Shikar - 9 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | શિકાર : પ્રકરણ 9

Featured Books
Categories
Share

શિકાર : પ્રકરણ 9

નવાપુરાથી ચારેક કિલોમીટર અમદાવાદ તરફ ‘આચાર્ય સત્યાનંદ સ્વામીનો ભક્તિધામ આ તરફ’ લખેલું બોર્ડ વાંચીને ઓડી ધીમી પાડી. આશ્રમમાં ગાડી પ્રવેશી પણ ગેટ ઉપર કોઈએ રોક્યા નહિ. કોઈ પૂછપરછ કરાઈ નહિ. જુહીએ ગીયર બદલીને નજર કરી. જમણી તરફ ગાડીઓ પડી હતી. એ પાર્કિંગ હોવું જોઈએ એમ ગણી ગાડી સીધી જ પાર્કિંગ લોટ તરફ લીધી.

ગાડી ઉભી રહી એટલે દસ્તાવેજવાળી બેગ લઈને નિધિ નીચે ઉતરી.

"તું ગાડીમાં જ બેસ હું તરત જ આવું છુ." કહી નિધિએ આશ્રમમાં ચારેય તરફ નજર કરી.

આશ્રમ વિશાળ હતો. સોળેક વિધામાં એ ફેલાયેલો હશે. નિધિ આવા કોઈ આશ્રમમાં આ પહેલા ક્યારેય આવી ન હતી એટલે અનાયાસે એની નજર બધું જોતી રહી. પાર્કિંગથી ત્રીસ ચાળીસ ફૂટ ડાબી તરફ ચાલીને એ મુખ્ય ડ્રાઈવ વે પર આવી. ડ્રાઈવ વે પર આવીને નજર કરી. સીધું જ એક એક માળનું મકાન દેખાયું. ઉપર હોસ્પિટલ લખેલું હતું એટલે નીધીએ નજર ફેરવી. હોસ્પીટલની બાજુમાં એક મોટી ત્રણ માળની બિલ્ડીંગ હતી. એની પાસે જમણી તરફ દસેક રૂમ લાઈનસર ઉભી હતી. એની પાછળ આશ્રમની જમણી દીવાલે બાથરૂમ જેવી ઓરડીઓ દેખાઈ. નીધીએ વિચાર્યું આ ત્રણ માળની બિલ્ડીંગ જ મુખ્ય લાગે છે. તે એ તરફ જવા લાગી. ડાબી તરફ એની નજર પડી ત્યાં પણ એક ત્રણ માળની બિલ્ડીંગ હતી એનો દરવાજો આશ્રમના પ્રવેશદ્વાર તરફ હતો. એ બિલ્ડીંગ અને હોસ્પિટલ વચ્ચે દેખાતી ખુલ્લી જગ્યામાં ઊંચા વ્રુક્ષો અને ઘાસ નજર પહોંચે ત્યાં સુધી હતા. પાછળનો કોટ દેખાતો ન હતો.

બધું જોતી એ પેલી હરોળમાં બાંધેલી ઓરડીઓ અને મુખ્ય ત્રણ માળની બિલ્ડીંગ પાસેના ચાળીસ ફૂટ જેવડા રસ્તા ઉપર પહોંચી. આ બિલ્ડીંગનું પ્રવેશદ્વાર પણ આશ્રમના પ્રવેશદ્વાર તરફ જ હતું.

નિધિ બિલ્ડીંગ આગળ ઉભી રહી. કોઈ ગેબી અવાજો સાંભળતાં હતા. માઇક ઉપર મંત્રો ચાર સાથે બીજા માઈકમાં પ્રવચન આપતો એક તેજસ્વી પ્રતિભાશાળી અવાજ આવતો હતો. નીધીએ પેલી ઓરડીઓ તરફ જોયું. ત્યાંથી એને બિલ્ડીંગ અને ઓરડીઓ વચ્ચેથી પાછળના ભાગે બે ઝુંપડી અને એક વાડો દેખાયો. વાડામાં ગાયો ભેંસો ઘેટા અને બકરા દેખાતા હતા. ઝુપડી આગળ ગોવાળ જેવા બે આદમી અને એક ઓરત એક નાનકડી ઓરડીમાં આગળના ભાગે ચૂલા ઉપર રોટલા શેકતા હતા એ બધું સ્પષ્ટ દેખાતું હતું. ઓરત દેહાતી હતી. છુટ્ટા ઓઢણી અને કાળા ઘાઘરામાં સફેદ ટપકાવાળી ડિજાઇન. હાથમાં કોણી સુધી બંગડીઓ અને એથી ઉપર ચુડલા પહેરેલી ઓરત લાજ કાઢીને રાંધતી હતી.

પણ આ હારબંધ આટલા રૂમ કેમ હશે? નિધિને એ સમજાયું નહી. પણ આશ્રમના લોકો એ રૂમ એકાગ્રતા માટે ધ્યાન ધરવા માટે ઉપયોગમાં લેતા. દુનિયાથી કંટાળેલા, જીવનથી હારેલા, મેન્ટલી ડિસ્ટર્બડ કે પછી સ્ટ્રેસમાં તણાવમાં જીવતા કરોડપતિ લોકો અહીં માનસિક શાંતિ માટે આવતા. આચાર્યના ભાષણો સાંભળતા. અને જીવનને સાર્થક બનાવવાની દિશા મેળવીને આચાર્યના લીધે જીવન સાર્થક બનાવી પરત ફરતા. ફરી જીવન શરૂ કરતાં.

ગમે તેમ આ બધું જોઈને, સફેદ વસ્ત્રોમાં ફરતા લોકો, વિશાળ આશ્રમ, બગીચો બધું જોઇને નિધીને થોડીક માનસિક શાંતિ થઈ. એકાએક અવાજ સંભળાયો.

"કોનું કામ છે બેટા?"

નિધીએ અવાજ તરફ જોયું. બંગલાના પ્રવેશ મુખ જોડે એક સફેદ વસ્ત્રમાં સજ્જ, થોડાક સફેદ થઈ ગયેલા વાળવાળી સાધ્વી મરમાળ સ્મિત વેરતી ઉભી હતી.

"આચાર્ય સત્યાનંદનું, હું એમને મળવા આવી છુ." સાધ્વીના આછા સફેદ વસ્ત્રો તરફ ધ્યાનથી જોતા નિધીએ વિવેકપૂર્વક જવાબ આપ્યો.

"આચાર્ય પ્રવચન કાર્યમાં વ્યસ્ત છે. આવો અંદર અહીં મહેમાનો માટે શ્રદ્ધાળુઓ માટે બેસવાની વ્યવસ્થા છે." કહીને એ સાધ્વી બંગલાની સીડીઓ ઉતરીને નીચે આવી ત્યારે નિધિને ધ્યાનમાં આવ્યું કે બિલ્ડીંગ ચારેક ફૂટ પુરત કરીને બનાવેલી હતી.

નીચે ઉતરીને એણીએ બિલ્ડીંગ ઉપર નજર કરી. ઉપર ગોઠવેલી તોતિંગ ઘડિયાળમાં સમય જોયો અને કહ્યું, "તમારે વધારે ઇન્તજાર કરવાનો રહેતો નથી. આચાર્યના પ્રવચનનો એક ખાસ સમય હોય છે. હમણાં પંદરેક મિનિટમાં પ્રવચન સમાપ્તિ થશે પછી તમને આચાર્ય મુલાકાત આપશે."

સાધ્વીએ ચપ્પલ વગરના પગ ઉપાડી નિધીને ઇશારો કરી પાછળ આવવા કહ્યું. નિધિ પણ સૂઝ ઉતારીને એની પાછળ દોરાઈ. બંગલાના અંદર જતા એક મોટા હોલમાંથી ડાબી તરફ એક દરવાજો ખોલી એક વિશાળ રૂમમાં જઈને સાધ્વીએ ત્યાં ગોઠવેલા સોફા તરફ ઈશારો કરી કહ્યું, "અહીં બેસો, આચાર્ય જેવા પ્રવચન સમાપ્ત કરશે એટલે તરત સંદેશો પાઠવીશ. તમારું નામ?"

"નિધિ, નિધિ રાવળ..."

સાધ્વીએ ફરી એક મોહક સ્મિત આપ્યું અને બહાર નીકળી ગઈ.

*

બરાબર પંદરેક મિનિટ પછી નિધિ જ્યાં બેઠી હતી ત્યાં થોડી ચહલપહલ થઈ. કેટલાક માણસો એ હોલમાંથી બહાર નીકળતા હતા. કશુંક અંદરોઅંદર વાતો કરતા હતા. નિધીને થયું ચોક્કસ પ્રવચન પૂરું થયું હશે અને પ્રવચન સાંભળવા આવેલા લોકો હવે જઈ રહ્યા હશે. પણ પેલી સાધ્વી ન આવે ત્યાં સુધી ઉભા થઈને બહાર નીકળવું એને ઠીક ન લાગ્યું એટલે એમ જ બેસી રહી.

થડીવારે દરવાજો ઉઘડયો અને એવા જ સફેદ વસ્ત્રોમાં સજ્જ, નિધિથી પાંચ સાત વર્ષ વધુ ઉંમરની મહિલા અંદર દાખલ થઈ. પણ એના વાળ કાળા જ હતા. ચહેરા ઉપર ઘી લગાવ્યું હોય એવી ચમક હતી. કાળી આંખોમાં કઈક ન સમજાય એવા ભાવ હતા. ચહેરા ઉપર પેલી સાધ્વી જેમ જ સ્મિત હતું. નિધિ તેના કાનની બુટ સુધી પહોંચે તેટલી ઊંચાઈ અને અડીખમ છતાય સુડોળ શરીર. આકારો આકર્ષક હતા.

"કુમારિકા નિધિ." આવીને અદબથી નિધિ સામે એ ઉભી રહી.

"જી." નિધિ ઉભી થઇને એની જેમ જ અદબથી માથું ઝુકાવી પ્રણામ કર્યા.

"આચાર્ય આપને બોલાવે છે. આપ મારી પાછળ આવો."

"જી." કહીને બેગ લઈ નિધિ એની પાછળ ચાલવા લાગી. આ યુવાન સાધ્વીના વસ્ત્રો પણ એવા જ હતા. સફેદ વસ્ત્રોમાં એ શોભતી હતી. પણ અંદરના વસ્ત્રો પહેર્યા ન હોય એવું એની છાતી પરથી લાગતું હતું. પણ નિધીએ પોતાની જાતને જ ઠપકો આપ્યો. અરે મૂર્ખ આ આશ્રમ છે. અહીં બિનજરૂરી અવરણો રાખવાની જરૂર નથી હોતી. મનોમન એ યુવાન સાધ્વીની માફી માંગતી નિધિ એની પાછળ ચાલતી રહી.

સીડીઓ ચડીને સાધ્વી અટકી અને એક દરવાજો ખોલ્યો. દરવાજામાં જઈને એ ઝુકીને ઉભી રહી. નિધિ અંદર પ્રવેશી. રૂમમાં અગરબત્તીની સુવાસ આવતી હતી. એક ખૂણામાં એક મૂર્તિ આગળ દીવો અને અગરબત્તી જળતા હતા. સામે જમીન ઉપર એક જાડી ગાદી ઉપર બીછાવેલી વેલવેટની ચાદર ઉપર એક સંત બેઠા હતા. એમને જોતા જ નિધીને થયું આ આચાર્ય સત્યાનંદ જ હોવા જોઈએ. એટલે એ પણ જુકીને પેલી સાધ્વી જેમ પ્રણામ કરી ઉભી રહી. આચાર્યની બરાબર પાછળની દીવાલે હાર બંધ ત્રણ ચાર તસ્વીરો લટકતી હતી. મોટા લાંબા વાળ, અંબોડો વાળેલો હોય તેવા ખુબ વૃદ્ધ સંતોના ફોટા હતા તેમાં એક ફોટો આચાર્યનો પોતાનો હતો.

નિધિ એ બધું જોઈ રહી પણ આચાર્ય કઈ બોલ્યા નહિ. એ તો એમની પાઇપ પીવામાં જાણે ખોવાઈ ગયા હોય એમ નિધીને જોઈ રહ્યા. નિધીને જાણે તરત જ ખ્યાલ આવ્યો હોય તેમ ગળે વિટાળેલો દુપટ્ટો માથા ઉપર ઓઢી લીધો.

"આચાર્ય આ છે કુમારિકા નિધિ રાવળ." પેલી સાધ્વીએ કહ્યું.

"આવ." અચાર્યે નિધીને ઇશરત કરી આગળ બીછાવેલી ચાદર ઉપર બેસવા કહ્યું.

"બોલ શુ સમસ્યા છે?" નિધિ બેઠી એટલે તરત આચાર્ય સત્યાનંદે પૂછ્યું.

"નહિ આચાર્યજી સમસ્યા નથી. હું તો અહીં દાન આપવા આવી છું."

"ઈશ્વર તને આ સેવા કાર્ય માટે અહીં મોકલી એનું ફળ જરૂર આપશે." સત્યાનંદનો પ્રભાવશાળી અવાજ એમના ચહેરા સાથે મેળ ખાતો હતો. મોટી આંખો. સફેદ લાંબા વાળ, સફેદ વસ્ત્રો, કાળી પાઇપ, લાંબી દાઢી અને દાઢીમાં ભળી જાય એટલી લાંબી મૂછો, ઉપરનો હોઠ ન દેખાય એટલી મોટી ભરાવદાર મૂછોમાં દસેક પ્રતિસત કાળા વાળ એમના દેખાવને ઓર પ્રભાવશાળી બનાવતા હતાં. ચહેરા ઉપર નાના બાળકના ચહેરા જેવી તાજગી હતી. સ્નાયુઓ હજુય જાણે યુવાન હોય એમ મજબૂત દેખાતા હતા. આચાર્ય ટટ્ટાર બેઠા હતા.

"નહિ આચાર્ય હું એ રીતે દાન કરવા નથી આવી." ખચકાતા અવાજે નિધિ બોલી.

"તો કઈ રીતનું દાન?" આચાર્ય અને દરવાજે ઉભી સાધ્વી બંને જરાક આશ્ચર્યથી નિધીનો જવાબ સાંભળવા એની સામે જોઈ રહ્યા.

"આચાર્યજી મારી એક મિત્ર હતી એન્જલિના. એના માતા પિતા વિલિશ અને મેરીએ મને ઉછેરી હતી. એ હવે નથી રહી." એટલું કહેતા નિધિના અવાજમાં લાગણીઓ તણાઈ આવી એટલે અટકી જવું પડ્યું.

"નથી રહી એટલે?" આચાર્યે પાઇપ બાજુએ મૂકીને પૂછ્યું.

"એન્જીએ આત્મહત્યા કરી છે."

"ઓ પરમાત્મા! બચ્ચીને સદગતિ આપજે." આંખો મીંચીને ગળામાં પહેરેલી રુદ્રાક્ષની માળાના મણકા ઉપર હાથ મૂકી આચાર્ય ગમગીન અવાજે બોલ્યા ત્યારે નિધિના ગળામાંથી તરડાઇને માંડ અવાજ નીકળ્યો.

"એણીએ મરતા પહેલા લખ્યું હતું કે મારી બધી રોકડ રકમ આશ્રમમાં આપી દેવી."

"એ શુદ્ધ આત્માનું કામ છે બેટા." આચાર્યે આંખો ખોલીને નાભિમાથી એક ધારદાર અવાજ કાઢ્યો, "મૃત્યુની પળે બીજાનો વિચાર કરવો એ કોઈ સામાન્ય આત્માનું કામ નથી. એન્જલીના કોઈ મહાન આત્મા હશે. લોર્ડ જીસસના સાનિધ્યમાં એ હવે જીવનની મોહમાયાથી પર થઈને આઝાદી પરમ સુખ માણી રહી હશે."

આચાર્યના એ શબ્દોથી નિધિ સ્વસ્થ થઈ. સચોસાચ મરતા પહેલા માણસને અફસોસ કે રડવાનું જ સુજે છે એને બદલે પોતાની મિલકત પરોપકાર માટે આપવાનો વિચાર આવ્યો એ કોઈ નાની વાત તો ન જ હતી. નિધીને હવે તો એન્જી માટેનો પ્રેમ ગર્વ વધુ ઘેરો થવા લાવ્યો.

"એમના પિતાજી વિલીએ પણ એમની પુંજી દાન કરવાનું કહ્યું છે. એ દીકરી અને પત્ની બંનેના એક સામટા મૃત્યુનો આઘાત પચાવી નથી શક્યા એટલે હવે ચર્ચમાં પાદરી બની આગળનું જીવન વિતાવવા ચાલ્યા ગયા છે." કહીને નિધીએ બેગમાંથી બધા જ કાગળ કાઢ્યા.

"ચંદ્રા દેવી...."

આચાર્યે કહ્યું એટલે પેલી સાધ્વી એમની નજીક આવી. નિધીએ એને બધા કાગળ આપ્યા. સાથે વિલિની સહીવાળો એક સ્ટેમ્પ આપ્યો જેમાં પોતાની અને દીકરીની ઘર સિવાયની બધી જ મિલકત રોકડ રકમનું સ્વેચ્છાએ દાન કરું છું એવું લખેલું હતું. વિટનેસમાં નિધિ અને જુહીની સહી હતી.

એ બધું આપીને નિધિ ઉભી થઇ. આંખો લૂછી. આચાર્યને પ્રણામ કર્યા અને દરવાજા તરફ પગ ઉપડ્યા. પણ દરવાજે પહોંચતા જ અવાજ પીઠ પાછળ અથડાયો.

"નિધિ, દુઃખ દરેકના જીવનમાં આવે છે. તું અત્યારે માનસિક રીતે સ્વસ્થ નથી. જો તું ચાહે તો આ આશ્રમના વાતાવરણમાં આવીને રહી શકે છે. જીવનના સાર વિશે પ્રવચનો સાંભળીને તારું મન હળવું થશે."

"જી આચાર્ય મને માનસિક શાંતિ નહિ થાય તો હું જરૂર અહીં આવીશ એમ મેં પણ વિચારી રાખ્યું છે. હવે હું રજા લઉં છું." બે હાથ જોડીને નિધિ દરવાજા બહાર નીકળી ગઈ.

પાર્કિંગ લોટમાં જઈને જુહીને ગાડી નીકાળવા કહ્યું. જુહીએ ગાડી નીકાળી. નિધિ એમાં ગોઠવાઈ. પણ આ વખતે પાછળની સીટમાં ગોઠવાઈ. એણીએ પેલી બેગ હાથમાં લીધી. એન્જીના આલબમ્બમાં ફોટા જોવા લાગી. ગાડી ફરી અમદાવાદ તરફ રવાના થઈ. નિધિ ફોટા જોતી રહી અને એક એક યાદો તાજી થતી રહી..!

*

નંદન રેસિડેન્સીમાં આવેલ સાર્થ ફ્લેટના બરાબર સામેના બીજા એક બહુમાળી ફ્લેટમાં અનુપ અને લંકેશ પ્રવેશ્યા ત્યારે લગભગ બપોરના ત્રણેક વાગ્યા હશે.

અનુપે પૂછપરછ કરીને ડેવલોપરની ઓફીસ શોધી કાઢી. વિકસિત એરિયામાં નવી જ બનેલી એ બિલ્ડીંગમાં હજુ ઘણા ફ્લેટસ વેચાયા વગરના હતા. થોડા ઘણા વેચાયેલા હતા. પણ છતાંય કોઈ ફ્લેટ માલિકે ફ્લેટ ભાડે આપવા માટે ડેવલોપરને ભલામણ કરી હોય તો એકાદ ફ્લેટ મળી જાય એ આશાએ અનુપ અને લંકેશ આવ્યા હતા.

"આવો." કહીને આધેડ વયના ડેવલોપર બકુલ શાહે બંને માટે ચા મંગાવી.

"અમારે એક નાનકડો ફ્લેટ ભાડે લેવો છે." અનુપે સીધી જ વાત શરૂ કરી.

“શું નામ તમારું?”

“હું અનુપ અને આ મારો ભાઈ લંકેશ.”

"કેટલા જણ રહેવાના? તમે બે કે બીજા છે?" શાહે પૂછ્યું.

"નહિ બકુલભાઈ અમારો એક મિત્ર છે સરફરાઝ એને અમદાવાદમાં રહેવાની જરૂર ઉભી થઇ છે. એ એકલો જ રહેવાનો છે."

મુસલમાન નામ સાંભળી ઘડીભર શાહ વિચારમાં પડ્યા એટલે અનુપે તરત જ કહ્યું, "બકુલભાઈ શેઠ એ વિદ્યાર્થી છે, એ પરીક્ષાઓની તૈયારી માટે અહીં આવે છે. કામ વગર તો ઘર બહાર પણ ન નીકળે એવો સીધો માણસ છે. અમે નાનપણથી ઓળખીએ છીએ."

આ વાત ઉપર બકુલભાઈ ફરી થોડીવાર ખામોશ રહ્યા પછી એક ડાયરી કાઢી અને લિસ્ટ જોયું. અનુપ અને લંકેશ આતુરતાથી એમની સામે તાકી રહ્યા ત્યાં નોકર ચા લઈ આવ્યો.

નોકરે ત્રણ કપમાં ચા ભરી બધાએ એક એક કપ લીધો.

"એક આ તરફ ફ્લેટ છે નાનો. 1bhk સરફરાઝ ભાઈ એકલા જ રહેવાના હોય તો જરાક મોટો પડશે પણ ત્રીજા ફ્લોર પર છે એટલે ભાડું વ્યાજબી જ છે." હવે બકુલ શેઠ અસલ વણીયા જેમ ધંધાદારી ઢબે ગ્રાહકને ફોસલાવવા લાગ્યા. પણ એમને ક્યાં ખબર હતી કે સામેવાળા તો આ જ મોકો જોઈને બેઠા હતાં.

"મોટું તો નહીં પડે પણ ભાડું?" અનુપે એવી ઠાવકાઈથી પૂછ્યું જાણે કોઈ ગરીબ વિદ્યાર્થી ન હોય?

"ભાડું તો મારે ફ્લેટ માલિકને પૂછવું પડે હવે એ માલિકી મારી ન કહેવાય ને? આ તો બસ બનાવ્યું મેં છે એટલે સેવા કરીએ." બંને તરફ નજર કરીને શાહ ચબરાક વાણિયાની જેમ હસ્યા.

"ઠીક છે તો તમે પૂછી લો ને અત્યારે જ અમારે બીજો ધક્કો ન ખાવો પડે." લંકેશે વિનંતી કરી.

શાહે કઈ બોલ્યા વગર ટેબલ ઉપરથી ક્રેડલ નજીક ખસેડ્યું અને ડાયરીમાંથી એક નંબર જોઈને જોડ્યો. થોડીવાર રિંગ વાગતી રહી પછી સામેથી ફોન ઉચકાયો.

"નમસ્તે મોટુંભાઈ, આપણે પેલો ફ્લેટ ભાડે આપવાનો છે ને?"

"જી બકુલભાઈ." સામેથી મોટુંભાઈ વલાણીનો અવાજ આવ્યો.

"સરસ મજાનો વિદ્યાર્થી છે. ભણવાનું કામ કોઈ માથાકૂટ નહિ. એકલો સ્ટુડન્ટ છે. નામ પણ અસલ સરફરાઝ."

બકુલ શેઠે પહેલા જાણે પોતે જાણતા હોય એમ સરફરાઝની તારીફ કરી અને પછી ઠાવકાઈથી મુસલમાન છે એવો ઉલ્લેખ કર્યો. સામેવાળાને એકલો છે અને ભાડાની કોઈ માથાકૂટ નથી એમ કહીને મમરો મુક્યો એ જોઈ અનુપ સમજી ગયો જરૂર આ ભાડામાં આ બકુલ શાહનું કમિશન હશે. એ વિચારે એને નિરાંત થઈ.

“તમારી રીતે જ કરી દો ને.”

"ઠીક છે હું બધું નક્કી કરી લઉ છું." કહી બકુલ શેઠે રીસીવર ક્રેડલ ઉપર મૂક્યું. અનુપ અને લંકેશ સામે જોઇને હસ્યા અને પછી બોલ્યા.

"ભાડું ચાર હજાર કીધું છે."

"સાહેબ વિદ્યાર્થી છે થોડુંક વ્યાજબી કર્યું હોત તો ઠીક રહેત." અનુપે કહ્યું.

"ઠીક છે બસો ઓછા આપજો." કહીને વાત પાક્કી કરતા હોય એમ ફ્લેટની ચાવી હાથમાં આપી દીધી.

"જોઈ લો ફ્લેટ ફર્નિચર ટનાટન છે બાકી. આપણી આ ઓફીસ કરતાંય લાજવાબ છે. મોટુંભાઈ માણસ ખર્ચાળ છે."

"ઓકે જોઈ લઈએ. અને શેઠ જી આભાર તમારો."

શેઠ ફરી મરક મરક હસ્યા. અને બનેએ વિદાય લીધી. ફ્લેટ જોવા દાદરા ચડવા લાગ્યા ત્યારે અનુપ મનોમન બોલ્યો સમીરના બચ્ચા હવે તું ખલ્લાસ.....!

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky