Once Upon a Time - 144 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 144

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 144

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 144

‘પાકિસ્તાન સરકારે દાઉદ પાસેથી વધુ રૂપિયા 2 હજાર કરોડની માગણી કરીને દાઉદને આંચકો આપ્યો. દાઉદ સમજતો હતો કે એ રકમ લોન તરીકે નહીં, પરંતુ ખંડણી તરીકે આપવાની હતી!

દાઉદ ભારતના શહેરોના શ્રીમંતોને દબડાવીને તેમની પાસેથી ખંડણીપેટે તગડી રકમ ઉઘરાવતો હતો, પણ પાકિસ્તાનમાં તેની પોતાની હાલત ખંડિત સૂબા જેવી થઈ ગઈ હતી. ભારતમાં મુંબઈ અને બીજા મોટા શહેરોમાંથી તે શ્રીમંતો પાસેથી લાખો અને કરોડો રૂપિયાની ખંડણી વસૂલતો હતો એની સામે તેણે પાકિસ્તાનમાં આશ્રયના બદલામાં પાકિસ્તાનમાં અબજો રૂપિયાની ખંડણી ચૂકવવી પડતી હતી. આ ઉપરાંત તેણે આઈએસઆઈના ઈશારે નાચવું પડતું હતું અને અધૂરામાં પૂરું, તેના પર અનેક પ્રતિબંધ લાદી દેવાયા હતા.

એ સ્થિતિથી અકળાયેલા દાઉદે ફરી એક વાર દુબઈ ભેગા થઈ જવાનો વિચાર કર્યો. ત્યાં આશ્રય માટે પણ તેની પાસેથી મસમોટી રકમ માગવામાં આવી. એ રકમ પાકિસ્તાની સત્તાધીશે માગેલી રકમથી પણ વધુ હતી. પરંતુ, પાકિસ્તાનમાં ફરી વાર મોટી રકમની ‘મદદ’ નહીં માગવામાં આવે એની કોઈ ખાતરી નહોતી. એના કરતાં તો દુબઈમાં એક વખત મોંમાગી રકમ ચૂકવ્યા પછી ભવિષ્યમાં તકલીફ થવાની શક્યતા નહોતી.

2001માં જુલાઈના પહેલાં સપ્તાહમાં પાકિસ્તાની સત્તાધીશો સાથે આર્થિક ખેંચતાણ થયા પછી ત્રણ-ચાર દિવસમાં જ દાઉદે દુબઈભેગા થઈ જવાનો તખ્તો ગોઠવી લીધો અને 11 જુલાઈ, 2001ના દિવસે તેણે કરાચીના ઈન્ટરનેશનલ એરપોર્ટથી પ્રાઈવેટ એરક્રાફ્ટમાં તેના કુટુંબ અને કેટલાક ખાસ માણસો સાથે દુબઈ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો. પણ આઈએસઆઈ દ્વારા એ પ્લનેને રન વે ઉપરથી પાર્કિંગ બૅમાં પાછું લાવવાની ફરજ પડાઈ. પ્લેન પાછું વાળવામાં ન આવે તો પ્લેન ઉડાવી દેવાની ધમકી પણ એ પ્લૅનના પાઈલટને અપાઈ હતી! એ દિવસથી કરાચીમાં દાઉદ પર રાઉન્ડ ધ ક્લોક ચાંપતો બંદોબસ્ત ગોઠવાઈ ગયો. સરળ શબ્દોમાં એવું કહી શકાય કે આઈએસઆઈએ દાઉદે નજરકેદ કરી દીધો.

પાકિસ્તાનમાંથી નાસી છૂટવાની દાઉદની યોજના પર ઠંડું પાણી ફરીવળ્યું. એ સાથે તેણે રૂપિયા બે હજાર કરોડ રુપિયાનું પણ નાહી નાખવું પડ્યું.

પાકિસ્તાન અને આઈએસઆઈની ચુંગાલમાંથી છૂટવાનો પ્રયાસ નિષ્ફળ ગયો એટલે દાઉદ ધૂંધવાઈ ગયો. પણ સ્વસ્થ થઈને તેણે બીજી એક યોજના વિચારી કાઢી. તેણે પોતાના ભાઈઓને વારાફરતી મુંબઈ મોકલવાનો વિચાર કર્યો અને એ માટે તેણે પોતાના વિશ્વાસુ માણસો દ્વારા બધી ગોઠવણ શરૂ કરી. દાઉદના ભાઈઓ હુમાયુ, ઈકબાલ અને મુસ્તકીન દુબઈમાં જ હતા.

મુંબઈ પોલીસમાં દાઉદના વફાદાર એવા કેટલાક પોલીસ અધિકારીઓએ ઈકબાલ કાસકરને ખાતરી આપી કે અમે મુંબઈમાં તારો વાળ પણ વાંકો નહીં થવા દઈએ. પરંતુ, આ દરમિયાન કરાચીમાં એક ઘટનાને કારણે તેના ભાઈ ઈકબાલને પાછો મુંબઈ મોકલવાનો વિચાર થોડા સમય માટે પડતો મૂકવો પડ્યો.

18 ઓગસ્ટ, 2001ના દિવસે કરાચીમાં છોટા રાજન ગેંગના શૂટર્સ સ્થાનિક ગુંડાઓની મદદથી દાઉદના જમણા હાથ સમા શકીલ પર ત્રાટક્યા. તેમણે છોટા શકીલ ઉપર અંધાધૂંધ ગોળીબાર કર્યો, પણ શકીલ બાલબાલ બચી ગયો.

આ સમાચાર શનિવારે મોડે રાતે મુંબઈ પોલીસ સુધી પહોંચ્યા અને મુંબઈ પોલીસ પાસેથી રવિવાર એટલે 19 ઓગસ્ટ, 2001ના દિવસે આ સમાચાર પત્રકારો સુધી પહોંચ્યા. એ દિવસે રવિવાર હતો એમ છતાં મુંબઈ પોલીસનું હેડક્વાર્ટર ધમધમી ઊઠ્યું. તત્કાલીન કમિશનર ઓફ પોલીસ મહેશ નારાયણ સિંહે મુંબઈના ટોચના પોલીસ અધિકારીઓની બેઠક બોલાવી અને દોઢ કલાક સુધી ચાલેલી એ બેઠકમાં, છોટા શકીલની હત્યાના પ્રત્યાઘાતરૂપે, મુંબઈમાં ગેંગવોર શરૂ થઈ જાય તો શું કરવું એની રૂપરેખા ઘડી કાઢવામાં આવી. આ દરમિયાન મુંબઈ પોલીસના કેટલાક ઉત્સાહી અધિકારીઓએ પત્રકારોને ઓફ ધ રેકર્ડ કહી દીધું હતું કે કરાચીમાં છોટા રાજનના શૂટર્સે છોટા શકીલ અને ફહીમ મચમચને મારી નાખ્યા છે.

એક તબક્કે તો એવી વાત પણ ફેલાઈ કે દાઉદ પર હુમલો થયો છે. પણ રવિવારે બપોર પછી છોટા શકીલે કેટલીક ટીવી ન્યૂઝ ચેનલ્સ સાથે ફોન પર વાત કરી. શકીલે ‘આજતક’ ન્યૂઝ ચેનલને કહ્યું કે ‘હમ પે હમલા કિયા નહીં. દુશમનોને રુમર ચલાઈ હૈ. વો લોગ સપના દેખ રહે હૈ. લેકિન ઉન લોગોં કો માલૂમ નહીં હૈ કિ હમ કૈસે બરસતે હૈ...’

છોટા શકીલે ‘આજતક’ ન્યુઝ ચેનલને કહ્યું કે ‘હું સલામત છું અને અમે સિંગાપુરમાં અત્યંત સુરક્ષિત જગ્યામાં છીએ. સળંગ 36 કલાક સુધી આ ડ્રામા ચાલ્યા પછી મહારાષ્ટ્રના રાજ્યકક્ષાના ગૃહ પ્રધાન કૃપાશંકર સિંઘે પત્રકારોને કહ્યું કે આપણી ગુપ્તચર સંસ્થાઓએ માહિતી આપી છે કે શકીલની હત્યા થઈ નથી અને તેને ઈજા પણ પહોંચી નથી.

જોકે શકીલ પર હુમલો થયો છે કે કેમ એની સ્પષ્ટતા એ વખતે કોઈએ કરી નહીં. પરંતુ, વાસ્તવમાં કરાચીમાં છોટા શકીલની હત્યાનો પ્રયાસ થયો હતો અને શકીલ બાલબાલ બચી ગયો હતો. ‘દાઉદભાઈ અને હું સિંગાપુરમાં સલામત છીએ.’ એવું જૂઠાણું છોટા શકીલે ચલાવ્યું હતું. કારણ કે છોટા રાજનના શૂટર્સ કરાચી પહોંચીને દાઉદ કે શકીલ પર હુમલો કરી જાય એવી વાત ફેલાય તો એ બંનેનું નાક કપાઈ જાય.

‘રાજકારણીઓની જેમ અંડરવર્લ્ડના ભાઈલોગોએ પણ ઘણીવાર સાચી વાતો છુપાવવી પડતી હોય છે અને જુઠ્ઠી વાતો ફેલાવવી પડતી હોય છે,’ કોઈ મોટું રહસ્ય અમને કહેતો હોય એવી સ્ટાઈલમાં પપ્પુ ટકલા બોલ્યો અને પછી તેણે તરત જ વાત આગળ ધપાવી, ‘કરાચીમાં શકીલ અને ફહીમ મચમચની હત્યા થઈ હોવાની અફવા ભારતમાં ફેલાઈ હતી એ દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સહિત વિશ્વના એક ડઝનથી વધુ દેશોમાં એક ખતરનાક કારસ્તાન ઘડાઈ રહ્યું હતું. અને એમાં દાઉદને મદદરૂપ થવા માટે આઈએસઆઈ દ્વારા કહેવાયું હતું. એ ષડયંત્રના પડઘા આખા વિશ્વમાં અકલ્પ્ય રીતે પડવાના હતા!’

(ક્રમશ:)