Jivan Sangram 2 - 6 in Gujarati Fiction Stories by Rajusir books and stories PDF | જીવન સંગ્રામ 2 - 6

The Author
Featured Books
Categories
Share

જીવન સંગ્રામ 2 - 6

પ્રકરણ -૬


આગળ આપણે જોયું કે જતીન નો કેસ પૂર્ણ થયો ને હવે બધાને પોતાના ઘેર જવાનો સમય થયો ત્યારે પરમાનંદ પોતાના જીવન સંગ્રામ ની વાત કરવાના હોય છે હવે આગળ..........


. પરમાનંદ પોતાની વાત ની શરૂઆત કરે છે......

એક નાનું એવું ગામ હતું. લીલાછમ વૃક્ષોથી ઘેરાયેલ. ખળખળ વહેતી નદીના કાંઠે આવેલા ગામમાં એક પટેલ પરિવાર રહેતો હતો. તેમની આર્થિક પરિસ્થિતિ સાધારણ હતી .પટેલ હરસુખ ખૂબ જ હિંમતવાન અને નીડર હતો .તેમને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાન હતા . પુત્રનું નામ આનંદ અને પુત્રીનું નામ ધાત્રી .બંને બાળકો પણ નામ જેવા જ ગુણો ધરાવતા હતા .આનંદ ખૂબ જ હસમુખો, આનંદી ,વિચારશીલ, નીડર, સામેવાળી વ્યક્તિને એકદમ પોતાના વશમાં કરી લે તેવો વાચાળ, કંઈક નવું કરવાની અદમ્ય ઝંખના ધરાવતો હતો. હરસુખ અને તેમની પત્ની યશોમતી આ બાળકોને ભણાવવા માટે સતત પ્રયત્ન કરતા હતા .આર્થિક પરિસ્થિતિ સાધારણ હોવા છતાં મહેનત-મજૂરી કરીને પણ બાળકોને ભણાવતા .કારણ કે, એમને ખબર હતી કે જો બાળકો ભણશે નહીં તો તેમનો વારો પણ આપણી જેમ મજૂરી કરવાનો જ આવશે. સામેની તરફ આનંદ અને ધાત્રી પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. દસ ધોરણ સુધી તો ગામમાં અભ્યાસ કરવાનો હોય ત્યાં અભ્યાસ કર્યો. દસ ધોરણ પછી ધાત્રીએ અભ્યાસ છોડી પોતાની બાને ઘરકામમાં મદદ કરતી, જ્યારે આનંદ દસમાં ધોરણમાં સારા ટકા સાથે પાસ થયો. આગળના અભ્યાસ માટે શહેરમાં જવાનું હતું. પોતાની આવકથી ઘર માંડ ચાલતું .માટે આનંદને આગળ ભણાવવા જમીન વેચવી કે શું કરવું આવી અવઢવ વચ્ચે પટેલ દંપતી ફસાયા હતા. પરંતુ અંતે હરસુખ ગામના જમીનદારની વાડીમાં મજૂર તરીકે જોડાઈ ગયો .બદલામાં જમીનદારે આનંદ માટે શહેરમાં એક હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી .શહેરની હોસ્ટેલ માં જવાનું, માબાપને છોડી ત્યાં રહેવાનું ફાવશે કે કેમ. ત્યાં જમવાનું કેવું હશે?? વગેરે વિચારથી આનંદ આખી રાત જાગતો રહ્યો. સવારે બધી જ તૈયારી કરી હરસુખ આનંદને મુકવા જાય છે .યશોમતીની આંખમાં આંસુ આવી જાય છે. સામે બાજુ આનંદ પણ ગળગળા અવાજે બોલે છે બા હું ખૂબ ભણીશ. ભણીને નોકરી મેળવી. મારી ચિંતા ન કરતી ,એમ કહી બાપ-દીકરો શહેર જવા નીકળે છે. શહેરમાં પહોંચી હોસ્ટેલના ગૃહપતિને જમીનદારની ચિઠ્ઠી આપે છે. ગૃહપતિ ચિઠ્ઠી વાંચી આનંદ ને હોસ્ટેલના સેન્ટર રૂમ માં રહેવાની સૂચના આપે છે. રહેવાની બધી વ્યવસ્થા થઈ ગઈ એટલે હરસુખ કહે છે બેટા ,હવે હું જાઉં છું .તારું ધ્યાન રાખજે .બેટા અમારી ચિંતા કરતો નહીં. એટલું કહી બાપ-દીકરો છૂટા પડે છે .આનંદના મનમાં હતું કે હોસ્ટેલ એટલે એક પ્રકારનો આશ્રમ હશે .ત્યાં સવારના પ્રાર્થના બોલાતી હશે.સવારે વહેલા ઉઠવાનું, વ્યાયામ, કસરત કરવાની ,સાથે હોસ્ટેલના ગૃહપતિએ એક ગુરુ ની માફક જ્ઞાન બોધની વાતો કહેતા હશે .પણ જ્યારે તેને હોસ્ટેલ નો એક દિવસ પુરો કર્યો ત્યારે ખબર પડી કે આના કરતાં તો ધર્મશાળા પણ કંઈક સારી હોય. મન ફાવે ત્યારે ઊઠવાનું ,મન ફાવે ત્યારે સુવા નું ,ગૃહપતિ માત્ર વ્યવસ્થા સાચવવા સિવાય કશું જ ન કરતા. વિદ્યાર્થીઓ પ્રત્યે જરા પણ લાગણી ન રાખતા .માત્ર સવારના 10:00 આવે અને બપોર પછી 04:00 વાગ્યે જતા રહે. રાત્રે વિદ્યાર્થીઓ એકલા એટલે મનમાં આવે એવા તોફાન કરતાં. આનંદ આવા વાતાવરણથી તંગ આવી ગયો હતો. પણ તે શું કરે ??? તે લાચાર હતો .એ ધારે તો પણ બીજે રહેવાની વ્યવસ્થા થાય તેમ ન હતી. માટે તે મને ક મને દિવસો પસાર કરવા લાગ્યો. તેને પોતાની બધી શક્તિ અભ્યાસમાં કામે લગાડી દીધી .એ હર હંમેશ વિચારતો કે આ જીવનમાં આગળ વધવા, વિકાસ કરવા ગુરુની જરૂર પડે, તેની નજર હંમેશા ગુરૂની શોધમાં હતી .પણ આનંદ જેવા તેજસ્વી યુવાનને પોતાની વાણીથી નાથી શકે તેવા ગુરુ તેને ક્યાંય દેખાતા ન હતા અને આનંદ પાછુ પોતાનું મન અભ્યાસમાં પરોવી દેતો. આનંદે મનોમન નક્કી કર્યું કે શિક્ષકનો વ્યવસાય ખૂબ જ પાવન અને પવિત્ર તથા મહાન છે, કારણ કે તે એક જ વ્યવસાય એવો છે જેમાં બીજાને કંઈક આપવાનું છે પણ બીજા પાસેથી કંઈ કંઈ લેવાનું નથી . પણ શિક્ષક બનવા ઊંચી ટકાવારી ની જરૂર પડે. માટે અભ્યાસમાં ખૂબ જ ધ્યાન આપવા લાગ્યા અને બારમા ધોરણમાં ખૂબ જ ઊંચી ટકાવારી સાથે પાસ થયો .હવે શિક્ષક બનવા પીટીસીમાં જવાનું હતું. તેને પીટીસી કોલેજની તપાસ શરૂ કરી .શહેરથી થોડે દૂર એક ગામની ભાગોળે એક પીટીસી કોલેજમાં આનંદને એડમીશન મળી ગયું .આનંદ તેમાં રહેવા માટે આવે છે .ત્યાંના આચાર્ય સાથે આનંદ વાતચીત કરી. રહેવાની વ્યવસ્થા થઈ ગઈ .આનંદ પાછો વિચારવા લાગ્યો કે પેલી હોસ્ટેલ જેવી જ અહીંયા ની હોસ્ટેલ હશે કે પછી કંઈ ફેરફાર હશે.પણ અહીંયા તો આનંદ જેવી વિચારતો હતો એવી છાત્રાલય હતી. પહેલી હોસ્ટેલ અને આ હોસ્ટેલમાં દિવસ-રાત જેટલો ફેરફાર હતો .સવારે ઊઠવાનું ,ત્યારબાદ પ્રાર્થના બોલવી ,સફાઈ કરવી ,વ્યાયામ કરવો, ત્યારબાદ નાસ્તો કરવો ,કોલેજ જવું ,સાંજે રમતો રમવાની,સાંજનું ભોજન અને ભોજન બાદ સાંજની પ્રાર્થના બોલવી ,ત્યારબાદ ગૃહપતિ જીવન ઉપયોગી ભાથું પિરશે અને તાલીમાર્થી પોતાની બુદ્ધિ પ્રમાણે તેનો અમલ કરે. આનંદ આજ દિવસ સુધી જે ગુરુની શોધ કરતો હતો તે ગુરુ આજે તેને મળી ગયા. તેની ખુશીનો કોઈ પાર ન હતો .તેમને મનભાવક એટલે કે ભાવતું તું ને વૈદે કહ્યું એવી રીતે તેને જેવું વાતાવરણ જોતું હતું તેવું વાતાવરણ મળી ગયું .અને એથી વધારે ખુશી એ વાતની હતી કે તેને આ જીવનસંગ્રામ લડવા જેવા ગુરુ જોતા હતા તેવા ગુરુ મળી ગયા .સામી તરફ હોસ્ટેલના ગૃહપતિ અરવિંદ પર પણ હંમેશા એવા શિષ્યની શોધમા હતા કે જે પોતાની વાતોને સમજે. પોતાના વિચારો જીવનમાં ઉતારે ,અને તેને સમાજ સુધી પહોંચાડે .કારણ કે તે સમાજમાં શાંતિની સ્થાપના કરવાની ઈચ્છા ધરાવતા હતા અને તેની આનંદ સાથેની એક જ મુલાકાતમાં આનંદને ઓળખી લીધો. તેને જેવો શિષ્ય જોતો હતો તેવો શિષ્ય મળી ગયો .આનંદે ગૃહ પતિની મોટાભાગની જવાબદારી પોતાના પર લઈ લીધી .એક દિવસ સાંજની પ્રાર્થના બાદ બધા તાલીમાર્થીઓ એક તરફ બેઠા હતા .સામે અરવિંદસર પોતાના આસન પર બેઠા હતા .અરવિંદસર પૂછે છે ભાઈઓ તમે બધાએ શિક્ષકનો વ્યવસાય શા માટે અપનાવ્યો છે. ????
વિજય :-(તાલીમાર્થી) આમાં સરળતાથી સર્વિસ મળી જાય છે .વળી કોઈ ડોનેશન આપવું પડતું નથી. અને પાછું મનપસંદ ગામ પણ મળે છે .માટે શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો છે. બરાબરને ભાઈઓ.......
બધાએ આ વાતમાં પોતાનો સૂર પૂરાવ્યો. હા એટલા માટે જ આ વ્યવસાય અપનાવ્યો છે. વચ્ચે આનંદ બોલી ઊઠ્યો સર ,આ બધા જ ભાઈઓ એ જે રીતે વ્યવસાય અપનાવ્યો છે તે રીતે આ વ્યવસાય મે અપનાવ્યો નથી .મેં તો કંઈક જુદા જ અર્થમાં આ વ્યવસાય અપનાવ્યો છે.
અરવિંદ સર :- આનંદ ,તે આ વ્યવસાય કયા અર્થમાં અપનાવ્યો છે????
આનંદ :-સર આ વ્યવસાય પવિત્ર વ્યવસાય છે. નિર્દોષ બાળકો સાથે હળવા-મળવાની અવનવી તક આ વ્યવસાયમાં મળે છે. વળી આવનાર બાળક કોરા કાગળની જેમ હોય છે તેના પર જેવી છાપ પાડવી હોય તેવી છાપ પાડી શકાય અને આ એક જ વ્યવસાય એવો છે કે જેમાં કંઈ લેવાનું નથી પરંતુ આપવાનું છે. માટે જ આ વ્યવસાયને અપનાવ્યો છે
બધા જ તાલીમાર્થીઓ આનંદના આ ઊંચા વિચારથી ખુશ થઈ ગયા .વાહ,આનંદ તારી આ વાત સાથે અમે બધા સહમત છીએ .આજથી તુ અમારો લીડર. તું જેમ કહે છે તેમ અમે કરીશું. અરવિંદસર પણ આ વાત સાંભળી આનંદમાં આવી જાય છે .વાહ ,આનંદ આટલા વર્ષોની નોકરી માં આજ પહેલી વાર આ પ્રશ્નનો જવાબ સંતોષકારક મળ્યો. શાબાશ આનંદ. શાબાશ.....
આવી બધી વાત સાંભળી એક તાલીમાર્થી રણજીત આનંદની ઈર્ષા કરવા લાગ્યો અને ઉભો થઇ ને કહેવા લાગ્યો આનંદ આ બધી વાતો અઢારમી સદીની છે અને અત્યારે એકવીસમી સદી ચાલે છે........
આનંદ :- નહિ રણજીત કૃષ્ણ ભગવાને કહેલી ગીતાની વાતો તો કેટલીય સદીઓ પુરાણી છે ,છતાં પણ આજના સમયમાં તેનાથી જ જીવન સંગ્રામ ના પ્રશ્નોનો ઉકેલ આવે છે.
રણજીત :- તો આનંદ એક પ્રશ્ન પૂછું એનો જવાબ આપ .જ્યારે ગુરુ શિષ્ય ની લડાઈ થાય ત્યારે શિષ્યએ શું કરવું જોઈએ.
આનંદv- અરે રણજીત, ગુરુ અને શિષ્યના સંબંધ અને તેનું મહત્વ તે શું આક્યું ??? આવી વાત શક્ય નથી. અને જ્યારે આમ થાય ત્યારે શિષ્યએ ગુરુના શરણે જવું જોઈએ .કારણકે શિષ્યનું હિત શામા સમાયેલું છે તે ગુરુ જ જાણી શકે છે.
રણજીત :- વાહ આનંદ વાહ (કટાક્ષમાં )તે એમ કહ્યું કે ગુરુ શિષ્ય ની લડાઈ શક્ય નથી તો મહાભારત તો તે જોયું જ હશે .તેમાં અર્જુન અને દ્રોણાચાર્ય વચ્ચે લડાઈ થઈ હતી કે નહીં???
આનંદ:- ના રણજીત, એ લડાઈ અર્જુન અને દ્રોણાચાર્ય વચ્ચે લડાઈ નહીં પણ ધર્મ અધર્મ ની વચ્ચેની હતી .માટે આ લડાઈ ગુરુ-શિષ્યની નહીં પણ ધર્મ - અધર્મની લડાઈ હતી. જો આ લડાઈ દ્રોણાચાર્યએ શરૂ કરી હોત તો અર્જુન તેના શરણે જાત. પણ આ લડાઈ તો દુર્યોધને શરૂ કરી હતી. અને દ્રોણાચાર્ય રાજ્યાશ્રિત હતા . માટે તેને દુર્યોધનના પક્ષે લડવું પડયું .નહીં તો દ્રોણાચાર્ય જેવા શ્રેષ્ઠ ગુરુ અધર્મની લડાઈ લડે ખરા . સમજ્યો રણજીત.
બંનેની વાતો પૂરી થયા બાદ અરવિંદસરે કહ્યું ચાલો હવે વાંચનનો સમય થઈ ગયો .માટે ગુડ નાઈટ......
બધા :- ગુડનાઈટ સર....

બધા તાલીમાર્થીઓ વાચનમાં ગયા પછી અરવિંદ સર વિચારે છે કે , આનંદે પોતાની વાક્ચાતુર્યથી સૌ કોઈ ને પોતાના વશ મા કરી લીધા છે .ત્યારે રણજીતને શા માટે પોતાના મોહપાશમાં નથી જકડી શકતો.અને પછી આનંદને પોતાની પાસે બોલાવી છે અને કહે છે બેટા આનંદ , આ રણજીતની વાતો નું ખોટું ન લગાડતો. પણ મને એ નથી સમજાતું કે તું બધાને પોતાની વાણીની મધુરતાથી પોતાના વશમાં કરી લે છે તો આ રણજીત ને............
આનંદ:- સર,સમય આવ્યે રણજીત પણ મારો મિત્ર બની જશે.બસ તમે થોડો વખત ધીરજ રાખો.
અરવિંદ સર:- ઠીક છે,ચાલ હવે સુઈ જા...

અને બને ગુરુ શિષ્ય છૂટા પડે છે.આમ દિવસ પછી દિવસ પસાર થવા લાગ્યા.આમને આમ બે વર્ષ પૂરાં થવા આવ્યા.હવે બધા ને વિદાય આપવાનો સમય થઈ ગયો .છેલ્લા દિવસે બધા તાલીમાર્થી ઓનો દીક્ષાંત સમારોહ રાખવામાં આવ્યો.ખૂબ જ વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. દીક્ષાંત સમારોહની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી.ત્યાર બાદ કાર્યક્રમનું સંચાલન આરવિંદ સરે હાથમાં લીધું .

વહાલા તાલીમાર્થીઓ. તમે બે વર્ષ અહીં રહી જાત જાતનું ભાથુ મેળવ્યુ છે. હવે તે ભાથાનો ઉપયોગ કરવાનો સમય આવ્યો છે .અમને એ વાતનો આનંદ થાય છે કે ,તમારા માતા પિતા એ તમને જેવા મોકલ્યા હતા તેનાથી વિશેષ કરીને અમે તમને પાછા મોકલીએ છીએ .તમે તમારી નિશાળમાં એક કર્તવ્યનિષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરો અને આપણી કોલેજનું નામ રોશન કરો એ જ અમારી દીક્ષા છે .અમને તમારી ખૂબ જ યાદ આવશે. બે વર્ષ દરમિયાન અમારાથી ક્યારેય તમને કંઈ વધારે પડતું કહેવાય ગયું હોય તો ક્ષમ્ય કરશો .આટલું બોલતા બોલતા અરવિંદ સરનો અવાજ ઘોઘરો થઈ ગયો હતો. બધા તાલીમાર્થીઓ દૂર જઈ રહ્યા છે તે વાતનું દુઃખ તેના ચહેરા પર દેખાતું હતું .સામી બાજુ બધા તાલીમાર્થીઓને પણ સર થી દુર જવાનું હોય તેનું દુઃખ હતું.

અને છેલ્લે બધા તાલીમાર્થીઓ વતી આનંદ પોતાના બે વર્ષનો સંક્ષિપ્ત સાર આપવા ઉભો થયો . વહાલા ગુરુજનો, પ્રિય ભાઈઓ ,આ બે વર્ષ જાણે બે અઠવાડિયા જેટલા જ સમયમાં પૂરા થઈ ગયા હોય તેમ લાગે છે .આ છાત્રાલય વિશે જાતજાતના વિચારો આવતા હતા .પણ જ્યારે આ છાત્રાલયમાં રહ્યો ત્યારે ખબર પડી કે આ છાત્રાલય એ છાત્રાલય નથી પણ આપણું મોસાળ છે. મામા ને ઘેર ભાણેજનું જેટલું ધ્યાન રાખવામાં આવે તેથી પણ વધારે વહાલથી, પ્રેમથી અહીં આપણને સાચવ્યા છે . છાત્રાલયના ગૃહપતિ અરવિંદ સરે માતા-પિતા, ગુરુ એમ બધાની ભૂમિકા અદા કરી છે અને તેમના માટે તો.....
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યાદ્રવીણમ ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવ દેવ .
આનાથી વિશેષ કંઇ કહેવા માંગતો નથી. અને આ બે વર્ષમાં અમારી બુદ્ધિ ખરેખર ખીલી ઉઠી છે .ખાસ કરીને મારી બુદ્ધિ ખીલવી આપનાર મારા મિત્ર રણજીત નો હું ખૂબ આભારી છું . કારણકે ,અવનવા પ્રશ્ન પૂછી મારી સાથે ઊંડાણ પૂર્વકની ચર્ચા કરી મને એક મોટું અને અદભુત જ્ઞાનનું ભાથું આપ્યું છે .બસ એ જ અસ્તુ.
આનંદ આટલું બોલી પોતાના સ્થાને બેસવા જાય છે ત્યાં જ રણજીત આવીને તેને ભેટી પડે છે .આનંદ મને માફ કર. મેં આ બે વર્ષમાં તારી નિંદા જ કરી છે .હંમેશા તને ખોટો પાડવાનો જ પ્રયાસ કર્યો છે .અને તું મને તારો સૌથી પ્રિય મિત્ર ગણે છે. આનંદ આઈ એમ રીઅલી સોરી....
આનંદ :- અરે રણજીત મિત્રને મિત્રની માફી ન માંગવાની હોય.
બંને મિત્ર એકબીજાને ભેટી પડે છે. તાલીઓના ગડગડાટ થી વાતાવરણ ગુંજી ઉઠે છે. છેલ્લે કોલેજના પ્રિન્સીપાલ સાહેબ દીક્ષાંત સમારોહ ની સમાપન વિધિ કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરે છે .દીક્ષાંત સમારોહ ત્યારબાદ બધા પોત પોતાનો સામાન લઈ ઘેર જવા નીકળે છે. આનંદ અરવિંદ સર પાસે જાય છે અને પૂછે છે સર અહીંથી જવું જ પડશે. ?????
અરવિંદ સર :- હા એ જ તારી ફરજ છે.
આનંદ :- અહીંનું વાતાવરણ અને તમે મને ખૂબ જ યાદ આવશો.....
અરવિંદ સર :- તું પણ મને યાદ આવશે. પણ હું તને એમ ક્યાં કહું છું કે અહીંયા ન આવતો. તને જ્યારે સમય મળે ત્યારે આવતો રહેજે .ચાલ હવે બસ ઉપડવાનો સમય થઈ ગયો છે.

અને અરવિંદ સર બધાને મુકવા બસ સ્ટેન્ડે જાય છે. બધા બસમાં બેસે છે .બસ ઉપડે છે. બાય....... બાય .........બાય ............અને બધા નીકળી પડે છે, પોતપોતાના વતનમાં. થોડા જ વખતમાં શિક્ષકની ભરતી થાય છે. આનંદને બાજુના જ ગામમાં સર્વિસ મળી જાય છે . શિક્ષકની નોકરી મળતા જ આનંદે જોયેલું સપનું સાચું પડ્યું. તેની ખુશીનો કોઈ પાર ન હતો . તે તન-મન-ધનથી પોતાની ફરજ નિભાવવા તૈયાર થઈ ગયો . અને થાય જ ને તેને અરવિંદસર જેવા ગુરુ મળ્યા હતા. સવારે નિશાળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી સોંપવામાં આવેલું ધોરણ સંભાળી લીધું. પોતાની વાત ચતુરાઈ, અવનવી રમતો ,હસતો ચહેરો, હસમુખા સ્વભાવથી તેને પોતાના ધોરણના જ નહીં સમગ્ર નિશાળ ના બાળકોના હૃદય જીતી લીધાં . દરેક બાળકના હૃદયમાં પોતાનું સ્થાન કરી લીધું .ખૂબ જ નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરતો. તે બાળકો સાથે બાળક જેવો બની જતો . નિશાળમાં સમય મળે ત્યારે બાળકોને શિક્ષણ ના પાઠ ની સાથે સાથે જીવનના પાઠો પણ ભણાવવા લાગ્યો. તેમની સાથે બૌદ્ધિક ચર્ચાઓ કરવા લાગ્યો. તેના આવા ઊંચા વિચાર, બહોળું જ્ઞાન જોઈ કેટલાય સમજુ બાળકોએ મનોમન આનંદને પોતાના ગુરુ બનાવી લીધા. પણ તે જે ગામમાં નોકરી કરતો એ ગામ વિકાસની દ્રષ્ટિએ ઘણું પાછળ હતું. તેને તેની પાછળનું કારણ શોધવા ઘણી મથામણ કરી, પણ અંતે થાકીને નક્કી કર્યું કે આ પ્રશ્નનો જવાબ અરવિંદ સર પાસેથી મેળવી લેવો. આમ ગામના બાળકોના જીવનમાં ઘણો વિકાસ થવા લાગ્યો . અને કહેવાય છે ને કે ગામને સુધારવા માટે પહેલાં બાળકોને સુધારવા જોઈએ અને બાળકોને સુધારવા પહેલા નિશાળ ને સુધારવી જોઈએ.

એક દિવસ આનંદ વિચારે ચડ્યો કે મેં ગામ પાસેથી એટલે કે સમાજ પાસેથી જે અપેક્ષા રાખી હતી તેમાંની એક પણ અપેક્ષા પૂરી ન થઈ .ઊલટાનું સમાજ મને સામાન્ય માસ્તર ગણી અવગણના કરવા લાગ્યો. પણ આવા સમાજને ખબર નથી કે માસ્તર એ તો મા ના સ્તર બરાબર છે
શિક્ષક કભી સાધારણ નહી હોતા
પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મે ખેલતે હૈ
આવું ચાણક્યએ કહ્યું છે. શિક્ષક ધારે તો નવું ગામ બનાવી શકે ને ધારે તો ગામને બરબાદીના પંથે પણ લઈ જઈ શકે છે . આવા શિક્ષકને સામાન્ય ગણવોએ સમાજની ભૂલ છે . પણ આ વાત સમાજને સમજાવે કોણ. બે-પાંચ કે પચીસ શિક્ષકો આળસુ નિષ્ઠાહિન હોય તો બધા શિક્ષકો તેવા જ છે , એ સમજણ આપણી ભૂલ ભરેલી છે. આમ, આનંદને સમાજ પાસેથી જે પ્રેમ અને હૂંફ મળવા જોઈએ તે ન મળ્યા. છતાં પણ આનંદે હિંમત હાર્યા વિના બાળકોને ભણાવવામાં મશગુલ થઈ ગયો. આનંદ બાળકોને ભણવામાં તો હોંશિયાર બનાવ્યા જ પણ સાથેસાથે ભારતની વૈદિક સંસ્કૃતિ, સંસ્કારો પણ આપ્યા હતા .આનંદનું તેજસ્વી જીવન ચરિત્ર જોઈ હરકોઈ અંજાઈ જતા. ગામના કેટલાક શિક્ષિત અને આધ્યાત્મિક યુવક-યુવતીઓ આનંદ પાસે પોતાને મૂંઝવતા પ્રશ્નો લઈને આવતા અને આનંદ પોતાની સુજબુજ અને વેદો ને આધીન થઈ તેની મૂંઝવણનો ઉકેલ આપતો. આવી બૌદ્ધિક અને આધ્યાત્મિક - સામાજિક ચર્ચાઓ માટે તે નિશાળના સમય બાદ એકાદ કલાક ત્યાં રહેતો . આમ ગામના યુવક- યુવતીના જીવનમાં પણ આનંદ પ્રભાવ પાડવા લાગ્યો . સામે તરફ આનંદ ની સામાજિક પરિસ્થિતિ જોઈએ તો બહેનના લગ્ન થઈ ગયા હતા . ઘરમાં બાપુજી અને તે એમ ત્રણ જણ રહેતા. ટૂંકા પગારમાં પણ આનંદનો પરિવાર સુખ થી રહેતો અને આનંદથી દિવસો પસાર કરતા . પણ બધા દિવસો સરખા હોતા નથી . એક દિવસ અચાનક આનંદના પિતાને હાર્ટ એટેક આવ્યો . આનંદ ત્યારે નિશાળે હતો. આનંદને સમાચાર આપવામાં આવ્યા. આનંદ ઘેર પહોંચેએ પહેલા તેના પિતાનુ અવસાન થઇ ગયું. આનંદ પરનું પિતાનું છત્ર વિખાઈ ગયું . આવી પરિસ્થિતિ તે સમજતો હતો . પોતાનું મન મક્કમ કરી પોતાની બા ને આશ્વાસન આપવા લાગ્યો. પિતાની અંતિમ વિધિ પતાવી પાછો ફરજ પર જવા લાગ્યો . પણ એમ કંઈ પિતા ભુલાય ,જાણે ધરતી પરના પોતાના ભગવાન જતા રહ્યા . આવી યાદો સતત આવતી અને આનંદ ઊંડા શ્વાસ વડે તે યાદો ખખેરી નાખતો. પાછળ તેના બા એકલા પડી ગયા હતા . તેથી તેને આનંદ ને કહ્યું બેટા, દુઃખ ત્યારે ભૂલાય છે જ્યારે સામે તરફ એક ખુશીનો પ્રસંગ બને . માટે બેટા હવે લગ્ન કરી લે . જેથી મારી એકલતા દૂર થાય . બા ની વાત સ્વીકારવી કે કેમ તે પ્રશ્ન આનંદને મૂંઝવતો હતો. તે સીધો પોતાના ગુરુ અરવિંદ પાસે પહોંચે છે . ગુરુએ શિષ્યને જોયો અને આંખમાં હર્ષના આંસુ આવી ગયા . ઘણા દિવસે બેટા યાદ કર્યો. તને મારી ક્યારે યાદ ન આવી.... આનંદે કહ્યું સુરજ ઉગે ને તમે યાદ આવતા પણ, સર મારી ફરજ મને અહીંયા આવતા રોકતી. આનંદ પોતાના પિતાના અવસાન ની વાત કરે છે અને સર મારા બા લગ્નની હઠ લઇને બેઠા છે. હવે લગ્ન કરવા કે કેમ તે પ્રશ્નથી હું મુંઝાવ છું. માટે આપની પાસે આવ્યો છું. જવાબ આપતા અરવિંદસરે કહ્યું આનંદ હજી તારી ઉંમર લગ્ન જેવડી ન કહેવાય. ૨૫ વર્ષ બાદ ગૃહસ્થાશ્રમ આવે છે.માટે ત્યારે જ આ સંસાર એટલે કે લગ્ન કર એવી મારી સલાહ છે . તે હજી સમાજ જોયો નથી. સમાજની - સંસારની અમુક મુશ્કેલીઓનો સામનો કરવામાં તારી ઉંમર નાની પડશે માટે બે ત્રણ વર્ષ બાદ લગ્ન કર તો સારું .આનંદે કહ્યું ભલે સર.
પછી બંને પેટ ભરીને વાતો કરે છે .સવારે આનંદસરની રજા લઈને પાછો પોતાના ગામ આવે છે . આવીને પોતાના બા ને પોતે હજુ લગ્ન માટે નાનો છે એવી વાતો સમજાવે છે .પણ તેના બા તેની એક પણ વાત માનવા તૈયાર નથી.
યશોમતી :- જો આનંદ તારે મને સુખેથી જોવી હોય તો લગ્ન કરી લે.
પોતાના બાની વિવિધ દલીલો સામે આનંદ હારી ગયો અને લગ્ન માટે તૈયાર થઇ ગયો .બાજુના ગામમાં સામાન્ય કુટુંબની છોકરી કૌશલ સાથે આનંદના લગ્ન નક્કી થાય છે . કૌશલ સુંદર, સુડોળ,
સંસ્કારી, ૨૧ વર્ષની સુશિક્ષિત છોકરી હતી.






ક્રમશ:....................


પરમાનંદની જીવન કહાની .........
શું પરમાનંદ પોતાનું કુટુબ છોડી ને તપોવનમાં આવ્યા હશે.........???????!

શું પરમાનંદ ને શિક્ષકની નોકરી છોડવી પડી હશે કે છોડી દીધી હશે??????? અને જો છોડી દીધી તો શા માટે....????????


આ બધા પ્રશ્નોના જવાબ માટે વાચતા રહો જીવન સંગ્રામ..........

તમારા પ્રતિભાવો આપતા રહેજો ..........