વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 140
‘દાઉદ ગેંગમાંથી પહેલા છોટા રાજન અને પછી અબુ સાલેમ છૂટા થઈ ગયા એ પછી છોટા શકીલ ખાસ્સો પાવરફૂલ બની ગયો હતો. તેણે દાઉદ ગેંગમાં પોતાનાં ઘણાં સગાંવહાલાંઓની ભરતી કરાવી દીધી હતી. શકીલે દાઉદ ગેંગમાં બે મહત્વના માણસ તરીકે તેના બનેવી સલીમ કુરેશી અને ભાઈ અનવરને ગોઠવી દીધા હતા. દુબઈમાં રહેતો સલીમ કુરેશી દાઉદ ગેંગના ક્રિકેટ બેટિંગ, જુગાર અને ડ્ર્ગ્સના ધંધામાં ધ્યાન આપતો હતો તો શકીલનો ભાઈ અનવર ખંડણી ઊઘરાણીના ‘ધંધા’માં અને ખંડણીની રકમ ન ચૂકવનારાઓ પર હુમલો કરાવવામાં અથવા તો તેમને ખતમ કરાવવામાં મહત્વની કડીરૂપ બની ગયો હતો. પણ 2001ની શરૂઆતથી તેને શકીલ સાથે મનદુઃખની શરૂઆત થઈ હતી.
શકીલ અને તેના ભાઈ વચ્ચેનું અંતર દિનપ્રતિદિન વધી રહ્યું હતું. એક દિવસ મામલો એટલો ગંભીર બની ગયો કે અનવરે શકીલ સાથે મોટો ઝઘડો કરી નાખ્યો અને શકીલ સાથે સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવાની ધમકી આપી દીધી. અનવર સાથે ઝઘડાથી શકીલ અપસેટ થઈ ગયો. જોકે દાઉદ સુધી આ મામલો પહોંચ્યો ત્યારે દાઉદે શકીલ અને અનવર બંનેને સમજાવીને શાંત પાડ્યા. પણ એક વાર દોરો તૂટ્યો પછી સાંધીએ તો પણ એમાં ગાંઠ રહી જાય એ રીતે અનવર અને શકીલના સંબંધમાં પહેલા જેવી ઉષ્મા રહી નહીં. મુંબઈમાં દાઉદ ગેંગ વતી છોટા શકીલ ફહીમ મચમચના માધ્યમથી ખંડણી ઉઘરાણી કરાવી રહ્યો હતો તો બીજી બાજુ દાઉદના ભાઈ અનીસે ખંડણી ઉઘરાણી માટે તેના ખાસ માણસ સલીમ ચિપલૂણને કામે વળગાડી દીધો હતો. સલીમ ચિપલૂણ મુંબઈના બિઝનેસમેન, બિલ્ડર્સ અને હોટેલિયર્સને સિકંદરના નામથી ખંડણી માટે ધમકી આપતો હતો.
દાઉદની જેમ જ તેના ભાઈ અનીસે પણ ખંડણી ઉઘરાણી માટે વ્યવસ્થિત નેટવર્ક ઊભું કર્યું હતું. સિત્તેરના દાયકાના ઉત્તરાર્ધમાં અને એંસીના દાયકાના શરૂઆતનાં વર્ષોમાં જે રીતે આડેધડ વેપારીઓ પાસેથી ખંડણી મગાતી હતી એ રીતે ખંડણી ઉઘરાવવાને બદલે દાઉદ ગેંગ દ્વારા સિસ્ટમ ઊભી કરવામાં આવી હતી. નેવુંના દાયકાના અંત સુધીમાં તો દાઉદ ગેંગ કોર્પોરેટ હાઉસની જેમ ખંડણીનો બિઝનેસ ચલાવતી થઈ ગઈ હતી.
કોઈ વેપારી કે બિલ્ડર પાસેથી ખંડણી વસૂલવી હોય તો દાઉદ ગેંગ દ્વારા જેમનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ ન હોય એવા ગેંગ મેમ્બરને વેપારી કે બિલ્ડરનો ફોન નંબર અપાય. એટલે તે પહેલાં તો ફોન નંબર પરથી વેપારીનું સરનામું શોધી કાઢે. એ પછી તે ગ્રાહક બનીને સંભવિત ‘શિકાર’ની દુકાન કે ઑફિસમાં પહોંચી જાય. ત્યાંથી તેનું વિઝિટિંગ કાર્ડ મેળવ્યા બાદ તે ‘શિકાર’ના કોઈ કર્મચારીને મિત્ર બનાવીને તેની પાસેથી વેપારી કે બિલ્ડરની વાર્ષિક કમાણીનો અંદાજ મેળવે. એ સિવાય તેના વિશે અન્ય માહિતી એકઠી કરીને તે ગેંગ મેમ્બર તેના ઉપરી સુધી એ માહિતી પહોંચાડી દે એટલે તેની ડ્યુટી પૂરી થઈ જાય. આટલી માહિતી મળ્યા પછી દાઉદ ગેંગનો સંબંધિત વિસ્તાર કે શહેરનો ‘ઈનચાર્જ’ નક્કી કરે કે વેપારી પાસેથી કેટલી ખંડણી વસૂલવી છે. ‘ઈનચાર્જ’ બીજા ગેંગ મેમ્બરને ફોન કરીને વેપારી વિશે માહિતી આપે. તે ગુંડો પહેલા તો વેપારીને ફોન કરીને ધમકાવે. પણ જો કોઈ વેપારી એમ સીધો ખંડણી આપવા તૈયાર ન થાય તો તેની દુકાન કે ઑફિસ પર હુમલો કરાવાય. અને વેપારી વધુ હિંમતવાળો હોય તો તેના પર ગોળીબાર કરવાની સૂચના એ પછી બીજા ગુંડાને એટલે કે ગેંગના રીઢા શૂટરને અપાય. એ શૂટરને સૂચના અપાયા પછી તેને ‘ઓપરેશન’ પાર પાડવા માટે પિસ્તોલ, મોબાઈલ ફોન તથા રોકડ રકમ પહોંચતી કરાય. એ બધું પહોંચાડવાની જવાબદારી વળી બીજા જ ગેંગ મેમ્બરને સોંપાય જે ‘કરીઅર’ તરીકે ફરજ બજાવતો હોય.
જો વેપારી ખંડણી આપવા તૈયાર થઈ જાય તો ખંડણીની રકમ લેવા માટે જુદા જુદા ગેંગ મેમ્બર્સને મોકલાય. એ પૈસા ક્યાં અને કેવી રીતે મોકલવા એની સૂચના જે-તે ગુંડાને પાછળથી અપાય અને એ રકમ છેવટે હવાલાથી વિદેશમાં ‘બિગબોસ’ સુધી પહોંચી જાય. આવા જુદાં-જુદાં કામ કરતાં ગેંગ મેમ્બર્સને તેમના કામના પ્રમાણમાં મહેનતાણું આપવાની સિસ્ટમ પણ ગોઠવાઈ ગઈ હતી. માહિતી કઢાવનારને ચારથી પાંચ હજાર રૂપિયા અપાય અને તગડો શિકાર હોય તો રૂપિયા પંદરથી વીસ હજાર જેટલી રકમ ચૂકવાય, ધમકી આપનારને રૂપિયા સાતથી દસ હજાર મળે. ખંડણીની રકમ લેવા જનારને રૂપિયા પચીસથી પચાસ હજાર મળે. તો શૂટર્સને નિયમિત પગાર મળે. અને શૂટર્સની ધરપકડ થાય તો તેના ઘરે નિયમિત પગાર પહોંચી જાય તથા તેના માટે વકીલોની ફી ચૂકવાઈ જાય એવી સિસ્ટમ દાઉદ ગેંગમાં ગોઠવાઈ ગઈ હતી. અનીસે આ રીતે ખંડણી ઉઘરાણીનું કોઈ કોર્પોરેટ હાઉસ જેવું નેટવર્ક ઊભું કર્યું હતું. અને બીજી બાજુ અંડરવર્લ્ડની બીજી બધી ગેંગ પણ તેનું અનુકરણ કરતી થઈ ગઈ હતી.
દાઉદના ભાઈ અનીસે જેમ ખંડણી ઉઘરાણી માટે સમાંતર નેટવર્ક ઊભું કર્યું હતું એ જ રીતે શકીલના ભાઈ અનવરે પણ મુંબઈમાંથી ખંડણી ઉઘરાવવા માટે પોતાના માણસો તૈયાર કરી દીધી હતા. જોકે તેણે બહુ ઝડપથી પૈસા કમાવવાનો એક નવો રસ્તો શોધી કાઢ્યો હતો. તેણે યુનાઈટેડ આરબ અમિરેટ્સ (યુ.એ.ઈ.)માં વાયગ્રાના વેપારમાં ઝંપલાવ્યું હતું. અનવર મુંબઈના કેટલાંક વેપારીઓ પાસેથી સસ્તા ભાવે વાયગ્રા ખરીદતો હતો. અને ત્રણસોથી છસો ટકા નફા સાથે યુનાઈટેડ આરબ અમિરેટ્સના દેશોમાં વેચતો હતો. મુંબઈનાં કેટલાક મુસ્લિમ વેપારીઓ મધ્ય-પૂર્વના દેશોમાં વાયગ્રા વેચીને કરોડપતિ થઈ ગયા હતા એટલે શકીલના ભાઈ અનવરની પણ દાઢ સળકી હતી.
દુબઈ અને દુબઈના પાડોશી દેશોમાં વાયગ્રાની અમેરિકાથી સીધી આયાત કરવા કરતા શ્રીલંકા, ભારત અને પાકિસ્તાનના વેપારીઓ પાસેથી વાયગ્રા મગાવીને વેચવામાં વધુ કમાણી થતી હોવાથી દુબઈ અને પડોશી દેશોના વેપારીઓ આ રસ્તો અજમાવતા હતા. વાયગ્રા ટેબ્લેટ્સ દુબઈ અને અન્ય દેશોમાં પહોંચાડવા માટે પણ આવા વેપારીઓએ નુસખો શોધી કાઢ્યો હતો. તેઓ ચારથી આઠના ગ્રુપમાં પુરુષ તથા મહિલા ‘કેરીઅર્સ’ને મુંબઈ કે કોલંબો કે કરાચીથી દુબઈ મોકલતા અને એ દરેક ‘કરીઅર’ પાસે વાયગ્રાની પાંચથી સાત બોટલ રહેતી. દરેક બોટલમાં 50 ટેબ્લેટ્સ હોય. એ ટેબ્લેટ્સની બોટલ આશરે 4500થી 5000 દિરહામમાં અંદાજે રૂપિયા 50 હજારથી 55 હજારમાં ત્યાં વેચાતી અથવા તો છૂટક ટેબ્લેટ્સ 110થી 200 દિરહામ એટલે કે આશરે રૂપિયા 1200થી 2200માં વેચાતી. એટલે કે મુંબઈમાં 50 ટેબ્લેટ્સ (છૂટક રીતે) આશરે રૂપિયા અઢારથી વીસ હજારમાં વેચાતી એને બદલે દુબઈ અને પાડોશી દેશોમાં એટલી ટેબ્લેટ્સના (છૂટક વેચાણ દ્વારા) રૂપિયા 60 હજારથી 1 લાખ 10 હજાર ઉપજતા હતા!”
શકીલના ભાઈ અનવરે વાયગ્રાના આવા કસદાર ધંધામાં ઝંપલાવ્યું અને તેણે શ્રીલંકા, પાકિસ્તાન અને ભારતના જ વેપારીઓ આ રીતે દુબઈ અને અન્ય દેશો સાથે વાયગ્રાનો વેપાર કરતા હતા તેમને ધમકાવીને વાયગ્રાનો જથ્થો પોતાના દ્વારા જ દુબઈ પહોંચાડવાનો આદેશ આપ્યો. જે વેપારીઓએ અનવરનો આદેશ માનવામાં ના પાડી દીધી તેમના પર ગોળીબાર થયો. જોકે તેઓ બચી ગયા. અનવર તેમને ગભરાવી મૂકવા તેમના પર ગોળીબાર કરાવતો હતો. આવા એક વેપારી પર અનવરે ગોળીબાર કરાવ્યા પછી પણ એ વેપારી શરણે ન થયો ત્યારે અનવરે તેની હત્યા કરાવી નાખી હતી. એક બાજુ છોટા શકીલનો ભાઈ અનવર આડો ફાટ્યો હતો ત્યારે બીજી બાજુ ફરી એક વાર દાઉદ અને શકીલને મુંબઈથી એક માઠા સમાચાર મળ્યા!’
(ક્રમશ:)