અર્ધ અસત્ય.
પ્રકરણ-૫૫
પ્રવીણ પીઠડીયા
રુખી કુદરતી હાજતે જવા નીકળી હતી. તે એક ભીલ કન્યા હતી જે રાજગઢનાં જંગલોમાં આવેલા કબિલામાં રહેતી હતી. આજે સવારથી જ તેના પેટમાં ગરબડ હતી. ઓસડિયા લેવાં છતાં કોઇ ફરક પડયો નહોતો એટલે વારેવારે તેણે જંગલમાં દોડવું પડતું હતું. અત્યારે પણ તે એ કાજે જ જંગલ જવા એકલી નીકળી પડી હતી. રાતનો અંધકાર ઘેરાઇને ધીરે-ધીરે ઘટ્ટ થયો હતો. કબિલાથી થોડે દૂર ચાલીને તેણે એક મોટી શીલાની આડાશ લીધી અને બેસી ગઇ. બરાબર એ સમયે જ તેની પાછળ કશીક હલચલ થઇ હોય એવું લાગ્યું એટલે સડક કરતાં તુરંત ઉભી થઇ ગઇ. તેને થયું કે શીલાની આસપાસ ઉગેલી ઝાડીમાં કોઇ જંગલી જનાવર આવ્યું હશે. આ તરફના જંગલમાં દિપડાઓની બહું રંજાડ હતી. રુખી એટલે જ ગભરાઇ ગઇ હતી. જંગલમાં આવું ઘણી વખત થતું હોય છે. કંઇ ન હોવા છતાં કશુંક હોવાનો ભાસ ઉપજે અથવા ખતરો સાવ નજીક હોવા છતાં દેખાતી આભાસી શાંતીનો ભ્રમ, આ સ્થિતિ દરેક જંગલની ખાસીયત હોય છે. તેની ચળક-વળક થતી આંખો ચોપાસ ફરતી હતી. પણ… એ કોઇ જંગલી જનાવર નહોતું. જનાવર કરતાં પણ ખતરનાક એક વ્યક્તિ ત્યાં આવી ચડયો હતો. રુખીનાં જીવનમાં જે સૌથી ભયાવહ ઘટના ઘટવાની હતી તેનો એ આગાઝ હતો.
વિષ્ણુંસિંહે જીપને અટકાવી હતી. અહીથી આગળ તેમની જીપ જઇ શકે તેમ નહોતી કારણ કે આગળ રસ્તો જ નહોતો. એ વાતનો પણ તેમને ભયાનક ગુસ્સો આવ્યો હતો અને મનમાં જ ગાળો બોલતાં નીચે ઉતર્યાં હતા. પછી કંઇ જ વિચાર્યાં વગર જંગલની અંદર આડેધડ ચાલવાં લાગ્યાં હતા. બેતહાશા ક્રોધથી તેમનું માથું ફાટતું હતું. માનસિક રીતે તેઓ વિક્ષિપ્ત દશામાં પહોંચી ગયા હોય એવી તેમની હાલત હતી. દુનિયા સમક્ષ રાજગઢના રાજકુંવર તરીકે પેશ થતાં રૂઆબદાર વ્યક્તિનું તેમની ખુદની પત્ની સામે જ કંઈ ઉપજતું ન હોય અને એક ઔરત થઇને સતત તેમને ધૂત્કારતી હોય, એ અપમાનની ભયાનક જ્વાળાઓ તેમનાં મસ્તિષ્કમાં વિસ્ફોટો સર્જતી હતી. ક્યાં જવું અને શું કરવું એની કશી ગતાગમ તેમને પડતી નહોતી. તેઓ તો બસ… એકધારું બબડતાં, જોરથી પગ પછાડતાં, જંગલના ઉંબડ-ખાબડ રસ્તાઓ ખૂંદતાં જતા હતા કે અચાનક તેઓ થોભી ગયા. સામેની દીશામાં એક ઓળો ઉભો હોય એવું તેમને દેખાયું. ત્યાં ચોક્કસ કોઇ વ્યક્તિ હતી. એ કોણ હોઇ શકે એ જોવા તેઓ સાવધાનીથી આગળ વધ્યા.
“કોણ છે ત્યાં?” તેમણે થોડા આગળ ચાલીને હાંક મારી. પણ કોઇ જવાબ ન મળ્યો એટલે તેઓ આગળ વધીને ઓળાની નજીક પહોંચ્યાં. અને… તેમનો ક્રોધ સાતમાં આસમાનને આંબી ગયો. હજું હમણાં જ તેમના મનમાં દુનીયાની સમગ્ર ઔરત જાત પ્રત્યેનો ધિક્કારભાવ ઘૂમરાતો હતો. એવા સમયે જ અચાનક આ અવાવરૂં જંગલમાં એક યુવતી તેમને દેખાઇ. એક મોટી શીલાની સામે, ગભરાયેલી હાલતમાં ઉભેલી નાજૂક-નમણી હરણી જેવી યુવતીને જોઇને તેમના દિમાગમાં વિસ્ફોટોની હારમાળા સર્જાય. તેમનું બદન ધગવા લાગ્યું. આંખો સમક્ષ કુસુમદેવીનો અટ્ટહાસ્ય કરતો હોય એવો ચહેરો ઉદભવ્યો અને ભયંકર નફરતથી તેમનું શરીર કાંપી ઉઠયું. આપોઆપ જ તેઓ નીચા નમ્યાં અને જમીન ઉપર પડેલો એક વજનદાર પથ્થર ઉઠાવ્યો. દાંત ભિંસીને ભયંકર દાઝમાં જ તેમણે એ પથ્થર સામે ઉભેલી યુવતીના માથે દઇ માર્યો. ’ધફ્ફ..’ કરતો એક બોદો અવાજ જંગલના વાતાવરણમાં ફેલાયો.
એ રુખી હતી. પહેલા તો તેના ચહેરા ઉપર ભયંકર આઘાતનાં ભાવો છવાયાં. કોઇ આદમી આટલી મોડી રાત્રે આ તરફ તેની પાછળ આવ્યો હોઇ શકે એ વિચાર તેના દિમાગમાં ઉતરે એ પહેલા તો તેનું માથું ફૂટયું હતું અને તેમાથી લોહીની ધાર થઇ હતી. આપોઆપ તેનો હાથ માથા તરફ વળ્યો હતો. પણ તે બૂમો પાડે, પોતાની મદદ માટે કોઇને બોલાવે, એ પહેલા વિષ્ણુંસિંહે રીતસરનો તેની ઉપર હુમલો કરી દીધો હતો. તેમને એ યુવતીમાં પોતાની પત્ની કુસુમ જ દેખાતી હતી. તેને અહી જોઇને એકાએક તેમની અંદરનો રાક્ષસ જાગી ઉઠયો હતો. ’સાલી હરામખોર, આજે તો તને નહી છોડું. મને નામર્દ કહે છે. રાજગઢના ભાવી યુવરાજને પૌરુષ્ય-વિહિન કહે છે.’ તેમના હોશો-હવાસ લગભગ ખતમ થઇ ચૂક્યાં હતા અને તેઓ કોઇ અલગ જ દુનિયામાં પહોંચી ગયા હતા. રુખી ત્યાંથી ભાગવાની કોશિશ કરે એ પહેલાં દોડીને તેમણે રુખીનું ગળું પકડયું હતું અને શરીરમાં હતી એટલી બધી તાકત એકઠી કરીને તેનું ગળું ભિંસવા લાગ્યાં હતા. રુંખીના ગળામાંથી ’ધ્ર…ધ્ર….ધ્ર…” જેવો બોદો અવાજ નીકળ્યો. તેની નાજૂક ગરદન જાણે કોઇ મજબૂત લોખંડના સાણસામાં ફીટ થઇ ગઇ હોય અને એ સાણસો સખ્તાઇથી ગળા ફરતે ભિંસાતો હોય એવું લાગ્યું. તેનો શ્વાસ રૂંધાવાથી આંખોના ડોળામાં લાલાશ તરી આવી હતી.
“ઘણાં વર્ષોથી હું આ ક્ષણની જ રાહ જોતો હતો. આજે જોઉં છું કે તને કોણ બચાવે છે. નામર્દ…હહં… નામર્દ છું હું? ઉભી રહે, તને મારી મર્દાનગી બતાવું.” વિષ્ણુંસિંહના શરીરમાં એકાએક શૈતાન પ્રવેશ્યો હોય એમ તેમના તેવર બદલાઇ ગયા. તેમણે રુખીનું ગળું એટલા જોરથી દબાવ્યું કે રુખી ત્યાં જ ઢળી પડી. ભયંકર આઘાત અને શ્વાસ રુંધાવાથી ક્ષણનાં ચોથા ભાગમાં તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. અને… પછી સૃષ્ટિનું સૌથી અધમ કૃત્ય, જેના વિચાર માત્રથી કોઇ પણ સ્ત્રીની રૂહ સુધ્ધા કંપી જાય, એવું ધ્રૂણિત કૃત્ય વિષ્ણુંસિંહે આચર્યું. મૃત અવસ્થામાં પડેલી એક બાળકી જેવી ઉંમરની યુવતી ઉપર, રાજગઢના રાજકુંવરે, પાશવી બળાત્કાર ગુજારવાની શરૂઆત કરી. તેમણે રુખીના એક એક અંગે કોઇ જંગલી વરૂની જેમ બટકા ભર્યાં. રુખીનાં હાથ, પગ, સાથળ, પેટ, છાતી… બધેથી લોહીના ફૂવારા ન ફૂટી નીકળે ત્યાં સુધી તેમની એ હૈવાનીયત ચાલું રહી હતી. લગભગ અડધો કલાક એ ખૂની ખેલ ખેલાયો હશે. તેમણે રુખીને લગભગ આખી ફાડી જ ખાધી હતી. તેના દેહને ક્ષપ્ત-વિક્ષિપ્ત કરી નાંખ્યો હતો. તે જ્યારે રુખીના દેહ ઉપરથી નીચે ઉતર્યો ત્યારે રીતસરનો હાંફી રહ્યો હતો. તેમના મનમાં અજીબ પ્રકારનું સૂકૂન છવાયું હતું. કુસુમ દેવીનાં આકરાં વેણનો જાણે રુખી સાથે બદલો લીધો હોય એમ તેમના મોઢા ઉપર શૈતાની હાસ્યનો ઓછાયો પથરાયો હતો. તેમના હોઠે રુખીનું લોહી નીતરતું હતું. અંધકાર ભળેલા જંગલમાં તેઓ કોઇ લોહી તરસ્યા નર પિચાશની માફક એકલા ઉભા હતા. આવી હાલતમાં જો કોઇ તેમને જોઇ જાય તો તેનું હૈયું ત્યાં જ ફાટી પડે અને કાચો-પોચો માણસ તો ખૌફથી ડરીને મરી જ જાય. તેમણે ભયાવહ અવાજે આક્રંદ મિશ્રિત હૈયાફાટ અટ્ટહાસ્ય કર્યું. એક ફૂલ જેવી નાનકડી બાળા તેમના ભયંકર અધમ કૃત્યનો ભોગ બની હતી અને તેમના જીગરમાં અજીબ પ્રકારનો આનંદ, અજીબ પ્રકારનું સૂકૂન છવાયું હતું. કુસુમદેવી સાથે જાણે વર્ષોના અપમાનનો બદલો વાળી લીધો હોય એવી ખુશી તેમના ચહેરા ઉપર છવાઈ હતી.
એ સ્થિતિમાં જ તેઓ ઘણો લાંબા સમય સાવ શૂન્યાવકાશ અનૂભવતાં ઉભા રહ્યાં. પછી એકાએક ભાન થયું હતું કે તેમણે કેવો ભયાનક કાંડ કરી નાંખ્યો છે. હવે શું કરવું? યુવતીને અહી મૂકીને પાછા રાજગઢ જવું ખતરનાક સાબિત થઇ શકે તેમ હતું. કંઇક વિચારીને તેમણે રુખીનો દેહ પોતાના ખભે ઉચક્યો અને ત્યાંથી ચાલી નીકળ્યાં. તેમને ખ્યાલ તો આવી જ ગયો હતો કે જરૂર આ યુવતી અહી નજીકમાં વસેલાં કબિલાની હોવી જોઇએ. કબિલાનાં લોકોને જો આ વાતની ખબર પડી જાય તો તેઓ ચોક્કસ પૃથ્વીસિંહ બાપુ પાસે ન્યાયની દુહાઈ લઇને આવી ધમકે. જો એવું થયું તો બાપુ તેને બક્ષે નહી અને સીધો જ મૃત્યુંદંડ ફટકારે. એવું ન થાય એ માટે યુવતી હંમેશને માટે કોઇને મળે જ નહી એવી વ્યવસ્થા કરવી જરૂરી હતી. કબિલાના લોકો ક્યારેય યુવતીને શોધી જ ન શકે એવી કઈ જગ્યાં હોઇ શકે? તેઓ વિચારમાં પડયા. અચાનક તેમને એક ઝબકારો થયો. ભીલ લોકોનો કબિલો એક ઉંચા, સીધા પહાડની તળેટીમાં હતો. તેઓ ક્યારેય એ પહાડ ઉપર જતાં નહી કારણ કે કબિલામાં એક માન્યતાં પ્રવર્તતી હતી કે પહાડ ઉપર દેવી દેવતાઓનો વાસ છે. ઘણી વખત કબિલામાંથી રાજગઢ આવતા ભીલ લોકોના મુખે આ વાત પૃથ્વીસિંહજી બાપુના દરબારમાં ચર્ચાતી તેમણે સાંભળી હતી. તેમને એકાએક એ યાદ આવ્યું હતું અને યુવતીના ગાયબ કરવાનો એક રસ્તો સૂઝયો હતો. યુવતીના મૃતદેહને પોતાના ખભા પર નાંખીને તેઓ એ પહાડ ભણી ચાલી નીકળ્યાં. સવાર થવાને હજું ઘણો સમય બાકી હતો. આવા સમયે આ બિહામણાં જંગલમાં કોઇ માણસ સામે મળી જાય એ શક્યાઓ નહિવત હતી.
એક કલાક એકધારું ચાલ્યાં બાદ તેઓ પહાડની ટોચે આવેલી સમથળ જમીન સુધી પહોંચ્યાં હતા. યુવતીના દેહને તેમણે એક આછા-પાતળા વહેતાં ઝરણાની બાજુમાં નાનકડી ગુફા જેવું દેખાતું હતું તેની અંદર ધકેલી દીધો અને ગુફાની આડાશે ઝાડની ડાળખીઓ અને પથ્થરો ગોઠવી દીધા. વિષ્ણુંસિંહને ખાતરી હતી કે દુનિયાના અનેક વણ-ઉકેલ્યાં રહસ્યોની જેમ આ રહસ્ય પણ હંમેશાની માફક દફન થઇ જશે. ખબર નહીં કેમ પરંતુ હવે તેમને ખુબ જ સારું લાગતું હતું. કુસુમદેવી જેવી એક કર્કશા સ્ત્રીને હંમેશા માટે ખતમ કરી દીધી હતી તેનો અપાર આનંદ ઉદભવતો હતો. તેમને લાગતું હતું કે હવે પછી તેમનું જીવન એકદમ શાંતીથી વિતશે.
પરંતુ એ તેમનો ભ્રમ સાબિત થવાનો હતો. એક વખત લોહી ચાખી ગયા બાદ તેઓ વધું ખતરનાક રીતે, વધું ક્રૂરતાથી પાછા ફરવાનાં હતા. અને આ વખતે તેઓ એકલા નહોતા આવવાનાં. સાથે બીજી બે વ્યક્તિઓ પણ તેમના આ જધન્ય અપરાધમાં ભાગીદાર બનવાની હતી.
(ક્રમશઃ)