#ચાર્ટડ ની ઓડીટ નોટ્સ# #CA.PARESH K.BHATT#
-: રાક્ષસ એટલે વોટ્સ એપ ને મહારાક્ષસ એટલે ફેસબુક :-
મારા પ્રિય , રાક્ષસ એટલે વોટ્સ એપ ને મહારાક્ષસ એટલે ફેસબુક. આજના યુવાનો ને વડીલો તરફ થી જેના માટે સતત ટોકવા માં આવે છે તે આ બે રાક્ષસો . હકીકત માં તો આ બન્ને રાક્ષસો એ અલાઉદીન દિન ના જીન છે . ફર્ક એટલો જ છે જીન અલાઉદીન ના કંટ્રોલ માં હતું અને આજ નો માણસ આ રાક્ષસો ના કન્ટ્રોલ માં છે એવું ઘણા લોકો નું માનવું છે . અમુક અંશે તેઓ સાચા પણ છે . જેમ લગ્ન નામના સિક્કા ની એક બાજુ દુઃખ છે તો બીજી બાજુ સુખ છે . એવુ જ આ બન્ને રાક્ષસો નું પણ લાગે . જો કે અપવાદ રૂપ કિસ્સા માં બન્ને બાજુ સુખ વાળા લગ્ન ના સિક્કા પણ ઘણાં ના નસીબ માં હોય છે –આવી અફવા પણ હોય શકે છે .
હમણાં થોડા વખત પહેલા વિનોદ ભટ્ટ ની આત્મ કથા “ એવા રે એવા અમે “ વાંચતો હતો , ત્યારે એમણે કહેલું કે મારી પ્રથમ કૃતિ “કુમાર “ સામાયિક માં છપાઈ ત્યારે મેં એ મેગેઝીન ઘણા મિત્રો ને વંચાવેલુ કે જુવો મારો લેખ કુમાર માં પ્રસિદ્ધ થયો અને એ લેખ એમણે પોતે પણ ચાર પાંચ વખત તો વાંચી લીધો અને જે મિત્રો મળે એમને પણ વંચાવે . ત્યારે એમ થાય કે એ સમય માં પ્રિન્ટ મીડિયા એક જ માધ્યમ એવું હતું કે વ્યક્તિ તેના વિચારો ની અભી વ્યક્તિ ત્યાં જ કરી શકતી . જયારે આજે આ બંને માધ્યમ એટલે કે વોટ્સ એપ ને ફેસબુક – એટલા પાવરફુલ છે કે વ્યક્તિ એક સાથે પોતાના વિચારો ની અભિવ્યક્તિ એક સાથે હજારો માણસો સાથે એક જ સમયે કરી શકે અને સાથો સાથ સામેની વ્યક્તિ ને તમારી કૃતિ ગમી કે નહિ તેની પણ ખબર પડી જાય . સૌથી વિશેષ વાત એ છે કે આ બધું જ પાછુ ફ્રી ઓફ કોસ્ટ – કોઈ પણ ખર્ચ વગર. આથી જ વિચારો ની અભિવ્યક્તિ નું શ્રેષ્ઠ માધ્યમ . લાગણી ઓ ને ફોટા, વિડીઓ અને ઇમોજીસ રૂપે વ્યક્ત કરવા માટે નું શ્રેષ્ઠ માધ્યમ . કદાચ ઘણા વૃદ્ધો નું ઘરમાં કોઈ ન સાંભળે તે અહિયાં પોતાની લાગણી ઓ ને વ્યક્ત કરી શકે છે , એટલે ઘણા ને ઘડપણ માં ફેસબુક નો આ f એ લાકડી જેવો લાગે છે .
જો કે ટેકનોલોજી માં જે ઝડપે પરિવર્તન આવે છે એ ઝડપે માણસ માં નથી આવતું. એટલે જ અમારા એક જાણીતા કવિયત્રી બેન કહે ફેસબુક માં પણ વાટકી વહેવાર જેવું જ છે એટલે મને નવાઈ લાગી કે એટલે શું ? મને કે હું પેલી ની કવિતા ને લાઈક કરું તો એ મારી કવિતા ને લાઈક કરે ! આ માં કાવ્ય નું પોતાનું મહત્વ જ અદ્રશ્ય ! હું નિજાનંદ માટે લખું છું કે લાઈકસ માટે લખું છું ? આ પ્રશ્ન આપણી જાત માટે છે . મારા એક અન્ય મિત્ર લખે નહી કઈ જ પણ ઓબ્ઝર્વ વધારે કરે એ એમ કહે કે જો બહેનો પોસ્ટ મુકે તો એમાં તો સ્ત્રી દાક્ષણય ની ઉચ્ચ ભાવના ના કારણે ભાઈઓ એ આપેલ ૫૦% લાઈક્સ બાદ કરી નાખો અને જો પોસ્ટ કરનાર સ્ત્રી સુંદર હોય તો આ ટકાવારી વધી પણ શકે ! , ૨૫% લાઈક્સ વહેવાર ના કારણે આપેલી હોય કે જો હું લાઈક નહી આપું તો એ પણ મને નહી આપે ! કે પછી સાળા કે બનેવી કે જમાઈ ને કેમ લાગશે એવા ઔચિત્ય ને માટે આપેલ હોય આ બધા ને બાદ કરતા પછી જે વધે તે સાચી લાઈક્સ. આ બન્ને રાક્ષસો આપણી સેવા માટે છે નહી કે ટેન્શન ને ડિપ્રેશન વધારવા માટે , ઘણા ને લાઈક્સ કે કમેન્ટ્સ ન મળે તો ડીપ્રેશન માં આવી જાય ! અરે એ દુર કરવા માટે તો આ બન્ને આપણી સેવા માં છે .
લાઈક માટે સર્જન કે સર્જન માટે લાઈક - શ્રેષ્ઠ સર્જન આપો આપ વખાણાવવું જોઈએ એના માટે આ લાઈક નો વાટકી વહેવાર વચ્ચે આવતો હોય તો એ કવિ પાસે ઋષિ દીર્ઘતમસે ईशावास्योपनिषद् .....કહેલ कविर्मनीषी परिभू स्वयंभू ..... ની તો અપેક્ષા જ ક્યાંથી રખાય ? सम्यक हिताय આવું સાહિત્ય જ સમાજ નો આધાર સ્તંભ થાય .
ભગવદ ગીતા ના ૧૭ માં અધ્યાય માં કહ્યું છે કે સાત્વિક , રાજસ ને તમસ લોકો ની પ્રકૃતિ કેવી હોય તેમનો ખોરાક કેવો હોય તેઓ ક્યાં દેવ ને પૂજે ......એમ આ fb કે W.app એ પણ તમારી પ્રકૃતિ નક્કી કરે છે કે તમે શું પોસ્ટ મુકો છો , કેવા મિત્રો કરો છો , કેવું લખાણ લખો છો .
ખરેખર મને તો આ બન્ને રાક્ષસો એટલા પ્રિય છે કે સમય મળે ત્યારે અલ્લાઉદીન ના જાદુઈ ચિરાગ ની જેમ આ જીન ને બહાર કાઢી ને બધા મિત્રો સાથે થોડી ગપસપ ને થોડું વિચારો નું આદાન પ્રદાન કરીને ને મોજ મોજ કરી લઇ એ ને પછી આ જીન થી લોગ-ઓફ થઇ જઈ એ .
બસ અંત માં આપણી અનુકુળતા એ આ રાક્ષસો નો ઉપયોગ કરીએ એ – આપડો ઉપયોગ એ ન કરી જાય એજ સાવચેતી રાખીએ . નહિતર શાહબુદીનભાઈ ની પેલી જોક ની જેમ ગધેડા એ પહેલી ફૂક મારી દીધી હવે મારી દવા કરો .
अस्तु
DT.૦૩.૦૧.૨૦૨૦.