જ્યાં લેવાને બદલે આપવાની ભાવના હોય ત્યાં બંને વ્યક્તિઓ ખુશ થઈ શકતી હોય છે.
એક બાર ટેન્ડર યુવતી અને રેસ્ટોરાંના ગ્રાહકનો અનોખો કિસ્સો
સુખનો પાસવર્ડ
આશુ પટેલ
સગા ભાઈઓ સંપત્તિ કે પૈસા માટે એકબીજાને કોર્ટમાં ઘસડી જતા હોય કે એકબીજાનું ખૂન કરવા માટે તૈયાર થઈ જતા હોય એવા સમાચારો અખબારોમાં પ્રકાશિત થતા રહેતા હોય છે એવા સમયમાં એક મધ્યમવર્ગીય અમેરિકન વેઈટ્રેસનો કિસ્સો જાણવા જેવો છે.
અમેરિકાના સ્પ્રિંગફિલ્ડ શહેરમાં કોન્વે’સ રેસ્ટોરાં એન્ડ લાઉન્જમાં બાર ટેન્ડર (શરાબના પેગ બનાવનારી વ્યક્તિ) તરીકે નોકરી કરતી ૨૫ વર્ષીય યુવતી ઓરોરા કેફર્ટને એક નિયમિત ગ્રાહકે લોટરીની બે ટિકિટ ટિપ તરીકે આપી.
એ ગ્રાહક ઓરોરાને એ રીતે ઘણી વાર લોટરીની ટિકિટ ટિપ તરીકે આપતો હતો. આ વખતે તેના હાથમાં લોટરીની ઘણી ટિકિટસ હતી. તેણે ઓરોરાને કહ્યું કે આમાંથી કોઈ પણ બે ટિકિટ પસંદ કરી લે.
ઓરોરાએ સ્મિત કર્યું અને બે ટિકિટ પસંદ કરી લીધી. એ બંને ટિકિટ ઓરેગોન લોટરીની હતી.
ઓરોરાને એ બે ટિકિટમાંથી પ્રથમ ટિકિટમાં પાંચ ડૉલરનું ઈનામ લાગ્યું. ઓરોરા મલકી પડી. તેને થયું કે ચાલો, પહેલી વાર પેલા ગ્રાહકે આપેલી લોટરીની ટિકિટમાં સમ ખાવા પૂરતું કંઈક તો મળ્યું. પણ ઓરોરાને ગ્રાહકે આપેલી બીજી ટિકિટમાં પણ ઈનામ મળ્યું. એ ઈનામ સત્તર હજાર, પાંચસો ડૉલરનું (એટલે કે આશરે સાડા અગિયાર લાખ રૂપિયાનું) હતું!
મધ્યમવર્ગીય ઓરોરા ખુશ થઈ ગઈ. તેને ઘણા સમયથી ઘર માટે સોફા ખરીદવો હતો અને બીજા નાના-મોટા ખર્ચ કરવા હતા, પણ બાર ટેન્ડર તરીકે તેને મળતી આવકમાંથી એ શક્ય બની શકતું નહોતું. ઓરોરાના મનમાં હિસાબ શરૂ થઈ ગયા. તેણે વિચાર્યું કે પોતે સોફા ખરીદશે અને બીજા નાના મોટા ખર્ચ કરશે તો પણ આમાંથી ખાસ્સી રકમ બચશે.
આવા વિચારો કરી રહેલી ઓરોરાને અચાનક યાદ આવ્યું કે આ ટિકિટ તો પેલા ગ્રાહકની છે. એટલે પોતે નૈતિક રીતે ઈનામના પૈસા તે ગ્રાહકને આપી દેવા જોઈએ.
પેલો ગ્રાહક નિયમિત રીતે લાઉન્જમાં આવતો હતો. ઓરોરાએ તેને કહ્યું કે આ ટિકિટના ઈનામ પર તારો અધિકાર છે એટલે લે આ ટિકિટ.
તે ગ્રાહક ઓરોરાનું માથું ભાંગે એવો નીકળ્યો. તેણે મલકાતા ચહેરે ઓરોરાને કહ્યું કે મેં તો તને ટિકિટ આપી દીધી હતી એટલે એના પર લાગેલું ઈનામ પણ તારું જ ગણાય. મને આમાંથી એક ડૉલર પણ ના ખપે!
બંને વચ્ચે મીઠી રકઝક થઈ. છેવટે ઈનામની રકમ હાથમાં આવી ત્યારે ઓરોરાએ જબરદસ્તી કરીને તે ગ્રાહકને એમાંથી અડધી રકમ આપી.
જ્યાં લેવાને બદલે આપવાની ભાવના હોય ત્યાં બંને વ્યક્તિઓ ખુશ થઈ શકતી હોય છે.