Ease of Doing Business - 2020 in Gujarati Short Stories by Uday Bhayani books and stories PDF | ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ - ૨૦૨૦

Featured Books
Categories
Share

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ - ૨૦૨૦

વ્હાલા વાચક મિત્રો,

પ્રથમ તો આજથી શરૂ થતાં ૨૦૨૦ના ઇશુના નવા વર્ષ નિમિતે બધાને શુભ કામનાઓ…

મિત્રો, આજથી એક નવા વર્ષમાં પ્રવેશની સાથે એક નવા દશકાની પણ શરૂઆત થઇ છે. વર્ષ – ૨૦૧૯ આર્થિક ક્ષેત્રે જોઇએ તો, થોડી મિશ્ર પરિસ્થિતિ વાળું રહ્યું. દેશ આર્થિક ક્ષેત્રે ઘણી બાબતોમાં અગ્રેસર રહ્યો, તો ઘણી બાબતોમાં પીછેહઠ જોઇ. પછી તે વિદેશી રોકાણોમાં વધારો હોય કે શેર બજારમાં તેજી હોય. કોર્પોરેટ કરમાં રાહત હોય કે રીઅલ એસ્ટેટ ક્ષેત્ર અને બેંકિંગ ક્ષેત્રને પ્રોત્સાહક પેકેજ હોય. તેનાથી વિપરીત જોઈએ તો, જીડીપીમાં ઘટાડો હોય કે બેરોજગારીનો વધતો દર હોય. ઓટોમોબાઇલ ક્ષેત્રની ભયંકર મંદી હોય કે ઘટતી જતી ઘરેલું માંગ હોય. રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સહિત વિવિધ આર્થિક ક્ષેત્રની વિશ્વસનીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સી ઉપરાંત લોકોનો વિશ્વાસ ઘટ્યાના તારણો છે, તો બીજી બાજુ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનો સુધરેલ ક્રમ છે. આ બધી અનુકૂળતા-પ્રતિકૂળતાઓ વચ્ચે સરકાર તેના પક્ષે અથાક પ્રયત્નો કરી રહી છે અને આશા રાખી એ કે નવું વર્ષ આ બધી નકારાત્મકતાઓથી પર કરી આપણને એક સુખદાયી સમય આપે. મિત્રો, જ્યારે આપણે આ અસમંજસ વાળી સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છીએ, ત્યારે આર્થિક ક્ષેત્રે હકારાત્મક તેવો વિશ્વ બેંકનો “ડુઈંગ બિઝનેસ” પ્રોજેક્ટનો વર્ષ ૨૦૨૦નો ૧૭મો અહેવાલ આપણી સામે છે, તેના વિશે ચર્ચા કરીએ.

મારા અગાઉના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (Ease of Doing Business – EoDB) પરના લેખોમાં આપણે જોયું હતું કે, વિશ્વભરમાં વિવિધ દેશોના વ્યવસાય માટેના નિયમનકારી વાતાવરણને સમજવા અને તેને સુધારવા તથા વૈશ્વિક કક્ષાના બનાવવાનો ઉદ્દેશ્ય પૂરો કરવાના મુખ્ય આશય સાથે વિશ્વ બેંક (વર્લ્ડ બેંક) દ્વારા “ડુઇંગ બિઝનેસ” પ્રોજેક્ટ અંતર્ગત વ્યવસાયી નિયમનમાં સુધારાઓ માટે હેતુલક્ષી માપદંડો સુચવવામાં આવે છે. આ અભિયાન હેઠળ સભ્ય દેશોના અર્થતંત્રમાં નવો ધંધો શરૂ કરવા અને તે ચલાવવા નિયમનકારી વાતાવરણ એટલે કે, જે-તે દેશના કાયદા અને નિયમોની જોગવાઇઓનો અભ્યાસ કરવામાં આવે છે, તેને સમજવામાં આવે છે અને દરેક સભ્ય દેશનું અર્થતંત્ર વિશ્વ કક્ષાનું બને અને તેનો વધુમાં વધુ વિકાસ થાય તેવા હેતુ સાથે જરૂરી સૂચનો કરવામાં આવે છે. ત્યારબાદ આ સૂચનો અને સુધારાઓની અમલવારીનું સર્વેક્ષણ પણ કરવામાં આવે છે. સભ્ય દેશોના અર્થતંત્રમાં એવા સુધારાઓ સુચવવામાં અને તેનું અમલીકરણ કરવા આગ્રહ રાખવામાં આવે છે, જેથી તેઓના દેશમાં નવા ધંધા-વ્યવસાય શરૂ કરવા સરળ બને, તેને ચલાવવામાં અનુકૂળતા રહે, વધુ ધંધા-વ્યવસાય શરૂ થતા વધુ રોજગારીની તકો ઉભી થાય, જેના પરિણામ સ્વરૂપ નાગરિકોની માથાદીઠ આવકમાં વધારો થાય અને આમ, દેશનો સર્વગ્રાહી અને સાતત્ય પૂર્ણ વિકાસ થાય.

વિશ્વ બેંક દ્વારા આ પ્રોજેક્ટ વર્ષ – ૨૦૦૨માં અમલમાં મૂકવામાં આવેલ હતો. વિશ્વ બેંક વિવિધ દેશોના નક્કી કરેલા શહેરોનો સુચવેલા માપદંડો આધારિત અભ્યાસ કરે છે. સામાન્ય રીતે દરેક દેશનું સૌથી મોટું વ્યાપારી શહેર હોય તેનો અભ્યાસ કરવામાં આવેલ છે, પરંતુ વર્ષ – ૨૦૧૩ની સ્થિતિએ ૧૦૦ મિલિયનથી વધુ વસ્તી ધરાવતા ૧૧ દેશો (બાંગ્લાદેશ, બ્રાઝિલ, ચીન, ભારત, ઈન્ડોનેશિયા, જાપાન, મેક્સિકો, નાયજેરીયા, પાકિસ્તાન, રશિયા અને અમેરિકા)માં બીજા સૌથી મોટા વ્યાપારી શહેરનો પણ અભ્યાસ કરવામાં આવે છે. જે દેશોમાં બે શહેરોનો અભ્યાસ કરવામાં આવે છે, તેના મૂલ્યાંકન માટે આવા શહેરોની વસ્તીની ભારિત સરેરાશ મુજબ ગણતરી કરવામાં આવે છે અને તે મુજબ ૧૯૦ દેશોને ક્રમ આપવામાં આવે છે. પ્રથમ ડુઇંગ બિઝનેસ અહેવાલ, વર્ષ – ૨૦૦૩માં ૫ (પાંચ) સૂચકાંકો આધારિત ૧૩૩ દેશોના અભ્યાસ આધારે જાહેર કરવામાં આવેલ હતો. જ્યારે વર્ષ – ૨૦૧૯ના અહેવાલમાં ૧૧ (અગિયાર) સૂચકાંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ હતો.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦નો ૧૭મો અહેવાલ

વર્ષ – ૨૦૨૦નો ૧૭મો અહેવાલ ૧૨ (બાર) સૂચકાંકો અને તેના આધારિત ૧૯૦ દેશોનો અભ્યાસ કરી, તેના અવલોકનો અને દેશોના ક્રમ સાથેનો અહેવાલ જાહેર કરવામાં આવેલ છે. આ ૧૭મો અહેવાલ તા. ૨જી મે, ૨૦૧૮થી તા. ૧લી મે, ૨૦૧૯ દરમ્યાન વિવિધ દેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સુધારાઓના અભ્યાસ આધારે તૈયાર કરવામાં આવેલ છે. આ ૧૭મા અહેવાલના તા. ૨જી મે, ૨૦૧૮થી તા. ૧લી મે, ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન અગાઉના ૧. નવો ધંધો – વ્યવસાય શરૂ કરવો, ૨. બાંધકામના પરવાના, ૩. વીજળી મેળવવી, ૪. મિલકતની નોંધણી, ૫. ધિરાણની ઉપલબ્ધિ, ૬. લઘુ રોકાણકારોની સુરક્ષા, ૭. કરની ચૂકવણી, ૮. આયાત – નિકાસની સરળતા, ૯. કરારની અમલવારી, ૧૦. નાદારીનું નિરાકરણ તથા ૧૧. કામદારોને રોજગારી ઉપરાંત ૧૨માં માપદંડ ‘સરકાર સાથે કરાર’નો પણ અભ્યાસમાં સમાવેશ કરવામાં આવેલ છે. જો કે કામદારોને રોજગારી અને સરકાર સાથે કરાર આ બન્ને માપદંડો આધારિત અભ્યાસનો આખરી ક્રમાંક નક્કી કરવામાં સમાવેશ કરવામાં આવેલ નથી.

હાલ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ મુજબ વિશ્વમાં ન્યુઝીલેન્ડ પ્રથમ ક્રમાંક ઉપર છે, જ્યારે સોમાલિયા છેલ્લા ક્રમાંક ઉપર છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ એટલે કે ૧૭માં અહેવાલ મુજબ ટોચના દસ દેશો નીચે મુજબ છે:

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ અહેવાલના મુખ્ય તારણો

૧) ટોચના ૫૦ દેશોની યાદીમાં ફક્ત બે જ આફ્રિકન દેશો છે, જ્યારે લેટિન અમેરિકન એક પણ દેશ નથી.

૨) છેલ્લા ૧૭ વર્ષથી આ પ્રોજેક્ટ ચાલે છે છતાં હજુ ઉંચી આવક ધરાવતા દેશોની ૪.૨%ની સરખામણીએ ઉદ્યોગ સાહસિકોએ નવો ધંધો-વ્યવસાય સ્થાપવા નીચી આવક ધરાવતા દેશોમાં ૫૦% જેટલી રકમ ખર્ચવી પડે છે.

૩) વિશ્વમાં ૧૧૫ દેશોમાં ધંધો સ્થાપવાનું અને ચલાવવાનું આસાન થયું છે.

૪) મિલ્કતના હક તબદીલ કરવા ટોચના ૨૦ દેશોમાં બે અઠવાડિયાથી ઓછો સમય લાગે છે, જ્યારે છેલ્લા ૫૦ દેશોમાં લગભગ ત્રણ મહિના જેટલો સમય લાગે છે.

૫) વ્યાપારી વિવાદના નિવારણ માટે છેલ્લા ૫૦ દેશોમાં ૨.૧ વર્ષ જેટલો સમય લાગે છે, જ્યારે ટોચના ૨૦ દેશોમાં આ સમય ૧.૧ વર્ષ જેટલો સમય લાગે છે.

૬) સાઉદી અરેબિયા ૮ ક્ષેત્રોમાં સુધારાઓ સાથે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ અંતર્ગત સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર દેશ બન્યો છે.

૭) અહેવાલના સમયગાળા દરમિયાન ૨૬ દેશો દ્વારા હાથ ધરવામાં આવેલા ૩૧ સુધારાઓથી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને બદલે વિકાસ રૂંધાયેલ હતો.

૮) ભારતના અર્થતંત્રનું કદ જોતા હાથ ધરવામાં આવી રહેલા સુધારાઓ પ્રશંસાને પાત્ર છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ના ટોચના ૧૦ દેશો

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અંતર્ગત થતાં અભ્યાસમાં વિવિધ દેશોને – ૨૦૨૦ના આ અહેવાલમાં અભ્યાસના સમયગાળા દરમિયાન સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના ૧૦ દેશોની યાદીમાં ભારત સતત ત્રીજા વર્ષે પણ સ્થાન પામ્યું છે. જોર્ડન આ સૌથી વધુ સુધારાઓ અમલમાં મૂકનાર ટોચના દેશોની યાદીમાં ત્રણ સુધારાઓ જેમાં મુખ્યત્વે કરોની ઓનલાઇન ચૂકવણી સાથે પ્રથમ વખત સ્થાન પામ્યું છે. આ યાદીમાં ભારત ઉપરાંત નીચે મુજબના દેશોનો સમાવેશ થાય છે

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ અને ભારત

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ના અભ્યાસ હેતુ, ભારતને દક્ષિણ એશિયા ક્ષેત્રના નીચલા મધ્યમ વર્ગના દેશ તરીકે આશરે કુલ વસ્તી ૧૩૫.૨૬ કરોડની ગણી, દિલ્લી અને મુંબઈ એમ બે શહેરોનો અભ્યાસ કરવામાં આવેલ છે. સતત ઘણાં વર્ષથી કરવામાં આવી રહેલ સઘન સુધારાઓના પરિણામ સ્વરૂપ આ વર્ષે અગાઉના વર્ષના ૭૭મા ક્રમાંકથી ૧૪ ક્રમ આગળ વધી ૬૩મો ક્રમાંક મેળવેલ છે અને ૨૦૨૧ના અહેવાલ સુધીમાં ટોચના ૫૦ દેશોના જૂથમાં સ્થાન મેળવવાનું લક્ષ્ય છે. ભારતનો સ્કોર ૨૦૧૯ના અહેવાલ અનુસાર ૬૭.૨૩ હતો જે સુધરીને ૭૧ થવા પામેલ છે. આ ઉપરાંત વિવિધ માપદંડોમાં વિશ્વમાં નીચે મુજબ સ્થાન ધરાવે છે.

આ અહેવાલના સમયગાળા દરમિયાન ૧૧૫ દેશો દ્વારા કુલ ૨૯૪ સુધારાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જ્યારે ભારત દ્વારા આ સમયગાળા દરમિયાન ૪ ક્ષેત્રોમાં નિયમનકારી સુધારાઓ કરવામાં આવેલ છે. વર્ષ – ૨૦૦૩-૨૦૦૪થી અત્યાર સુધીમાં ભારત દ્વારા કરવામાં આવેલા વિવિધ સુધારાઓ પૈકી મુખ્ય સુધારાઓ બાંધકામના પરવાના આપવાના અને નાદારીના નિરાકરણના ક્ષેત્રમાં થયેલ છે. વર્ષ ૨૦૧૪ના ૬ઠ્ઠા ક્રમાંકની સરખામણીએ દક્ષિણ એશિયાઇ દેશોમાં આ વર્ષે પણ ભારત પ્રથમ ક્રમાંક પર રહેવા પામેલ છે. ભારતની પરિસ્થિતિનો સર્વગ્રાહી ચિતાર રજુ થઇ શકે, તે માટે હાલના દિલ્હી અને મુંબઈ ઉપરાંત કલકત્તા અને બેંગલોરના અભ્યાસનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ અંતર્ગત નવી બાબત

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૦ના અભ્યાસમાં સમાવિષ્ટ નવી બાબતની વાત કરીએ તો, સરકાર સાથેના કરારોના સંદર્ભમાં ત્રણ કેસ સ્ટડીઝ કરવામાં આવેલ હતા. જેના માધ્યમથી જાહેર ખરીદીની અસરકારકતા માપવામાં આવી હતી. વૈશ્વિક અર્થતંત્રમાં જાહેર ખરીદી અતિ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશ્વની જીડીપીમાં જાહેર ખરીદીનો ફાળો વિવિધ દેશોમાં ૧૦% થી ૨૫% જેટલો છે. બધા દેશો મળી વિવિધ સરકારો જાહેર ખરીદી પાછળ લગભગ $૧૦ ટ્રિલિયન એટલે કે આશરે રૂ. ૭૦૦ લાખ કરોડ વાપરે છે.

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૧માં શું???

  1. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ – ૨૦૨૧ના અભ્યાસ વખતે વિવિધ દેશોને ક્રમાંક આપતી વખતે ‘સરકાર સાથે કરાર’ માપદંડના અભ્યાસના ગુણાંકને પણ ધ્યાને લેવામાં આવશે. જેમાં જાહેર ખરીદની પ્રક્રિયા અને તેમાં વ્યતીત થતા સમયને ધ્યાને લેવામાં આવશે. જાહેર ખરીદી પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય સારી પ્રથાઓની અમલવારીનું મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં ૧૯૦ દેશોની જાહેર ખરીદી પ્રક્રિયાની અસરકારકતા માપવામાં આવશે.
  2. માપદંડના માળખાની પાંચ-પાંચ વર્ષની સાઈકલને ધ્યાને લઇ, ૨૦૨૧માં વિવિધ માપદંડો અને તેના માળખામાં જરૂરી ફેરફારો કરવામાં આવશે અને
  3. વર્ષ – ૨૦૧૩ની સ્થિતિએ ૧૦૦ મિલિયનથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં બીજા સૌથી મોટા વ્યાપારી શહેરનો પણ અભ્યાસ કરવામાં આવે છે, તેના બદલે વર્ષ – ૨૦૧૯ની સ્થિતિએ ૧૦૦ મિલિયનથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં બીજા સૌથી મોટા વ્યાપારી શહેરનો અને ૩૦૦ મિલિયનથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં ત્રીજા અને ચોથા સૌથી મોટા વ્યાપારી શહેરોનો પણ અભ્યાસ કરવામાં આવશે.

મિત્રો, વિશ્વ બેંકનો આ પ્રોજેક્ટ તેના સભ્ય દેશોનું અર્થતંત્ર વિશ્વ કક્ષાનું બને અને તેનો ટકાઉ, સાતત્ય પૂર્ણ અને સર્વગ્રાહી વિકાસ થાય તે માટે ખૂબજ મહત્વ ધરાવે છે. આશા રાખું છું કે, આ લેખની વિગતોથી આપને સારી જાણકારી પ્રાપ્ત થશે અને આપને પસંદ પડશે….