Maa nu hriday in Gujarati Short Stories by Dipty Patel books and stories PDF | મા નું હ્દય

Featured Books
Categories
Share

મા નું હ્દય

હોસ્પિટલમાં બેડ ઉપર સૂતેલા હાર્દિકે એની મમ્મી ને ઘરે જવા માટે કહ્યું પણ સીમા નક્કી કરી ને જ આવી હતી , હાર્દિક ને સારું થાય પછી જોડે જ ઘરે જઈશ. પણ અઢાર વર્ષના એ હાર્દિક ને ખબર પડી ગઈ હતી હવે એ ક્યારેય ઘરે પાછો નથી જવાનો.
ખબર તો સીમા ને પણ પડી ગઈ હતી , પણ માં નું હ્રદય એક અતૂટ વિશ્વાસ અને પ્રભુ પ્રત્યે ની શ્રધ્ધા કોઈ ચમત્કાર થાય એ જ વિચારી બનતું બધું કરી હાર્દિક ને બચાવવા માટે કોશિશ કરી ભગવાન ની સામે હરિફાઈમાં ઉતરી હતી.
થેલેસેમીયા ની એ બિમારી હાર્દિક છ મહિના નો હતો ત્યારે ખબર પડી હતી.જે અત્યારે અંતિમ ચરણમાં પહોંચી હતી. અત્યાર સુધીની એ લડાઈ માં બધાં સાથે જ હતાં.પણ ઇંજેક્શન ની સોય તો હાર્દિક એકલો જ સહન કરતો હતો. હાથ પગમાં કોઈ પણ સુરક્ષિત જગ્યા જ દેખાતી નહોતી. જ્યાં ઇંજેક્શન નું નિશાન ના દેખાય.હવે એ પણ કંટાળી અને જિંદગી થી હારી ગયો હતો.

એ એવી જ વાતો કરતો હતો એની મમ્મી સાથે , હું ના હોવું તો તમે આમ કરજો , તેમ કરજો.મધ્યમ વર્ગીય ને દવાખાના કરવા પડે ત્યારે એક સાંધતા તેર તૂટે.. એવી હાલત થાય.અને બિમાર વ્યક્તિની બનતી બધી ઈચ્છાઓ પૂરી કરવાની કોશિશ મા-બાપ તો કરે જ. એમાં પણ પંદર દિવસ થી દવાખાને થી ઘરે નહીં ગયેલી સીમા ઘરની હાલત ની કલ્પના કરી શકતી હતી. પણ હાર્દિક ને છોડી ને ઘરે નહીં જ ગઈ.

ઘરે સીમા ના સાસુ હાર્દિક ને દાખલ કર્યો હતો ત્યારથી આવી ગયા હતા ઘર સંભાળવા માટે. હાર્દિક ને પણ નાનપણથી જ દાદી સાથે બહુ લગાવ હતો. એટલે એ હાર્દિક ને આ સ્થિતિ માં જોઈ નહોતા શકતા. ઘરે પણ સગાંવહાલાં ની અવરજવર ચાલુ જ હતી. ઘરમાં ઘણી વસ્તુઓ ખાલી થઈ ગઈ હતી. સીમા ની નણંદ પણ આવી હતી. એનાં નજર માં ઘરની પરિસ્થિતિ આવી ગઈ.એ ચૂપચાપ બહાર ગઈ , અને જીવનજરૂરિયાતની બધી વસ્તુઓ અને સાથે થોડા નાસ્તાઓ લઈને ઘરે આવી. અને બધું ગોઠવી દીધું . એનાં મમ્મી એ જોયું પણ કશું બોલ્યાં નહીં , આંખોથી જ ચૂપચાપ આભાર વ્યક્ત કર્યો. અત્યારે સીમાને એનાં લક્ષ્યમાં ખલેલ ના પહોંચે એ માટે મૂક બનીને સાથ સહકાર આપવા બધાં જોડાયા હતા.

પણ હાર્દિક દિવસે દિવસે વધુ ને વધુ પીડા સહન કરી રહ્યો હતો. એક બાજુ પગ લકવા ગ્રસ્ત ની અસર ની જેમ થઈ ગયો , એમ એનાં ચહેરા ઉપર પણ પીડા દેખાઈ આવતી હતી. આજે રક્ષાબંધન પર્વની રાખડી એની નાની બહેન રોશની હોસ્પિટલમાં જ બાંધી . રોશની રાખડી બાંધી બહાર એનાં પપ્પા પાસે આવી ખૂબ ખૂબ જ રડી.એને રડતાં જોઈને ત્યાં ઉભેલા બધાંની આંખોમાં આંસું આવી ગયા, ત્યાં જ ડોક્ટર આવ્યાં .

હાર્દિક ને જોઈ ને એમને બહુ ચિંતા થઈ , પણ ડોક્ટર પણ કશું કરી શકે એમ નહોતા . એમણે બહાર આવી હાર્દિક ના પપ્પા જગદીશભાઈ જોડે વાત કરવા બોલાવ્યા. અને કહ્યું : "તમારે જેને મળવા બોલાવવું હોય એમને બોલાવી લો . પરિસ્થિતિ વધુ ગંભીર બનશે. કંઈ પણ થઈ શકે કોઈ પણ ટાઈમે." "સીમા ને હંમણા આ વાત નહીં કરતાં". એમ કહી જગદીશભાઈએ ઘરે ફોન લગાવ્યો.એમણે મમ્મી-પપ્પા ને બપોરે દવાખાને આવવા કહ્યું.

બધાં આવી ગયા પછી ડોક્ટરે કહેલી વાત જણાવતાં કહ્યું , " બધાં વારાફરતી મળીને એને ખુશ કરવા ની વાતો કરજો."
દાદા ને જોઈ હાર્દિક ખુશ ખુશ થઈ ગયો. " દાદા મારાં માથા ઉપર હાથ રાખીને ધૂન બોલો હું સાંભળતાં સાંભળતાં સૂઈ જવું."

બે દિવસ કોઈ ફેરફાર વગર આમ જ નીકળી ગયા. સીમા હાર્દિક ને જે ખાવું હોય તે પૂછીને જ મંગાવતી હતી. આજે હાર્દિકે જમવાની ઈચ્છા નથી કહ્યું. સીમા એના માથે હાથ ફેરવી એને સમજાવા લાગી. બહુ સમજાવ્યો પણ આજે એને સારું નથી , એમ જ કહ્યું . ઊંઘ પણ બહુ આવતી હતી.સીમા એની બાજુમાં જ બેસી રહી . જગદીશભાઈ આવી સીમાને ચા પીવા મોકલી, પોતે ત્યાં બેઠા , હાર્દિક ને ઊંઘતો જોઈ એનાં સામું જોઈ ને બેસી રહ્યા.
ત્યાં જ હાર્દિક ને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. નર્સ ને બૂમ પાડી.. ડોક્ટર ને પણ બોલાવવા એક જણ દોડ્યું . પાંચ મિનિટ માં હાર્દિક દુનિયા ને અલવિદા કહી ગયો.

સીમા આવી રૂમની બહાર ભીડ જોઈને દોડી , ધક્કો મારી ને અંદર પહોંચી , હાર્દિક ને શાંત જોઈ જોશથી ચીસો પાડી હાર્દિક ને ઉઠાડવા લાગી . પણ હાર્દિક તો અનંત યાત્રા એ ગયો હતો. સીમા પોતે ચા પીવા ના ગઈ હોત તો .... વિચારી પોતાને જ દોષિત માનવા લાગી. એનું હાર્દિક માટે નું ભયંકર આક્રંદ નહીં જોઈ શકનાર ત્યાં થી બહાર નીકળી ગયા. સીમા રડતાં રડતાં ત્યાં જ બેહોશ થઈ ગઈ.

આજે હાર્દિકને ગયે એક વર્ષ થઈ ગયું છે. પણ આજે પણ સીમા હાર્દિક ઘરમાં જ છે એનો અહેસાસ કરે છે. હાર્દિક નું નામ પડતાં જ એની આંખો વરસી પડે છે. વાત વાતમાં હાર્દિક ને બૂમ પાડી ઊઠે છે. કોઈ એને સમજાવવા પ્રયત્ન પણ નથી કરતું. મા નું હ્રદય છે . મા ના હ્રદય નો પાર ભગવાન સિવાય કોઈ જાણી નથી શકતું....