Adivasi Ghadiyal in Gujarati Human Science by Ashish Kharod books and stories PDF | આદિવાસી ઘડીયાળ

Featured Books
Categories
Share

આદિવાસી ઘડીયાળ


આપણે વારંવાર સાંભળીએ છીએ કે, આદિવાસીઓ પ્રકૃતિની સૌથી નજીક છે, પ્રકૃતિના નિયમોનું પાલન કરે છે અને તે મુજબ જ જીવે છે. આ વાતની ખાતરી ત્યારે થાય કે જ્યારે તેમના કેટલાક રીતરિવાજોનો અભ્યાસ કરીએ અને પ્રકૃતિના સિધ્ધાંતો સાથે તેની સરખામણી કરીએ.

આદિવાસી સંસ્કૃતિમાં નૃત્ય, ઘંટી ફેરવવી ,હળ ચલાવવું કે ચાકડા પર માટીના વાસણો બનાવતી વખતે ગતિ હંમેશાં ઘડીયાળની વિરુધ્ધ દિશામાં- એટલેકે જમણેથી ડાબી બાજુ હોય છે. આ ઉપરાંત આદિવાસીઓના પૂજાના અનુષ્ઠાન, જન્મસંસ્કાર, લગ્ન અને મૃત્યુ સંસ્કારની વિધીઓમાં પણ જરૂરી ક્રિયાકર્મ જમણેથી ડાબી તરફ જ કરવામાં આવે છે. ઘરે આવેલા મહેમાનોને પાણી આપતી વખતે જમણીથી ડાબી તરફ બેઠેલા મહેમાનોને પાણી આપીને દિશાની પરંપરાનું પાલન કરીને આતિથ્ય કરવામાં આવે છે. પણ આવું શા માટે?

અભ્યાસ એવું કહે છે કે, વેલની લતાઓ વૃક્ષ પર ઉર્ધ્વગમન માટે જમણેથી ડાબે જ વળાંક લે છે, હવાનો ચક્રવાત કે પાણીમાં ઉઠતાં વમળની દિશા પણ પરંપરાગત ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં (Anti clockwise ) હોય છે.

સૂર્યની ફરતે પૃથ્વી સહિતના ગ્રહો કે ન્યુક્લિયસની ચારે તરફ પ્રોટોન-ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન પણ ઘડિયાળના કાંટાની વિરુધ્ધ દિશામાં (Anti clockwise ) જ ફરે છે. અરે, ખુદ પૃથ્વીજ પોતાની ધરીની આસપાસ જમણેથી ડાબે ફરે છે. એટલેકે, પ્રકૃતિની દિશા જ જમણેથી ડાબે છે.

પ્રકૃતિ સાથે ગજબનું તાદાત્મ્ય ધરાવતો , પ્રકૃતિ પૂજક ગણાતો આદિવાસી સમાજ સંસ્કૃતિને વરેલો છે અને પોતાની સંસ્કૃતિને ટકાવી રાખવા આજે પણ જુનવાણી પરંપરા નિભાવી રહ્યો છે . એમાંના કોઈને જ્યારે વિચાર આવ્યો કે, આ ઘડીયાળ કેમ ઉંધી ફરે છે? એટલે શોધ થઈ આદિવાસી ઘડીયાળની –જે પ્રકૃતિના નિયમ પ્રમાણે એટલે કે વર્તમાન પરંપરાગત ઘડીયાળ કરતાં ઉલટી દિશામાં- Anti clockwise ચાલે છે.

કહે છે કે, વિતેલો સમય કદી પાછો નથી આવતો, સમયને પોતાની મુઠ્ઠીમાં કરવાની મહેચ્છાથી જ કદાચ ઘડીયાળની રચના થઈ છે, જે આપણને સતત વીતતી જતી ક્ષણનો અહેસાસ કરાવે છે. આપણે સહુ જાણીએ છીએ કે ઘડીયાળમાં એક પછી બે વાગે એ પરંપરાગત રીતે ગોઠવાયેલી અને સર્વસ્વિકૃત વ્યવસ્થા છે. પણ, આ અદિવાસી ઘડીયાળમાં નવ વાગતાં પહેલાં જ દસ વાગી જાય છે. આ આદિવાસી ઘડીયાળની રચના બહુ વિશિષ્ટ છે. ૧,૨,૩....૧૨ના પરંપરાગત આંકડાને બદલે એની જગ્યાએ ૧૨, ૧૧,૧૦,૯,......૧ ના ક્રમમાં ગોઠવયેલા અંકો અને વિરુધ્ધ દિશામાં ફરતા કાંટા આ ઘડીયાળની વિશેષતા છે.

ઓસ્કાર નોમીનેટેડ ફિલ્મ The curious case of Benjamin Button માં ઉલટી દિશામાં ફરતી ઘડીયાળ ભલે ડાયરેક્ટરની કલ્પનાની ઉપજ હોય પણ છત્તીસગઢમાં છેલ્લાં કેટલાંય વર્ષોથી આદિવાસીઓ વિરુધ્ધ દિશામાં ચાલતી ઘડીયાળોનો ઉપયોગ કરી રહ્યા છે. છત્તીસગઢના કોરબા, કોરિયા ,સરગુજા, બિલાસપુર,અને જસપુર જિલ્લાઓ ઉપરાંત મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર અને હવે તો ગુજરાતના આદિવાસી સમાજમાં પણ લોકપ્રિય બની રહી છે.

આ ઘડીયાળનો ઉપયોગ ક્યારથી શરૂ થયો એની કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી પરંતુ એમ માનવામાં આવે છે કે, ૧૯૮૦ના દશકમાં અલગ ગોંડવાના આંદોલન જ્યારે એની ચરમસીમા પર હતું ત્યારે આ ઘડીયાળો પહેલીવાર આદિવાસીઓમાં વિતરિત કરવામાં આવી હતી. શરુઆતમાંતો આ અટપટી લાગતી ઘડીયળોમાં સમય જોવો સહુને ફાવે તેવું નહોતું પણ ધીમેધીમે તે લોકપ્રિય થતી ગઈ.

તાપી જિલ્લાના વાલોડના એક આદિવાસી કાર્યકર્તાને એના મિત્ર તરફથી ભેટમાં મળેલી આવી ઘડીયાળ એમને ખૂબ પસંદ પડી અને તેમણે જાતેજ હવે આવી ઘડીયાળો બનાવીને વેચવાનું શરુ કર્યું છે.

તાપીથી વાપી અને અંબાજીથી ઉમરગાંવ સુધીના આદિજાતિ વિસ્તારોમાં આ ઘડીયાળ બહુ લોકપ્રિય બની રહી છે.

પોતાની વિશિષ્ટ જીવનશૈલી, વિશિષ્ટ નૃત્યો અને રીત-રિવાજો થકી હંમેશા કુદરતને ખોળે જીવનારા આદિવાસીઓની આ ઘડિયાળ ખરેખર એક અનોખી રચના છે.

(સંકલિત)