ડેવિલ રિટર્ન 2.0
ભાગ-8
વેમ્પાયર પરિવારનાં સૌથી નાના ભાઈ એવાં બ્રાન્ડનની હત્યા કરવામાં અર્જુન સફળ થાય છે.. પણ હવે પોલીસકર્મીઓ સમક્ષ બીજો એક મોટો પ્રશ્ન હોય છે કે કઈ રીતે બ્રાન્ડનનો સંપૂર્ણ ખાત્મો કરવો જેથી ટ્રીસાની માફક એનાં ભાઈ-બહેન એને બચાવી ના શકે.
"અશોક, તું અહીં જ બગીચાની પાછળ એક મોટો ખાડો કરવાની વ્યવસ્થા કરાવી દે.. "અશોકને આદેશ આપતાં અર્જુને કહ્યું.
"જી સર.. "અર્જુનનો આદેશ માથે ચડાવી અશોક ફટાફટ ત્રણ-ચાર કોન્સ્ટેબલ અને ખાડો ખોદવા જરૂરી હથિયારો લઈને બગીચાની પાછળ નાં કાચા રસ્તે જઈ પહોંચ્યો.
અશોકનાં જતાં જ અર્જુને નાયકને કોલ કરી પોતે એક વેમ્પાયર ને મારવામાં સફળ રહ્યો હોવાની માહિતી આપી અને એ લોકોને વધુ ને વધુ સતેજ રહેવાં સૂચન પણ કર્યું. નાયક સાથે વાતચીત કર્યાં બાદ અર્જુને સરતાજને બ્રાન્ડનનાં મૃતદેહને અશોક જ્યાં ખાડો કરી રહ્યો હતો એ તરફ લઈ જવાં આદેશ આપ્યો. સરતાજ એક અન્ય કોન્સ્ટેબલની મદદ લઈને બ્રાન્ડનનાં મૃત શરીરને બગીચાની પાછળનાં ભાગમાં લઈ ગયો.
સરતાજનાં ત્યાંથી જતાં જ અર્જુન પોલીસ જીપ તરફ અગ્રેસર થયો અને જીપમાં પડેલી એક પ્લાસ્ટિકની થેલી ઉઠાવી બગીચાની પાછળનાં ભાગ તરફ ચાલી નીકળ્યો.
"અશોક, ખાડો ખોદાઈ ગયો.. ?"હાથમાં ટોર્ચ લઈને ઉભેલાં અશોકને ઉદ્દેશીને અર્જુને પૂછ્યું.
"હા સાહેબ.. બસ આ થોડી માટી નિકાળે એટલે આ વેમ્પાયરને દાટી શકાય એટલો ખાડો ખોદાઈ જશે.. અહીં માટી પણ થોડી પોચી હતી એટલે ઝડપી ખાડો ખોદી શક્યાં. "ખાડામાંથી માટી નીકાળી રહેલાં કોન્સ્ટેબલ તરફ જોતાં અશોક બોલ્યો.
"લો સાહેબ હવે આ રક્તપિશાચ આમાં આવી જશે.. "સરતાજ ખાડો ખોદવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ બોલી પડ્યો.
અર્જુને ધ્યાનથી ખાડાની ફરતે ચક્કર લગાવી એ ખાતરી કરી કે બ્રાન્ડનનો મૃતદેહ એમાં ફિટ આવશે કે નહીં. ખાડાનું માપ બરાબર હોવાનું લાગતાં અર્જુને સરતાજ અને બીજાં કોન્સ્ટેબલોને બ્રાન્ડનનાં મૃતદેહને ખાડામાં રાખવા જણાવ્યું. અર્જુનની આજ્ઞા માથે ચડાવી સરતાજે બ્રાન્ડન નાં પગ પકડયાં અને બીજાં બે કોન્સ્ટેબલો એ બ્રાન્ડનનાં મૃતદેહને ખભેથી ઊંચક્યો અને ખાડાની અંદર રાખી દીધો.
"હવે આની ઉપર માટી નાંખી દાટી દઈએ.. ?"અશોકે બ્રાન્ડનનાં મૃત શરીરને ખાડાની અંદર રખાતાં જ અર્જુનને પૂછી લીધું.
"માટી નાંખવાની તો છે પણ એ પહેલાં એક બીજું મહત્વનું કામ કરવાનું છે.. કેમકે એવું નહીં કરીએ તો ગઈકાલની માફક આનાં ભાઈ-બહેનો આને પણ અહીંથી લઈ જશે અને પુનઃ જીવિત કરી દેશે. "અર્જુન બોલ્યો.
"આનાં મૃતદેહને લેવાં એનાં ભાઈ-બહેનો આવે એ તો સારી બાબત છે ને.. આવું થાય તો આપણે એ લોકોને પણ યુવી લાઈટની મદદથી મારી શકીએ છીએ. "અશોક અર્જુનની વાત સાંભળી ઉત્સાહમાં આવી બોલ્યો.
"તું જે બોલે છે એ ફક્ત બોલવામાં અને સાંભળવામાં સારું છે.. પહેલી વાત એ કે આનાં ભાઈ બહેનો હવે અવિચારી પગલું ભરી આને બચાવવા નહીં જ આવે.. અને આવી જશે તો એકસાથે એ બધાં નો મુકાબલો કરવા જેટલી શક્તિ આપણી જોડે નથી. "અર્જુન બોલ્યો.
અર્જુનનાં આમ બોલતાં જ અશોક થોડું વિચાર્યા બાદ બોલ્યો.
"સાહેબ, તમારી વાત સાચી છે.. તમે તમારી રીતે જે કરતાં હોય એ કરો, અમે તમારી સાથે છીએ. "
"સરસ.. હવે મને ફાધર વિલિયમે કહ્યું કે કોઈ વેમ્પાયર ને માર્યા બાદ ઉંધા મોં એ દફનાવી એની ઉપર મીઠું અને લસણ નાંખવામાં આવે અને પછી એને માટી નાંખી દાટી દેવામાં આવે તો એનો સદાયને માટે અંત થઈ શકે છે. "આટલું કહી અર્જુને પોતાની જોડે રહેલી થેલીનું મોંઢીયુ ખોલ્યું. થેલીની અંદર લસણ અને મીઠાંનાં ગાંગડા ભરેલાં હતાં.
"સરતાજ, આ વેમ્પાયર નાં મૃતદેહ ને ઉલટો કરી દે. "અર્જુન સરતાજ તરફ જોઈને બોલ્યો.
અર્જુનની વાત સાંભળી સરતાજ ખાડામાં થોડો નીચે ઉતર્યો અને બ્રાન્ડનનાં મૃત શરીરને ઊલટું કરી દીધું. બ્રાન્ડન ને ઉલટો કરી સરતાજ જેવો ખાડામાંથી બહાર નીકળ્યો એ સાથે જ અર્જુને થેલીની અંદર મોજુદ લસણ અને મીઠું બ્રાન્ડનનાં મૃત શરીર પર નાંખી દીધું.
અર્જુનનાં આમ કરતાં જ બ્રાન્ડનનાં શરીરમાં ફેરફાર થવાનો શરૂ થઈ ગયો.. જોતજોતામાં બ્રાન્ડનનું આખું શરીર માટીમાં પરિવર્તિત થઈ ગયું અને ફક્ત વધ્યાં હાડકાં.
"આ ખાડો હવે પુરી દો.. "પોતાનાં સાથી કર્મચારીઓને આદેશ આપતાં અર્જુન બોલ્યો.
અર્જુનનાં આમ બોલતાં જ ત્યાં બનેલી રહસ્યમય ઘટનાનાં સાક્ષી બનેલાં અશોક, સરતાજ અને બાકીનાં કોન્સ્ટેબલો ફટાફટ ખાડો પુરવાનાં કામમાં જોતરાઈ ગયાં.
"એક પૂરો.. છ બાકી.. "વિજય સૂચક સ્મિત સાથે મનોમન આટલું કહી અર્જુન બગીચાની આગળનાં ભાગ તરફ ચાલી નીકળ્યો.
*****
આ તરફ બ્રાન્ડન નો ખાત્મો થઈ ચૂક્યો હતો તો બીજી તરફ બ્રાન્ડનનાં ભાઈ-બહેનો આ વાતથી અજાણ હોવાથી પોતાની રોજિંદા જીંદગી મુજબ જહાજ પર આમ તેમ ઘૂમી રહ્યાં હતાં. બ્રાન્ડનનો અંત થયાંને પણ ત્રણ કલાક કરતાં વધુ સમય વીતી ગયો હતો પણ બ્રાન્ડનનાં કોઈપણ ભાઈ-બહેને હજુ સુધી એની ગેરહાજરી નોંધી નહોતી.
સવારનાં પાંચ વાગી ચુક્યાં હતાં અને ત્રણેક કલાકમાં સૂર્યોદય પણ થઈ જવાનો હતો છતાં પણ એ વેમ્પાયર પરિવારનાં સભ્યો કોઈ જાતની ચિંતા વગર જહાજ પર મોજુદ પોતપોતાનાં રૂમમાં બેઠાં-બેઠાં પોતાનાં અંગત કામમાં વ્યસ્ત હતાં.
જ્હોને પોતાનાં રૂમમાં પડેલી એક વાઈનની બોટલ ખોલીને એક ગ્લાસ ભર્યાં બાદ જેવો એક ઘૂંટ ભર્યો એ સાથે જ એને પોતાનાં નાના ભાઈ બ્રાન્ડનની યાદ આવી. જ્યારે આ વાઈન જ્હોને બ્રાન્ડન ને પ્રથમ વખત ચખાડ્યો હતો ત્યારે બ્રાન્ડન ને આનો સ્વાદ ખૂબ પસંદ આવ્યો હતો એ યાદ આવતાં જ જ્હોને ફટાફટ પોતાનાં હાથમાં રહેલાં ગ્લાસમાંથી બધી વાઈન પુરી કરી અને પછી વાઈનની બોટલ લઈને બ્રાન્ડનનાં રૂમ તરફ ચાલી નીકળ્યો.
"બ્રાન્ડન, જો તારાં માટે.. "બ્રાન્ડન નાં રૂમમાં પ્રવેશતાં જ જ્હોન બ્રાન્ડન ને ત્યાં ના જોતાં આગળ બોલતાં અટકી ગયો.
"ક્યાં ગયો આ.. ?"મનોમન આટલું બોલી જ્હોન બ્રાન્ડનનાં રૂમમાંથી નીકળી ડેવિડનાં રૂમ તરફ આગળ વધ્યો.
"અરે જ્હોન.. હાથમાં વાઈન સાથે અહીં આવવાનું કારણ.. ?"જ્હોનને પોતાનાં રૂમમાં આવેલો જોઈ ડેવિડે પૂછ્યું.
"ભાઈ, આ વાઈન બ્રાન્ડનને બહુ ભાવે છે તો હું એની સાથે પીવાનાં ઉદ્દેશથી એનાં રૂમમાં ગયો પણ એ પોતાનાં રૂમમાં નથી.. મને એમ કે એ અહીં હશે પણ એ અહીં પણ નથી. "જ્હોન બોલ્યો.
"જહાજનાં ડેક ઉપર હશે.. ચાલ જઈને જોઈએ. "આટલું કહી ડેવિડ જ્હોનની સાથે રૂમમાંથી નીકળી જહાજનાં ડેક તરફ આગળ વધ્યો.
"ભાઈ આ કોણ છે.. ?"જહાજ નાં તૂતક પર પોતું કરેલાં મુસ્તફાને જોઈ જ્હોને ડેવિડને પૂછ્યું.
જ્હોનનાં સવાલનો ઉત્તર આપતાં ડેવિડ લાઈટહાઉસ તરફ આંગળી કરીને બોલ્યો.
"આ વ્યક્તિ પેલાં લાઈટ હાઉસ પર રહેતો હતો.. એની નજર આપણાં જહાજ પર પડી ગઈ હોવાનું મને દૂરથી લાગ્યું.. આમ પણ એની હાજરી મને બે-ત્રણ દિવસથી ખૂંચતી હતી એટલે આજે એને જાનથી માર્યા વગર એને ગરદન પર બચકું ભરી સદાયને માટે આપણો ગુલામ બનાવી દીધો. "
"સારું કામ કર્યું.. આમ પણ આપણે એકાદ ગુલામની જરૂર હતી. "સ્મિત સાથે જ્હોન બોલ્યો.
જ્હોન અને ડેવિડ ત્યારબાદ જહાજનાં તૂતક પર જઈને ત્રણ-ચાર ચક્કર લગાવી આવ્યાં પણ એમનાંમાંથી કોઈને બ્રાન્ડન નજરે ના ચડતાં એ બંને ચિંતિત બન્યાં.
"ક્યાં ગયો હશે આ.. ?"ડેવિડ તરફ જોઈ જ્હોન ચિંતિત મુખમુદ્રા સાથે બોલ્યો.
"તું ચિંતા ના કર.. હું આપણી શક્તિનો ઉપયોગ કરી બ્રાન્ડનનો સંપર્ક સાધવાની કોશિશ કરી જોઉં.. "આટલું કહી ડેવિડે પોતાની આંખો બંધ કરી પોતાનું સંપૂર્ણ ધ્યાન લગાવી બ્રાન્ડનની સાથે ટેલીપથી વડે જોડાવવાની કોશિશ કરી જોઈ.. ઘણાં પ્રયત્નો બાદ પણ એમાં સફળતા ના મળતાં ડેવિડ ને ધ્રાસકો લાગ્યો. ગઈકાલે ટ્રીસા સાથે જે કંઈપણ બન્યું એ કારણોસર પોતે બ્રાન્ડનને ચેતવ્યો હતો છતાં બ્રાન્ડન ક્યાંક આવેશમાં આવી રાધાનગર શહેરમાં તો નહીં જઈ પહોંચ્યો હોય એ વિચારી ડેવિડ નાં કપાળે પ્રસ્વેદ બિન્દુઓ ઉપસી આવ્યાં.
"શું થયું ભાઈ.. કંઈ સંપર્ક થયો.. ?"ડેવિડ નાં આંખ ખોલતાં જ જ્હોન બોલ્યો.
"ના ભાઈ.. બ્રાન્ડનની સાથે કોઈ જાતનો સંપર્ક સાધી શકાતો નથી.. લાગે છે એ શહેરમાં ગયો હોવો જોઈએ.. થોડો સમય પહેલાં અમે મળ્યાં ત્યારે એ ટ્રીસા ની હત્યાની કોશિશ કરનારાં લોકો સાથે બદલો લેવાની વાત કરતો હતો.. મેં એને આવું કંઈ અત્યારે નહીં કરવાં તો જણાવેલું પણ લાગે છે એ મારી વાતને અવગણી શહેરમાં ગયો હશે. "ડેવિડ બોલ્યો.
"તમે ટ્રીસા, ઈવ અને ડેઈઝીનો સંપર્ક કરી એમને ક્રિસનાં રૂમમાં આવવાં બોલો.. આપણે પણ ક્રિસ ભાઈનાં રૂમમાં જઈને આ વાત એમને જણાવીએ. "જ્હોન બોલ્યો.
જ્હોનનાં આમ બોલતાં જ ડેવિડે પોતાની ત્રણેય બહેનોને ટેલીપથી વડે સંપર્ક સાધી ફટાફટ ક્રિસનાં રૂમમાં આવવાં જણાવ્યું અને પછી એ જ્હોન સાથે સીધો ક્રિસનાં રૂમ તરફ અગ્રેસર થયો.
થોડીવારમાં તો ત્રણેય બહેનો, ડેવિડ અને જ્હોન એમનાં સૌથી મોટાં ભાઈ અને વેમ્પાયર પરિવારનાં સૌથી મોટાં સદસ્ય એવાં ક્રિસનાં રૂમમાં જઈ પહોંચ્યાં. આમ બધાં ને ત્યાં આવેલાં જોઈ ક્રિસે આશ્ચર્ય સાથે એમની તરફ જોતાં કહ્યું.
"ઈવ, શું થયું છે.. ?કેમ આમ અચાનક મારાં રૂમમાં.. ?"ક્રિસે ઈવની તરફ જોઈને પૂછ્યું.
"અમને કંઈ નથી ખબર.. મને, ડેઈઝી ને અને ટ્રીસાને તો ડેવિડે અહીં આવવાં કહ્યું.. "ઈવ બોલી.
ઈવની વાત સાંભળી ક્રિસે ગરદન ડેવિડ તરફ ઘુમાવીને કહ્યું.
"બોલ ડેવિડ, શું કામ હતું.. ?અને તમે બધાં અહીં તો બ્રાન્ડન ક્યાં.. ?"અચાનક બ્રાન્ડનની ઉણપ મહેસુસ થતાં જ ક્રિસે બીજો સવાલ કર્યો.
"ભાઈ, બ્રાન્ડન નો જહાજ પર ક્યાંય પત્તો નથી અને એનો સંપર્ક પણ નથી સાધી શકાતો એટલે જ ચિંતા થતાં મેં બધાં ને અહીં આવવાં કહ્યું.. અમારી છેલ્લી મુલાકાત વખતે એ ટ્રીસા ની ગઈકાલે જે દુર્દશા થઈ એ માટે જવાબદાર લોકોને સબક શીખવાડવા જવાનું કહેતો હતો.. મેં એને આમ કરવાની સખત મનાઈ તો કરી હતી પણ લાગે છે એ શહેરમાં જ ગયો હશે. "ડેવિડ ક્રિસનાં સવાલનો ઉત્તર આપતાં બોલ્યો.
હજુ તો ગઈકાલે ટ્રીસા સાથે જે થયું હતું એની કળ પણ વળી નહોતી ત્યાં બ્રાન્ડનનાં આમ ગાયબ થઈ જતાં હતપ્રભ બનેલાં વેમ્પાયર પરિવારનાં બધાં સદસ્યોએ ક્રિસની તરફ જોયું.
એ લોકોનાં આમ આશાભરી નજરે પોતાની તરફ જોતાં જ ક્રિસ પોતાનાં સ્થાને ઉભો થયો અને એક સોનાનું પાત્ર લઈને એને સૌપ્રથમ પાણીથી ભર્યું.. પાત્રને પાણીથી ભર્યાં બાદ ક્રિસે એક છરી વડે પોતાનાં હાથની હથેળીમાં એક ઊંડો ઘા કરી એમાંથી નીકળતું રક્ત પાણી ભરેલાં એ પાત્રમાં ઉમેર્યું.
આટલું કરી ક્રિસે મનોમન કંઈક બોલ્યો અને પાણીની અંદર નજર કરી.. ક્રિસની સાથે બધાં વેમ્પાયર ભાઈ-બહેનો એ પાત્રમાં જોઈ રહ્યાં હતાં. પાત્રમાં બનતું પ્રતિબિંબ બ્રાન્ડનની અત્યારની હાજરી બતાવશે એવી આશાએ એ લોકો પાત્રમાં રહેલાં પાણીની સપાટી તરફ મીટ માંડીને બેઠાં હતાં.
અચાનક પાણીની અંદર એક કાળા રંગનો પડછાયો હોય એવું એક પ્રતિબિંબ બન્યું અને પાત્રમાં મોજુદ બધું જ પાણી કાળો ધુમાડો બની હવામાં વિલિન થઈ ગયું.
આમ થતાં જ ક્રિસ દિગ્મૂઢ અવસ્થામાં પોતાનાં બાકીનાં ભાઈ-બહેનો તરફ જોઈ રહ્યો.. ક્રિસની આવી હાલત કેમ થઈ એ વિશેનો આછો પાતળો ખ્યાલ વેમ્પાયર પરિવારનાં બાકીનાં સભ્યોને આવી ચુક્યો હતો.. છતાં પોતાનો એ ખ્યાલ ખોટો હોય એવાં ઉદ્દેશ સાથે ડેવિડે ક્રિસને પૂછ્યું.
"ભાઈ, બ્રાન્ડન ક્યાં છે.. ?એની સાથે શું થયું છે.. ?"
"હવે આપણો પરિવાર સાત નહીં પણ છ લોકોનો વધ્યો છે.. "આમ બોલતાં જ ક્રિસની આંખો છલકાઈ ગઈ.
******
વધુ આવતાં ભાગમાં.
વેમ્પાયર પરિવારનાં લોકો બ્રાન્ડનની હત્યા નો બદલો કઈ રીતે લેશે.. ?વેમ્પાયર પરિવારનાં આક્રમણથી અર્જુન કઈ રીતે શહેરનાં લોકોને બચાવશે.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ?આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન. આર. પટેલ (શિવાય)
***