વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 141
મુંબૈયા અંડરવર્લ્ડ વિશે ધડાધડ માહિતી આપી રહેલા પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો વધુ એક પેગ બનાવવા માટે અને નવી સિગરેટ સળગાવવા માટે એક નાનકડો બ્રેક લીધો અને પછી અમને પૂછ્યું, ‘આપણે ક્યાં પહોંચ્યા હતા?’ પછી તેની આદત પ્રમાણે એના સવાલનો જવાબ સાંભળ્યા વિના જ તે હસ્યો અને તેણે ફરી વાત શરૂ કરી દીધી. જો કે આ વખતે તેણે વાતનું અનુસંધાન પકડવાને બદલે હસતા-હસતા સહેજ જુદી વાત કરી: ‘મેં તમને કહ્યું હતું એ વાતનું પુનરાવર્તન કરું છું કે ‘અરેબિયન નાઈટ્સ’માં તો માંડ હજાર વાર્તાઓ છે, મુમ્બૈયા અંડરવર્લ્ડમાં તો તમને વાર્તાઓને ટક્કર મારે એવી હજારો રિયલ લાઈફ સ્ટોરીઝ મળી આવે. આ જુઓ ને, અત્યાર સુધીમાં જ અમે તમને સેંકડો ‘વાર્તાઓ’ એટલે કે સાચી ઘટનાઓ કહી દીધી.’
થોડી આડીઅવળી વાતો કર્યા પછી ટકલાએ ફરી વાર આદતવશ પૂછી લીધું, “આપણે ક્યાં પહોંચ્યા હતા?’ અને પછી તેની બીજી આદત પ્રમાણે અમારા જવાબની રાહ જોયા વિના જ તેણે પોતાના જ સવાલનો જવાબ પોતે જ મેળવી લીધો હોય એમ વાતનો દોર સાધી લેતા અંડરવર્લ્ડકથા આગળ ધપાવી: ‘શકીલ અને તેના ભાઈ વચ્ચે દુશ્મની થઈ ગઈ હતી ત્યારે બીજી બાજુ દાઉદ અને શકીલને વધુ એક આંચકો લાગે એવા સમાચાર મળ્યા કે મુંબઈ પોલીસે એક પત્રકારની ધરપકડ કરી છે. કોઈ પત્રકારની ધરપકડથી દાઉદ અને શકીલને શા માટે ઝટકો લાગે એવો સવાલ તમારા મનમાં ઊઠ્યો હશે. એનો જવાબ એ છે એક એ પત્રકાર વાસ્તવમાં દાઉદ ગેંગનો એક ગુંડો જ હતો!
છોટા શકીલે મુંબઈ પોલીસની ગતિવિધિ પર નજર રાખવા માટે એક અનોખો નુસખો અજમાવ્યો હતો. તેણે એક ગેંગ મેમ્બર મોહમ્મદ સલીમ મોહમ્મદ અમીન શેખને પત્રકાર બનાવીને મુંબઈ પોલીસ પર નજર રાખવાનું કામ સોપ્યું હતું. પત્રકારના સ્વાંગમાં ફરીને દાઉદ ગેંગ માટે માહિતી એકઠી કરવાનું કામ સંભાળતો મોહમ્મદ સલીમ ઉર્ફે સલીમ એસટીડી ઉર્ફે સલીમ બાબા યુ.એ.ઈ.માં સૈનિક તરીકે ફરજ બજાવી ચૂક્યો હતો. આર્મિમાં કામ કર્યું હોવાથી તે અત્યાધુનિક શસ્ત્રો ચલાવી જાણતો હતો. 1995માં તે પાછો મુંબઈ આવી ગયો હતો અને તેણે મુંબઈના નાગપાડા વિસ્તારમાં એસટીડી બૂથ શરૂ કર્યું હતું. એ એસટીડી બુથ વાસ્તવમાં છોટા શકીલના સાગરીતોના અડ્ડા સમાન હતું. શકીલના માણસો ત્યાંથી જ દાઉદ અને શકીલ સાથે ફોન પર વાત કરતા હતા.
મોહમ્મદ સલીમનું નામ સલીમ એસટીડી પડી ગયું એની પાછળ તેનું એસટીડી બુથ કારણભૂત હતું. 1995માં દુબઈથી પાછા આવ્યા પછી થોડા સમયમાં જ મોહમ્મદ સલીમ માહિમમાં રાજન ગુપ્તા નામની વ્યક્તિની હત્યાના કેસમાં લૉકઅપભેગો થઈ ગયો હતો. એ કેસમાં જામીન પર છૂટ્યા પછી તેણે એસટીડી બુથ તેના સગાને ચલાવવા આપી દીધું અને તે એક હિન્દી અખબાર ‘દોપહર’માં જોડાઈ ગયો. ‘દોપહર’ના ક્રાઈમ રિપોર્ટર તરીકે તે બેધડક ગમે ત્યાં જઈ શક્તો હતો. સલીમ તેના મોબાઈલ ફોનથી શકીલ સાથે સંપર્કમાં રહેતો હતો. મુંબઈ પોલીસે સલીમ અને શકીલની ફોન પરની વાતચીત રેકર્ડ કરી એટલે પોલીસને ખાતરી થઈ ગઈ કે સલીમ છોટા શકીલ સાથે સતત સંપર્કમાં રહે છે અને તેને ઉપયોગી થાય એવી માહિતી પહોંચાડે છે. મુંબઈ પોલીસના મુખ્યાલયમાં કોઈ અધિકારીની પત્રકાર પરિષદ યોજાય એ પછી સલીમ તેના અખબારમાં રિપોર્ટ ફાઈલ કરવાને બદલે પત્રકાર પરિષદ પતે એ સાથે બહાર નીકળીને છોટા શકીલને ફોન કરતો અને પત્રકાર પરિષદમાં શું થયું એની માહિતી આપતો હતો.
એક વાર સલીમ એસટીડીના મોબાઈલ ફોન પરથી થતી વાતચીત સાંભળીને મુંબઈ પોલીસના અધિકારીઓ હેબતાઈ ગયા હતા. મુંબઈ પોલીસના એક ઉચ્ચ અધિકારીની અગત્યની પત્રકાર પરિષદ શરૂ થતા પહેલા સલીમે શકીલને કોલ કર્યો કે ‘હમણા પોલીસ હેડકવાર્ટરમાં પત્રકાર પરિષદ શરૂ થશે એટલે હું મોબાઈલ ફોન ચાલ રાખું છું. એ પછી તેણે અડધા કલાક સુધી મોબાઈલ ફોન પરથી એ આઈએસડી કોલ ચાલુ રાખ્યો અને કરાચીમાં પહેલા શકીલ અને પછી તેના એક ખાસ માણસે સ્પીકર ફોન પર એ પત્રકાર પરિષદમાં પત્રકારો અને ઉચ્ચ પોલીસ અધિકારીની તમામ વાતચીત સાંભળી હતી! સલીમ એસટીડીએ ઘણાં લાંબા સમય સુધી આ રીતે છોટા શકીલની સેવા બજાવી હતી પણ તેના મોબાઈલ ફોન પર થતી વાતચીત ટેપ થઈ એ પછી 4 એપ્રિલ, 2001ના દિવસે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી.
સલીમ એસટીડી મુંબઈ પોલીસના હાથમાં ઝડપાઈ ગયો એથી દાઉદ ગેંગને નુકસાન પહોંચ્યું. જો કે અન્ય અનેક પત્રકારો પણ દાઉદ સાથે સંકળાયેલા હતા. દાઉદ મુંબઈથી ઉચાળા ભરીને દુબઈ ગયો નહોતો ત્યારે મુંબઈના એક અંગ્રેજી દૈનિકે પહેલા પાને ‘દાઉદ ઈન દુબઈ’ શીર્ષક હેઠળ એવા સમાચાર છાપ્ચા હતા કે દાઉદ દુબઈ જતો રહ્યો છે. વાસ્તવમાં દાઉદ એ વખતે મુંબઈમાં જ હતો અને એ ‘સમાચાર’ છપાયા એ જ દિવસે તે પાકમોડિયા સ્ટ્રીટમાં તેની ઑફિસમાં એક જાણીતા ગુજરાતી પત્રકારને મળ્યો હતો! દાઉદને મોટોભા બનાવવાનું અને પોલીસને તથા પબ્લિકને ગેરમાર્ગે દોરીને દાઉદને મદદરૂપ બનવાનું પાપ મુંબઈના કેટલાક પત્રકારોએ અને કેટલાક અંગ્રેજી અખબારોએ પણ કર્યું હતું. મુંબઈ પોલીસના કેટલાંક લાંચિયા અને ભ્રષ્ટ અધિકારીઓ જેટલી જ મદદ કેટલાક અંગ્રેજી પત્રકારોએ દાઉદને કરી હતી. આવા પત્રકારોને કારણે એંસીના દાયકામાં મધ્યભાગમાં દાઉદની ઈમેજ ‘લાર્જર ધેન લાઈફ’ બની ગઈ હતી.
દાઉદને જેમની પાસેથી કામ કઢાવવું હોય તેમની સાથે તે એવી ભાષામાં વાત કરે કે સામેવાળો તેની વાક્ધારામાં તણાઈ જાય. દાઉદ પાસેથી શકીલ પણ આ સ્ટાઈલ શીખી ગયો હતો. કેટલાક પત્રકારો દાઉદ ગેંગ માટે કામ કરતા થઈ ગયા હતા. તેમને દાઉદ અને શકીલ ઉંમર પ્રમાણે ‘બચ્ચા’ કે ‘ભાઈ’ કે વધુ દોસ્તી જામી જાય તો ‘યાર’ કહીને બોલાવતા હતા. દાઉદ શકીલને ‘બચ્ચા’ કહીને જ બોલાવતો હતો એ રીતે શકીલ પણ તેના ઘણા સાથીદારોને ‘બચ્ચા’ સંબોધન કરતો થઈ ગયો હતો. શકીલ પત્રકારો સિવાય બીજા ક્ષેત્રના શિક્ષિત યુવાનોને પણ દાઉદ ગેંગમાં ખેંચી રહ્યો હતો. આવી રીતે શકીલે એસ્ટેટ એજન્ટ્સથી માંડીને ઈન્ટિરિયર ડિઝાઈનર્સ સુધીના માણસોને દાઉદ ગેંગમાં ખેંચી લીધી હતા. એમાં એક વ્યક્તિને તો બહુ વિચિત્ર રીતે દાઉદ ગેંગમાં પ્રવેશ મળી ગયો હતો.
પત્રકારનો સ્વાંગ ધરીને દાઉદ ગેંગ માટે માહિતી એકઠી કરનારા સલીમ એસટીડીની ધરપકડ પછી થોડા સમયમાં જ મુંબઈ પોલીસે દાઉદ ગેંગના ગુંડા મિરઝા આરીફ બેગની ધરપકડ કરી હતી. મિરઝા આરીફ બેગ દાઉદ ગેંગના શાર્પ શૂટર ફિરોઝ કોંકણીને સર જે.જે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પોલીસ ટીમને હંફાવીને ભગાવી ગયો હતો એ કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. મિરઝા આરીફ બેગ 1966માં દાઉદ ગેંગમાં જોડાયો એ પહેલા એસ્ટેટ એજન્ટ હતો અને દિવસના અમુક કલાક દરમિયાન તે અને તેની પત્ની શમીમ બેગમ ઘરમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા હતા. બન્યું એવું કે 1996ના જાન્યુઆરી મહિનામાં મિરઝા આરિફ બેગના પરિચિત એવા એક બિલ્ડરને છોટા શકીલે ખંડણી માટે ધમકાવ્યો. એ પછી બેગે હિંમતપૂર્વક શકીલ સાથે ફોન પર વાત કરી અને શકીલને ખંડણીની રકમ ઓછી કરવા માટે સમજાવ્યો.
બેગની વાકછટાથી શકીલ પ્રભાવિત થઈ ગયો અને તેણે ખંડણીની રકમ તો ઓછી કરી આપી પણ સાથે બેગને દાઉદ ગેંગમાં જોડાવાની ઑફર આપી દીધી અને એ ઑફર સ્વીકારીને બેગ દાઉદ ગેંગમાં ભરતી થઈ ગયો. બેગની ભરતી પછી થોડા સમયમાં તેની ગ્રેજ્યુએટ પત્ની શમીમ પણ દાઉદ ગેંગ માટે કામ કરવા માંડી.
બેગ દાઉદ ગેંગમાં જોડાયો એ પછી થોડા સમયમાં જ તેનું એટલું વર્ચસ્વ વધી ગયું કે દાઉદ ગેંગમાં તે મુંબઈના છોટા શકીલ તરીકે ઓળખવા માંડ્યો. મિરઝા આરીફ બેગની ‘પ્રગતિ’થી દાઉદ ગેંગના ગુંડાઓને તેની ઈર્ષા થવા માંડી હતી. બીજીબાજુ ખુદ છોટા શકીલ પણ બેગની ઈર્ષા કરવા માંડ્યો હતો. જો કે એનું કારણ જુદું હતું!’
(ક્રમશ:)