Tripur, Rukm ane Sundar in Gujarati Spiritual Stories by Parakh Bhatt books and stories PDF | ત્રિપુર, રૂક્મ અને સુંદર

Featured Books
Categories
Share

ત્રિપુર, રૂક્મ અને સુંદર

ત્રિપુર, રૂક્મ અને સુંદર

પૌરાણિક કાળનાં અત્યાધુનિક વિમાનો!

ત્રણ અઠવાડિયા પહેલા ભારદ્વાજનાં વૈમાનિક શાસ્ત્રથી શરૂ થયેલી આપણી આ એવિયેશન સફરનો આજે આ આખરી અંક છે. વીતી ચૂકેલી વાતો પર ઝટપટ એક નજર કરી લઈએ. ભારદ્વાજે લખેલા વૈમાનિક શાસ્ત્રમાં મોડર્ન એવિયેશનને ક્યાંય પાછળ છોડી દે એવા સિદ્ધાંતો અને ટેકનોલોજીથી ભરપૂર વિમાનો વિશે જણાવવામાં આવ્યું છે. લડાયક વિમાન, બચાવ વિમાન, ઇન્ટર-પ્લાનેટરી વિમાન જેવી કંઇ-કેટલાય અત્યાધુનિક બનાવટ અંગેનાં વર્ણનો; ઉડ્ડયન સમયે પાઇલોટે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો, સાવધાનીઓ અને સિદ્ધિઓનો પણ એમાં ઉલ્લેખ જોવા મળે છે. ભારદ્વાજ સિવાય કવિ કાલિદાસ, સોમદેવ ભટ્ટ, રાજા ભોજ અને કૌટિલ્ય જેવા વિદ્વાનોએ પણ પોતપોતાનાં પૌરાણિક ગ્રંથોમાં એવિયેશન વિશે પુષ્કળ માહિતી આપી છે. ગયા અઠવાડિયે આપણે પ્રાચીન સમયનાં ચાર અત્યાધુનિક વિમાનો (શકુન, ત્રિપુર, સુંદર અને રૂક્મ)માંથી શકુન વિશે માહિતગાર થયા. હવે આગળ..!

(૨) સુંદર વિમાન

કુલ આઠ અલગ-અલગ ભાગમાં વહેંચાયેલા સુંદર વિમાનમાં તળિયું (જેને સંસ્કૃતમાં ‘પીઠ’ કહેવાયું છે) ગોળ અથવા ચોરસ રાખવામાં આવતું. જેનાં મધ્યમાં ધૂમ-પ્રસરણ નાળ બેસાડવામાં આવતી. પાણી અને તેલ માટેની જુદી જુદી ટાંકીઓ, ગેસ-એનર્જીનો સંગ્રહ કરવા માટેનાં સિલિન્ડરનાં વર્ણનો પણ આપવામાં આવ્યા છે. ઓઇલ કન્ટેઇનરમાં ત્રણ પ્રકારનાં તેલનું મિશ્રણ કરવામાં આવતું હતું : ધૂમંજન, શુકતુંડલિક અને કુલકી! અને એનો ગુણોત્તર (૧૨ : ૨૦ : ૧૯) પણ નક્કી! તેલનાં મિશ્રણને પ્રજ્વલિત કરવા માટે વિદ્યુતનો ઉપયોગ થતો હોવાની સંભાવના સેવવામાં આવી છે. હિમસંવર્ધક, સોમ અને સૌંદલની મિશ્રધાતુ વડે બનેલા ‘ધૂમ-ઉદગમ યંત્ર’નો ઉપયોગ વિમાનની અંદર ફેલાતાં ધુમાડાઓને બહારનાં વાતાવરણમાં છોડવા માટે થતો હતો. ‘જેટ નોઝલ’ જેવા આધુનિક શબ્દથી આપણે પરિચિત હોઇ શકીએ, પરંતુ સમાન અર્થ ધરાવતાં સંસ્કૃત શબ્દ ‘સુંદલ’ને મહાવિદ્વાન લલ્લાચાર્યે જેટ નોઝલ સાથે સરખાવ્યો છે. વિમાનની દિશા બદલવા માટે અને તેને આકાશમાં વર્ટિકલી (લંબ રીતે) લઈ જવા માટે પણ સુંદલ કામ આવતું હતું.

સોલાર તેમજ થર્મલ એનર્જીનું વિદ્યુતઉર્જામાં રૂપાંતર કરવા માટેનાં ૩૨ પ્રકારનાં વિવિધ યંત્રોનો ઉલ્લેખ થયો છે. જેમાં ઋષિ અગત્સ્ય દ્વારા વિદ્યુત પેદા કરી શકવાની ટેક્નિકને વધુ મહત્તા આપવામાં આવી છે. ચાર દિશાઓમાં રાખેલા ચાર પાત્રો અને એની બરાબર મધ્યમાં ગોઠવાયેલા એક પાત્રની મદદ લઈને વિદ્યુતઉર્જાનો સંગ્રહ પણ શક્ય હતો. આ પ્રક્રિયામાં પારા જેવી ધાતુનો ઉપયોગ કરી મધ્યમાં રાખેલા પાત્રમાં સંગ્રહિત ઉર્જાને એકઠી રાખવામાં આવતી. બાકીનાં ચારેય પાત્રોને અલગ-અલગ એસિડ તથા દ્રવથી ભરી રાખવામાં આવતાં. આજે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રિસિટી માટેનાં ઉપકરણોમાં ઇન્સ્યુલેશન હોવું અતિ આવશ્યક છે, જેથી વીજ-શોક લાગવાની સંભાવના નહીવત થઈ જાય. આ જ સિદ્ધાંત પહેલાનાં સમયમાં પણ લાગુ પડતો હતો. સિંહ અને હરણની ચામડી (ખાલ) ઇન્સ્યુલેશન માટે સર્વશ્રેષ્ઠ મનાતી હોવાને લીધે તેઓ ઉપયોગ પણ આવા કામ માટે કરવામાં આવતો! એક વાતનું આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કે સૌર-ઉર્જાનું રૂપાંતર વિદ્યુતઉર્જામાં કરી શકવું કેવી રીતે શક્ય બનતું હશે?! કારણકે આજનાં સમયમાં એવા મશીનો અને તકનિક ઉપલબ્ધ છે, જે દરેક પ્રકારની ઉર્જાને અન્ય સ્વરૂપમાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ પુરાણોમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. ‘અંશુપ મણિ’ નામે એક યંત્ર. જેની કાર્ય-પ્રણાલી વિશે વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી પણ એનાં વર્ણનો પરથી એટલું તો સ્પષ્ટ થાય જ છે કે, આ મણિનાં ઉપયોગ વડે સૂર્યનાં કિરણોનું શોષણ કરી તેને વિદ્યુત-ઉર્જામાં રૂપાંતરિત કરી શકવાનું કામ સરળ બની જતું હતું! ફક્ત એટલું જ નહીં, વિદ્યુત-ઉર્જાને એરોપ્લેનનાં અલગ-અલગ ભાગો સુધી વહેંચવા માટે કેટલાક ખાસ (ઇન્સ્યુલેટેડ) કેબલ અને વાયર (દોરડાં)નું પણ વર્ણન છે.

વિમાનને ટેક-ઓફ્ફ કરાવવા માટે જરૂરી ‘વાતપ્રસરણ યંત્ર’ની બનાવટમાં કુલ ૧૨ ભાગોનો સમાવેશ થાય છે, જે વિમાનને ગુરૂત્વાકર્ષણબળની વિરૂદ્ધ દિશામાં લઈ જવામાં મદદ કરે છે. તદુપરાંત, સ્પીડોમીટર, વાલ્વ કંટ્રોલ, ઓવન, વોટર કન્ટેઇનર, હીટ ઇન્ડિકેટર, સમયસૂચક ઘડિયાળ જેવા કુલ ૧૮ ભાગોને સુંદર વિમાનમાં સમાવવામાં આવ્યા હોવાનાં લખાણ મળી આવ્યા છે!

(૩) રૂક્મ વિમાન

રૂક્મ એટલે સોનું! ગોલ્ડ. ચળકતાં સોના જેવો રંગ હોવાને લીધે આ વિમાનને ‘રૂક્મ’ કહેવાયું. જાજરમાન લાગતો પીળો રંગ અને તેની અંદરની સવલતોને લીધે રૂક્મ વિમાનનો ઉપયોગ રાજા-મહારાજાઓ દ્વારા કરવામાં આવતો હતો. આજે જેમ બીએમડબલ્યુ અથવા લેમ્બોર્ગીની કાર સ્ટેટસ-સિમ્બોલ ગણાય છે, બિલકુલ એવી જ રીતે પૌરાણિક કાળમાં રૂક્મ વિમાનની જાહોજલાલીનો ઉપયોગ કરી શકનારા માણસોની સંખ્યા જૂજ હતી. વિમાનને સ્વર્ણ-સ્વરૂપ આપતાં પહેલા તેમાં ‘રાજ લોહ’ નામની ધાતુનો ઉપયોગ થતો. ધાતુ ઉપર રંગ કરવા માટે ‘યંત્ર બિંદુ’ અને ‘વર્ણ સર્વસ્વ’ જેવી બે પ્રક્રિયાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પરંતુ તેમનાં વર્ણનો વાંચીને ક્યાંય ધાતુ પર ઢોળ ચડાવવાની પ્રોસેસનું સ્પષ્ટીકરણ નથી થતું.

રૂક્મ વિમાનનાં કાચબા આકારનાં ફ્લોર-બોર્ડ (પીઠ)ની લંબાઈ ૧૦૦૦ ફૂટ. તેને હવામાં ઉંચે ઉડાડવા માટે ખાસ પ્રકારનાં ઈલેક્ટ્રો-મિકેનિકલ યંત્રોનો ઉપયોગ થતો હોવાની વાત સામે આવી છે, જેનાં વડે રૂક્મ વિમાનને ૧૦૫ ક્રોશ (લગભગ ૭૨૫ માઇલ પ્રતિ કલાક)ની ઝડપે ચલાવી શકાતું હતું.

(૪) ત્રિપુર વિમાન

ત્રિપુરનો અર્થ થાય છે : ત્રણ માળ ધરાવતું ઘર! ત્રિપુર વિમાનમાં ફક્ત એક સમતલ ફ્લોર-બોર્ડને બદલે કુલ એકની ઉપર એક એવા કુલ ત્રણ ફ્લોર-બોર્ડ જોવા મળે છે. જેને ચલાવવા માટે સૌર-ઉર્જાનો ઉપયોગ થતો હોવાનું વર્ણન છે. ત્રિપુર વિમાનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને જમીન, પાણી અને હવામાં ઉડાડવું શક્ય છે. ત્રિપુરનાં જે ત્રણ માળ છે, એ ખરેખર તો ઓપરેશન-કેબિન છે. જેમાંના સૌપ્રથમ પુરનો ઉપયોગ વિમાનને ધરતી પર ચલાવતી વખતે; દ્વિતીયને પાણીની અંદર ચલાવતી વખતે અને તૃતીયને હવામાં ઉડ્ડયન સમયે થાય છે. વિમાનની બનાવટ વખતે ત્રણેય ભાગોને સ્વતંત્ર રીતે બનાવી ત્યારબાદ તેને સંયુક્ત સ્વરૂપ આપવામાં આવતું હતું. દરેક ભાગોને એવી રીતે બનાવવામાં આવતાં જેથી હવા, પાણી અને ધરતી જેવા અલગ-અલગ ઉડ્ડયન-માધ્યમમાં તેને કોઇ પ્રકારનું નુકશાન થવાનો ભય ન રહે! ત્રણ અતિ ખાસ યંત્રોનો એમાં સમાવેશ થતો. મુસાફરી કરનારાઓને વાવાઝોડાથી રક્ષણ આપવા માટે પહેલું યંત્ર, સૌર-તોફાનોથી બચાવવા માટે બીજું યંત્ર અને પૂર જેવી પરિસ્થિતિથી રક્ષણ પૂરું પાડવા માટે ત્રીજા યંત્રનો વપરાશ થયો હોવાનાં વર્ણનો વાંચવા મળે છે.

તો આ થઈ બાકીનાં ત્રણ ‘અત્યાધુનિક’ પૌરાણિક વિમાનો વિશેની સમજણ! બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સનાં એરોનોટિક્સ પ્રોફેસર ડૉ. એ.વી.કૃષ્ણમૂર્તિએ થોડ વર્ષો પહેલા આ તમામ પૌરાણિક વિમાનો અને તેમની બનાવટની વાત સાથે સહમત થતાં જણાવ્યું હતું કે, “ભારતનાં વેદ-પુરાણો અને ગ્રંથોમાં અપાયેલ પ્રાચીન વિમાનો અંગેનાં લખાણ (એરોનોટિક્સ, સ્પેસશીપ, ફ્લાઇંગ મશીન, એસ્ટ્રોનટ વગેરે)માં કંઈક તથ્ય તો છે જ! આ તમામ સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કર્યા બાદ હું દાવા સાથે એ કહી શકું છું કે પ્રાચીન સમયમાં ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આપણી સંસ્કૃતિ અને સભ્યતા ખૂબ સમૃદ્ધ હતી. ઉડી શકે એવા મશીનોની બનાવટ પાછળ પરગ્રહ પરથી આવેલા કેટલાક સ્પેસશીપ જવાબદાર હોઇ શકે!”

(સમાપ્ત)

bhattparakh@yahoo.com