Time-travel: બેક ટુ ધ પાસ્ટ
પેન, કાગળ અને એકાગ્રચિત્ત મગજથી વાંચશો તો જાણે સોનામાં સુગંધ ભળી!!
૧- ઇસ.૨૦૭૬નું વર્ણન
વર્ષ ૨૦૭૬ ચાલી રહ્યું છે. ભારત અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, માનવ જગત ઘણી પ્રગતિ કરી ચૂક્યું છે, ચંદ્ર પર કુત્રિમ કોલોની બનાવીને રહેનારા મનુષ્યો હવે મંગળ પર રહેવાના પ્રયાસો કરી રહ્યા છે. ચંદ્ર પર માનવવસ્તી વધવાને કારણે ચંદ્ર ઓછો પ્રકાશ આપી રહ્યો છે. ચીને કુત્રિમ સૂર્ય બનાવ્યો છે જેથી તે સૌરઊર્જા નો વધારે મા વધારે ઉપયોગ કરી શકે. ભારતમાં હવામાં ઉડતા વાહનોથી ચારેબાજુ આકાશમાં ટ્રાફિક જામ નજર આવે છે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદ થી નાનામાં નાના કામો એક કલિકથી રોબોટ દ્વારા કરવામાં આવે છે.બસ આવા રોજિંદા કાર્યો વડે ૨૦૬૭નું વર્ષ અશ્વ ઝડપે આગળ વધી રહ્યું છે
૨. ગાયબ!
મારી બાજુના ટેબલ પર ટિંગાડેલું કેલેન્ડર ૨૨ જુલાઈ ૨૦૭૬ બતાવી રહ્યું છે. સમય ૨:૩૦ થયો છે. હું ૨૧ વર્ષનો, કોલેજ પૂરી થઈ ગઈ હોવાથી હું "દુનિયાની અજાયબીઓ" નામનું પુસ્તક વાંચી રહ્યો હતો. હું વાંચતો હતો ત્યાં અચાનક રસોડામાંથી વાસણ પાડવાનો અવાજ આવ્યો, મે રસોડામાં જઈને જોયું તો કોઈ ન હતું ! પછી હું મુખ્ય કક્ષમાં ગયો અરે! ત્યાં પણ કોઈ ન હતું ! તો પછી મારો ભાઈ અને મમ્મી ક્યાં ગયા ?
મે મારા ઘરની બહાર જઈને જોયું તો સ્તબ્ધ થઈ ગયો ! ભરચક રસ્તાઓ સૂમસામ ! ટાંકણી પડે તો પણ અવાજ આવે ! આટલી નીરવ શાંતિ ? આ સમયે રસ્તાઓ પર હોર્ન નો અવિરત રણકાર સંભળાતો હોય, આકાશમાં ઉડતા વાહનો સાયરન બજાવતા હોય, રોબોટ તીણા અવાજોથી પોતાનું કામ પૂરું થઈ ગયું છે એનો સંકેત આપતા હોય,પક્ષીઓ વૃક્ષોની અંદર ભરાઈને કિલ્લોલ કરતા હોય! પણ આ શું ! આજે ચારેબાજુ નીરવ શાંતિ વ્યાપી હતી! શાંતિની વાત તો દૂર પણ દૂર દૂર સુધી કોઈ પણ મનુષ્ય નજર આવતો ન હતો ! બધા મનુષ્યો અચાનક ગાયબ થઈ ગયા ?! મારા શરીરને કાપો તો લોહી ન નીકળે એવી મારી હાલત થઈ ગઈ. જાણે ભગવાને મને એકલો જ આ પૃથ્વી પર અવતર્યો હોય એવું લાગ્યું! બધા મનુષ્યો આમ અચાનક ગાયબ થઈ ગયા હોવાથી મને ઘણું અજીબ લાગ્યું.
જાણે ભગવાને મને ઉચકીને એક અલગજ દુનિયામાં ફેકી દીધો હોય એવું લાગતું. ૧૪ દિવસે ઘરનો ખાવા પીવાનો સામાન ખૂટી પડ્યો હવે મારે બહાર જવાનું હતું ! મે બહાર જવા રાત નો સમય પસંદ કર્યો કેમ કે જો કોઈક મનુષ્ય જીવતો હોય તો રાતે તેના ઘરની લાઈટ ખુલ્લી હોય તો આસાનીથી એની ભાળ મળી શકે એમ હતું.
હું એ સૂમસામ રસ્તા પર મારી બાઈક હંકારી રહ્યો હતો દૂર દૂર સુધી કોઈના ઘરની લાઈટ દેખાતી ન હતી, જાણે સ્મશાનમાં આવી ગયો હોઉં એવો ભાસ થતો હતો. થોડે દૂર ગયા પછી મને એક ઘરમાં લાઈટ ખુલ્લી દેખાઈ ! મારા જીવમાં જીવ આવ્યો અને હું વાહન પરથી ઉતરી, ઉત્સાહથી દોડતો એ ઘરની બારી પાસે ગયો. અંદર જોયું તો મારા ધડકનો વધી ગયા ! મારી સાથે નિશાળે ભણતી “પ્રાચી” પુસ્તક વાંચી રહી હતી! ધોરણ ૯ માં મારી સાથે ભણતી પ્રાચી અત્યારે મારી આંખો સામે !
૩. અવિસ્મરિત યાદો
""ભૂતકાળની બધી વાતો સ્મૃતિપટ પર ઉભરી આવી. શાળામાં ધોરણ ૯ નો પહેલો દિવસ હતો, હું એ દિવસે વર્ગમાં વહેલો આવીને બેસી ગયો હતો આખો હું એ શાળામાં નવો દાખલ થયેલો તેથી મારું કોઈ મિત્ર ન હતું. હું એકલો મારી બેન્ચ પર બેઠો હતો અને લોકો મસ્તી કરતા હતા એ મુક ચહેરે જોયા કરતો હતો, ઍવામાં પ્રાચી એ વર્ગમાં પ્રવેશ કર્યો, અનાયાસે મારી નજર પ્રાચી સમક્ષ ગઈ, સુંદર ચહેરો, કોમળ વાળ, લાંબુ અણીયારુ નાક અને ઘઉંવર્ણો રંગ ! પ્રાચી ને જોતા જ મારા મુખેથી "વાહ" શબ્દ ઝરી પડ્યો ! બધી પાટલીઓ પર વિદ્યાર્થીઓ ગોઠવાઈ ગયા હતા અને મારી બાજુમાં જગ્યા ખાલી હતી! એ મારી નજીક આવી અને બોલી "શું હું અહી બેસી શકું ? " ઓહ માય ગોડ ! આટલો કોમળ અવાજ ? જાણે ભગવાને બધા ગુણો તેણી માં ઠસોઠસ ભરી દીધા હોય એમ લાગ્યું! મારા ધબકારા મને સંભળાઈ રહ્યા હતા અને મારા ઉભા રૂંવાટા સાથે મે "હા" કીધું. તેણી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો "તમે આ શાળામાં નવા છો?" આમ અમારી વચ્ચે વાતો થઈ અને અમે સારા મિત્રો બની ગયા. બીજા દિવસથી શિક્ષક દ્વારા નક્કી થયેલી બેઠકો પર બેસવાનું હતું અને ત્યારથી અમે અલગ પડી ગયા. હું તેણીનું નિર્દોષ હાસ્ય રોજ જોતો અને ધન્યતા અનુભવતો! એ ક્યારેક ગેરહાજર રહેતી તો મારો આખો દિવસ મૂડ ઓફ રહેતો ! ખાસ કરીને હું તેણીનું અપ્રિતમ સુંદર મુસ્કાન જોવા જ શાળાએ આવતો !! અમારી બે આંખોનું મિલન અને તેણીનું નિર્દોષ હાસ્ય જોઈને જાણે મારા શરીરમાં ચેતનાની સ્ફૂર્તિ થતી ! પરંતુ કોઈ કારણોસર પ્રાચીએ ધોરણ ૯ પછી બીજી શાળામાં એડમીશન લીધું હતું તેથી અમે જુદા પડ્યા પરંતુ તેણી પ્રત્યેની લાગણી મારા હૃદયમાં જીવંત હતી"
આજે લગભગ ૬ વર્ષ પછી પ્રાચી તેના ઘરમાં પુસ્તકો વાચી રહી છે! મે ધબકતા હ્રદય એ બૂમ પાડી "પ્રાચી" ! ધ્રાસકો પડ્યો હોય એમ તેણીએ પાછળ જોયું અને જાણે એનું કોઈ સ્વજનનું વર્ષો પછી મિલન થતું હોય એમ એ ખુશીથી મારી તરફ ઘસમસતી દોડતી આવી અને મને ગળે વળગી પડી ! એના અને મારા હૃદયનું મિલન થવાથી જાણે હું બીજી સ્વર્ગીય દુનિયામાં ધકેલાઈ ગયો હોઉં એવો કલ્પિત અહેસાસ થયો! એના સુવાળા વાળનો સ્પર્શ,એના શરીરમાંથી મંદ મંદ મહેકતી ખુશ્બુ ! હું અત્યારે સ્વર્ગનો અહેસાસ કરી રહ્યો હતો!
પછી અમે બંનેએ બહુ વાતો ચર્ચા વિમર્શ કર્યો મે એને એના જીવિત રહેવાનું કારણ પૂછ્યું, એને સમગ્ર બીના કહી, કીધું "હું ૨૨ જુલાઈ ૨૦૭૬ ના રોજ ૨:૩૦ વાગ્યે ઘરની બહાર સ્વિમિંગ પુલમાં નાહવા ઉતરી હતી અને હું તળિયે અંડરવોટર સ્વિમ કરી રહી હતી લગભગ ૧ મિનિટ ૨૫ સેકન્ડ બાદ હું ઉપર આવીને જોયું તો એકદમ સન્નાટો ! કોઈ નજર ચડતું ન હતું અચાનક બધા સજીવ ગાયબ ! પ્રાચીની હકીકત સાંભળી હું પણ અચંબામાં પડી ગયો. તેણીએ મારી હકીકત પૂછી, મે કીધુ " હું તો ૨૨ જુલાઈ એ ૨:૩૦ વાગ્યે ઘરના ટેબલ પર ' દુનિયાની અજાયબીઓ ' નામનું પુસ્તક વાંચી રહ્યો હતો,હું કેમ જીવંત રહ્યો એ મને પણ ખબર ન હતી. મારા જીવિત રહેવા પાછળનું કારણ શોધવું ખૂબ જરૂરી હતું અને મુશ્કેલ હતુ.
૪. ઇસ. ૨૦૯૧માં
ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને વર્ષ ૨૦૯૧ આવ્યું હું ૩૬ વર્ષનો થયો! હું અને પ્રાચી એક બગીચાના બાકડા પર ગુમસુમ ઉદાસ બેઠા હતા એવામાં એક શખ્સ, શાલ થી પૂરેપૂરો ઢંકાયેલો, આશરે ૬૦ વર્ષનો અમારી સામે આવ્યો!! અમે તેમણે જોઈને નવાઈ પામ્યા અમારી સાથે બીજું પણ કોઈક વ્યક્તિ જીવતું છે! અમે તે સજ્જન પાસે આશાભરી નજરે જોવા લાગ્યા પેલા સજ્જને કીધુ કે "આ દુનિયામાં "time-travel" દ્વારા પાછા ભૂતકાળમાં જઈ શકાય છે તમે time-machine બનાવવાનો પ્રયત્ન કરો" એમ કહીને એ સજ્જન અચાનક દોડતા દોડતા એક મકાન પાછળ સંતાઈ ગયા અમે ત્યાં તપાસ કરી તો કોઈ ન હતું ! એ સજ્જન પણ અચાનક ગાયબ થઈ ગયા હતા!
પરંતુ તેમની વાત સાચી હતી, time travel દ્વારા ભૂતકાળમાં જઈ શકાય છે! સહુથી મોટું રહસ્ય એ હતું કે હું કેમ બચી શક્યો ? મને આજસુધી ખબર નહોતી પડતી કે હું શા કારણે જીવિત રહ્યો! તેથી મારે time-travel કરીને મારા સજીવન રહેવા પાછળનું કારણ જાણવું હતું. મનવજગત અને પ્રાણી- પક્ષી જગત ગાયબ થયા હતા અને રોબોટ્સ હયાત હતા. ફક્ત સજીવોનો નાશ થયો હતો કુત્રિમ રોબોટ હમણાં મૃતઃપ્રાય સ્થિતિમાં સ્થિર સ્થિતિમાં પડ્યા હતા કારણકે એમને ઓર્ડર આપવાવાળુ કોઈ ન હતું! મને વિચાર આવ્યો કે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ ની મદદ દ્વારા time machine બનાવી શકાય છે.હું અને પ્રાચીએ બધા રોબોટ activate કર્યા અને time-machine ની શોધ આદરી.
૫. Time machine ની શોધ
અમારું આ અવિરત કાર્ય છેક ઇસ.૨૧૧૫ માં પૂર્ણ થયું. Time machine બનતા ૨૪ વર્ષ લાગ્યા હતા! મારી ઉંમર ૬૦ વર્ષ થઈ હતી. હવે time-machine મારી આંખો સામે હતું! ઊડતી રકાબી જેવું એ machine હતું! એ મશીનને પ્રકાશની ઝડપ કરતા વધારે ગતિથી ઉડાવવામાં આવે તો એ અચાનક ભૂતકાળમાં પ્રવેશ કરતું! પહેલી વાર machine બન્યું હતું તેથી તેની એક વાર ટ્રાયલ કરવી જરૂરી હતી, અમને પણ નહતી ખબર કે આ machine ખરેખર ભૂતકાળનો સફર કરશે કે નહિ, તેથી પ્રારંભમાં હું એકલા એ જ machine માં બેસવા મુનાસીબ માન્યું. મનુષ્યો અચાનક ગાયબ થયા હોવાથી ઓકિસજન વાયુનું પ્રમાણ અતિરેક હદે વધ્યું હતું કારણકે શ્વાસમાં ઓકિસજન લેવામાટે મનુષ્યો હયાત ન હતા,તેથી ઇસ ૨૦૭૬ થી ૨૧૧૫ સુધીના ૩૯ વર્ષોમાં વાતાવરણમાં ઓકિસજન નું પ્રમાણ વધી જવાથી વનસ્પતિ જગતનો ફૂલ્યોફાલ્યો વિકાસ થયો હતો તેથી ૩૯ વર્ષોમાં ભારતભરમાં “હિમયુગ”ની શરૂઆત થઈ ચૂકી હતી એટલે મેં મારું આખું શરીર ગરમ વસ્ત્રોથી ઢાંકી દીધું. પહેલી વાર હું time-machine માં બેસ્યો હતો તેથી હું રોમાંચ અનુભવતો હતો!
૬- બેક ટુ ધ પાસ્ટ
મારો Time-travel કરવાનો ખરો ઉદ્દેશ્ય મારી હયાતી નું કારણ જાણવાનો હતો તેથી જે વર્ષે મનુષ્યો ગાયબ થયા એ વર્ષ અર્થાત્ ઇસ ૨૦૭૬ ૨૨ જુલાઈ નો સમય સેટ કર્યો. OK નું બટન દબાવ્યું ત્યાં અચાનક ઊડતી રકાબી જેવું time-machine હવામાં અધ્ધર થયું અને તીવ્ર પ્રકાશની ગતિએ સફર કરવા લાગ્યું!! મે સેટ કરેલા સમય પર જોયું તો મારા શ્વાસ અધ્ધર થઈ ગયા! મે ભૂલમાં ૨૦૭૬ સેટ કરવાને બદલે ૨૦૯૧ સેટ કર્યું હતું!! આ કેવી વિટંબણા ! ૧ મિનિટના પ્રકાશવેગી ઝડપ ના અંતે હું ૨૦૯૧ ની ધરતી પર પહોંચ્યો ! અતિ ઝડપથી ગતિ કરવાને લીધે મારું મગજ થોડી વાર માટે ભાન ગુમાવી બેઠું હતું તેથી હું નીચે ઊતર્યો અને આરામ મળે એ હેતુથી ચાલવા લાગ્યો. ત્યાર પછી મે જે દૃશ્ય જોયું તે મારા માનવામાં ન આવી શકે એવું હતું! મે જોયું કે "૩૬ વર્ષીય હું પોતે" અને પ્રાચી એક બાકડા પર ઉદાસ બેઠા હતા!! હું મારું જવાનીનું રૂપ જોઈ રહ્યો! મને લાગ્યું કે આ બે આમ ઉદાસ બેસી રહેશે તો કશું નહિ થાય તેથી હું એની નજીક ગયો અને ફક્ત એટલું કીધુ “આ દુનિયામાં "time-travel" દ્વારા પાછા ભૂતકાળમાં જઈ શકાય છે તમે time-machine બનાવવાનો પ્રયત્ન કરો” આમ કહીને હું જલ્દીથી મકાન પાછળ સંતાઈ ગયો જ્યાં મારું time-machine પડ્યું હતું અને જલ્દીથી time ગોઠવ્યો ૨૨ જુલાઈ ૨૦૭૬(જે દિવસે મનુષ્યો ગાયબ થઈ ગયા હતા એ દિવસ) અને OK નું બટન દબાવ્યું. હું એ time-machine માં હતો ત્યારે મને ખબર પડી કે જ્યારે હું ૩૬ વર્ષનો હતો અને હું પ્રાચી સાથે બાકડા પર ઉદાસ બેઠો હતો ત્યારે જે ૬૦ વર્ષીય વૃદ્ધ અમારી પાસે આવ્યા હતા એ કોઈ બીજું નહિ પરંતુ હું પોતે જ હતો !! વાહ! પ્રભુની લીલાને કોણ સમજી શકે? ૧ મિનિટના પ્રકાશવેગ પછી મારું યાન ૨૨ જુલાઈ ૨૦૭૬ ૧:૦૦ P.M ના સમયમાં ઊતર્યું.
૭- રહસ્યનો ઘટસ્ફોટ
હું ૬૦ વર્ષનો, હવે ૨૦૭૬ ના વર્ષમાં છું અને મારું ઘર શોધતા શોધતા બપોરના ૨ વાગી ગયા. મે ઘરની બારીમાંથી છૂપાઈ ને જોયું તો “૨૧ વર્ષીય હું” ટેબલ પર પુસ્તક વચી રહ્યો હતો! એક તરફ ૬૦ વર્ષીય હું અને બીજી તરફ ૨૧ વર્ષીય હું!! મારો સુંદર દેખાવ, સ્ફૂર્તિલું,ખડતલ શરીર જોઈને ઘણો આનંદ થયો. મને હજુ પણ યાદ હતું કે જ્યારે હું ૨૧ વર્ષનો હતો ત્યારે આ દિવસે ૨:૩૦ વાગ્યે રસોડામાંથી વાસણ પડવાનો અવાજ આવ્યો હતો તેથી ૨:૩૦ ના સમયગાળામાં જ કશું થયું હોવું જોઈએ. હું અધીરાઈથી ૨:૩૦ નો ઈન્તેજાર કરવા લાગ્યો જેવી ૨:૨૦ થઈ ત્યારે કોઈક ૨૬ વર્ષીય યુવાન એ મારા ખભા પર ધીરેથી હાથ મૂક્યો! હું ચીસ પાડવા હતો હતો ત્યાં જ એ યુવાને મારું મોઢું બંધ કરી દીધું અને કીધુ “૨:૨૮ થી ૨:૩૦ વચ્ચેના સમયની હવા શ્વાસમાં લેવી નહિ” અને તે યુવાન દોડતો દોડતો ઝાડ પાછળ સંતાઈ ગયો! મને લાગ્યું કે આ યુવાનને પણ ભવિષ્યમાં શું થશે એની ખબર હોવી જોઈએ તેથી તે મને ૨:૨૮ થી ૨:૩૦ વચ્ચે શ્વાસ ન લેવાનું કહી રહ્યો હતો! હું દોડતો દોડતો તેની પાછળ જવા જતો હતો ત્યાં મારી નજર રૂમ અંદર ટેબલ પર પડેલા ઘડિયાળ તરફ ગઈ, એ ઘડિયાળ ૨:૨૭ નો સમય બતાવી રહ્યું હતું! હું મારા જીવિત રહેવાનું કારણ જાણવા છેક ઇસ ૨૧૧૫ થી અહી આવ્યો હતો તેથી મે પેલા યુવાનનો પીછો છોડી બારી નજીક આવ્યો અને એક ઊંડો શ્વાસ લીધો જે ૨ મિનિટ સુધી રોકાઈ શકે. મે જોયું તો ૨૧ વર્ષનો હું, આરામથી ટેબલ પર પુસ્તક વાંચી રહ્યો હતો ધીરે ધીરે ૨:૩૦ થઈ છતાં “૨૧ વર્ષીય મને” કશું થયું ન હતું! ૨ મિનિટનો શ્વાસ રોકવો ભારે મુશ્કેલ ભર્યો લાગ્યો જેવી ૨:૩૦ થઈ કે તરત રસોડામાંથી વાસણ પાડવાનો અવાજ આવ્યો અને “૨૧ વર્ષનો હું”ને, ઊઠીને રસોડા તરફ દોડતો જોયો. મને કશું ખબર પડી નહિ શા કારણે “૨૧ વર્ષીય હું” પોતે જીવિત રહ્યો? જ્યારે “૨૧ વર્ષીય હું” રસોડામાં ગયો ત્યારે મે ધીરેથી બારી વાટે રૂમમાં પ્રવેશ કર્યો અને પુસ્તક પર જોયું તો આભો બની ગયો !!
એ પુસ્તક પર એક વાક્ય લખેલું હતું “ મનુષ્ય વધારેમાં વધારે ૩ મિનિટ સુધી શ્વાસ રોકી શકે છે”
અને હવે મને યાદ આવ્યું કે જ્યારે હું ૨૧ વર્ષનો હતો ત્યારે આ વાક્ય વાંચીને મે પ્રયોગ કરવા ખાતર “૨ મિનિટ સુધી શ્વાસ રોકી રાખ્યો હતો!!!!”
ગજબનો યોગાનુયોગ !!!
---------- સમાપ્ત ---------
પેલો ૨૬ વર્ષીય યુવાન કોણ હતો ?
કેમ ૨ મિનિટ ના શ્વાસ લેવાથી મનુષ્યો ગાયબ થઈ ગયા ?
ત્યાર પછી શું ?
આપ વાચકમિત્રોને મારી પહેલી કૃતિ પસંદ પડશે તો બીજો ભાગ અવશ્ય પ્રકાશિત થશે.
આભરસહ
-અબ્બાસ “પાર્થિવ”