મૃત્યુ પછીનું જીવન ૧૬
આપણે પહેલાં જોયું કે આખરે રાઘવ શોધી લે છે કે એ ધાબળાવાળો કોણ છે . બીજે દિવસે ઘરમાં ગીતા શરું થાય છે , જેનાં શ્લોક સાંભળીને રાઘવને જીવનનું સત્ય સમજાય છે . બીજી તરફ અંશ મા અને સમીરને ઓફીસ રૂમમાં લઇ જાય છે . હવે આગળ ...
અંશે અંદરથી રુમ બંધ કર્યો. માને મેઈન ચેર પર બેસાડી બંને ભાઈઓ સામેની ચેર પર બેઠાં. ગોમતી એકદમ ડરેલી લાગતી હતી. છેલ્લાં ૨૪ કલાકમાં બનતી એક પછી એક ઘટનાઓથી બધા જ હેરાન હતાં. એક તો પતિનું મોત, પછી લૌકિક ક્રિયાઓ ,વળી આ અંશની તાત્કાલિક ફેમિલી મીટીંગ, બહાર ખીચડાનાં ભોજનની તૈયારી..એને કંઈ જ સમજમાં નહોતું આવતું. વર્તમાનનો દરવાજો ખખડાવતી નવી સમસ્યાનો અણસાર, ભવિષ્યની અનિશ્ચિતતા, આવનારા પરિવર્તનનો ડર..આ બધું ગોમતીની આંખોમાં તરી રહ્યું હતું. બંને એકબીજા સાથે ભલે એટલાં નજીક ન હતાં, પણ હતાં તો પતિ પત્ની ; અલગ , છતાં ય એક ..! સફેદ સાડીમાં ગોમતીની સાદગીમય સુંદરતા અને જવાબદાર માતૃત્વ છલકાઈ આવતાં હતાં. એનાં અને રાઘવના સંબંધો ઘણાં અલગ હતાં, રાઘવની ઘૃણામાં જ એ પતિનો પ્રેમનો આનંદ માણતી. એને કંઈ ફરક નહોતો પડતો કે એનો પતિ ડોન છે કે બિઝનેસમેન , કે પછી બધાં એનાં પતિ માટે શું કહે છે...! બસ એનાં પતિનું હોવું જ એને માટે સર્વસ્વ હતું. અને ૨૪ કલાકથી એ હોવું , નહોવું માં બદલાઈ ગયું હતું ..! અને છતાં પણ ગોમતીએ ઉભા થઇ જવું પડ્યું હતું; સમય, સંજોગ અને છોકરાઓને સાચવવાં ....પણ ગોમતીને હવે આગળ બધું અંધકાર જ લાગતું હતું. કોણ જાણે , આગળ શું થશે...!
હમેશાં સ્થિર રહેનારા અને દરેક પરિસ્થિતિને સંભાળનારા મોટાં દીકરા સમીરની આંખોમાં પણ વિસ્મય છલકાઈ રહ્યું હતું. અંશ કેમ આવું અજુગતું વર્તન કરી રહ્યો છે ? સમીર બોલ્યો.
“ આ શું છે, અંશ, ગામ આખું બહાર બેઠું છે ને તું ...”
“મા ,કાલે પાપા આવ્યાં હતાં ”
“અંશ, આ શું બોલે છે તું ? ’’
ત્રણેય જણ એકબીજાને જોઈ રહ્યાં .અંશ આગળ બોલ્યો ,
“સપનામાં ”
સમીર અને ગોમતીના ચહેરા પરની ઉત્સુકતા ૧૦ ગણી વધી ગઈ,
સમીર ચેર પરથી લગભગ ઊભો થઇ ગયો.
“ હા, પછી ?”
એટલામાં દરવાજો ખખડાવ્યો કોઈએ .
“સમીર ...ઓ સમીર ...” બહારથી અવાજ આવ્યો.
સમીર દરવાજો ખોલવા ઉભો થયો, અંશ ગુસ્સે થઇ ગયો...
“ ભાઈ, થોભી જા બે મિનિટ ,મારી વાત તો સાંભળ ..”
“અરે ભાઈ, એવું તે શું છે? મારે ખોલવું પડશે, કેશુભા લાગે છે બહાર ..”
આ સાંભળીને અંશ વધુ ઉશ્કેરાઈ ગયો.
“ઠોકવા દો એમને.”
રાઘવ ,ગોમતી, છોકરાઓ, વહુઓ ..ઘરમાં બધાં જ કેશુભાનું ખુબ જ સમ્માન કરતાં. રાઘવની ગેરહાજરીમાં કેશુભા બધું જ સંભાળી લેતાં, ઘરનાં મોભી ની જેમ જ...પછી એ ઘરનું કામ હોય કે બિઝનેસનું..
“ બેટા, એ વડીલ છે, બિચારા આપણી મદદ માટે કાલ સવારથી ખડે પગે ઉભા છે. વડીલ માણસને આમ બહાર અટકાવી રાખવાનો? આપણા ઘરની શું નથી ખબર એમને ..”
“ એ બિચારો નથી, બાર બચ્ચાનો બાપ છે ..! ”
“ શું બોલે છે તું અંશ , બહાર સંભળાશે..
ફરી અવાજ આવ્યો , ઠક, ઠક, ઠક...
હવે અંશને ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો, એ કંઈ ખુબ જ જરૂરી બોલવા જઈ રહ્યો હતો અને બંનેનું ધ્યાન બહાર ઠોકાતા દરવાજા પર હતું. સમીર દરવાજો ખોલવા ઉઠતો જ હતો . અંશે ગુસ્સામાં ઉભા થઈને એને બેસાડી દીધો. અને દરવાજા તરફ ગયો. દરવાજો ખોલીને કહ્યું , 'સમીર ઉપર રૂમમાં છે.' કેશુભા એ જરા જોર કરીને દરવાજામાંથી અંદર ઘુસવાની કોશિશ કરી અને અંશે એમને હળવો ધક્કો મારીને દરવાજો અંદરથી બંધ કરી દીધો.
હવે સમીરને અંશનું આ વર્તન અભદ્ર લાગ્યું.
“અંશ, તને શું થઇ ગયું છે? ”
“ તને ખબર છે, આ વડીલ, આ મોભી એ કાલે શું કર્યું ?
“શું? ”
“અહી આ ઓફિસરૂમમાં આવીને આ કોન્ફીડેન્શીયલ ડ્રોઅરમાંથી કોઈ ડોક્યુમેન્ટની ચોરી કરી લઇ ગયો . તને વિશ્વાસ ન હોય , તો લાવ ચાવી , ખોલ આ ડ્રોઅર , એટલે બધું જ સાફ સાફ દેખાય ”
અંશ એકી શ્વાસે બધું બોલી ગયો, ફરી કોઈ રોકે એ પહેલાં ! મોટાએ ડ્રોઅર ખોલી એક પછી એક બધા જ ડોકયુમેન્ટ તપાસ્યા. પણ એનાં લીસ્ટ પ્રમાણે અહીં ઘરનાં ડોકયુમેન્ટ ગાયબ હતાં.
“ ઘરનાં ડોકયુમેન્ટ અહીંથી ગાયબ છે ..! ”
ત્રણેય જણ એકબીજા સામે જોવાં લાગ્યાં, બધાયના ચહેરા ડરેલા, ડઘાયેલા , બેનુર થઇ ગયાં ...
-અમીષા રાવલ
કેશુભા એ ડોકયુમેન્ટ કેમ ચોર્યા હતાં ? અંશને આ વિશે કઈ રીતે માહિતી મળી? આ બધા પ્રશ્નોનો જવાબ મેળવવાં આગળ વાંચતા રહો ..આપ સૌનાં અદ્ભુત પ્રતિસાદ બદલ ખુબ ખુબ આભાર ..આપના રેટીંગ અને રીવ્યુ આપતાં રહો ...
તું