મારો શું વાંક ?
પ્રકરણ - 31
બીજે દિવસે રહેમત સવારે ઊઠી ત્યારથી રહેમતને થોડીક ગભરામણ થતી હતી અને તેનું મન કોઈ જગ્યાએ લાગતું નહોતું.
બધા છોકરાંઓ નોકરીએ જતાં રહ્યા... રહેમત આગળનાં હોલમાં એકલી બેઠી હતી ત્યારે જાવેદ એની પાસે આવીને એનાં માથા ઉપર હાથ ફેરવીને બોલ્યો... બેટા ! સવારથી જોવું છું... તું એકદમ ચૂપચાપ બેઠી છો... તારી તબિયત તો ઠીક છે ને? ચાલ ડોક્ટર પાસે જવું છે?
રહેમત ધીરેકથી બોલી... ના ભાઈ ! તમે મારા પાસે બેસોને એટલે હું આપોઆપ ઠીક થઈ જઈશ.. પછી રહેમતે જાવેદનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલી આ એક હાથ જ એવો છે જેને હાથમાં લેતા જ મારી બધી તકલીફો દૂર થઈ જાય છે.
રહેમત જાવેદનાં ચહેરા સામે જોઈને હળવું સ્મિત આપીને બોલી... ભાઈ ! કદાચ જો હું ના રહું તો મને અહી અમદાવાદમાં નહીં પણ આપણાં ગામડે આપણાં ઘરે લઈ જઈને અબ્બા અને અમ્માની બાજુમાં દફન કરજો....
રહેમતની વાત સાંભળીને જોરદાર છણકો કરીને જાવેદ બોલ્યો... તું ગાંડી તો નથી થઈ ગઈ ને? સવારનાં પોરમાં શું ખાઈ લીધું છે તો આવી ધડમાથા વગરની વાત કરેશ... હવે આવું કાઇં બોલી ને તો એક તમાચો ઝીંકી દઇશ... કહીને રહેમતને પોતાનાં ગળે લગાવી દીધી અને ગળગળા અવાજે જાવેદ બોલ્યો... બેટા ! આવું કેમ બોલેશ? અલ્લાહ તને ખૂબ લાંબી ઉંમર દેય... તારા પેલા આ તારો બાપ હું મરવા વાળો બેઠો છું... હવે ફરીથી કોઈ દાડે આવું ના બોલતી... તને ખબર છે ને તારા અંદર તો મારો જીવ વસે છે.... કહીને જાવેદ પોતાની આંખો લૂંછતો ત્યાંથી પોતાનાં રૂમમાં જતો રહ્યો.
બપોર વીતી ગઈ પણ રહેમતને ક્યાંય ચેન નહોતું પડતું... રાતનું ભોજન બધાએ સાથે લીધું.. જમીને રહેમત અને ઘરનાં બધા સદસ્યો પોત-પોતાનાં રૂમમાં ગયા..
કેમ જાણે પણ રહેમતને એટલી બેચેની થઈ તી કે એ પેન અને કાગળ લઈને લખવા બેસી ગઈ અને લખવા મંડી કે....
કેમ જાણે આજે કાઇં સમજ જ નથી પડતી... ખૂબ ગભરામણ થાય છે... એવું લાગે છે કે જાણે હવે અલ્લાહ મને એની પાસે બોલાવવા માંગે છે... અમ્મા-અબ્બા એમની કબર પાસે મને સૂકુનથી સૂવા બોલાવી રહ્યા હોય અને હવે આજે જિંદગીથી ખૂબ જ થાક લાગ્યો હોય એવું લાગી રહ્યું રહ્યું છે. કાઇંક લખવા માંગુ છું જે લખી રહી છું.... ”અબ્બા ! તમને અને માં ને હજી સુધી લાગ્યા કરે છે કે તમારા કારણે મારુ જીવન બરબાદ થયું છે... પણ હું તમને કહેવા માંગુ છું કે મારા ગયા પછી તમે આવું ક્યારેય વિચારતા નહીં... તો જ મારી રૂહને સૂકુન મળશે જ્યારે તમે બેય જણાં સૂકુનથી રહેશો...... તમે બેય જણાંએ તો મારો ઉછેર એક રાજકુમારીની જેમ કર્યો છે... તમે બેય જણાં ફક્ત સમાજનાં જડ રિવાજનો ભોગ બની ગયા... એમાં તમારો ક્યારેય કોઈ વાંક જ નહોતો... અને આજે જે હું આટલી મજબૂત અને પગભર બની છું એ મારી નસોમાં તમારું લોહી વહી રહ્યું છે એને કારણે જ છે. બસ તમે બેય હમેશાં મારા માટે દુવા કરતાં રહેજો અને મારા ગયા પછી તમારે જાવેદભાઈ અને બધાય છોકરાંઓ સાથે જ રહેવાનુ છે એ કાન ખોલીને સાંભળી લેજો”.
જાવેદ ભાઈ અને આપા... ”તમે બેય જણાં ખાલી મને જનમ નથી આપી શક્યા એટલો જ અફસોસ છે...... બાકી મારા ઘડતરમાં અને મને મારી આગવી ઓળખાણ અપાવવામાં ફક્ત અને ફક્ત તમારો જ હાથ છે. કહેવાય છે ને કે..... દીકરીઓનાં માં-બાપને અલ્લાહ જન્નતમાં દાખલ કરે છે.... તો ભાઈ અને આપા.... જન્નતનાં દરવાજે તમારા બેય જણાંની હું રાહ જોઈશ... અને હા તમને બેય જણાંને હું ખૂબ જ પ્રેમ કરું છું... મારા ગયા પછી તમારી દુવાઓમાં હમેશાં મને સામેલ રાખજો”.
ઈરફાન વિશે તો શું લખું? “નાની હતી ત્યારથી ખબર પડી ગઈ હતી કે ઈરફાન સાથે સગપણ નક્કી થઈ ગયું છે ત્યારથી એને જોયા વગર એનાં પ્રેમમાં પડી ગઈ અને આજીવન એને જ એની પત્ની બનીને પ્રેમ કરતી રહી... ભલે નફરતની ભાષા બોલતી રહી પણ એમાંય મારો પ્રેમ જ છુપાયેલો હતો. મને જ્યારથી મૂકીને ચાલ્યા ગયા એનાં પછી જેટલીવાર મળ્યા એટલીવાર મેં નફરતની ભાષામાં જ વાત કરી... સમજી નહીં કે... હું જે જડ રિવાજનો ભોગ બની એનો તમે પણ ભોગ બન્યા... એમાં તમારો પણ કોઈ વાંક નહોતો. મારા કારણે તમારો તમારા પરિવાર સાથે સંબંધ તૂટી ગયો તમે બધાથી દૂર થઈ ગયા એ બદલ હું તમારી માફી માંગુ છું... હમેશાં તમને જ દોષ દેતી રહી.. એકવાર પણ ના વિચાર્યું કે તમે પણ તમારા જીવન વિશે કાઇંક વિચાર્યું હશે અને એમાં ખોટું પણ શું હતું... ”
રહેમતે વધુ લખ્યું..... ઈરફાન... ”મેં કોઈ વ્યક્તિ સાથે ખોટું કર્યું છે અને એ વ્યક્તિ મારા કારણે જ દુખી થઈ છે એવી ગિલ્ટ માણસને અંદરથી ઊધઈની જેમ કોરી ખાય છે.. મેં અને આપણાં આખા પરિવારે વારંવાર એ ગિલ્ટ તમને મહેસૂસ કરાવી છે છતાં પણ તમે સામે ચડીને એ વાતનો ક્યારેય જવાબ નથી વાળ્યો.. ”
આપણાં જીવનમાં જે કાઇં થઈ ગયું... અને આપણો સંબંધ તૂટ્યો એ બધા માટે હું તમને આજે દિલથી માફી આપું છું... મારા દિલમાં હવે તમારા માટે કોઈ કડવાશ નથી રહી... બસ તમે ખુશ રહો એટલું જ ઇચ્છું છું અને આશા રાખું છું તમે પણ મારા કારણે પરિવારથી દૂર રહ્યા અને છેલ્લી વખત મળ્યા ત્યારે મેં તમને તમાચો માર્યો અને જે કાઇં પણ અત્યાર સુધી બોલ્યું એ માટે તમે મને સાચા દિલથી માફ કરી દેશો...
બસ તમારા પાસે એક નાનકડી આશા રાખું છું કે... આપણાં બાળકોને મળતા રહેજો.... કારણકે નાનપણમાં તો એ બેય મારા કારણે તમારાથી દૂર થઈ ગયા તા... હવે એમને તમારી ઘણી જરૂર પડશે તો તમે હમેશાં એમનો સાથ દેજો... આપણાં બેય બાળકો ખૂબ સમજદાર છે... એ તમારી વાત સમજી જશે.
મારા પાંચેય સમજદાર છોકરાંઓ .... ”તમને ક્યાં ક્યારેય કશું કહેવાની જરૂર પડી છે.... તમારા માં-બાપની વાત એમનો ચહેરો જોઈને જ સમજી જાવ છો. તમારે નાના-નાની, ભાઈ-આપા, ઈરફાન અને દાનીશ એ બધાનું ધ્યાન રાખવાનું છે અને એમને હમેશાં સાચવવાના છે અને એ તમારી ફરજ પણ છે”.
મારા સુમિત ભાઈ.... ” મારા પરિવારનાં સદસ્ય... હમેશાં મારા ખરાબ સમયમાં મારી પડખે ઊભા રહેવાવાળા અને એક ટીચરની જેમ મારા કામમાં મને માસ્ટર બનાવવાવાળા મારા ગુરુને ક્યારેય નહીં ભૂલું... ”
અને સૌથી છેલ્લે..... મારા અને મારી દીકરીનાં ખાસ મિત્ર દાનીશ માટે... ”મારી આટલી ઉંમરમાં મેં તમારા જેવો ઉમદા અને ઈમાનદાર પુરુષ જોયો નથી... મારી દીકરી માટે તો તમે જ એનાં હીરો અને રોલમોડેલ છો.. કોઈપણ જાતનાં સંબંધ વગર હમેશાં કાઇંપણ કહ્યા વગર મને સમજી છે અને મારો સાથ આપ્યો છે. આપણાં આ મિત્રતાનાં પવિત્ર સંબંધની મિશાલ કાયમ માટે અકબંધ રહેશે... દાનીશ.... મારા મિત્ર બનવા બદલ તમારો ખૂબ આભાર... તમારી છત્રછાયા હમેશાં મારા બાળકો ઉપર રાખજો... અલ્લાહ તમને હમેશાં ખુશ રાખે”.
આટલું લખીને રહેમતનો મનનો ભાર જાણે કે હળવો થયો... તેણે એ ચિઠ્ઠીને ડાયરીમાંથી ફાડી અને વાળીને પોતાની પાસે રાખી.
***