અર્ધ અસત્ય.
પ્રકરણ-૫૨
પ્રવીણ પીઠડીયા
“સાહેબ, તમે જલ્દી ટી.વી. ચાલું કરો.” એસીપી કમલ દિક્ષિત પોતાની ચેમ્બરમાં બેઠો હતો ત્યાં તેનો મોબાઈલ રણક્યો અને ફોનમાં ભયંકર રીતે ગભરાયેલો એક અવાજ સંભળાયો. એ તેના કોઇ હિતેચ્છુંનો ફોન હતો. દિક્ષિતને નવાઈ લાગી. તેણે ચેમ્બરની દિવાલે લટકતું ટી.વી. ’ઓન’ કર્યું અને ન્યૂઝ ગુજરાત ચેનલ ટ્યૂન કરી. તેમાં રાતના આંઠ વાગ્યાંના પ્રાઇમ ટાઇમના સમાચાર આવતાં હતા અને તેમાં તેનું નામ બહું જોર-શોરથી ગાજતું હતું.
“માયગોડ, આ શું છે બધું, કોણ મારાં નામનાં છાજીયા લઇ રહ્યું છે?” ખુરશીમાંથી જાણે ચારસો ચાલીસ વોલ્ટનો કરંટ પસાર થયો હોય એમ તે ઝટકાભેર ઉભો થઇ ગયો હતો અને આંખો ફાડીને ટી.વી.માં ચાલતાં ન્યૂઝ જોઇ રહ્યો હતો. એ સમાચાર તેની ’ઉજ્જવળ’ પોલીસ કારકિર્દીની સમાપ્તિની ઘોષણાં કરતાં હતા. તે ધ્રૂજી ઉઠયો.
“રમણ જોષી. તમારો ખાસ અંગત મિત્ર. તેનો જ હાથ છે સાહેબ. તેણે જ આ હુડદંગ મચાવ્યું છે.” ફોનમાં કહેવાયું.
“હરામખોર મરવાનો થયો છે.” દિક્ષિતનાં મોઢામાંથી ગંદી ગાળ નિકળી પડી.
“એ નહિં સાહેબ, તમે મરશો. જલ્દી કંઇક કરો નહિંતર તમારું તો રામ નામ સત્ય થઇ જશે.” પેલાએ કહ્યું અને ફોન મૂકી દીધો.
દિક્ષિત અવાક બનીને ફોનનાં ડબલાને તાકતો ઉભો રહ્યો. તેનું મગજ બહેર મારી ગયું. પેલાની વાત સાચી હતી. તેણે ખરેખર જો કંઇ ન કર્યું તો એ શબ્દો સાચા પડવાનાં હતા કારણ કે ટી.વી.માં રઘુભાને દર્શાવવામાં આવી રહ્યો હતો. રઘુભા પોતાનાં મોઢે જ પોતાનો જૂર્મ કબુલી રહ્યો હતો અને તેના બયાનમાં તે કમલ દિક્ષિતનું નામ લઇ રહ્યો હતો. શહેરમાં પ્રતિબંધિત સમયમાં તેના ટ્રકોને પ્રવેશવાની પરવાનગી એસીપી કમલ દિક્ષિતે જ આપી હતી અને બદલામાં તે એમને મબલખ રકમની લાંચ આપતો હતો એ મતલબનાં બયાન પછી તેણે એવી પણ કબુલાત કરી હતી કે જે ટ્રક અકસ્માત થયો હતો તેમાં દિક્ષિતે જ સબ ઈન્સ્પેકટર અભય ભારદ્વાજને ફસાવ્યો હતો અને તેને સસ્પેન્ડ કરી દીધો હતો. એ સમાચાર સાંભળીને દિક્ષિત સન્નાટામાં આવી ગયો. રઘુભા ક્યારે પકડાયો, કોણે તેને પકડયો અને એથી પણ મહત્વનું કે, આ વાતની તેને ખબર કેમ ન પડી એ સમજાતું નહોતું. એ સમજવાનો અત્યારે તેની પાસે ટાઇમ પણ નહોતો. તેણે તુરંત રાજ્યનાં ગૃહ મંત્રીને ફોન ઘૂમડયો હતો.
@@@
રમણ જોષીએ તેનો રોલ બખૂબી નિભાવ્યો હતો. ન્યૂઝ ચેનલનાં પ્રાઇમ ટાઇમમાં તેણે રઘુભાના કબૂલાતનામાં વાળી ટેપ ચલાવી દીધી હતી અને લોકોમાંથી તેના ઘેરા પ્રત્યાઘાતો આવવાં પણ શરૂ થઇ ગયા હતા. ન્યૂઝ ચેનલનો ફોન એકધારો રણકી રહ્યો હતો. એક તરફ તેને ખુશી થતી હતી પરંતુ સાથોસાથ જબરો ઉચાટ પણ મનમાં છવાયો હતો. બંસરીનો ફોન સવારનો આઉટ ઓફ કવરેજ આવતો હતો એ તેની ચિંતાનું કારણ હતું. તેણે સમય જોયો. રાતનાં સાડા આંઠ થયાં હતા. એકાએક તેણે નિર્ણય કર્યો અને બંસરીની પાછળ રાજગઢ જવાનું મન બનાવ્યું.
એ સમયે બંસરી ક્યાં હતી એ કોઇ નહોતું જાણતું. અનંતસિંહની જેમ બંસરી પણ ગાયબ થઇ ચૂકી હતી.
@@@
અભયે જે સાંભળ્યું હતું એ વિશ્વાસથી પરે હતું. ભયાનકતાની ચરમસીમાં સમાન હતું. તે એક ભીલ યુવતીની તલાશમાં નિકળ્યો હતો પરંતુ અહીં તો સાત-સાત યુવતીનું સત્ય તેની સમક્ષ ઉજાગર થયું હતું. તે સહમી ગયો હતો અને કબિલાના મૂખિયાને વચન આપીને નિકળ્યો હતો કે તે એ યુવતીઓને ન્યાય અપાવીને જ જંપશે. હદયમાં છવાયેલી ગમગીની અને આક્રોશથી તેનું માથું ધમધમતું હતું. તે જંગલમાં આડેધડ દોડયે જતો હતો. ઘેરું કાળું અંધારું તેની માથે તોળાતું હતું. આંખોની સામે રસ્તો પણ બરાબર દેખાતો નહોતો છતાં શરીરમાં બચી હતી એટલી બધી તાકત એકઠી કરીને તે નદી સુધી આવી પહોંચ્યો હતો. અત્યારે તેની પાસે વિચારવાનો સમય નહોતો કે નદી કેમ પાર કરવી? તેણે સીધી જ નદીમાં છલાંગ લગાવી દીધી હતી અને જબરાં ફોર્સથી તરતો સામે કાંઠે નિકળી આવ્યો હતો. ત્યાંથી તે પેલા ઝરણાઓ સુધી આવ્યો. આ વખતે એ ધોધને જોવાની તેની દ્રષ્ટી બદલાઇ હતી. તેણે એ ધોધ ગણ્યાં, અને બુઢ્ઢા મૂખિયાની વાતની સાર્થકતાં સમજાઇ હતી. એ ધોધ જ્યાં પડતાં હતા એ સરોવરની જગ્યાએ પહેલાં તેમનો કબિલો હતો. પરંતુ સાત-સાત યુવતીઓના કમોતે થયેલાં મોત બાદ તેઓ કબિલો છોડીને જંગલની અંદર ચાલ્યાં ગયા હતા. ઘણો લાંબો સમય અભય એ ધોધને નિરખતો ઉભો રહ્યો. રાતનાં અંધકારમાં તેનો નજારો કંઇક અલગ જ દેખાતો હતો. તેણે પોતાની જાતને જ વચન આપ્યું કે તે બધું પતાવીને ફરી પાછો અહી આવશે. અત્યારે તેનું રાજગઢ પહોંચવું જરૂરી હતુ. તે આજે રાતે જ મામલો પતાવી દેવા માંગતો હતો કારણ કે એક વાતની તેને ખાતરી થઇ ચૂકી હતી કે તેનો દોસ્ત અનંતસિંહ જો જીવતો હશે તો તેને આજે જ બચાવવો પડશે. નહિંતર ચોક્કસ આ તેની આખરી રાત હશે.
તે એવું થવા દેવા માંગતો નહોતો. અનંતને કોઇ કાળે તે ખોઈ શકે નહી. લગભગ બધું જ તે જાણી ચૂકયો છે ત્યારે સમય બગાડીને દેર કરવાનો કોઇ મતલબ નહોતો. હાં, પૃથ્વીસિંહજીનું શું થયું હતું એ તેને ખબર નહોતી પડી કારણ કે કબિલાનો મૂખિયા એ વિશે કંઇ જ જાણતો નહોતો. એ કોયડો તો હજું પણ વણ-સૂલઝેલો જ રહ્યો હતો. પરંતુ તેને આશા હતી કે એક વખત તે રાજગઢ પહોંચશે પછી બધાં જ રહસ્યો ઉપરથી આપોઆપ પરદા હટી જશે. તે ફરીથી ચાલવા લાગ્યો. લગભગ અડધી રાત્રે તે દેવાને જ્યાં બાંધ્યો હતો ત્યાં આવી પહોંચ્યો. તેના આશ્વર્ય વચ્ચે દેવો હજું પણ એ ઝાડનાં થડ સાથે જ બંધાયેલો હતો. પણ તે બેહોશ હતો. રાતનાં ઘોર અંધકારમાં એ દ્રશ્ય ડરામણું લાગતું હતું. જો કોઇ અચાનક આ તરફ આવી ચડે તો દેવાને આવી હાલતમાં જોઇને છળી જ મરે.
તે દેવાની નજીક પહોંચ્યો અને તેના ધબકારા ચકાસ્યાં, પછી તેના નાકે આંગળી મુકીને શ્વાસોશ્વાસ ચાલે છે કે નહી એ જોયું. તે જીવતો હતો. પરંતુ તેને જલ્દી સારવારની જરૂર હતી. જો સારવાર ન મળી તો વધું જીવશે નહી એની પણ અભયને ખાતરી હતી. ઘડીક તો થયું કે તેને અહીં જ મરવાં છોડીને ચાલતો થાય. પણ તેને સાથે લેવો જરૂરી હતો કારણ કે તે હુકમનો એક્કો સાબિત થવાનો હતો. અભય ખુદ જબરજસ્ત રીતે થાકેલો હતો છતાં તેણે દેવાને ઝાડનાં થડેથી છોડયો અને પોતાના ખભે નાંખ્યો. લગભગ સવા-સો કિલો જેટલાં ભારે વજનનાં દેવાને ઉંચકીને ચાલવું કંઇ ખાવાનો ખેલ નહોતો. થોડાક ડગલાં ભરતાં જ તે થાકી ગયો અને દેવાને નીચે ઉતાર્યો. તે હાંફતો ઉભો રહ્યો. દેવાને ગમેતેમ કરીને બુલેટ સુધી પહોંચાડી દે પછી તે જંગ જીતી જવાનો હતો. તેણે જબરી મશક્કત ચાલું કરી. દેવાની બગલમાં હાથ ઘાલીને તેને ખભાનો સહારો આપ્યો અને ફરીથી ચલાવાનું શરૂ કર્યું. તેનું શરીર જવાબ આપી રહ્યું હતું પરંતુ હૌસલો બુલંદ હતો. લગભગ ઢસડાતો જ હોય એમ તે આગળ વધતો રહ્યો. પોતાની સર્વિસમાં દરમ્યાન આટલી સખત મહેનત તેણે ક્યારેય નહોતી કરી. ભયંકર થાકથી તેનું શરીર રીતસરનું બળવો પોકારતું હતું. સખત ભૂખ લાગી હતી અને તરસથી તેનું ગળું સૂકાતું હતું. પણ… તે ક્યાંય રોકાવાનું નામ લેતો નહોતો. તે કોઇ મશીનની જેમ એકધારું ચાલ્યે જતો હતો. તેને ખુદને પણ ખ્યાલ નહોતો રહ્યો કે તે કઇ દિશામાં અને કેટલું ચાલ્યો હશે! સખત ઉંઘથી તેની આંખો ઘેરાતી હતી. એક-એક ડગલું જાણે મણ-મણનું હોય એમ તેના પગ જંગલની ભીની ધરતી ઉપર મંડાતા હતા. એ જ સ્થિતિમાં તે કલાકોનાં કલાકો સુધી ચાલ્યો હોય અને માઈલોની મઝલ કાપી હોય એવો ભાસ તેને થતો હતો.
પણ આખરે તે મંઝિલે પહોંચ્યો હતો. તેની બોઝિલ થતી જતી આંખોમાં એકાએક ચમકારો વર્તાયો. સામે જ તેનું બુલેટ પાર્ક કરેલું નજરે પડયું. તેના પગમાં જોમ ઊભરાયું અને દેવાને ત્યાં જ પડતો મૂકીને તે બુલેટ ભણી દોડી ગયો. જાણે એ તેનું તારણહાર ન હોય! રણમાં ભટકતાં કોઇ મુસાફરને જેમ એક બુંદ પાણીનું મહત્વ સમજાય એમ અભય માટે અત્યારે તેનું બુલેટ જ મહત્વનું હતું. બુલેટ નજીક પહોંચીને તેની સીટ ઉપર લસ્ત થઇને તે ઢળી પડયો હતો. તેના શરીરે જવાબ આપી દીધો હતો. ભયાનક ઉંઘ, થાક, દેવા સાથે થયેલી જીવલેણ લડાઇમાં પડેલાં ઘાવ, પેલા ઝરણાઓ, ઘોઘ, કબિલો, ભારે વેગથી વહેતી નદી, ઘેઘૂર જંગલ, સાત કન્યાઓ, પૃથ્વીસિંહજી, તેનો મિત્ર અનંત, રાજગઢની હવેલીઓ… બધું જ પળવારમાં ખામોશ થઇ ગયું હતું. અને… તે બુલેટની સીટ ઉપર માથું ઢાળીને ત્યાં જ ઉંઘી ગયો હતો.
@@@
અનંતસિંહને ચક્કર આવતાં હતા. તેના માથામાં જાણે કોઇ જંગી પાઇપ વડે ફોર્સ પૂર્વક પાણી ભરી દેવામાં આવ્યું હોય એવો ભાર વર્તાતો હતો. તે અર્ધ બેહોશીભરી હાલતમાં એકદમ લસ્ત બનીને એક ખુરશી ઉપર મુશ્કેટાટ બંધાયેલો હતો. તેના હાથ તેની જ પીઠ પાછળ વાળીને બાંધી દેવામાં આવ્યાં હતા. એવી જ રીતે બન્ને પગને ભેગા કરીને બાંધવામાં આવ્યાં હતા. તેના મોઢાં ઉપર ટેપ ચોટાંડેલી હતી. કોણ જાણે કેટલા લાંબાં સમયથી તે આ કમરામાં પડયો હતો. અચાનક તેના કાને કોઇકનાં આવવાની આહટ સંભળાઇ. પ્રયત્નપૂર્વક તેણે આંખો ઉઠાવી અને એ દિશામાં જોયું. એક યુવતીને પરાણે ચલાવીને કમરામાં લાવવામાં આવી. અનંત સમજી ગયો કે તેને પણ બેહોશીનું ઈન્જેકશન આપવામાં આવ્યું હોવું જોઇએ. તેને અહી લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત પણ આવી જ કરવામાં આવી હતી. તેણે યુવતીને ધ્યાનથી જોવાની વ્યર્થ કોશિશ કરી. તેની ઝાંખી દ્રષ્ટીમાં ધૂંધળાશ છવાયેલી હતી. છતાં.. એ યુવતીને આજ પહેલા કયાંય જોઇ હોય એવું તેને યાદ આવતું નહોતું.
કોણ હતી એ યુવતી? અને તેને અહી શું કામ લાવવામાં આવી હતી? અરે તે ખુદ અહી શું કામ હતો? હજ્જારો સવાલ તેના દિમાગમાં કોઇ હથોડાની જેમ ઠોકાતાં હતા.
(ક્રમશઃ)