Inspector thakor ni dairy - 4 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૪

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૪

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું ચોથું

અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર મસ્તીમાં બેઠા ચાની મજા માણી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને કહ્યું પણ ખરું કે આજે ચા સરસ બનાવી છે. એટલે ધીરાજીએ બીજી મંગાવી. પણ ઇન્સ્પેક્ટર ઠાકોરને પહેલા જેવો મસ્ત સ્વાદ ના લાગ્યો. ધીરાજી કહે હાથ બદલાય તો પણ આવું થઇ શકે. કે પછી એકાદ મસાલો નાખવાનું ભૂલી ગયો હોય. ઇન્સ્પેક્ટર ઠાકોર ખાલી કપ ટેબલ પર મૂકે છે ત્યાં ફોનની ઘંટડી વાગે છે. ફોન પર થોડી વાત કરીને તેમણે ધીરાજીને કહ્યું:"ચાલો, મોતના સમાચાર આવી ગયા છે. અને આ વળી ચામાં ઝેરથી મોતની ઘટના છે. જઇને જોઇએ ઝેરવાળી ચા કેવી છે!"

ધીરાજીને ખબર હતી કે મોતના સમાચાર એટલે મોકાણના સમાચાર. ઇન્સ્પેક્ટર ઠાકોર એ મોતને આત્મહત્યા તરીકે સરળતાથી સ્વીકારી લેશે નહીં. ઊંડી તપાસ હાથ ધરશે. આ કેસમાં કેટલા દિવસ નીકળશે કહેવાય નહીં. રજા લેવાની વાત રસ્તામાં જ કરી દેવી પડશે.

ઇન્સ્પેક્ટર ઠાકોર એક સોસાયટીમાં પહોંચ્યા. બીજા માળે રહેતા ચાળીસ વર્ષના યુવાને ચામાં ઝેર નાખી આત્મહત્યા કરી હોવાનો કેસ હતો. તે પહોંચ્યા ત્યારે મરનાર યુવાન ખુરશીમાં ઢળી પડેલો હતો. તેના મોંમાંથી ફીણ નીકળેલું હતું. સ્થાનિક ડોક્ટરે પ્રાથમિક તપાસ કરી પોતાનું આનુમાન જાહેર કર્યું હતું કે તેના શ્વાસ અટકી ગયા છે અને ઝેર પીવાથી મોત થયું હોય શકે. સાચી વાત તો પોસ્ટમોર્ટમના રીપોર્ટ પરથી જ જાહેર થશે. ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાની કેમેરા જેવી આંખો ફેરવવાનું શરૂ કર્યું. મરનાર યુવાન મેવાન જે ખુરસીમાં ઢળી પડ્યો હતો તેની સામેના ટેબલ પર ચાનો કપ પડ્યો હતો. તેમાં હજુ બેચાર એમએલ ચા પડી હતી. તેની તપાસ માટે હુકમ કરી ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યા.

નજીકમાં રડતી તેની યુવાન અને સુંદર પત્ની તવિકાને તેમણે ઘટના બાબતે પૂછ્યું. તવિકાએ જે વાત કહી તેનો સાર એ હતો કે છેલ્લા ઘણાં મહિનાથી મેવાન બીમાર રહેતો હતો. તેની દવા ચાલતી હતી. બીમારી ખાસ ગંભીર ન હતી. પણ આ બીમારીથી તે કંટાળી ગયો હતો. કામ પર જઇ શકતો ન હતો. તેનો પોતાનો ધંધો હતો. જે આ કારણે તૂટી રહ્યો હતો. દવા લે ત્યાં સુધી શરીરમાં સારું લાગતું હતું. પછી તબિયત બગડતી હતી. ડોક્ટરો પણ ચોક્કસ બીમારીનું નિદાન કરી શકતા ન હતા. ઘણા રીપોર્ટ કઢાવ્યા હતા. કોઇમાં ખાસ ચિંતાજનક આવ્યું ન હતું. અચાનક તાવ ચઢીને શરીરમાં ભારે દુ:ખાવો થતો હતો. ત્યારે તે બૂમો પણ પાડતો હતો. આજે સવારે તે બજારમાં ખરીદી કરવા જતી હતી ત્યારે મેવાનને પૂછ્યું કે તારે માટે કંઇ લઇ આવું? પણ તેણે ના પાડી અને પોતે ચા બનાવીને પીશે એમ કહ્યું. મેં એને કહ્યું કે હું બનાવીને જાઉં પણ તેણે જાતે બનાવીને પીવાની વાત કરી. એટલે હું નીકળી ગઇ. લગભગ એક કલાક પછી આવી ત્યારે તે ચા પીને આ સ્થિતિમાં હતો. મેં તેને હલાવી જોયો પણ તેનામાં જીવ ન હતો. તરત ડોક્ટરને અને પોલીસને જાણ કરી. આસપાસના લોકો દોડી આવ્યા પણ તેને બચાવવાની કોઇ તક ન હતી.

તવિકા રડતાં રડતાં સ્થિતિનું બયાન કરી રહી હતી.

"મેવાને ચામાં ઝેર નાખ્યું એમ લાગે છે તો એ ક્યાંથી આવ્યું?" ઇન્સ્પેક્ટર ઠાકોરે પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું.

"ઘરમાં ઉંદર મારવાનો પાઉડર પડ્યો હતો. રસોડામાં એનું તૂટેલું પડીકું પડ્યું છે. કદાચ તેનો જીવનનો અંત લાવવાનો ઇરાદો હશે એટલે જ જાતે ચા બનાવવાનો આગ્રહ કર્યો હતો. તે ક્યારેક જ ચા બનાવે છે. કાશ મૈંને બનાકે દી હોતી તો ઐસા ના હોતા....." તવિકા આંખો લૂછતી હતાશ સ્વરે બોલી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે ચાના કૂચાવાળી તપેલી જપ્ત કરાવી. અને એક પછી એક ફ્લેટમાં જઇ પડોશીઓ પાસેથી માહિતી મેળવી. તવિકાની બાજુમાં એક કુટુંબ હતું. તેમાં પતિ-પત્ની અને એક આઠ વર્ષનો પુત્ર હતો. તેમના કહેવા પ્રમાણે મેવાન એક સારો માણસ હતો. તે ક્યારેક બીમાર હોવાનું જાણવા મળ્યું હતું. બીજા ફ્લેટમાં એક પરપ્રાંતીય યુવાન બંસલ રહેતો હતો. તે કોઇ કંપનીમાં સારી પોસ્ટ પર હતો. તેણે પણ એ જ વાત કરી. મેવાન બીમાર રહેતો હતો અને બીમારીથી કંટાળી ગયો હતો. છેલ્લે બંસલ દુ:ખી સ્વરે બોલ્યો:"મૈંને ઉસે એક-દો બાર બોલા થા કી કીસી બડે ડોક્ટર કો બતાઓ. લેકિન વો માના નહીં..."

ઇન્સ્પેક્ટર ઠાકોરે ત્રીજા ફ્લેટમાં રહેતા એક વૃધ્ધ દંપતી સાથે વાત કરી. તેમની મુલાકાત મેવાન સાથે ખાસ થતી ન હતી. અને તેના વિશે બહુ જાણતા ન હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોર બધાની પૂછપરછ કરી પોલીસ સ્ટેશન પાછા ફર્યા અને પીએમ રીપોર્ટ પછી આગળની તપાસ કરવાનું નક્કી કર્યું. પીએમ રીપોર્ટ આવ્યા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરને કોઇ ખાસ કડી મળી નહીં. મેવાનનું મોત ચામાં ઉંદર મારવાની દવા પીવાથી થયું હોવાનું આવી ગયું હતું. બીજી કેટલીક માહિતીમાં આ મોત આત્મહત્યા હોવાનું જ લાગ્યું. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર પોતાની રીતે વધુ તપાસ કરીને જ મેવાનનું મોત આત્મહત્યા હોવાની વાત પર મહોર મારવા માગતા હતા. કંઇક વિચારીને તેમણે પંદર દિવસ સુધી આ કેસની તપાસ બંધ કરી દીધી. ધીરાજીએ રજા માગી હતી એટલે તે જતા રહ્યા હતા.

ધીરાજી રજા પરથી આવ્યા એટલે તેને લઇને તવિકાના ઘરે જવા નીકળ્યા.

"સાહેબ, મને એમ કે આ કેસ હવે બંધ થઇ ગયો હશે. શું તમને કોઇ શંકા છે?"

"ધીરાજી, મને ક્યારે શંકા પડતી નથી? આ કેસમાં એક- બે બિંદુ પર શંકાની સોય તવિકા તરફ જઇ રહી છે...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે તવિકાના ઘરે જઇ તેના વિશે પ્રાથમિક વાત કરી. ત્યાં ધીરાજીએ તેને કહ્યું:"બેન, તમને વાંધો ના હોય તો અમારા સાહેબ માટે ચા બનાવશો. આજે સવારથી ચા પીવાનો સમય મળ્યો નથી...."

"અરે હા! હું તમને પૂછવાનું જ ભૂલી ગઇ...." કહી તવિકા ચા બનાવવા ગઇ.

થોડી જ વારમાં તવિકા મસાલેદાર ચા લઇને આવી. ઇન્સ્પેક્ટર ઠાકોર અને ધીરાજીએ ચા પીતાં પહેલાં તેની સુગંધ લીધી. અને પછી થોડી પીધી. ધીરાજીએ તવિકાને પાણી લેવા અંદર મોકલીને થોડીક ચા પોતાની સાથેની એક બોટલમાં સેમ્પલ તરીકે લઇ લીધી.

"તમારી ચાનો જવાબ નથી. અમારે જે જવાબ જોઇતો હતો એ પણ મળી ગયો છે. એટલે અમે હવે નીકળીએ..." ઇન્સ્પેક્ટર ઠાકોર કેપ સરખી કરતાં ઊભા થતાં બોલ્યા.

"...પણ સર, આ આત્મહત્યાનો રીપોર્ટ ક્યારે મળશે? એ આવે તો આગળની કાર્યવાહી થાય ને...?" તવિકા સહેજ ખચકાતાં બોલી.

"તમારે કંઇ અટકી પડતું તો નથી ને? બેંક, મિલકત, વીમો વગેરે માટે જરૂરિયાત હોય એ સ્વાભાવિક છે. તમને વધારે રાહ નહીં જોવડાવું...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોર ચાલવા લાગ્યા.

રસ્તામાં ઇન્સ્પેક્ટર ઠાકોરે કહ્યું:"ધીરાજી, આ ચાનો તપાસ રીપોર્ટ કાલે જ મળી જાય એમ કરો. રીપોર્ટ પરથી ખબર પડી જશે કે ચામાં કોઇની ચાહને કારણે તવિકાએ ઝેર તો ભેળવ્યું ન હતું ને!"

ધીરાજીને ખ્યાલ આવી ગયો કે ઇન્સ્પેક્ટર ઠાકોરને તવિકા પર પાકી શંકા ઊભી થઇ છે.

બીજા દિવસે ઇન્સ્પેક્ટર ઠાકોર બધા જ રીપોર્ટ અને બયાન લઇને બેઠા.

ઇન્સ્પેક્ટર ઠાકોર છેલ્લે એવા મત પર આવ્યા કે મેવાનનું મોત આત્મહત્યા લાગતું નથી. તેમણે પોતાના તર્ક અને વિચાર રજૂ કરતાં કહ્યું:"ધીરાજી, તવિકાએ બહુ ચાલાકી કરી છે. તવિકાએ આપણાને જે ચા પીવડાવી એવી જ ચા પીને મેવાનનું મોત થયું છે. મેવાનને આટલી સરસ ચા બનાવતા આવડતું નહીં જ હોય. અને આદું, પુદીનો, મસાલો જેવી વસ્તુઓ તેને હાથવગી ન હોય. અને તે ક્યારેક જ ચા જાતે બનાવતો હોવાથી આટલી સારી તો ના જ બનાવી શકે. મતલબ કે તવિકાએ તેને ઝેર આપ્યું હોય શકે. તેના પર વધુ નજર રાખવી પડે. અત્યાર સુધી તો તેના ફોન કોલ્સ અને બીજી માહિતી પરથી તેના પર આરોપ મૂકી શકાય એમ નથી. એક કામ કરો. આજે જ તમે એના ફ્લેટની સામેના પેલા વૃધ્ધ દંપતીના ઘરના દરવાજા પર તેમને વિશ્વાસમાં લઇને લાઇટની બાજુમાં સીસી ટીવી કેમેરા ગોઠવી દો. આપણે તવિકા પર બાજ નજર રાખવી પડશે."

ધીરાજીએ ઇન્સ્પેક્ટર ઠાકોરના આદેશ પ્રમાણે સીસી ટીવી કેમેરા ગોઠવી દીધા અને સવારે એ જ રાત્રીના કલાકોના ફૂટેજ જોયા પછી તવિકા પરની શંકા મજબૂત બની ગઇ. ઇન્સ્પેક્ટર ઠાકોરના મગજમાં ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થવા લાગ્યું.

બે દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોરે બંસલ પાસેથી સત્ય ઓકાવી દીધું. તેની સાથે મળીને તવિકાએ મેવાનના મોતની સાજીશ રચી હતી. મેવાન માંદો રહેતો હતો અને તવિકાને તેની સાથે મજા આવતી ન હતી. ત્યારે સામે રહેવા આવેલા પરપ્રાંતિય યુવાન બંસલે તવિકાની તડપતી યુવાની અને એકલતાનો લાભ લઇ જાળ ફેલાવી. તેને પ્રેમમાં પાગલ બનાવી મેવાનનો કાંટો કાઢી નાખવા ચામાં ઝેર નાખવાનું કાવતરું તેણે જ રચી આપ્યું. મેવાન પાસે સારી મિલકત હતી એટલે બંને થોડા સમય પછી આ શહેર છોડી બીજા રાજ્યમાં જતા રહેવાના હતા. તવિકાએ હોંશિયારીથી કોઇ વાત કરી ચા બનાવવાની બધી જ વસ્તુઓના ડબ્બા મેવાન પાસે જ કઢાવ્યા હતા. એટલે તેની ફિંગર પ્રિંટથી તેણે ચા બનાવી હોવાનું સાબિત થઇ જાય. ઇન્સ્પેક્ટર ઠાકોરે જ્યારે તવિકાના પડોશીઓની પૂછપરછ કરી ત્યારે બંસલ પર શંકા ઊભી થઇ જ હતી. અને તવિકા વાત વાતમાં એક વાક્ય હિન્દીમાં બોલી ગઇ હતી. એટલે બંસલની સાથે હિન્દીમાં વાત કરવાની આદતની અસર વર્તાતી હતી. સીસીટીવી કેમેરા લગાવ્યા એ રાત્રે મોડેથી બંસલ ચોર પગલે તવિકાના ઘરમાં ગયો હતો. અને બે કલાક બાદ પાછો આવ્યો હતો. અડધી રાતે કોઇ પણ પુરુષ એકલી સ્ત્રીની સંમતિ વગર તેના ઘરમાં જઇ ના શકે. ઇન્સ્પેક્ટર ઠાકોરે સીસીટીવી કેમેરામાં કેદ થયેલી તેની કરતૂત બતાવીને જ બંસલને રીમાન્ડ પર લીધો હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરનો વાર બેકાર ના ગયો. બંસલે પોતાનો ગુનો કબૂલ કરી લીધો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તવિકાની પણ ધરપકડ કરી અને બંને વિરુધ્ધ ગુનો દાખલ કરી દીધો.

ઇન્સ્પેક્ટર ઠાકોર કેસની કાર્યવાહી પૂરી કરીને પોતાની ખુરશી પર બેઠા એટલે ધીરાજીએ કહ્યું:"સાહેબ, મસાલેદાર ચા પીવી છે ને?"

"ધીરાજી, તવિકા જેવી તો નહીં મળે. પણ મંગાવી લો! ચાને કારણે જ આ કેસનું સત્ય બહાર આવ્યું છે. કાલના અખબારની હેડલાઇન્સ કંઇક આવી હશે... "પરિણીતાએ પર પુરુષની ચાહમાં પતિની ચામાં ઝેર ભેળવી પતાવી દીધો."

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.