Angarpath - 34 in Gujarati Fiction Stories by Praveen Pithadiya books and stories PDF | અંગારપથ - ૩૪

Featured Books
Categories
Share

અંગારપથ - ૩૪

અંગારપથ.

પ્રકરણ-૩૪.

પ્રવીણ પીઠડીયા.

ચારું સિવિલ યુનીફોર્મમાં પોલીસ સ્ટેશને આવી પહોંચી. ગઇ સવારે પોલીસ ક્વાટરમાં તેના ઘર ઉપર હુમલો થયો હતો એમાં તે બાલબાલ બચી હતી. જો અભિમન્યુ ખરા સમયે ત્યાં આવ્યો ન હોત તો તેનું શું થયું હોત એ કલ્પના કરતાં પણ તેને ડર લાગતો હતો. અભિમન્યુ સાવ અચાનક જ તેના જીવનમાં પ્રવેશ્યો હતો અને કોઇ વાવાઝોડાની જેમ છવાઇ ગયો હતો. એ ખરેખર મર્દ માણસ હતો. ગોલ્ડનબારમાં તેમની આપસમાં પહેલીવાર મુલાકાત થઇ હતી અને પછી જે થયું એ કોઇ સપનાથી કમ નહોતું. પોલીસ અકાદમીની ટ્રેનિંગ પછી ગોવામાં તેની પહેલી ડ્યૂટી લાગી હતી અને પહેલા પોસ્ટિંગનાં થોડા દિવસોની અંદર જ તેણે જાત-ભાતનાં ખેલ જોઇ લીધા હતા. એમ સમજોને કે તે મોતનાં મુખે દસ્તક દઇને પાછી ફરી હતી.

પોલીસ સ્ટેશનમાં પણ તેની જ વાતો થતી હતી. આમ તો જો કે છેલ્લા બે દિવસથી ગોવાનો આખો રંગ જ બદલાઇ ગયો હતો. જે ગોવા સહેલાણીઓનાં સ્વર્ગ તરીકે પ્રખ્યાત હતું એ ગોવાને અચાનક ભયંકર અરાજકતાએ પોતાના ભરડામાં સમાવી લીધું હતું. આ કોઇ સામાન્ય બાબત નહોતી. આખા દેશનું અને દુનિયાનું ધ્યાન અત્યારે ગોવામાં બનતી ઘટનાઓ તરફ જ હતું. પણ એવું કેમ કરતાં થયું હતું? આ સવાલનો જવાબ લગભગ બધા જ જાણતાં હતા છતાં… કદાચ કોઇ જ નહોતું જાણતું!

ચારું હજું પોતાની જગ્યાએ બેઠી જ હશે કે અચાનક પેટ્રીક તેની નજીક આવ્યો. પેટ્રીક તેનાથી સિનિયર હતો એટલે તે બેઠકમાંથી ઉભી થઇ ગઇ. પેટ્રીકનાં ચહેરા ઉપર અજીબ મુંઝવણનાં ભાવો રમતાં હતા. તે કોઇ ગહેરા વિચારમાં ખોવાયો હોય એવું લાગતું હતું.

“બેસ, બેસ…” તે બોલ્યો અને જવાબની અપેક્ષા વગર તે ચારુંના ટેબલે બન્ને હાથોનો ટેકો લઇને ઝળુંબ્યો. “તું ઠીક છો?” એ માત્ર ઔપચારીક પુછપરછ હોય એવા ઠંડા શબ્દો હતા. તેને ખબર હતી કે આવા સંજોગોમાં મોટેભાગે કોઇ ઠીક હોતું નથી.

“જી સર.” ચારું ઉભી જ રહી. સિનિયર ઉભા રહ્યાં હોય ત્યારે તેને બેસવું યોગ્ય લાગ્યું નહી. અને એ પણ ન સમજાયું કે અચાનક પેટ્રીક સર તેની પાસે કેમ આવ્યાં! અન-અપેક્ષિત તો ન હતું છતાં તે સાવધ થઇ.

“તું રંગા ભાઉને મળી હતી?” પેટ્રીકે સાવ ધીમા અવાજે હોઠ ફફડાવ્યાં. ચારુંના કાને એ શબ્દો અફળાયા પણ તે સમજી નહી. તેના કપાળે સળ પડયા.

“બાગા બીચ પાછળ જે બસ્તી છે તેમાં રહેતાં રંગા ભાઉને તું અને કરાડે મળવા ગયા હતા?” ચારુંની આંખોમાં આંખો નાંખીને એકએક શબ્દ ઉપર ભાર દેતાં પેટ્રીકે ફરીથી પૂછયું.

“જી… જી, સર.” ચારું થોથવાઇ. તેના રૂપાળા લંબગોળ ચહેરા ઉપર પરેશાનીનાં ભાવો ઉભરી આવ્યાં.

“શું કામ?”

“બસ્તીમાંથી ગાયબ થતાં બાળકો વિશે મને જીજ્ઞાસા થઇ હતી. મારે જાણવું હતું કે આખરે કોણ એવું જધન્ય કૃત્ય કરી રહ્યું છે. એટલે એક રૂટિન તફતીશ માટે હું તેમને મળી હતી. બસ એટલું જ..” ચારુંએ ચોખવટ કરી પણ તેના મનમાં ખતરાની ઘંટડીઓ વાગવા લાગી હતી. પેટ્રીક સરનો આવો મિજાજ તેણે પહેલા ક્યારેય જોયો નહોતો. વળી ગઇકાલે તેની સાથે જે ઘટનાઓ ઘટી હતી એના બીજા જ દિવસે આવી રીતે ઉલટ-તપાસ થશે એવી અપેક્ષા તો ક્યાંથી હોય તેને.

“તને પરમીશન કોણે આપી હતી?” પેટ્રીકનાં પ્રશ્નમાં ઘાર હતી. તે હજુંપણ એકદમ ધીમા અવાજે દાંત ભિંસીને ભારપૂર્વક બોલી રહ્યો હતો. સમજાતું નહોતું કે આખરે તેના દિમાગમાં શું ચાલતું હતું!

“કોઇએ નહી. પણ મને લાગ્યું કે….”

“શટઅપ. અહી તમને શું લાગે છે એ મહત્વનું નથી પરંતુ તમે શું કરો છો અને કોની પરમીશનથી કરો છો એ મહત્વનું છે. ડૂ યુ અંડરસ્ટેન્ડ?” ચારુંના શબ્દોને અધવચ્ચેથી જ કાપતાં પેટ્રીક ઉકળી ઉઠયો અને તેણે ઘારદાર નજરોથી તેની સામું જોયું. એ નજરોમાં ગરમી હતી. ચારુંએ તેની આંખો નીચી ઢાળી દીધી. આજુબાજુ હતાં એ લોકો છાની રીતે ચારુનાં ટેબલ પર શું ચાલે છે એ નિરખી રહ્યાં હતા. પેટ્રીક સરની વાત તો યોગ્ય જ હતી. નીયમ મુજબ તેણે પોતાનાં સિનિયરની પરમીશન લેઇને આગળ વધવું જોઇએ પરંતુ નવી નોકરીનાં ઉત્સાહમાં તે ભૂલ કરી બેઠી હતી. તે વાંકમાં હતી એ વાત સ્વિકારવી પડે એમ જ હતી.

“સોરી સર, હવે એવું જ થશે.” તે બોલી ઉઠી. પેટ્રીક થોડો ઢિલો પડયો. તેનામાં વ્યાપેલો ગુસ્સો ખરેખર તો કોઇ બીજી જ બાબતનો હતો પરંતુ તેને લાગતું હતું કે ક્યાંકને ક્યાંક તેમાં ચારું કસુરવાર છે. પાછલાં ઘણાં દિવસોથી તે કાંબલે સરની તલાશમાં જોતરાયો હતો અને કાંબલે સરને તો જાણે આકાશ ગળી ગયું હોય એમ રહસ્યમયરૂપે ગાયબ જ થઇ ગયાં હતા. પેટ્રીકે લગભગ દરેક સંભવિત જગ્યાં… કે જ્યાં કાંબલે સર ગયાં હોય શકે, તપાસ કરી લીધી હતી પરંતુ ક્યાંય તેમના સગડ મળ્યાં નહોતા. અને એટલે જ તે ધૂઆંફૂઆ થતો હતો. ચારુંએ કોન્સ્ટેબલ કરાડેને લઇને બસ્તીમાં જવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં તેણે એ વાતને હસવામાં કાઢી નાંખી હતી પરંતુ હવે રહી-રહીને તેના મનમાં એક વિચાર ઉદભવતો હતો કે ક્યાંક એ મેટરમાં તો કાંબલે સર ગાયબ નહી થયાં હોય ને! અને એટલે જ ચારું તકલીફમાં હોવા છતાં તેની ખબર પૂછવાને બદલે તે ઉકળી ઉઠયો હતો.

“એની વે.. તું તૈયાર થઇ જા! આપણે રંગા ભાઉને મળવા જઇએ છીએ.” પેટ્રીક બોલ્યો અને ચારુંના જવાબની અપેક્ષા રાખ્યાં વગર તેની કેબિન તરફ ચાલી ગયો. ચારું શું બોલે? એક તો તે ભયંકર માનસીક આઘાતમાં હતી અને ઉપરથી સિનિયરનો આવો વ્યવહાર તેના આત્મવિશ્વાસને ભયંકર રીતે તોડી રહ્યો હતો. તે ચૂપચાપ પોતાની જગ્યાએ બેસી ગઇ. અત્યારે અભિમન્યુ સખત રીતે તેને યાદ આવી રહ્યો હતો. અભીમન્યુ ગમે એવી ભયાનક પરિસ્થિતિમાં પણ કોઇ રસ્તો શોધી શકવા સક્ષમ હતો. ’અભિ, ક્યાં છો તું?’ ચારું મનોમન તેને યાદ કરતી રહી.

@@@

આમંડાએ ભયંકર ઝડપે સ્ટિયરિંગ ડાબી તરફ ઘુમાવ્યું અને પહાડનાં ખતરનાંક વળાંકને સેકન્ડોમાં વટાવ્યો. વળાંક વટાવતી વખતે સામેથી આવતાં ભારેખમ માલવાહક ટ્રકની અડફેટથી બચવા કારને તેણે લગભગ રોડની કિનારીએથી નીચે જ ઉતારી દીધી હતી. એક તરફનાં ટાયરો કીચૂડાટી બોલાવતાં રોડ સાઇડનાં કાચા ઉબડ ખાબડ રસ્તે ઉતરી ગયા અને પછી ધૂળનાં ગોટે-ગોટ ઉડાવતાં ફરી પાછાં મુખ્ય રસ્તે ચઢી ગયા. સહેજ માટે તેની કાર ટ્રક સાથે અથડાતાં બચી હતી. આમંડાએ કારનું સ્ટિયરિંગ વાળવામાં જો સહેજ મોડું કર્યું હોત તો અત્યારે તેની કાર ટ્રકનાં આગળનાં ભાગે ભયંકર ધડાકાથી અથડાઇ પડી હોત અને કારનો ખુરદો બોલી ગયો હોત. આમંડાનું હદય એક ધબકારો ચૂકી ગયું હતું. તેનો શ્વાસ અધ્ધર થઇને તાળવે ચોંટી ગયો હતો. આમ તો જો કે જ્યારથી ડગ્લાસે તેને અંડર ગ્રાઉન્ડ થઇ જવાનું કહ્યું હતું ત્યારથી તેનું મગજ ફાટ-ફાટ થતું હતું. જીવનમાં ક્યારેય હારનો સામનો કર્યો નહોતો એટલે આ પરિસ્થિતિ તેના માટે અસહ્ય બની ગઇ હતી. લોકો તેના નામ માત્રથી ધ્રૂજતાં. ડગ્લાસનું તે અચૂક હથીયાર હતી જે ક્યારેય ફેઇલ થયું હોય એવું બન્યું નહોતું. અત્યાર સુધીમાં જે પણ કામ તેણે હાથ ઉપર લીધી હતા એ તમામમાં તેને સફળતા જ મળી હતી. પરંતુ અભિમન્યુને કારણે તેને બે-બે વખત નિષ્ફળતાઓ હાથ લાગી હતી અને એટલું ઓછું હોય એમ ડગ્લાસે તેને અંડરગ્રાઉન્ડ ચાલ્યા જવાનો હુકમ ફરમાવ્યો હતો. એ કોઇપણ કાળે તેને મંજૂર નહોતું છતાં તે અંડરગ્રાઉન્ડ થઇ હતી કારણ કે ડગ્લાસનો હુકમ ઉથાપવો એ તેના બસની વાત નહોતી.

પરંતુ એ પરિસ્થિતિ જાજો સમય ટકી નહી. સંજય બંડુનાં સમાચાર તેના સુધી પહોંચી ગયા હતા અને તે સન્નાટામાં આવી ગઇ હતી. તેને વિશ્વાસ નહોતો થયો કે સંજય બંડુ જેવો ખતરનાક આદમી પોલીસ મૂટભેડમાં મરાયો હોય. આટલું ઓછું હોય એમ જ્યારે તેણે જાણ્યું કે ખુદ ડગ્લાસને પણ સંતાઇ જવું પડયું છે ત્યારે તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો. આવા સમયે ડગ્લાસની સાથે તેણે રહેવું જોઇએ એ ખ્યાલે તે બહાર નીકળી આવી હતી. તેને એ પણ ખ્યાલ હતો કે ડગ્લાસ અત્યારે ક્યાં હશે એટલે સીધા જ તેણે ચોરલા ઘાટની રુખ કરી હતી. ભયંકર સ્પિડમાં ચોરલા ઘાટમાં વળાંકો વટાવતી તે રિસોર્ટની દિશામાં આગળ વધી રહી હતી. તેની ઓવર સ્પિડનાં કારણે હમણાં જ તેનો અકસ્માત થતા બચ્યો હતો.

“કુલ ડાઉન આમન્ડા બેબી કુલ ડાઉન.” પોતાની જાતને જ સધીયારો આપતાં શબ્દો ઉચ્ચારીને તેણે એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને કારનાં સ્ટિયરિંગ ઉપર હાથની પકડ મજબૂત કરી. ચોરલા ઘાટ ઉપર આવેલો રિસોર્ટ હવે બહું દૂર નહોતો.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.