અંગત ડાયરી
============
શીર્ષક : શબ્દો, સંસ્કૃતિ અને આપણે..
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
કહેવાય છે કે આપણા દેશમાં એક સમય હતો જયારે લોકો શબ્દોની ઉપાસના કરતા, શબ્દની સાર્થકતા માટે પોતાનું આખે-આખુ જીવન ખપાવી દેતા. જેમ કે યુધિષ્ઠિર સત્યના ઉપાસક હતા, રઘુકુલ વચનપાલનનું ઉપાસક હતું. કહે છે કે એક-એક શબ્દ નહિ અક્ષર પણ જોખી-જોખીને બોલાતો.. એકાદ માત્રા જો બચાવી શકાતી તો પુત્ર જન્મ જેટલી ખુશી એ જમાનાના લોકોને થતી.
જયારે અત્યારે ૨૦૧૯ની સાલના સમાજમાં માણસ પોતે શું બોલી રહ્યો છે એ પણ એને ખબર નથી હોતી. જેમ કે તમે ‘શું ચાલે છે આજ કાલ..?’ એવો પ્રશ્ન કોઈ સ્નેહીને પૂછ્યો હશે તો જવાબમાં ‘જો ને આ એડમીશનની રામાયણ કે પાણીની રામાયણ કે જી.એસ.ટી.ની રામાયણ’ એવો જવાબ સાંભળવા મળ્યો હશે. આ બધા જવાબોમાં ‘રામાયણ’ શબ્દને ‘લપ’ કે ‘પંચાત’ શબ્દના પર્યાય તરીકે વાપરવામાં આવ્યો છે. બીજો કોઈ શબ્દ આપણને ન મળ્યો...? શું રામાયણ એક લપ છે? એક પંચાત છે? ઘણીવાર તો રામના મંદિરે દર્શન કરવા આવેલા લોકો, દર્શન કરી બાંકડે બેઠા-બેઠા આવો શબ્દપ્રયોગ કરતા હોય છે. અલ્યા રામાયણ એક લપ જ હોય કે પંચાત જ હોય તો શા માટે રામના મંદિરમાં દર્શન કરવા ગયો છો? કાં તો રામની ઉપાસના મૂક અને કા આવો કુશબ્દપ્રયોગ બંધ કર. (આપણું માને કોણ?)
બીજી આવી એક ઈન્ટરેસ્ટીંગ બાબત:
અમે આઠમા ધોરણના ટ્યુશનમાં જતા ત્યારે ટ્યુશનવાળા સાહેબે એક નિયમ ફરજીયાત બનાવેલો : ‘દરેક વિદ્યાર્થીના નામની પાછળ ભાઈ કે બહેન લગાડવાનું’. એટલે કે મારે મારી જ ઉમરના મારા મિત્ર પીન્ટુડાનું કામ હોય તો મારે એને પ્રદીપભાઈ કહીને બોલાવવાનો. કોઈ વિદ્યાર્થીનીની પાકી નોટ જોઈતી હોય તો એ ચકુડીને ચાંદનીબહેન કહીને બોલાવવાની. શરૂઆતમાં તો અમે બહેનોને બોલાવવાનું ટાળતા. ઇવન પાઠ્યપુસ્તકની પ્રતિજ્ઞા બોલાવવામાં આવતી ત્યારેય મારા અમુક મિત્રો ‘બધા ભારતીયો મારા ભાઈ-બહેન છે’ એ વાક્ય ન બોલતા. જો કે નાની ઉમરની નાસમજી હતી એ બધી.
આજ વિચારું છું તો ખ્યાલ આવે છે કે કે’વડી મોટી વાત હતી એ. સમાજનું ખૂબ બારીકાઇથી અવલોકન કરી સમસ્યા અને સમાધાન સહજ શબ્દોમાં શોધી કાઢવાની જબરી કુનેહવાળા ગુજરાતી લેખિકા કાજલ ઓઝાની(સોરી, કાજલબહેન ઓઝાની) એક વાત મને હમણાં ફરી ‘ભાઈ-બહેન’ સંબોધનની ગંભીરતા સમજાવી ગઈ. કોઈ મુદો સમજાવતા એમણે કહ્યું (અને મને જેટલું યાદ રહ્યું કે સમજાયું એ મુજબ કહું તો) ‘ગુજરાતની દીકરી દાંડિયા રમીને રાત્રે એક-બે વાગ્યે એકલી એકટીવામાં ઘરે સહીસલામત પાછી ફરી શકે છે એનું કારણ શું? શું ગુજરાતની પોલીસ ખુબ સક્રિય છે? શું એ દીકરીઓ કરાટે જેવા દાવપેચ શીખી એટલી શક્તિશાળી બની ગઈ છે કે સ્વરક્ષણ એકલા હાથે કરી શકે? ના.. જવાબ ત્રીજો જ છે. તમે ગુજરાત બહાર હો, તો તમે જોયું હશે કે સ્ત્રી પુરુષને સંબોધતી વખતે તેના નામની પાછળ માનવાચક અક્ષર ‘જી’ ઉમેરવાનો રિવાજ છે. જેમ કે પ્રદીપજી, વૈશાલીજી, અંજનાજી, વાજપેયીજી વગેરે. જયારે ગુજરાતમાં નાનપણથી બાળકને મા શીખવાડે છે કે દરેક નામની પાછળ ભાઈ કે બહેન શબ્દ લગાડવો... જેમ કે જીગ્નેશભાઈ, કુસુમબેન. અને આપણો સરકારી ગુજરાતી ક્લાર્ક તો ક્યારેક એલીઝાબેથબેન, મરિયમબાનુબેન કે સલમાનખાનભાઈ પણ બોલતો કે લખતો જોવા મળે છે. આ ભાઈ-બહેનના સંસ્કારનું સિંચન બહુ મોટી ક્રાંતિકારી ઘટના છે.
જેને મારી આ વાત જુનવાણી કે ઓલ્ડ ફેશન્ડ લાગતી હોય એ સજ્જન કે સન્નારીને મારે એટલું જ કહેવાનું કે કાં તો તમે ખુલ્લા મનથી ‘ભાઈ-બહેન’ના સંબોધનનો ઉપયોગ શરુ કરી દો અને કાં તો પછી શિકાગોની ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદનું નામ સાંભળી ગર્વ કે ગૌરવ અનુભવવાનું બંધ કરી દો. સ્વામી વિવેકાનંદનું એ સંબોધન ‘માય ડીયર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ’ સાંભળી ધર્મ પરિષદમાં બેઠેલા વિશ્વકક્ષાના મહાનુભાવોએ તાળીઓનો ગડગડાટ કરી આખો હોલ ગજવી મૂક્યો હતો એ વાતનું ગૌરવ લેવાનો અધિકાર તમને ત્યારે જ છે કે જયારે તમે તમારા સંબોધનોમાં ‘ભાઈ-બહેન’ શબ્દોનો ઉપયોગ પૂર્ણ પવિત્રતા, ગૌરવ અને શાનથી કરતા હો.
કાં તો રામની ઉપાસના છોડો અથવા ‘રામાયણ’ શબ્દનો દુરુપયોગ છોડો. કાં ભૂલી જાઓ કે તમે એ જ સંસ્કૃતિના છો જે સંસ્કૃતિના સ્વામી વિવેકાનંદ હતા અથવા ‘ભાઈ-બહેન’ શબ્દની પવિત્રતા સમજો. (ખેર, ડબલઢોલકી લોકોને આપણી આ વાત ગળે નથી ઉતરવાની..)
મળીએ.. સાંજે રામ મંદિરે...?