ગુલઝાર
તે દિવસોમાં બિમલરોય “બંદિની” બનાવી રહ્યા હતા. એસ. ડી. બર્મનને ગીતકાર શૈલેન્દ્ર સાથે કોઈક બાબતે મનદુઃખ થયું હતું. ફિલ્મના બે ગીતો લખવાના બાકી હતા. બિમલ દા ની પારખું નજર ગુલઝાર પર ઠરી હતી. તેમણે ગુલઝારનો પરિચય એસ. ડી. બર્મન સાથે કરાવ્યો હતો. બર્મન દા ને શૈલેન્દ્ર પર ગુસ્સો ઉતારવાનો તરીકો મળી ગયો હતો. તેમણે તાત્કાલિક ગુલઝાર પાસે એક ગીત લખાવ્યું હતું. આમ ગુલઝારે જીવનનું પ્રથમ ગીત લખ્યું હતું. જે ગીત એટલે લતાજીના અવાજમાં સ્વરબધ્ધ થયેલું કાવ્યાત્મક ગીત “મોરા ગોરા રંગ લઇ લે મુઝે શ્યામ રંગ દઈ દે”. જોગાનુજોગ ગુલઝાર બીજું ગીત લખે તે પહેલાં એસ. ડી. બર્મનને શૈલેન્દ્ર સાથે સમાધાન થઇ ગયું. પરિણામે બાકી રહેલું બીજું ગીત શૈલેન્દ્રએ જ લખ્યું હતું “ઓ જાને વાલે હો શકે તો લૌટ કે આના”.
ગુલઝારનું મૂળ નામ સંપૂર્ણસિંહ કાલરા છે. પિતાનું નામ માખનસિહ કાલરા. તેમનો જન્મ જેલમ જીલ્લાના દીના ગામમાં (હાલ પાકિસ્તાન)થયો હતો. દેશના વિભાજન બાદ પરિવાર અમૃતસરમાં સ્થાયી થયો હતો. સંપૂર્ણસિંહ કાલરાએ મુંબઈ આવીને વરલીના ઓટો ગેરેજમાં મિકેનિક તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અતિશય વાંચનપ્રેમી સંપૂર્ણ સિંહે તે દિવસોમાં જ “ગુલઝાર”ના નામે કવિતાઓ લખવાની શરૂઆત કરી હતી. ”મેરે પિતાજી ઔર બડે ભાઈકો જબ પતા ચલા કી મૈ કવિતા ઔર શાયરી કરતા હું તબ વે બહોત નારાઝ હો ગયે થે. લેકિન મેરા કવિતા કે પ્રતિ જો લગાવ થા વહી મુઝે ફિલ્મ ઇન્ડસ્ટ્રી તક લે આયા. ” ગુલઝારે શરૂઆતના દિવસોમાં બિમલ રોય ,હેમંત કુમાર અને ઋષિકેશ મુખર્જી જેવી દિગ્ગજ ફિલ્મી હસ્તીઓના સહાયક તરીકે કામ કર્યું હતું. તે દિવસોમાં ગુલઝારના દિલ અને દિમાગમાં રવીન્દ્રનાથ ટાગોર લિખિત “ધી ગાર્ડનર” નો ઊંડો પ્રભાવ હતો. માત્ર ગીતો લખવા પુરતું જ પોતાનું ક્ષેત્ર સીમિત ના રાખતા ગુલઝારે ફિલ્મોના સંવાદ લખવામાં પણ ઝંપલાવ્યું હતું. દો દુની ચાર (૧૯૬૮), ખામોશી (૧૯૭૦), સફર (૧૯૭૧ )આનંદ (૧૯૭૨), બાવર્ચી (૧૯૭૨)નમક હરામ(૧૯૭૩)ચૂપકે ચૂપકે (૧૯૭૫)જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. “આનંદ” માં “મૌત તું એક કવિતા હૈ” જેવો ઉત્કૃષ્ટ સંવાદ લખીને ગુલઝારે તેની કલમનો સુપેરે પરિચય આપી દીધો હતો.
ફિલ્મ નિર્માણમાં ગુલઝારે શરૂઆત “મેરે અપને” થી કરી હતી. તપન સિન્હાની બંગાળી ફિલ્મ “અપનજન” પર થી “મેરે અપને” નું નિર્માણ થયું હતું. ત્યાર બાદ તો ગુલઝારે નિર્માણ કરેલી પરિચય, કોશિશ, અચાનક, આંધી, મૌસમ જેવી ફિલ્મો આવતી ગઈ અને દર્શકોનો પ્રેમ મેળવતી ગઈ. “કોશિશ” ના શુટિંગ વખતે ગુલઝારને સાંકેતિક ભાષામાં વાત કરતા જોઇને ખુદ સંજીવ કુમારને નવાઈ લાગી હતી. વાસ્તવમાં ‘કોશિશ” ના નિર્માણ પહેલા ગુલઝારે બહેરા મૂંગાની સાંકેતિક ભાષા શીખી લીધી હતી. માત્ર એટલું જ નહિ બલકે ત્યાર બાદ વર્ષો સુધી આ સંવેદનશીલ સર્જકે બહેર મૂંગાની સંસ્થા સાથે નાતો ચાલુ રાખ્યો હતો. “ગુડ્ડી” માં ગુલઝારે લખેલી પ્રાર્થના “હમ કો મન કી શક્તિ દેના” આજે પણ ભારતની ઘણી શાળાઓમાં ગવાય છે. “તેરે બીના ઝિંદગીસે શિકવા તો નહિ” જેવું ગીત લખનાર ગુલઝારે “ચલ છૈયા છૈયા” અને “કજરારે કજરારે” જેવા ગીતો પણ લખ્યા છે. ”મિર્ઝા ગાલીબ” ટીવી સીરીયલમાં ગુલઝારના કાવ્યાત્મક સ્પર્શે તે સીરીયલને એક નવી જ ઉંચાઈ બક્ષી હતી. ગુલઝારને બેસ્ટ ડાયલોગ્સ માટે ફિલ્મફેરના ચાર વાર એવોર્ડ મળ્યા છે. તે ફિલ્મો એટલે આનંદ, નમકહરામ, માચીસ અને સાથીયા. ગુલઝારે ગીતો લખ્યા, સંવાદો લખ્યા, ફિલ્મોનું નિર્માણ કર્યું તથા નિર્દેશન પણ કર્યું છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ગુલઝારને ભારત સરકારે ૨૦૦૪ માં “પદ્મભૂષણ” તથા ૨૦૧૪ માં “દાદા સાહેબ ફાળકે” એવોર્ડથી નવાજ્યા હતા.
ગુલઝાર ફિલ્મ અભિનેત્રી રાખી સાથે સંપર્કમાં આવ્યા તે દિવસથી જ રાખી પર દરરોજ એક કાવ્ય લખીને રાખીને મોકલતા. તે દિવસોમાં રાખીએ તેના પતિ અજય વિશ્વાસ (બંગાળી ડીરેક્ટર )સાથે ડિવોર્સ લીધા હતા. ગુલઝારના પ્રેમ કાવ્યો પર ફિદા થયેલી બંગાળી રાખી આખરે પંજાબી ગુલઝારને પરણી ગઈ હતી. દીકરી બોસ્કી (મેઘના)ના જન્મ બાદ એક બે વર્ષ માં જ ડિવોર્સ લીધા વગર ગુલઝાર અને રાખી ગ્રેસફુલી અલગ થઇ ગયા હતા. ગુલઝારે લખેલ ફિલ્મ “થોડી સી બેવફાઈ” નું ગીત ધ્યાનથી સાંભળીએ તો માત્ર ગુલઝારની જ નહિ પરંતુ દુનિયાના લાખો છૂટા પડેલા દંપતીની વ્યથાનો તેમાં પડઘો સંભળાય છે.
તુમ્હે યે ઝીદ થી કી હમ બુલાયે
હમે યે ઉમ્મીદ થી કી વહ પુકારે
હૈ નામ હોઠો પે અબ ભી લેકિન
આવાઝ મેં પડ ગઈ દરારે
હઝાર રાહે મૂડ કે દેખી, કહી સે કોઈ સદા ના આઈ”
ગુલઝારના બે ખાસ મિત્રો હતાં. આજે બંને હયાત નથી. એક તો સંજીવકુમાર. સંજીવકુમારની ઘરે નોનવેજ ખાવાનું બનતું નહોતું. ગુલઝારની ઘરે નોનવેજ ડીશ બનાવવામાં આવી હોય ત્યારે ગુલઝાર હમેશા સંજીવકુમારને બોલાવતાં. બીજા મિત્ર એટલે આર. ડી. બર્મન. ગુલઝારે નિર્માણ કરેલી તમામ ફિલ્મોમાં પંચમનું જ સંગીત હતું. માત્ર બે જ ફિલ્મો અપવાદ હતી. “મેરે અપને” (સલીલ ચૌધરી) અને બીજી “મૌસમ” (મદન મોહન).
બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોના યુગથી આજ સુધી ફિલ્મોમાં જબરદસ્ત યોગદાન આપનાર ગુલઝારનો મુંબઈમાં પાલીહિલ ખાતે બંગલો છે. “હુતુતુતુ.. ”ફિલ્મની ઘોર નિષ્ફળતાને કારણે અતિ સંવેદનશીલ ગુલઝારને ડીપ્રેશનનો તીવ્ર એટેક આવ્યો હતો. તે સમયે દીકરી મેઘના ગુલઝારની પડખે ઉભી રહી હતી અને ગુલઝારને ડીપ્રેશનમાંથી બહાર લાવવામાં મદદરૂપ થઈ હતી.
પિતા ગુલઝારના પગલે ચાલીને મેઘનાએ પણ થોડા વર્ષોથી ફિલ્મ દિગ્દર્શનમાં જ ઝંપલાવ્યું છે. તાજેતરમાં રીલીઝ થયેલી તેની ફિલ્મ “રાઝી” એ બોક્ષ ઓફીસ પર ખૂબ સારો દેખાવ કર્યો હતો.
***