Angat Diary - Kutch nahi dekha to kuchh nahi dekha in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા

Featured Books
Categories
Share

અંગત ડાયરી - કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા

અંગત ડાયરી
============
શીર્ષક : કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


અષાઢી બીજના વધામણાં...

વર્ષ ૨૦૧૫ના જૂન મહિનાના એક રવિવારની સવારે ૬.૦૦ વાગ્યે મેં મારા એક્ટિવાનું સેલ્ફ સ્ટાર્ટ બટન પ્રેસ કર્યું અને મારી તથા મારા શ્રીમતીજીની એક સાહસભરી યાત્રા શરૂ થઈ. અમારી સાથે સામાનમાં એક મોટો કોથળો, બે થેલા, અેક ટેબલ ફેન અને બીજું થોડું પરચુરણ હતું. (તમે સાચા છો.. આટલું કંઈ ઓછુ ન કહેવાય એક્ટિવા પર...! ખેર... થોડી ધીરજ સાથે અમારું એ પાગલપન ઓર વાંચો) જામનગર હવે બહુ છેટું રહી ગયું હતું. અમે ધ્રોલથી એક અંદર તરફનો વળાંક લીધો અને ટંકારા તરફ આગળ વધ્યા ત્યારે લગભગ ૭.૩૦ કે ૭.૪૫ જેવો સમય થયો હતો. એક્ટિવા પર બેઠા બેઠા થોડો થાક પણ વર્તાતો હતો છતાં લગભગ ૭૦ થી ૮૦ ની સ્પીડે ગાડી દોડી રહી હતી. નાના નાના પુલીયા આગળ લાગતાં થડકા થોડા અસહ્ય હતા. ટંકારા વટાવી અમે મોરબી તરફ આગળ વધ્યા ત્યારે લગભગ નવ સાડાનવ વાગ્યા હતા. ત્યાંથી આગળ વધી માળિયા તરફના નેશનલ હાઇવે પર ચઢ્યા. હવે ખટારાઓની અવરજવર થોડી વધી. ડાબે જમણે નાના મોટા ઢાબા વટાવતા લગભગ સાડા દસની આસપાસ અમે "Honest" હોટેલ પર પહોંચ્યા. ત્યાં થોડા ફ્રેશ થઈ ચા-પાણી પી ફરી પાછી મુસાફરી શરૂ કરી. આ રસ્તે હું પહેલીવાર આવ્યો હતો. ફરી ખટારાઓની કતારો શરૂ થઈ. અચાનક દરિયો દેખાવા લાગ્યો. થોડી વારમાં બંને તરફ દરિયાની વચ્ચેના રોડ પરથી અમે પસાર થઈ રહ્યા હતા ત્યારે માનવ સમાજે દુર્ગમ વિસ્તારમાં પહોચાડેલી સગવડો જોઈ સુખદ્ આશ્ચર્ય થયું. થોડા આગળ વધ્યા ત્યાં 'સામખિયાળી' ગામ આવ્યું. અમે ઔર આગળ વધ્યા... હવે રસ્તો સિકસ ટ્રેક હતો. ઓવરબ્રિજ ચઢતાં ઊતરતા ગુજરાતના વિકાસનું ગૌરવપૂર્ણ દર્શન કરતા જ્યારે અમે ભચાઉ પહોંચ્યા ત્યારે બાર વાગી ચૂક્યા હતા. ફરી એકવાર ચા પાણી પી અમે અમારી સફર આગળ વધારી. એક તરફ થાક વધ્યો હતો બીજી તરફ તાપ વધ્યો હતો... પાછું તો વળવુંય ન હતું અને વળાય એમેય નહોતું. ત્યારે ભચાઉથી આગળના રસ્તાનું કામ ચાલુ હતું. શ્રીમતીજી અહીં બે મહિના રહ્યા તે દરમિયાન ત્રણેક વખત આ શોર્ટકટ રસ્તેથી પસાર થયા હતા. પણ બસમાં અને આજની મુસાફરી એક્ટિવા ની હતી. તન-મનને થકવી નાખનારી હતી. ભૂજોડી, માધાપર, આર.ટી.ઓ. વટાવી અમે ભૂજના સેન્ટર પોઇન્ટ સમા જ્યુબિલિ સર્કલ પહોંચ્યા ત્યારે લગભગ બપોરના બે વાગ્યા હતા. હા અમે એ જ કચ્છ જિલ્લામાં હતા જેનો પ્રચાર કરતા સદીના નાયક અમિતાભ બચ્ચન સાચું જ કહે છે કે "કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા".

તે દિવસ પછી તો ૨૦૧૫ જૂન થી ૨૦૧૬ ડિસેમ્બર સુધીમાં લગભગ દર પંદર દિવસે અમે આવી મુસાફરી કરી પણ માલસામાન ઓછો.

આપણે જે રસ્તેથી જ્યુબિલિ સર્કલ પહોંચ્યા ત્યાંથી સીધે સીધા રોડે જતા રહીએ તો આગળ બે ફાંટા પડે, એક તરફ સો કિલોમીટર દૂર મઢવાળી મા આશાપુરા માતાનો મઢ તો બીજી તરફ એટલે જ અંતરે માંડવી બીચ. માતાનો મઢ આધ્યાત્મિક મહત્વ ધરાવે છે તો માંડવી બીચનું કુદરતી સૌંદર્ય ભારે આકર્ષક. માની મૂર્તિ જાજરમાન તો માંડવી બીચના દરિયામાં ઊછળતાં મોજાની મસ્તી માણવા જેવી. માતાના મઢની આરતી અદ્ભુત તો માંડવી બીચના દરિયા ઉપરનું સફેદ વાદળોથી ઘેરાયેલું બ્લ્યુ રંગનું આકાશ અનોખું. અને એમાંય શિયાળાની એક સાંજે લગભગ સાડા છ વાગ્યે હું અને મારા શ્રીમતીજી એક્ટિવા પર સવાર થઈ માતાના મઢ ગયા એ આજેય યાદ કરું છું તો ધ્રુજી જવાય છે. રાત્રે દસેક વાગ્યે પાછા ફરતી વખતે નલિયાની ઠંડીનો જે અહેસાસ થયો છે તે હજુ સુધી ભૂલાયો નથી. ભૂજમાં પંજાબી ભાણું મારી દ્રષ્ટિએ શેર એ પંજાબ રેસ્ટોરન્ટનું ટેસ્ટ ફૂલ મળે. તે રાત્રે અમે માણેલું એ ડિલીશિયસ કાજુ બટર મસાલા, દાલતડકા, સ્વીટ લસ્સી અને તવા રોટીનું ભાણું જે માણે એ જ જાણી શકે.

જો તમે જ્યુબિલિ સર્કલથી સીધા જવાને બદલે જમણો વળાંક લો તો પાંચ જ મિનિટમાં એસ.ટી. બસ સ્ટેન્ડ આવી જાય. ત્યાંથી પસાર થઇ આગળ વધ્યા કરો તો હમીરસર તળાવ પાસે પહોંચી જાઓ. જામનગરનું જુનું લાખોટા તળાવ (તળાવની પાળ) અને હમીરસર તળાવ કઝીન બ્રધર્સ જેવા લાગે. એને ચકરાવો લેતાં આગળ વધો તો સફેદ રણ કે કાળા ડુંગરનો રોડ શરૂ થાય. આ રોડ પર ૩૫ કિલોમીટર દૂર આવેલા જુરા ગામમાં મારા શ્રીમતીજીની જોબ હતી. એ પછી સીધા સીધા લાંબા લાંબા જાણે ખૂટવાના જ ન હોય તેવા રોડ ઉપર લગભગ સો કિલોમીટર ચાલ્યા જાઓ તો એક ચેકપોસ્ટ આવે. ત્યાંથી ડાબી બાજુ વળાંક લઈ પંદર વીસ મિનિટ ગાડી ચલાવો એટલે તમે સફેદ રણમાં પહોંચી જાઓ. એમાં વચ્ચે જઈ ઊભા રહો તો જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી બસ સફેદ સફેદ મીઠાનું એકદમ સમથળ મેદાન જોવા મળે. ઉંમરના કોઈ પણ પડાવ પર તમે પહોંચ્યા હો પણ આ દ્રશ્ય તમને ભીતરથી ભાવવિભોર કરી મૂકે.

ફરી પંદર વીસ મિનિટ પાછા ફરીને પેલી ચેકપોસ્ટથી આગળ વધો એટલે મીઠાઈ માટે જાણીતા ખાવડા ગામે પહોંચી જાઓ. માવાના પેંડા બરફીનો સ્વાદ માણી ફરી સવારી આગળ ધપાવો એટલે જોખમી ઉતાર ચઢાવ વાળો કાળો પર્વત આવે. પર્વત પરથી દૂર દૂર દેખાતા દરિયાને જોતાં જોતાં ઊંટ સવારી કરો, ફોટોગ્રાફી કરો, ગરમાગરમ ભજીયાની એકાદ પ્લેટ ખાઓ અને પર્વત પરથી ઉતરી ઈન્ડિયા બ્રીજ તરફ આગળ વધો. આ બ્રિજ પસાર કરો ત્યારે તમને બોર્ડરની નજીક પહોંચ્યા હો એવો અહેસાસ થાય, પરંતુ અહીંથી ૭૫-૮૦ કિલોમીટર દૂર એક યુધ્ધ સ્મારક છે અને બોર્ડર એના પછી છે.

હવે ફરી ભૂજમાં..
જો તમે જ્યુબિલિથી સીધા ન જાઓ, જમણે ન જાઓ અને ડાબો વળાંક લો તો ડુંગરો ના નાના નાના ઉતાર ચઢાવ વાળો મસ્ત રોડ લગભગ સો કિલોમીટરે તમને મુંદ્રા પોર્ટ પહોંચાડી દે. ત્યાં જો કોઈ પરિચિત પોર્ટ ઓથોરિટીનો સાથ મળે તો તમને મહાકાય જહાજો, વિશાળ કાય ક્રેનો કે જે.સી.બી. જેવા મશીનો ટ્રેન કે ટ્રકમાં મટીરીયલ ડાઉનલોડ કે અપલોડ કરતા જોવા મળે. જહાજો પર મોટા અક્ષરે જાપાન કે રશિયા કે ચીન જેવા દેશોના નામ વાંચી કોમર્સના વિધાર્થીને આયાત નિકાસના બધા ચેપ્ટર એક સાથે યાદ આવી જાય.

ચોથી દિશા એટલે જ્યુબિલિ સર્કલથી રિવર્સ પાછા ફરી પરત ભચાઉ આવી, સામખિયાળી આવો. ત્યાંના બ્રિજ પરથી પાલનપુર વાળા રસ્તે આગળ વધી એક ડાબો વળાંક લઈ રાપરની દિશા પકડો તો બે કલાકમાં રાપર અને ચોથી કલાકે તમે ધોળાવીરામાં હો. અહીં તમે પ્રાચીન હડપ્પીય સંસ્કૃતિનું નગર જોઈ શકો. ઊંચી દીવાલ, તૂટેલા ફૂટેલા સ્નાનાગાર જોઇ તમને કૌતુક પણ થાય અને થોડી કરુણાની લાગણી પણ ભીતરે પ્રસરે. ત્યાંથી ત્રીસેક મિનિટ ધૂળિયા માર્ગે આગળ વધો એટલે ફોસિલ પાર્ક નામનું સ્થળ આવે. ત્યાંનો લીલા રંગનો દરિયો તમને ફોરેનના કોઈ બીચની અનુભૂતિ કરાવે. દરિયાનું અહીં નું સ્વરૂપ જોઈ કોણ જાણે કેમ મને તો ભયની લાગણી પણ જન્મી હતી.

ખૈર આ બધા મુખ્ય મુખ્ય સ્થળોની સાથે સાથે ભરપૂર કલાકૃતિ વાળું અંબે ધામ, વિજય વિલાસ પેલેસ, આયના મહેલ, જેસલ તોરલની સમાધિ, સ્વામિનારાયણ મંદિર, કોટેશ્વર, નારાયણ સરોવર, જેવા અનેક દુર્લભ સ્થળો કચ્છની ગોદમાં રમી રહ્યા છે.

કચ્છી દાબેલી, શંકરના વડાપાઉં, મહારાજાની પાઉંભાજી, ઉમિયાજીનુ દેશી ભાણું, ભચાઉ પાસે ચામુંડા કૃપાની ફૂલ થાળીની લિજ્જત અને સ્નેહાળ, પ્રેમાળ, માયાળુ, કચ્છી માડુના ભોળપણ અને સજજનતા પણ તમે કદી ભૂલી ન શકો.

કહેનારે સાચું જ કહ્યું છે
શિયાળે સોરઠ ભલો ઉનાળે ગુજરાત
ચોમાસે વાગડ ભલો ને માંજો કચ્છડો બારેમાસ.

અમે તો કચ્છને દોઢ વર્ષ ભરપૂર માણ્યું અને તમે પણ આવનારા વેકેશનમાં સહપરિવાર કચ્છમાં પાંચેક દિવસ વીતાવો એવી એડવાઈઝ કમ રિક્વેસ્ટ.