ગુરુદત્ત
વક્ત ને કિયા ક્યા હંસી સિતમ, હમ રહે ના હમ તુમ રહે ના તુમ(કાગઝ કે ફૂલ )..દેખી ઝમાને કી યારી, બિછડે સભી બારી બારી (કાગઝ કે ફૂલ )..મિલી ખાક મેં મહોબત્ત જલા દિલ કા આશિયાના ( ચૌદહવી કા ચાંદ)...જાને વો કૈસે લોગ થે જિન્હેં પ્યાર કો પ્યાર મિલા.હમને તો કલીયા માંગી થી કાંટો કા હાર મિલા (પ્યાસા ) આ બધા ગીતોમાં એક છૂપું દર્દ છે. પીડા છે જે સાંભળનારના હ્રદયને સીધે સીધું સ્પર્શી જાય છે.આંખ ભીંજવી જાય છે.
ગુરુદત્તનો જન્મ કર્ણાટકના મેંગલોરમાં તા.૯/૭/૧૯૨૫ ના રોજ થયો હતો.બાળપણ કોલકત્તામાં વીત્યું હતું. સાચું નામ હતું શિવશંકર પદૂકોણ. પિતા બેંકમાં નોકરી કરતા હતા. માતા શિક્ષિકા હતી. પશ્ચિમ બંગાળમાં દત્ત અટક ખુબ જ સામાન્ય ગણાય છે તેથી ગુરુદત્તે પણ તે અટક અપનાવી લીધી હતી.સ્કૂલ લાઈફથી જ ભણવામાં હોશિયાર ગુરુદત્તને નૃત્યમાં વધારે રસ હતો. પ્રખ્યાત નૃત્યકાર ઉદયશંકરનું ગ્રુપ જોઈન કરીને ગુરુદત્તે નૃત્યની તાલીમ લીધી હતી. સીનેજગતમાં પણ યુવાન ગુરુદત્તે કરિયરની શરૂઆત ડાન્સ ડીરેક્ટર તરીકે જ કરી હતી. ૧૯૪૫માં મુંબઈ આવ્યા પહેલાં તેમણે કોલકત્તામાં થોડો સમય ટેલીફોન ઓપરેટર તરીકે નોકરી પણ કરી હતી.તે જમાનામાં પૂણેમાં વધારે ફિલ્મો બનતી હતી.ગુરુદત્તે પણ પૂણેની પ્રભાત કંપનીમાં કરાર પર નોકરી મેળવી લીધી હતી.જોકે તે કરાર પૂરો થતા બેકારીના આકરા દિવસો ચાલુ થઇ ગયા હતાં. તે જમાનામાં ગુરુદત્તનો રૂમ પાર્ટનર યુવાન દેવ આનંદ પણ ફિલ્મોમાં કામ મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. સંવેદનશીલ અને ઋજુ હ્રદયના માલિક ગુરુદત્તે તે દિવસો માં “કશ્મકશ” નામની ખુદ ની આપવીતી લખી હતી જે આગળ જતાં “પ્યાસા’ નો પાયો બની હતી.
દેવ આનંદે “બાઝી” નું નિર્માણ કરવાનું સાહસ ખેડ્યું ત્યારે તેણે તે ફિલ્મનું નિર્દેશન ગુરુદત્તને સોંપ્યું હતું. તે જ રીતે ચારેક વર્ષ બાદ ગુરુદત્તે “સીઆઈડી” નું નિર્માણ કર્યું ત્યારે દેવને હીરો તરીકે લીધો હતો.”સીઆઈડી” થી જ વહીદા રહેમાનની એન્ટ્રી હિન્દી સીનેજગતમાં અને ગુરુદત્તના જીવનમાં પણ થઇ હતી. જોકે ગુરુદત્ત તે સમયની પ્રખ્યાત ગાયિકા ગીતાદત્ત સાથે પરણેલા હતા. બંનેના લવ મેરજ હતા. સુખી લગ્નજીવન હતું.
૧૯૫૭ માં રીલીઝ થયેલી ગુરુદત્તની ફિલ્મ “પ્યાસા” એક ક્લાસિક કલાકૃતિ હતી. શરુ શરુ માં તો ગુરુદત્તની ઈચ્છા “પ્યાસા” ના નાયક વિજયના રોલ માટે દિલીપકુમારને લેવાની જ હતી. દિલીપકુમારનો તે જમાનામાં એક ફિલ્મનો ચાર્જ દોઢ લાખ હતો. ગુરુદત્તે ફિલ્મના બજેટને ધ્યાનમાં લઈને દિલીપકુમારને એક લાખ સુધી આપવાની તૈયારી દર્શાવી હતી પણ દિલીપકુમાર ટસ ના મસ નહોતા થયા. આખરે ગુરુદત્તે દિલીપકુમારને માર્કેટ રેટ દોઢ લાખ આપવાની પણ તૈયારી બતાવી હતી. દિલીપકુમારે હિરોઈન તરીકે મધુબાલાને લેવાનો દુરાગ્રહ રાખ્યો હતો જેને કારણે “પ્યાસા” નું બજેટ ખાસ્સું વધી જાય તેમ હતું. આખરે ગુરુદત્તે પોતે જ તે રોલ નિભાવ્યો હતો...રેસ્ટ ઇસ ધ હિસ્ટ્રી.
“પ્યાસા” ની જ વાત કરીએ તો ફિલ્મનું સંપૂર્ણ શૂટિંગ પૂરું થયા બાદ ગુરુદત્તને ફિલ્મ વધારે પડતી ગંભીર થઇ ગઈ હોય તેવું લાગ્યું હતું. આખરે ફિલ્મના સંગીતકાર એસ.ડી બર્મન તેમની મદદે આવ્યા હતા.તેમણે સાહિર પાસે હલકું ફૂલકું રોમેન્ટિક યુગલ ગીત લખાવ્યું હતું જે “પ્યાસા” માં ગુરુદત્તે સ્વપ્ન દ્રશ્ય તરીકે માલાસિંહા અને તેમના પર ચિત્રિત કર્યું હતું. તે કર્ણપ્રિય ગીત એટલે રફીસાહેબ અને ગીતા દત્તના કંઠે ગવાયેલું ...”હમ આપ કી આંખો મેં ઇસ દિલ કો બસા દે તો.”. જે આજે પણ રેડિયો પર સાંભળવા મળે છે.
કહેવાય છે કે ગુરુદત્તે “કાગઝ કે ફૂલ” (૧૯૬૨) ખુદ ની કહાની પર થી જ બનાવ્યું હતું.ફિલ્મની વાર્તામાં ફિલ્મનો નિર્દેશક તેની જ ફિલ્મની હિરોઈનના પ્રેમમાં પડે છે. વળી “કાગઝ કે ફૂલ” ની હિરોઈન પણ વહીદા જ હતી. ફિલ્મ બનાવતી વખતે ગુરુદત્તે ભલે એમ કહ્યું હતું....યે ફિલ્મ મૈ કિસી ઔર કે લિયે નહિ લેકિન મેરે લિયે હી બના રહા હું”.પણ હકીકત માં તે ફિલ્મ ચોક્કસ સફળ જ થશે તેવો ગુરુદત્તને અતિશય આત્મવિશ્વાસ હતો. “કાગઝ કે ફૂલ” માં ગુરુદત્તે એક કલાકારને મળતો યશ અને સફળતા કેટલી ક્ષણભંગુર હોય છે તે અદ્ભૂત રીતે રજુ કર્યું હતું. સીનેજગતનું એક કડવું સત્ય ઉગતા સુરજને સૌ કોઈ પૂજે અને એક વાર એ સૂર્ય આથમવા માંડે કે ઇવન મૃત્યુ પામે ત્યારે તેની લાશને પણ કોઈ ઓળખતું નથી એ વાત પણ ફિલ્મમાં ગુરુદત્તે વણી લીધી હતી. ફિલ્મ રીલીઝ થઇ ત્યારે અંતમાં ગુરુદત્તનું મોત દર્શકો સ્વીકારી શક્યા નહોતા.કદાચ એક કલાકારની વેદનાને સમજવા માટે પણ દર્શકો ઉણા ઉતર્યા હતા.પરિણામે ફિલ્મ બોક્ષ ઓફીસ પર ઉંધે માથે પટકાઈ હતી અલબત્ત આજે “કાગઝ કે ફૂલ” ની ગણના એક ક્લાસિક ફિલ્મ તરીકે થાય છે. “પ્યાસા” અને “કાગઝ કે ફૂલ” માં ગુરુદત્તની અંદર તડપતો સર્જક સ્પષ્ટપણે વર્તાય છે.
૧૯૬૨ માં રીલીઝ થયેલી ફિલ્મ “સાહિબ, બીબી ઔર ગુલામ” ને સફળતા તો મળી જ હતી સાથે સાથે અઢળક એવોર્ડ્સ પણ મળ્યા હતા. છોટીબહુના પાત્રમાં મીનાકુમારીએ પ્રાણ રેડી દીધો હતો.
સફળતા અને નિષ્ફળતાના તે દિવસોમાં વહીદા રહેમાનને કારણે ગુરુદત્તનું લગ્નજીવન ડામાડોળ હતું. પત્ની ગીતા દત્ત ત્રણે બાળકોને લઈને અલગ રહેવા જતી રહી હતી. શરાબ અને ઊંઘની ગોળીઓના અતિશય સેવનને કારણે તા.૧૦/૧૦/૧૯૬૪ ના રોજ માત્ર ૩૯ વર્ષની ઉમરે સીનેજગતનો આ સિતારો ખરી પડયો હતો.
સમાપ્ત