સોના નું પીંજરું
શહેરના પ્રસિદ્ધ મંદિરની બાજુમાં આવેલા તળાવની પાળ ઉપર સૌમ્ય જાણે કે પ્રકૃતિને માણતો હોય એમ બહારથી યોગ મુદ્રામાં દેખાતો એ સૂકા તળાવના તળિયાને એક નજરથી તાકીને જોતો હતો, જાણે અંદર ધરબાયેલા કોઈ તોફાની સાગરના તોતિંગ વમળોને વીંધવા મથતો હતો.
ત્યાં સુગંદાનો તીણો અવાજ સાંભળ્યો અને સૌમ્યના મૌનની અંદર હિલોળા લેતો કોઈ વિશાળ દરિયાઈ મોજાની છાલક માંથી તણાતો હેમખેમ ઉગરી ગયો હોય એમ ઝબકીને પાછું વળીને જોયું.
સુગંદા :ઓહો સૌમ્ય શું વાત છે ? આજે મંદિરે ? અને હા મંદિર દર્શન કરીને આવ્યો કે સીધો આ તળાવની પાળ ઉપર બેસી જ ગયો?
સૌમ્ય: અરે ના યાર,આ ક્યાં મંદિર છે? આ તો તળાવ છે, કુદરત છે, પંખીઓનો કલરવ છે. જો બાજુ માં બાળકોની મસ્તી છે. અને આ સુકાયેલા તળાવના તળિયે ચીમળાઈ રહેલી લીલ ની તીણી ચીસ પણ છે. અને હું મારી જાત ને એમાં સંકેલવા મથું છું.પણ તું અહીં શું કરે છે?
સુગંદા: કપિલેશ્વર ના દર્શન.
સૌમ્ય: એ કોણ ?
સુગંદા;બે પાગલ આ મંદિરમાં કપિલેશ્વર ભગવાનના દર્શન કરવા આવી છું.
સૌમ્ય; દર્શન કરવા નહીં કંઈક માગવા આવી છે એમ કહે ને , સાચું બોલ ભગવાન પાસે શું માગ્યું ?
સુગંદા : એ તને કેમ કહું ?
સૌમ્ય: હા એ પણ સાચું. આપણું આપણું પોતાનું જ રાખવાનું, અંદરની એક ધોધમાર દુનિયા વહેતી જ રાખવાની.ક્યાંક લાગણીના દુકાળ મળે તો ચિરાતી ભાવનાઓના સૂકા ઢેફા ચુપચાપ સાચવી રાખવાના, વરસાદી હેલીના દિવસોમાં કાદવ બનાવવા કામ લાગે.
સુગંદા : (વચ્ચે અટકાવતા) ઓયે ઓયે ... આવું બધું અઘરું અઘરું ના બોલ મને નથી સમજાતું. થોડું સરળ સમજાય એવું બોલ કઈ.અને હા ...આજે કેમ આમ શાયરના અંદાજ માં લાગે છે ?
સૌમ્ય: એજ કહું છું જે આપણું છે એ આપણું જ રાખવાનું આપણામાં ધરબી રાખવાનું. આપણી વેદના ,આપણી ખુશી,આપણી દોસ્તી આપણી દુશ્મની આપણી પસંદ આપણી નાપસંદ,આપણી જ દુનિયા આપણે જ ભગવાન આપણેજ સેવક.આપણેજ આરોપી, આપણેજ ફરિયાદી.
સુગંદા; હજુ ઉપરથી જાય છે યાર, શું શું બોલે છે?. જવાદે તું એ કહે કેમ આમ એકલો અહીં બેસ્યો છે? કોઈ ની રાહ જોવે છે? કોઈ આવવાની હોય તો બોલ હું જલ્દી જલ્દી નીકળી જાય મને તારી સાથે જોઈને તને ઝગડશે.
સૌમ્ય: અરે ના બેસ. તું પણ આંખો બંધ કરી એક વાર આ પંખીઓના આવજો ને અલગ અલગ તારવવા પ્રયત્ન કર. વચ્ચે વચ્ચે આ કૂદાકૂદ કરતા બાળકોના અવાજને ભેળવતી રહે. થોડો પવન નો ધીમો સુસવાટો, કાબરોની કલબલ વચ્ચે કોયલનું મધુરું કુહૂ કુહૂ અને તારા જેવા દર્શનાર્થીઓ એ કરેલ બાજુના કપિલેશ્વરને ભગવાન ને જગાડવાનો ઘંટારવ બધું મિક્સ થવાદે, છતાં જો કેટલું આહલાદક લાગે છે?.
સુગંદા : એટલે તું આવું બધું કરવા અહીં આવ્યો છે ?
સૌમ્ય: સાંભળ તો. મારા લગ્ન નક્કી થવાના છે. એટલે કાલ થી એક અલ્લડ , આઝાદ , બેપરવાહ, ખુલ્લા ગગન વચ્ચે વિહરતી જિંદગી સંસારી નિયમોની મોહતાજ બની જશે.
સુગંદા: કેમ આવો સ્વાર્થી બને છે? તારી જ જિંદગી નો વિચાર કરે છે. તારી સાથે તારી થનારી પત્ની ની તો વિચાર કર એની પણ જિંદગી કેટકેટલા એ નિયમોની મોહતાજ બની જશે ને ?
સૌમ્ય: હું એની જ વાત કરું છું, હું તો પુરુષ છું. અને આ દુનિયા પુરુષવાદી છે. મારે મારું ઘર છોડવાનું આવાનું નથી. મારે મારી રહેણી કરણી બદલવાની નથી, મારે નવી કોઈ જગ્યા અપનાવવા બચપન થી ગોદ માં લઈને ફર્યો એ માટીની સુગંધ છોડવાની આવતી નથી. પણ પણ પણ ...મને ચિંતા થાય છે એ આવનારી છોકરી ની, મને ખબર નથી એ કેટલી ઊંચાઈ ઉપર ઉડતું પંખી હશે, મને નથી ખબર એ કેટલી આઝાદ જિંદગીથી ટેવાયેલ હશે, મને નથી ખબર એને કેટકેટલા સમાધાનો નો સહારો લેવો પડશે. મને બીક લાગે છે કે હું લાગણી વશ થઇ ને એને મારા પૂરતી સીમિત કરવાની મનસામાં ક્યાંક એની પાંખો ને કાપી નાખીશ તો? કોઈ ની જિંદગીને જાણે ખરીદી લીધી હોય એવા નિયમો અને વહેવારોની હારમાળાથી એને અન્યાય કરી બેસવાનો આગોતરો ડર સતાવી રહ્યો છે. ક્યાંક મારા જ કારણે એની આઝાદીને ગ્રહણ લાગે તો હું પણ અન્ય પુરુષો જેવો જ અન્યાયી અને નિર્દય કહેવાઈશ તો હું જ મને માફ નહીં કરી શકું.
સુગંદા ; ઓહ ગુડ , અભિનંદન , આજના છોકરાઓ આવું પણ વિચારે છે? છોકરીઓની જિંદગી માટે ના તારા આટલા ઉચ્ચ વિચારો જાણીને ખુશી થઇ. તારી પત્ની જે કોઈ હશે નસીબદાર હશે. તું સાથે હોય તો એને આકાશમાં ઉડવાની શું જરૂર છે. કોણ છે એ છોકરી ? જેની સાથે તારું નક્કી કરવાનું છે?
સૌમ્ય: છે કોઈ આપણા જ શહેરની છોકરી છે.પપ્પા એ જોઈ છે અને એમના હિસાબે મને ગમીજ જશે. તો જોઈએ કાલે શું થાય છે.પણ મને થાય છે,ક્યાંક હું એવો સ્વાર્થી ના નીકળું કે કોઈ આઝાદ જિંદગી ને મારા સ્વાર્થ માટે કેદ કરી બેસું.
(સુગંદા ના ફોન માં રિંગ વાગી ) હા મમ્મી આવું જ છું ૫ મિનિટ માં.
સુગંદા: સૌમ્ય બેસ્ટ ઓફ લક, તારા જેવું મારે પણ છે, કદાચ કાલથી હું પણ કોઈ અજાણ્યા પીંજરામાં કેદ થઇ જવાની છું. મને પણ કોઈ જોવા આવી રહ્યું છે. પ્રે કરજે મને તારા જેવા જ સ્ત્રીઓ ને સમજી શકે એવા વિચારો ધરાવતો પુરુષ મને પતિ તરીકે મળે. તારી પત્નીએ તો આખા ચોખે કપિલેશ્વર પૂજ્યા હશે.
સૌમ્ય: બેસ્ટ લક સુગંદા ,,, તારી લગ્ન પછીની પણ જિંદગી આજના જેવી જ ખીલખીલાટ રહે. આવજે..
સુગંધા તરફ આજુ બાજુમાંથી પસાર થતા લોકો જોઈ રહ્યા હતા. ધુંઆપુંવા થયેલી ગુસ્સેલ આંખો વેરવિખેર વાળ અને નિસાસાનું મિશ્રણ એનામાં ઉડીને આંખે વળગતું હતું. જોર જોરથી બોલી રહી હતી ...યાદ કર સૌમ્ય . યાદ કર .. આ એજ તળાવની પાળ છે ને...તું આંખો બંધ કરીને જે કિલ્લોલ કરતા પંખીઓ નો અવાજ મને સાંભળવા કહેતો હતો આ એજ કિલ્લોલ છે ને , તું જે સ્ત્રીઓ ની આઝાદીની મોટી મોટી વાતો અહીજ બેસીને મારી સામે કરતો હતો એ શું હતું ?. યાદ કર કોઈની આઝાદ જિંદગીનું પીંજરું બની જવાની બીક રાખતો હતો એ તુજ હતો ને ? ક્યાં ગઈ તારી એ બધી ફિલોસોફી ની સારી સારી ડાહી ડાહી વાતો?
(સુગંદા સૌમ્ય ને ખેંચીને સૂકા તળાવના તળિયે લઇ જાય છે) જો લે ડોળા ફાડીને જોઈલે, કાન ધરીને સાંભળ, આ એજ પાણી વગર સુકાયેલા તળાવના તળિયાની ચિલ્લાતી લીલ ની તરડાયેલી ચીખ છે ને ? જે તને ત્યારે સંભળાતી હતી. (સૌમ્ય માથું હકારમાં ધુણાવે છે) તો તને થઇ શું ગયું છે પાગલ? તને મારી ચીસ નથી સંભળાતી ? અરે મારે ઉડવું નથી, મારે તારાથી જરાય આઝાદ નથી થવું, બસ થોડી હવા તો લેવાદે યાર...તને છોડીને ક્યાંય ભાગી નથી જવાની હું... એ દિવસે તુજ મને જોવા આવ્યો ને એક દિવસ પહેલા ના તારા વિચારો સાંભળી ને હું તો ધન્ય થઇ ગઈ કે તારીજ સાથે જિંદગી જીવવા મળે તો એનાથી સ્વર્ગ બીજે ક્યાં શોધવું? હું સમજુ છું તારીને મારી એક સહિયારી જિંદગી છે ..પણ તારી અને મારી એક એક પોતીકી પણ જિંદગી તો છે ને ... એક ક્ષણ તો આપ મને મારા માટે ... સૌમ્ય તું ખુબ સારો પતિ છે, હું જાણું છું. પણ કેમ મારા માટે આટલી અસલામતી મેહસૂસ કરે છે. મને સમજ નથી પડતી.તને ભરોષો નથી મારા ઉપર ?
સૌમ્ય:જો સુગંદા તે કહ્યું હતું ને ૧૦ મિનિટમાં પાછા જો ઉપર ૫ મિનિટ થઇ ગઈ . ચાલ ઘરે જઈશું?
સુગંદા: નથી આવવું જા, હું અહીં મરી જઈશ, હવે મને જીવવું પણ નથી.
મને કોઈ જોવે, એમ તને પણ કોઈ જોવે જ છે ને, તો મેતો કોઈ દિવસ તને કીધું નહીં કે તને કોઈ જોવે એ નથી સહન થતું.( સુગંધા છૂટાછેડા ના પેપર સહી કરવા સૌમ્યની આગળ ધરે છે )
સૌમ્ય: હા નથી થતું. તને મારામાં કેદ કરી રાખવી ગમે છે. તને મારા પૂરતી બાંધી રાખવી ગમે છે. મારામાં હું નહિ હોઉં તો ચાલશે.તું નહિ હોય તો હું મરી જઈશ. હવે તું નક્કી કર આ પેપરમાં સહી કરું કે ફાડી ને ફેંકી દઉં? તું મારી દુનિયા છે તને મારાથી આઝાદ થવું છે એનો મતલબ દુનિયાએ મારાથી આઝાદ થવું છે. ઇટ્સ ઓકે .. લાવ પેપર ક્યાં સહી કરવાની છે. આજથી જ તું અને આ દુનિયા આઝાદ ..હું દુનિયાથી અને દુનિયા મારાથી
સુગંદા ; ઓ ગોડ આ પાગલ ને કેમનો સમજાવું હું...ચાલ ઘરે બીજી ૨૦ મિનિટ થઇ ગઈ .... લે સંતાડી દે મને કોઈ જોઈ જશે ....નથી જોઈતી ખુલ્લી હવા. લે બંધ કરી લે તારામાં મને, મારું પીંજરું બની ને રહેજે જો તને એવું જ ગમે તો, હું ગુલામ બની ને રહી જાઉં છું ,, તારા મોટા મોટા વિચારો જાણે સપના હતા એમ માની લઈશ.
સૌમ્ય: સોરી યાર .... તારી પાંખો ક્યાં છે?
સુગંદા: તે એ દિવસ થી જ તો કાપી નાખી છે.જ્યારથી મેં તારી સાથે ફેરા ફર્યા.
સૌમ્ય: જા પેલા મંદિર નો ઘંટ વગાડતી જા અને ઘરે પહોંચ. હું આજ ફરી સુકાયેલા તળાવના તળિયે ચિલ્લાતી લિલની ચીખને પંપાળીને આવું છે. એને સમજાવીને આવું છું આજે સંઘર્ષ કરીલે કાલે મેહુલિયો આવશે તને તરબતોળ કરવા એવું આશ્વાસન આપી ને આવું છું.
સુગંદા:( આશ્ચર્ય થઇ જોતી રહી) હું ઘરે જાઉં ? એટલે એકલી જાઉં ?
સૌમ્ય: હા એકલી ...... ખોલી દે પાંખો ને હું આવું છું કાતર લઈને ...
સુગંદા ખુશ ખુશ થઇ ને ઘરે પહોંચી, ત્યાં સૌમ્યનો ફોન આવ્યો: સુગંદા હું તારી મનપસંદ રેસ્ટોરન્ટ સેફરોન માં છું, તું તારી રીતે આવી જા તારું મનગમતું બાર્બેક્યૂ ઓર્ડર કરીયે.
આજે આટલા વર્ષો માં એક દિવસમાં આમ અચાનક બે બે વાર એકલી બહાર નીકળવાની ખુશી હવામાં ઉડવાથી કઈ કમ નહોતી, એનાથી વધારે સૌમ્યમાં આવેલો આટલો મોટો બદલાવ સુગંદા માટે ઉગી નીકેળેલ પાંખોથી ઓછો નહોતો જ,
પિંજરામાં ભીડાઈ ગયેલી પાંખોને ખોલીને સુગંદા ઉછ્ળતી કૂદતી રેસ્ટોરન્ટ આવી પહોંચી, સરસ શણગારેલા ટેબલ ઉપર સુગંદાને વેઈટર લઇ ગયો.પુરુષોની હાજરી માત્રથી સૌમ્ય સુગંદાને સંતાડવા મથતો ત્યાં આજે પુરુષ વેઈટરોની ફોજ મોટા મોટા દિલ આકારના રંગબેરંગી બલૂનો લઈને સુગંધાને આવકારતા હતા. અવાક સુગંધા આ બધું હરખથી જોઈ રહી હતી, બાર્બેક્યૂ ની એક સ્ટિક ઉઠાવી સેકાયેલા પનીરનો મસાલેદાર ટુકડો સૌમ્ય એના હાથે સુગંદાના મોઢામાં મૂકે છે,
સૌમ્ય: મારામાં રહેલો પુરુષ એ ભૂલી ગયો હતો કે તું મારી પત્ની છે.પણ એની સાથે સાથે મારાથી એક અલગ વ્યક્તિ પણ છે. મને માફ કરી દે.તારી છીનવાયેલી આઝાદી તો ક્યારેય પછી આપી શકું એમ નથી પણ એટલું વચન આપું છું તારી પાંખો થાકે તો એક વાર કહી જોજે હું ખુદ તારી પાંખ બની જઈશ.પણ તારું આકાશ તારે જ વિહરી લેવાનું.
સુગંદા;(બે આંખો ભીની થઇ ગઈ , ઘૂંટાયેલા અવાજે ) સૌમ્ય મને પુરીદે તારા પિંજરમાં ક્યાંક કોઈની નજર લાગશે.
જીતેન્દ્ર વાઘેલા.