Maare mahenatnu jaoiye in Gujarati Motivational Stories by Nirav Patel SHYAM books and stories PDF | મારે મહેનતનું જોઈએ...!!! (રમકડાં વેંચતા બાળકની એક હૃદયસ્પર્શી વાર્તા)

Featured Books
Categories
Share

મારે મહેનતનું જોઈએ...!!! (રમકડાં વેંચતા બાળકની એક હૃદયસ્પર્શી વાર્તા)

"મારે મહેનતનું જોઈએ...!!!"
લે. નીરવ પટેલ "શ્યામ"

ઘણા પછી રવિવારનો એક દિવસ મારા માટે ફ્રી મળ્યો હતો, સોમથી શનિ તો ઓફિસ જવાનું હોય અને મોટાભાગના રવિવાર કામમાં જ વીત્યા હતા. પરંતુ આ રવિવારે કોઈ કામ નહોતું જેથી મેં મારુ ગમતું કરવાનો વિચાર કરવાનો, જેના માટે મેં વિચાર્યું કે ઘણા દિવસથી મેં શું નથી કર્યું? અચાનક યાદ આવ્યું કે હું ઘણા સમયથી લૉ ગાર્ડન નથી ગયો. રવિવારનો દિવસ હતો તેથી ત્યાંનું વાતવરણ વધારે સારું હોય છે માટે મેં છેલ્લે ત્યાં જવાનો નિર્ણય કર્યો. મારા ફ્લેટમાં રહેતા બીજા મિત્રોને મેં ત્યાં આવવા માટે કહ્યું પરંતુ તેમને તો એ દિવસે આરામ કરવો હતો જેથી હું એકલો જ નીકળી ગયો.

સાંજના 4 વાગ્યા હશે, મેં ત્યાં આસપાસ ચાલવાનું શરૂ કર્યું, ત્યાં સરસ મઝાના છોલે કુલચા મળે, એ ખાવાનું પણ ઘણા દિવસથી મન થયું હતું જેથી આજે તો એ પહેલા જ ખાઈ લેવાનું વિચાર્યું. સીધો હું લો ગાર્ડન સામે ઉભેલી એક ગયો અને એક પ્લેટ છોલે કુલચાનો ઓર્ડર આપીને ઊભો રહ્યો. એજ સમયે એક બાળક રંગબેરંગી ભરેલા વિમાન અને બીજા રમકડાં લઈને મારી પાસે ઊભેલા બીજા લોકોને કહેવા લાગ્યો, "સાહેબ, એક રમકડું લઈ લો ને..!!, મેં કાલનું ખાધું નથી, બસ 20 જ રૂપિયાનું છે."

બીજા લોકોએ તરત તેને ધુત્કારી કાઢ્યો અને દૂર ભગાડી દીધો। તે છોકરો પણ કઈ જ બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. એ છોકરાના ગયા પછી મારી બાજુમાં ઉભેલા એ લોકો બોલવા લાગ્યા: "આ લોકોની તો આખી ગેંગ છે, આવી બાળકોને 2 રૂપિયાનું રમકડું લઈને 20 રૂપિયામાં વેચવા માટે મોકલી દે, લોકો લાગણીશીલ થઈને ખરીદી પણ લે. આ લોકોનો દિવસનો નફો આપણા પગાર કરતા પણ કેટલાય ઘણો વધારે હશે. સરકારે તો આવા લોકોને પકડીને જેલમાં જ પુરી દેવા જોઈએ."

હું કાંઈ બોલ્યો નહિ, ચુપચાપ એમને સાંભળી રહ્યો, મારા છોલે કુલચા પણ આવી ગયા, પરંતુ ખાતા ખાતા મારા મગજમાંથી પેલા રમકડાં વેચવાવાળા વિચારો ખસતાં જ નહોતા. "આ લોકો જે કહી રહ્યા છે એ સાચું છે કે પછી આ બાળક જે બોલતું હતું એ સાચું છે?" આજ વિચારોમાં છોલે કુલચાનો ટેસ્ટ પણ મને ફિક્કો લાગવા લાગ્યો. બે કુલચામાંથી એક જ કુલચા ખાઈ, પૈસા ચૂકવી અને તે બાળક જે દિશામાં ગયું હતું એ દિશામાં ચાલવા લાગ્યો, થોડે દૂર જઈને જોયું તો એ બાળક નિરાશ થઈને એક ખૂણામાં બેસી રહ્યું હતું, મને એના તરફ આવતો જોઈને એનામાં જાણે અનેરો ઉત્સાહ આવી ગયો હોય તેમ ઉભો થઈ ગયો અને કહેવા લાગ્યો: "સાહેબ, આ વિમાન લઈ લો ને! બસ 20 જ રૂપિયાનું છે."

એ બાળકનો ઉત્સાહ જોતા મારા ચહેરા ઉપર પણ એક મીઠી સ્માઈલ આવી ગઈ, મેં એને કહ્યું: "બેટા, મારે રમકડાંની કોઈ જરૂર નથી, હું તો એકલો રહું છું, રમકડા લઇ જઈને હું શું કરીશ?" મારો જવાબ સાંભળવા છતાં પણ તે બાળકે મને પાછી વિનંતી કરી, "સાહેબ લઈ લો ને!, મેં કાલનું ખાધું નથી, તમે તમારા ભત્રીજા કે બીજા કોઈ તમારા ઘરમાં નાનું છોકરું હોય એને આપી દેજો, પણ સાહેબ લઈ લોને બસ એક જ."

આ વખતે મને છોલે કુલચા ખાતા એ લોકો કરતા બાળકની વાતનો વિશ્વાસ વધારે આવી રહ્યો હતો. મેં એને પાકીટમાંથી 50ની નોટ આપતા કહ્યું કે "લે બેટા, તું કાંઈ ખાઈ લે, મારે રમકડાં નથી જોવતા, એ મારે કોઈ કામના નથી."

"ના સાહેબ, મારે મફતના પૈસા નથી જોવતા, એવા પૈસા તો હું ભીખ માંગીને પણ કમાઈ શકું છું, છતાં પણ હું આ રમકડાં વેચવાનું કામ કરું છું, જેથી મહેનત કરી અને કમાઈને ખાઈ શકું. જો આજે હું તમારી પાસેથી પૈસા લઈ લઈશ, તો કાલે પણ મને મહેનત કરવાનું મન નહિ થાય અને માંગીને જ ખાવાનું મન થશે, એટલે તમે આ રમકડાં લેવાના હોય તો જ હું તમારી પાસેથી પૈસા લઈશ."

એ ગરીબ બાળકની વાત સીધી મારા હૃદયમાં ઉતરી ગઈ, તેના માટે એક અલગ જ માન થવા લાગ્યું, મારા અત્યારે તે રમકડાં વેચતું બાળક નહિ પરંતુ એક સાધુ મહાત્મા હોય તેમ મને લાગી રહ્યું હતું. મારે રમકડાંની કોઈ જરૂર નહોતી છતાં પણ મેં એની પાસેથી બે વિમાન ખરીદી લીધા. એને પચાસ રૂપિયા આપતા વધેલા દસ રૂપિયા મેં એને રાખી લેવા માટે કહ્યું પરંતુ એને છુટ્ટા કરાવીને આપવાની જીદ પણ કરી. એ છુટ્ટા લેવા માટે એક દુકાન પાસે ગયો, મેં દસ રૂપિયા નથી લેવા એમ વિચારી ત્યાંથી આગળ ચાલ્યા જવાનું વિચારી ચાલવા લાગ્યો, થોડે દૂર પહોંચ્યો હોઈશ ત્યાં જ એ બાળક મારી પાછળ "સાહેબ.. ઓ સાહેબ..."ની બૂમો પાડતો પાડતો આવી રહ્યો હતો, મેં ભીડમાં ખોવાઈ જવા માટેનું પણ વિચાર્યું, પરંતુ મારી પાસે રહેલા એ બે વિમાન મારી ઓળખ દૂરથી પણ એની આગળ છતી કરતા હતા.

એ બાળક મારી પાસે દોડતું આવ્યું અને હાંફતા હાંફતા કહ્યું: "સાહેબ, લો આ તમારા દસ રૂપિયા, તમે લીધા વગર જ ચાલ્યા ગયા." મેં કહ્યું "એ તારા માટેના જ છે, એટલે જ હું જતો રહ્યો હતો." ત્યારે એ બાળકે મારી સામે હસતા હસતા કહ્યું: "ના સાહેબ, મહેનતનું એ મહેનતનું." મને ખરેખર તેના માટે માન થઇ આવ્યું, મારે પણ તેને માટે કંઈક કરવું હતું પરંતુ તેની ખુદ્દારી જોઈને મને તેને કઈ કહેવાનું પણ મન ના થયું, હું એને આગળ મારી જાતને પણ ગરીબ સમજવા લાગ્યો, છેલ્લે મેં એને એટલું જ કહ્યું: "બેટા, ભલે તું મારી પાસેથી પૈસા ના લઇ શકે, પરંતુ આપણે બે સાથે કઈ ખાઈ તો શકીએ ને? મને મોટાભાઈ માનીને મારી સાથે કાંઈક ખાઈશ?"

એ છોકરો પણ મીઠું મીઠું હસતા મને કહ્યું: "સારું સાહેબ બસ, હું ખાઈશ." મને પણ એની વાતથી ખુશી મળી, બાજુમાં જ રહેલી એક ચાઇનીઝની લારી ઉપર અમે બંને ગોઠવાઈ ગયા અને બે મનચ્યુંરીયનનો ઓર્ડર કર્યો, એ બાળકે પેટ ભરીને ખાધું, મને તો એને ખાતો જોઈને જ પેટ ભરાઈ ગયું હતું છતાં પણ એનું સ્વમાન ના ઘવાય એ માટે એની સાથે મેં પણ ખાઈ લીધું.

ખાઈને મારો આભાર માની એ બાળક હસતા હસતા રમકડાં વેચવા માટે ચાલી નીકળ્યો, મને પણ એને જોઈને એક ગજબની ખુશી મળી, મારા હાથમાં બે વિમાન હતા, એક લાલ અને બીજો ભૂરું. બંને લઈને જાણે એક ખુશીમાં હું એજ વિમાનમાં બેસી ઉડતો હોય એમ લાગી રહ્યું હતું. મને સમજાઈ રહ્યું નહોતું એ વિમાનનું હું શું કરું છતાં હું એને મારા હાથમાં રાખીને ચાલી રહ્યો હતો.

રસ્તામાં ચાલતા ચાલતા એક બાળકી તેની માતા સાથે ચાલી રહી હતી. કપડાના પહેરવેશ ઉપરથી તે પણ સામાન્ય ઘરના લગતા. એક બીજો વિમાન વેચવા વાળો સામે આવ્યો તો તેને બતાવીને એ બાળકી તેની મા આગળ જીદ પણ કરવા લાગી, પરંતુ પૈસાના અભાવે તેની મમ્મીએ તેને એ વિમાન અપાવ્યું નહિ હોય, પરંતુ એ બાળકી પાછું વળીને એ વિમાનવાળાને જોવા લાગી, પાછું જોતા જ એની નજર પણ મારા હાથમાં રહેલા એ વિમાન ઉપર પડી અને ઘણીવાર સુધી ચાલતા ચલતા ચલતા તે બાળકી વળી વળીને મારા હાથમાં રહેલા એ વિમાનને જ જોઈ રહી હતી, મેં મારા ચાલવાની ઝડપ થોડી વધારી અને એ બાળકી પાસે પહોંચ્યો, એ મા-દીકરીની આગળ જઈને મેં એ બંને વિમાન બાળકીના હાથમાં આપ્યા, એના ચહેરા ઉપર પણ એક અલગ જ ખુશી તરી આવી, એની મમ્મીએ લેવા માટેની ના પાડી પરંતુ મેં કહ્યું: "મારે આ કોઈ કામના નથી, મેં તો કોઈની ખુશી માટે ખરીદ્યા હતા, અને કિસ્મત પણ જુઓ એ આ દીકરીની પણ ખુશીનું કારણ બની ગઈ."

બંને વિમાન હાથમાં લઈને કુદતા કુદતા એ બાળકી પણ ખુશ થઇ ચાલવા લાગી, હું ત્યાં જ ઊભો થઇ ગયો. મારા મનમાં પણ એક અલગ જ ખુશી છલકાતી હતી, આ ખુશીને મારે પણ કોઈ સાથે વહેંચવી હતી પરંતુ કોઈ મારી સામે નહોતું, મારી આંખમાં ખુશીના તાજા જ ઉપસી આવેલા એ આંસુઓ સાફ કરીને હું મારા ફ્લેટ ઉપર પાછો જવા માટે નીકળ્યો.
લે. નીરવ પટેલ "શ્યામ"