“કેસરિયા બાલમ આઓ નિ, પધારો મ્હારે દેસ;
નિ કેસરિયા બાલમ આઓ સા, પધારો મ્હારે દેસ.”
શામળાજી મંદિર
રાજસ્થાન ફરવાનું નક્કી કર્યું ત્યારથી જ આ ગીત મગજમાં ઘુમ્મર લેવા માંડ્યું હતું. પાડોશી રાજ્ય હોવાને કારણે મેં નાની-નાની પાંચ રખડપટ્ટીઓ કરીને ફર્યું, પરંતુ તમને આજે એક જ વારમાં સંપૂર્ણ દર્શન કરાવવું શક્ય નહીં બને એટલે કેટલાક ભાગમાં આપણે રખડીશું. પણ આખું રાજસ્થાન રખડાવીશ એ નક્કી !
Ø પહેલું વહેલું શામળાજી :
· ●એકતા દોશી●
આમ તો બોર્ડર ઉપર આવેલું ગુજરાતનું સ્થળ છે, પણ મારા મતે તો રાજસ્થાન ત્યાંથી જ શરૂ થાય છે. અરવલ્લીની સુંદર પહાડીઓ વચ્ચે આવેલું અતિપ્રાચીન શામળા કૃષ્ણનું મંદિર શિલ્પકળાનો અદ્દભુત નમૂનો છે. ત્યાં પહોંચતાં જ પરમ શાંતિનો અનુભવ થાય છે.
આ યાત્રાધામ ડુંગરોની વચ્ચે, એટલે કે અરવલ્લી પર્વતમાળાની વચ્ચે આવેલું છે અને તેની ચારે તરફ હરિયાળી છે. આ પવિત્ર યાત્રાધામમાં શ્રી દેવગદાધર શામળાજી ભગવાનનું ખૂબ જ સુંદર અને વર્ષો જૂનુ મંદિર છે. તેની સાથે સાથે અહીં શંકરભગવાન અને સુમંગલા દેવીના મથકો પણ છે. આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું તેના વિશે કોઈ જ ઇતિહાસ ઉપલબ્ધ નથી. પરંતુ એવું કહેવાય છે કે આ મંદિર પંદરસો વર્ષ પહેલાં જ્યારે આ નગરી અસ્તિત્વમાં આવી તે સમયે, એટલે કે દસમી કે અગિયારમી સદીમાં બંધાયાનું માનવામાં આવે છે. શામળાજી ખાતે આવેલ આ રક્ષિત સ્મારકના અગ્રભાગે કલાકારીયુક્ત પ્રાચીન તોરણ આવેલું છે અને આ તોરણ દસમી સદીનું હોવાનું મનાય છે.
જયસમંદ : ટોપ વ્યૂ (ઉપર)
અને જયસમંદ તળાવ (ડાબે)
અહીંયા મંદિરની અંદર ભગવાનની મૂર્તિ શ્યામ રંગની છે એટલે તેમને ‘શામળીયા’ પણ કહેવામાં આવે છે. તેના વિશાળ પટાંગણમાં જ પ્રવેશદ્વાર પર બે ખૂબ જ મોટા હાથીની પ્રતિમાઓ છે. મંદિરની ઇમારત પરના યોગાસન શિલ્પો ખૂબ જ સુંદર રીતે કંડારાયેલા છે. અહીંની નગરી ખૂબ જ પ્રાચીનકાળની છે એટલે કે રાજા હરિશ્ચન્દ્રની નગરી માનવામાં આવે છે.
અહીં કારતકી પૂનમના દિવસે ખૂબ જ મોટો અને ભવ્ય મેળો ભરાય છે અને તેની અંદર જાતજાતના પશુઓની લે-વેચ થાય છે. દર પૂનમે હજારો યાત્રાળુઓ અહીંયા દર્શનાર્થે આવે છે. માહી પૂનમે અને શ્રાવણી પૂનમે પણ મેળો ભરાય છે. યાત્રાળુઓના ઉતારા માટે ધર્મશાળાની સગવડ ઉપલબ્ધ છે.
રાજસ્થાન જતાં અડધી કલાકનો સમય પર્યાપ્ત છે શામળાજીના દર્શન માટે.
Ø ૧૩૪ કિલોમીટર પછી આવે જયસમંદ :
રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના જયસમંદ તાલુકામાં આવેલું ઢેબર તળાવ ઇ.સ. ૧૬૮૫ માં મહારાણા જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ તળાવ વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું કૃત્રિમ તળાવ છે.
કેસરિયાજી
જયસમંદ તળાવમાં સમર પેલેસ આવેલો છે જેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં ઉદયપુરની મહારાણીઓ કરતી હતી. આ તળાવ ત્રણ ટાપુઓ ધરાવે છે. આ ટાપુઓમાં રાજસ્થાનની ‘ભીલ મિનાસ’ નામક આદિવાસી પ્રજા વસવાટ કરે છે. આ ત્રણ ટાપુઓમાંથી બે મોટા ટાપુઓ ‘બાબા કા માગરા’ અને એક નાનો ટાપુ ‘પીયરી’ તરીકે ઓળખાય છે. તળાવની આસપાસ ઘટાટોપ જંગલ આવેલું છે જે જયસમંદ સેન્ચૂરી તરીકે ઓળખાય છે. અહીં વિવિધ વનસ્પતિઓ, વૃક્ષોમાં વિવિધતા જોવા મળે છે અને આ જંગલ વન્યપ્રાણીઓ માટે સ્વર્ગ સમાન છે. શહેરી વિસ્તારથી દૂર નાની-મોટી પહાડીઓ વચ્ચે આવેલા તળાવની આસપાસના આ જંગલમાં વન્યસૃષ્ટિ તેની ચરમસીમાએ જોવા મળે છે.
અમે અડધી કલાકની બોટ રાઈડ લીધી હતી, પણ જો પૂરતું બજેટ હોય તો ત્યાંની એકાદ ‘હેરીટેજ હોટલ’માં રોકાવાનો લ્હાવો લેવા જેવો ખરો.
Ø જયસમંદથી આગળ જતાં ૭૨ કિલોમીટરના અંતરે... કેસરીયાજી :
કેસરયાજીમાં ભગવાન ૠષભદેવનું મંદિર છે. હિન્દુધર્મમાં ૠષભદેવ વિષ્ણુના ૧૧મા અવતાર મનાય છે, તો જૈનો તેમને પોતાના પ્રથમ તિર્થંકર માને છે. અહીં તેમની પ્રાચીન કાળા આરસની પ્રતિમા છે. કેસરીયાજી મંદિર ૧,૫૦૦ વર્ષથી વધારે જૂનું માનવામાં આવે છે અને તેની મૂર્તિ ૧૦,૦૦૦ વર્ષ જૂની માનવામાં આવે છે. કહે છે કે રાવણ આ મૂર્તિની આરાધના કરતો હતો.
અલબેલું ઉદયપુર : રાત્રિનો મનોહર નજારો
મંદિર થોડું વિવાદિત છે. હિન્દુઓ આ મંદિરને ઋષભદેવનું હોવાનો દાવો કરે છે, તો જૈનો પોતાના આદિનાથનું દેરાસર માને છે. જૈનોના બે ફાંટા શ્વેતાંબર અને દિગમ્બરમાં પણ આ મંદિરના વહીવટી અધિકાર વિશે વિવાદ છે. થોડા સમય પહેલાં, અત્રે વસતા આદિવાસીઓએ પણ આ મંદિર પર દાવો મૂક્યો છે. મૂળમાં તો આ મંદિરની આવકને કારણે બધાની દાઢ સળકે છે. અહીં રોજ ભગવાનની પૂજા કેસરથી થાય છે અને સુંદરતા અપ્રિતમ છે. જૈનો માટે must visit place અને બાકીના લોકોને સમય હોય તો જરૂર જોવું.
જૈન ધર્મશાળામાં રહેવાની સુંદર વ્યવસ્થા છે. ન રોકાવું હોય તો એક કલાકનો સમય પૂરતો છે ફરવા માટે. બીજી સવારે અમે ઉપડ્યા ‘લેક સીટી’ ઉદયપુર તરફ.
Ø સુંદર મજાના રસ્તા ઉપર ૬૦ કિલોમીટર કાપતાં શું વાર ! આવી પહોંચ્યાં... ઉદયપુર :
૧૫૫૯માં આ શહેરની સ્થાપના મહારાણા ઉદયસિંહે કરી હતી અને તેમના જ નામ પરથી શહેરનું નામ ઉદયપુર રખાયું. એ સમયે નગરની સુરક્ષા માટે શહેરની ચારેકોર મજબૂત કોટ બનાવાયો હતો. તેમાં ૧૧ ભવ્ય દ્વાર મૂકાયા હતા. ‘સૂરજપોલ’ શહેરનું મુખ્ય દ્વાર હતું. સમયની સાથે શહેરનું સ્વરૂપ પણ બદલાયું હતું. તેના સીમાડા કોટવિસ્તારની બહાર વિસ્તરવા માંડ્યાં, પણ આજેય એ કોટનો કેટલોક ભાગ તથા બાકી બચેલા દ્વાર એ દૌરની ભવ્યતાના મૂક સાક્ષી બની રહ્યા છે. ઈતિહાસનાં આવાં જ કેટલાંક રહી ગયેલાં ચિહ્નોને જોવા સહેલાણીઓ આજે પણ ઉદયપુરની ગલીઓમાં ઘૂમતા નજરે પડે છે.
સૌથી પહેલાં જે મહેલ તૈયાર થયો તે આજે ‘સિટી પેલેસ’ને નામે ઉદયપુરની ઓળખ બની ગયો છે. આમ પણ ઉદયપુરના ઈતિહાસ અને મેવાડના મહારાણાઓની ગૌરવગાથા સમજવી હોય તો સિટી પેલેસથી વધુ યોગ્ય બીજું કોઈ સ્થળ નથી. સિટી પેલેસ ઉદયપુરનો રાજમહેલ છે. મૂળ તો તે મહારાજા ઉદયસિંહનું નિવાસસ્થાન અને રાજકાજનું કેન્દ્ર હતું. મહારાણાઓની આન, બાન અને શાનને પોતાની અંદર સમેટીને ઊભેલો મહેલ એ સમયગાળાની તમામ અણમોલ વિરાસત ધરાવે છે. અહીં આવતા પ્રવાસીઓ માટે આ મહેલ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. મહેલની દીવાલોમાંથી આજે પણ ભવ્ય ભૂતકાળના પડઘા સંભળાતા હોય એવું લાગે. રાજસ્થાનના આ સૌથી મોટા રાજમહેલ સિટી પેલેસમાં પ્રવેશ માટે બે દ્વાર બનાવાયા છે. પહેલું દ્વાર ‘બડી પોલ’ કહેવાય છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૬૦૦માં થયું હતું. બીજું દ્વાર ‘ત્રિપોલિયા ગેટ’ છે. તે ઈ.સ. ૧૭૨૫માં બંધાયું હતું. મહેલમાં જવા માટે આ ગેટમાંથી પસાર થવું પડે છે. ઉદયપુરનો સિટી પેલેસ ખરેખર તો ચાર મોટા અને થોડાક નાના મહેલોનો સમૂહ છે જે જુદા-જુદા રાજાઓ દ્વારા જુદા-જુદા સમયે બંધાવાયા હતા. પણ તેનું નિર્માણ એટલી કુશળતાથી કરાયું હતું કે તેના પર નજર નાખતાં એવો સહેજે ખ્યાલ ન આવે કે જુદાજુદા સમયે બંધાયા હશે.
લેક પેલેસ
‘હવા મહેલ’, ‘દિલખુશ મહેલ’, ‘મોતી મહેલ’ અને ‘શીશ મહેલ’ – આ ચાર સિટી પેલેસના મુખ્ય મહેલો છે. આ તમામ મહેલોમાં નકશીદાર ઝરૂખાઓ, કમાનો અને સુસજ્જિત સ્તંભોની ભરમાર છે. એક એક મહેલની ખૂબસૂરતી નિહાળતા એક આખો દિવસ પણ ઓછો પડે. જો કલાકૃતિના શોખીન હો તો આખો સિટી મહેલ ફરી વળીને તેમાંની એક એક કલાકૃતિઓને મનમાં બેસાડવા માટે કમ સે કમ એક સપ્તાહ તો જોઈએ જ. અમે તો ચાર કલાકમાં ફરી વળ્યાં. મહેલોની સામે સુંદર બગીચો છે. તેમાંના ફુવારા તેના સૌંદર્યમાં ઓર વધારો કરે છે. મહેલમાં પ્રવાસીઓ પ્રવેશે ત્યારે જ સામે ‘રામ આંગન’ છે. તે મહેલનો સૌથી જૂનો હિસ્સો છે. તેને મહારાણા ઉદયસિંહે ઈ.સ. ૧૫૬૫માં બંધાવ્યો હતો. રામ આંગનની દીવાલો પર રાણા પ્રતાપે લડેલાં યુદ્ધોનાં ચિત્રો છે. આ ચાર મુખ્ય મહેલો ઉપરાંત સિટી મહેલમાં બીજાં પણ કેટલાંયે આકર્ષણ છે જે તેના વિસ્મયકારી સૌંદર્યથી જોનારાને મોહી લે છે. સૂરજ ગોખડા (સૂર્ય ઝરૂખો), બડા મહલ, ભીમવિલાસ, ચીની ચિત્રશાળા, મોર ચોક, જનાના મહલ,
ઉદયપુરની શાન સમો
‘સિટી પેલેસ’ અને પાછળના ભાગે
આવેલું ‘પિછૌલા’ લેક
ફતહ પ્રકાશ, દરબાર હોલ, શંભુનિવાસ વગેરે સિટી પેલેસની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. વહેલી સવારે ઊગતા સૂરજના પ્રકાશમાં સૂરજ ગોખડાનું સૌંદર્ય જોવા જેવું હોય છે. સૂરજ ગોખડા એક પ્રકારની બાલ્કની છે. અહીં બેસીને મહારાણા પ્રજાને સંબોધન કરતા. બડા મહલ ૯૦ ફૂટ ઊંચી ચટ્ટાન પર બગીચાની વચ્ચે બનેલી સુંદર ઈમારત છે. લીલાંછમ વૃક્ષોનો શીતળ છાંયો, સ્વચ્છ અને શીતળ પવન વગેરેને કારણે અહીંથી જવાની મરજી જ ન થાય.
ચીની ચિત્રશાળામાં ચિનાઈ માટીના વાસણોનો સંગ્રહ છે, તો લક્ષ્મીવિલાસ મહેલ અને મોર મહેલમાં જગપ્રસિદ્ધ ‘મેવાડ’ ચિત્રકલાનો ખાસ સંગ્રહ છે. મોર મહેલમાં તો દીવાલો પર બનાવાયેલી મોરની જીવંત આકૃતિઓ જોઈને એવું જ લાગે કે હમણાં મોર કળા કરીને નાચવા માંડશે. વિભિન્ન મુદ્રાઓમાં બનેલી મોરની આકૃતિઓ જુદી જુદી ઋતુઓનું પ્રતીક છે. મેં પણ મોર બની થોડું થનગની લીધું ! અહીં કાચ ટાઈલ્સની કળાના ઉત્તમ નમૂના જોવા મળી જાય. માણિક મહેલમાં કાચ અને ચિનાઈ માટીની બનેલી સુંદર આકૃતિઓ જોવા મળે છે. કૃષ્ણાવિલાસમાં એક સુંદર ચિત્ર ગેલેરી છે. આ મહેલ મહારાણા ભીમસિંહની કુંવરી કૃષ્ણાકુમારીનો હતો. ઉપલા માળ પર બાડી મહેલ છે. બાડી એટલે વાટિકા. તેના ઉપલા માળ પર એક વાટિકા છે. ટેરેસ ગાર્ડન જેવી આ બાડીમાં ઘટાદાર વૃક્ષો પણ છે. તેને જોઈને નવાઈ જ લાગે. ખરેખર તો આ ટેરેસ ગાર્ડન નથી, પણ મહેલની મધ્યે એક ઊંચા ટેકરા પર બનેલો બગીચો છે. મહેલનો આ ભાગ ઊંચા ટેકરાની ચારે તરફ બનેલો છે. મહેલના ઉપલા ઝરૂખાઓમાંથી એક તરફ શહેર અને બીજી તરફ પિછૌલા સરોવરનું વિહંગમ દૃશ્ય નજરે પડે છે. સિટી પેલેસમાં આવેલો જનાના મહેલ ખાસ રાજપરિવારની સ્ત્રીઓ માટે બનાવાયો હતો. આજે પણ અહીં એક ચિત્ર ગેલેરી છે. અમરવિલાસ સિટી પેલેસનું સૌથી ઊચું સ્થાન છે. ત્યાં ઝૂલતા બગીચા, મિનારા અને નકશીદાર ‘બારહદરિયાં’ છે.
આમ તો સિટી પેલેસના ચારેય મુખ્ય મહેલો એટલે કે હવા મહેલ, શીશ મહેલ, દિલખુશ મહેલ અને મોતી મહેલ પોતપોતાની આગવી વિશેષતાઓ અને ખૂબીઓ માટે જાણીતા છે, છતાં તેમાં ‘શીશ મહેલ’ તેની એક ખૂબી માટે બેજોડ છે. તેમાં દીવાલો પર ફરસથી માંડીને છત સુધી તથા છત પર પણ અસંખ્ય કાચ જડેલા છે. કુલ કેટલા કાચ હશે તેની કોઈ ગણતરી કરી શકતું નથી. પિછૌલા સરોવરને કિનારે ખડા આ રાજમહેલનો એક ભાગ હવે સંગ્રહાલયમાં તબદીલ કરી નખાયો છે. તેમાં રાજપૂતના અસ્ત્રો-શસ્ત્રો, ચિત્રો, રાજસી પ્રતીકો અને મેવાડ તથા સિસોદિયા મહારાણાઓની અંગત વસ્તુઓનો સંગ્રહ છે. મહેલના એક ભાગમાં આજે પણ અહીંના ભૂતપૂર્વ રાજાઓના પરિવારો રહે છે, જ્યારે અન્ય ભાગોને હેરિટેજ હોટલોમાં ફેરવી નખાયા છે.
(ક્રમશઃ)
- એકતા દોશી