🌺 આરતીસોની 🌺
❣️ દીકરાનું જુઠ્ઠાણું❣️
"એય સાંભળો છો? જો વિક્રમ સંવંત ૨૦૭૪ નું વર્ષ પૂરું થશે.. આપણો વિવેક છેક અમેરિકાથી દિવાળી કરવા અહીં આવી રહ્યો છે અને ફરવા જવાનું કહેતો હતો, તે ફરવા ક્યાં જઈશું આપણે ?"
"ચારધામની જાત્રા કરવા જ સ્તો.."
"ના હવે તું યે શું.. જાત્રા કરવા જવાનું વિચારે છે. અમેરિકામાં રહેતો હોય એને ના ગમે આ જાત્રા બાત્રા ને બધું.."
"પણ આપણીયે હવે ઉંમર થવા આવી જાત્રા ક્યારે કરશું? એ હશે તો ટેકો રે'શે.."
"હશે .. ચાલને તારી ઇચ્છા છે તો એનો ફોન આવે એટલે એને જ પુછી લઈશું.."
ડોશીએ માંડી તૈયારીઓ દિવાળીની અને જાત્રાએ જવાની.. એનું એક ગીત ગાવા લાગી.. "આવને તું ઝટપટ એ દિવાળી..
ક્યાં રે તું સંતાણી..
સુગંધિત કરીએ એક એક ડાળી.."
ડોશો ડોશીના ગીતની ધૂનમાં હિંચકે ઝૂલી માણતા રહ્યા..
ડોશીએ પહેલાં તો સફાઈ આદરી માળિયાની અને વધારાનો સરસામાન ઓછો કરવાની તજવીજ હાથ ધરી, પણ સરસામાન બોલ્યો, 'હું ક્યાં તમને નડું છું? આ છોકરાને આવવાના હરખમાં મને શું કામ ઠેબે ચઢાવો છો? એક ખૂણામાં પડી રહેવા દ્યો ને!! ક્યારેક કામમાં આવીશ !!'
'ક્યારેક તમે એકલા હશોને ત્યારે આપણે ગુટરગુ કરશું..'
ડોશી વિચારવા લાગ્યાં, 'હાચી વાત છે.. એણે તો સાથ સહકાર આપ્યો છે અત્યાર લગી.. મેલ સાલ.. આગળ જતાંયે એજ સાથ આપશે..' એમ કરી હિંચકે ઝૂલતા ડોશા જોડે જઈને બેઠાં..
"જો મેં બધું પ્લાનિંગ કરી નાખ્યું છે.. વિવેક જેવો આવે બીજા દિવસે આપણે નીકળી જવાનું છે."
"અને આ હું શું કહું છું. હાભરો સો? નાસ્તામાં જોડે લઈ જવા તીખી પુરી અને મગસના લાડું બનાવી રાખું ? એને બહુ ભાવે સે."
"હા તે લઈ લેજો ને ક્યાં ભાર પડવાનો છે.. એને બિચારાને ક્યાં આ બધું ત્યાં ખાવા મળતું હોય !! અને હા જો એનો ફોન આવ્યો હતો, એને જાત્રાએ જવાની વાત કરી લીધી છે મેં. એણેય ખુશી ખુશી વાત માની લીધી છે, મોનાને પણ મજા આવશે કેતો'તો.."
ડોશી હરખાઈ ઉઠ્યાં, "હા હોં મજા તો પડશે. કેટલાં વર્ષો પછી દીકરા અને વહુને જોઈશું.. ને એમાંયે પાછી ચારધામની જાત્રા.. ઓહો.. હો.. ભાગ ખૂલી જ્યા સે આ સાલ તો હો.."
"ધનતેરસના દિવસે જ આવવાનો છે.. એ જેવો આવે આપણે દિવાળીને દિવસે નીકળી જઈશું.. આપણું બધું બુકિંગ એણે ત્યાં બેઠા બેઠા કરાવી લીધું છે.."
"ખોળિયાનું નવું રંગરોગાન થશે, ઉત્સવના માહોલમાં ઉલ્લાસ ઉમેરાશે, બધું જ નવું નવું.. સિવાય આપણે એના એ.."
અગિયારશ, વાક્ બારશ ને ધન તેરશ ગણત્રીથી દિવસો ને પછી કલાકો કાઢવાં લાગ્યા..
ધનતેરસના શુભદિને આખી હવેલીનો હરેક ખૂણો દીવાઓની રોશનીથી ઝળહળી ઉઠ્યો.. બેઉં ડોશા-ડોશી હરખઘેલા થઈ ભરપૂર તૈયારીઓ કરી દીધી. ધન્વંતરિ પૂજા પછી અડધી રાત્રે આવવાનાં હતાં.. ડોશા-ડોશીના પગ તો આજે નાના છોકરા માફક જાણે દોડાદોડ કરી રહ્યાં હતાં. હવે રાહ જોવાઈ રહી હતી દીકરા ને વહુની..
અને અડધી રાત્રે શાંતિના માહોલમાં રિંગ રણકી ઉઠી..
"ટ્રીન.. ટ્રીન.."
ડોશા દોડ્યા ફોન ઉપાડવા, આમેય દીકરો અને વહુ આવવાની ખુશીમાં પગમાં જોમ અને જોશ બેઉં આવી ગયાં હતાં..
"હેલો..."
"હેલો.. હા.. જય શ્રી કૃષ્ણ પપ્પા.."
"જય શ્રી કૃષ્ણ દીકરા.. આવી ગયાં?
"અમારાથી નહીં આવી શકાય પપ્પા.. મને લીવ નથી મળી.. અમારી ટીકીટો કૅન્સલ કરાવવી પડી છે.. કદાચ ક્રિશમસમાં આવતે મહિને આવી શકીશું.."
આવી વાત સાંભળીને ડોશાના તો પગ ઢીલાં ઢસ થઈ ગયાં અને આંખોમાં ઝળહળીયા ભરાઈ આવ્યા.
"હેલો.. પપ્પા સાંભળો છો ને..?
"હા દીકરા સાંભળતો હતો.. તારી વાત જ સાંભળતો હતો.." અને મનમાં સ્વયં બબડ્યા, 'અત્યાર સુધી એ જ તો કર્યું છે.. તમારા વિના રહેવાનું ફવડાવી દીધું છે.. પણ બેટા અમે જાત્રામાં એકલા કેમના જઈશું.? કોઈ ટેકણલાકડી તો જોઈશે ને?' છતાંયે ગળામાં બાઝેલા વેદનાંનો ડૂમો ગળેથી ઉતારતાં બોલ્યા,
"કંઈ વાંધો નહીં દીકરા.. મહિના પછી આવજો.. પણ, ચોક્કસ આવજો હો.. રાહ જોઈશું.. દીકરા તબિયત પાણી સાચવજો.."
"મૂકું પપ્પા અત્યારે કામ પર ઉતાવળમાં છું.. બાય.. મમ્મીને યાદી આપજો.."
ફોન મૂકાઈ ગયો.. ડોશાનું પડી ગયેલું મોઢું જોઈ ડોશી સઘળી બિના સમજી ગઈ હતી.. હવે છેલ્લી ઘડીએ આગલી રાત્રે જ ફોન આવ્યો, તૈયારીઓ બધી જ થઈ ગઈ હતી.. ડોશા-ડોશી હવે શું કરવું એ મુંઝવણમાં ચૂપચાપ સૂઈ તો ગયા પણ આજની રાત નિંદ્રા માટે નહીં!! પડખાં ઘસવા માટે જ સર્જાઈ હતી..
બીજો દિવસ બોલ્યા ચાલ્યા વિનાનો સૂમસામ જેમતેમ કાઢ્યો..
"એય સાંભળો છો ઘડીક અહીં મારી જોડે તો બેસો આવીને.. કે પછી મારાથી પણ રિસાઈ ગયાં છો.."
"આ જીવતર જીવવાની કુંજી પકડાવવામાં મારાથી કચાશ રહી ગઈ લાગે છે.. મારા ઘડતરમાં જ ક્યાંક ખોટ હશે.."
"હશે.. છોડો હવે આવા વિચારોના વમળો ના કરો.. સવારે આપણે સમયસર નીકળી જઈશું.. આપણી તૈયારી તો કરી લ્યો.."
"આ નાસ્તા શું કરવાનાં? વિચારું છું સામે ઝુંપડપટ્ટીમાં બાળકોને વહેંચી આવું.. એ તો ખુશ થશે બિચારા!!"
"આપણે કરીશું ને નાસ્તા.. કેમ વિવેક નથી આવવાનો તે આપણે નક્કોરડા આદરવાના છે?"
સવારે ટેક્સી સમય થતાં આવી ગઈ.. ને હળવે હળવે ડગુમગુ પગે ચાર પગ નીકળ્યાં.. એકલપંડે સ્વર્ગની શોધમાં નીકળેલા બેઉં ડોશા-ડોશીના મન પર તો અધમણનો ભાર હતો. ડોશાએ ડોશીને હાથ આપ્યો પણ ડોશીએ ધરાર હાથને આઘો કરી સ્નેહનાં ડૂમાને સંતાડ્યો. 'નાહક મનની ઢીલાશ ડોશલો જોઈ જશે, ને એ ઢીલો પડશેની બીકે હાથ ના ઝાલ્યો.. નસીબને કોસી રહેલી ડોશી વિચારવા લાગી, 'મારામાં જે વંટોળિયો ઉઠ્યો છે, એ કદાચ ડોસલામાંયે ઉઠ્યો જ હશે ને?...'
ટેક્સીમાં બેસીને ડોશાએ શૉફરને કહ્યું, "ચાલ ભાઈ જટ એરપોર્ટ લઈ લે.."
અત્યાર સુધી ફટાકડાના અવાજો મીઠા મધુરા લાગતાં હતાં, પણ હવે ડોશા-ડોશીને દૂર સુધી ફટાકડાના અવાજો ચિત્કારો ભર્યા કર્કશા લાગી રહ્યાં હતાં..
ડોશાએ ડોશીનો હાથ પકડી દિલાસો આપવા કહ્યું,
"તમારો રાજીપો હશે તો મારા પગ હળવા રહેશે !! ભાર સાથે મારાથી બહુ નહિં ચલાય !!''
"શું આ સંવેદના.. લાગણીઓ.. એમના અમેરિકામાંયે રાત્રિ રોકાણ તો કરતી જ હશેને ?"
"જાણું છું એનો નિર્ણય આપણને કઠ્યો છે, પણ કદાચ એની કોઈ મજબૂરી હશે.."
"એને ભણાવી ગણાવીને મોટો માણહ બનાવવાના કોઢમાં આપણે એને આપણી સંસ્કૃતિ ભણાવવાનું ભૂલી ગયા એવું લાગે છે.."
"એ બધું જવા દે.. તમે પેલું ગીત ગણગણાવતાં હતાં ને દિવાળીનું ?? એ ગાઓને આજે.. જરા મન હળવું થાય..!!"
ને ડોશી ઝીણાં ઝીણાં મધુર સ્વરે ગાવા લાગી..
આવને તું ઝટપટ એ દિવાળી..
તું ક્યાં રે.. સંતાણી.. એ મારી રાણી..
સુગંધિત કરીએ એક એક ડાળી..
આવને તું ઝટપટ એ દિવાળી..
તું ક્યાં રે.. લપાણી.. એ મારી રાણી..
ઓલા અંધારા ફગાવી..
આવને તું ઝટપટ એ દિવાળી..
અને એકબીજાની સામે જોઈને બેઉં ડોશા-ડોશી ખડખડાટ હસી પડ્યાં.. ડોશો બોલ્યો,
"આપણે એના એ નહીં.. પણ દર સાલ નવા નક્કોર છીએ આપણે.."
ને ત્યાંજ એરપોર્ટ આવીને ટેક્સી ઊભી રહી..
શૉફર બોલ્યો, "દાદા એરપોર્ટ આવી ગયું.."
જિંદગીમાં ક્યારેય એરપોર્ટ નહીં જોયેલું ડોશો ચશ્માંમાંથી ડાભલીઓ પહોળી કરી કરીને બહાર જોવા લાગ્યો..
"ભાઈ કેટલાં થયાં?"
"દાદા તમારે રૂપિયા નથી આપવાનાં.. એ તો ઓનલાઇન ચૂકતે થઈ ગયા છે.."
ડોશો-ડોશી એકબીજાની સામે આંખો ફાડી ફાડીને જોવાં લાગ્યાં..
"આ તે કેવી જાત્રા? કશે રૂપિયા નહીં દેવાનાં.."
એમ કહી ડોશીએ દરવાજો ખોલ્યો અને એક હાથ લંબાયો ડોશીનો હાથ ઝાલવા.. ડોશીએ હાથને આઘો ધકેલી એની સામે જોયું તો.. ડોશી ધ્રુજી ઉઠી.. સાતેય દરિયા એકસામટા છલકાઈ ઉઠ્યા ને બોલી ઉઠી,
"વિવેક ??"
"હા મમ્મી.. તમારી સાથે ચારધામની જાત્રા કરવા માટે.."
ડોશી તો ઝડપથી એનો હાથ પકડી ઉતરીને એને ને વહુને વળગી પડી..
બે હાથે નમસ્કારની મુદ્રામાં જોડીને વિવેક ઊભો રહ્યો,
"મમ્મી-પપ્પા હું ભલે અમેરિકામાં રહેતો હોઈશ પણ તમારા સંસ્કાર ભૂલ્યો નથી.. અમારે પણ તમારી જરૂર છે.. તમને દુઃખ થાય એવું ક્યારેય ન કરું એવાં આશિર્વાદ આપો.."
"તું આવવાનો જ હતો તો અમને જણાવાય નહીં? કોઈને દુઃખી કરવાના આવા સંસ્કાર તો નથી આપ્યાં અમે."
"પ્રકાશમાંથી ફોટોન કણોનું પોષણ વનસ્પતિને મળે એવું પોષણ તમારામાંથી મને મળે છે.. એટલે પોષણ માટેય આવવું એ તો પાક્કું હતું જ.."
"એક પ્રોપર્ટી ખરીદી બાબતે બહુ મોટું નુક્સાન થાય એવું હતું, એટલે આવવાનું કૅન્સલ કર્યું હતું.. પણ અચાનક એક સંવેદનાનો વંટોળિયો ઉઠ્યો અને બધું છોડીને ભાગી આવ્યો તમારી પાસે.. અને તમને ડાયરેક્ટ એરપોર્ટ મળવાનું જ નક્કી કરીને એક કલાકથી તમારી રાહ જોઈ અહીં બેઠો છું.. અને નવરો ધૂપ મમ્મીનું પેલું ગીત ગણગણાવતો હતો.. "આવને તું ઝટપટ એ દિવાળી.."
ખરાં અર્થમાં ડોશા-ડોશીની દિવાળી સુધરી ગઈ.. અને સુખે સુખે ચાર પગ નહીં પણ ચાર જણ સાથે ચાર ધામની યાત્રા કરી આવ્યા..
-આરતીસોની ©