેઓ એક નજરમાં જ સમજી ગયાં હતા કે ભાઈએ શું રમત આદરી છે! તેમણે એક-બીજા સામું જોયું અને તેમના ચહેરા ઉપર કૂટિલ હાસ્ય છવાયું. નજરોથી જ સંમતી મળી હોય એમ તેમણે પણ એમાં ઝંપલાવ્યું હતું.
તે દિવસે રાજગઢની હવેલી પાછળ આવેલાં ઘોડારમાં એક અત્યંત નીચ, અધમ અને ઈન્સાનીયતને શર્મસાર કરે એવું ક્રૃત્ય આચરાયું હતું. માળિયે બંધાયેલા કબિલાના મૂખિયાની આંખોમાંથી ચોધાર આસું વહ્યે જતા હતા અને તેના કાને અફળાતી નાની અબૂધ યુવતીની ચીખો કાનનાં પડદાને ચીરીને હદય સોંસરવી ઉતરી જતી હતી. તેના હદયમાંથી આ નરાધમ રાક્ષસો માટે હજ્જારો બદદૂવા નીકળતી હતી. એવી બદદૂવાઓ કે જેણે ઉપર બેઠેલાં ભગવાનને પણ તેની નોંધ લેવા મજબૂર કર્યાં હતા.
તે દિવસે… કબિલો જે પહાડની તળેટીમાં વસેલો હતો એ પહાડની ઉપરી ટોચેથી ચાર નાનકડા ઝરણાઓ ધોધ સ્વરૂપે વહેવા શરૂં થયા હતા. ખબર નહી એ ધોધ દ્વારા ભગવાન શું સંકેત આપવા માંગતા હતા!
(ક્રમશઃ)