RAMAT in Gujarati Short Stories by Jayesh Soni books and stories PDF | રમત

Featured Books
Categories
Share

રમત

વાર્તા-રમત લેખક-જયેશ એલ.સોની –ઊંઝા મો.નં.9725201775

ધાર્મિક દસ વર્ષે પોતાના વતનમાં એક પ્રસંગે હાજરી આપવા આવી રહ્યો હતો.વતનનું ગામ આવી ગયું હતું પણ ઓવરબ્રીજ નું કામ ચાલતું હોવાથી ટ્રાફિક જોરદાર હતો.તેને લાગ્યું કે એક કલાક પહેલા તો ગાડી ચસકી શકે એમ છે નહીં.ટાઇમ પાસ કરવા તેણે ટેપ ચાલુ કર્યું પણ ખાસ મજા ના આવી એટલે ટેપ બંધ કર્યું.ગાડીનો કાચ ખોલ્યો અને આગળ પાછળ નજર કરી.ચક્કાજામ હતો.ચા પીવાની ઈચ્છા હતી પણ ગાડીમાં થી ઉતરી શકાય એમ પણ નહોતું.કંટાળીને ટ્રાફિક તરફ નજર કરીને બેઠો.ધાર્મિકની ગાડીની આગળ એક ટ્રક ઊભી હતી.તેની પાછળ લખ્યું હતું ‘બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે’તેને હસવું આવ્યું અને પછી અચાનક કંઇક યાદ આવ્યું.તેણે રોડ ઉપર ફરતા એક ફેરિયાને બોલાવીને પૂછ્યું ‘ભાઈ અહીં સામે એક કંપની હતી રોશની લેબોરેટરી તે કેમ દેખાતી નથી?’ ફેરિયાએ કહ્યું કે ‘સાહેબ એ કંપનીને બંધ થયે દસ વર્ષ થઇ ગયા.શેઠિયાઓ દેવું કરીને ગામ છોડીને ભાગી ગયા અને એ જગ્યા ઉપર સામે જુઓ કોમ્પ્લેક્ષ બની ગયું છે.’

‘બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે’ ધાર્મિક આ વાક્ય ગણગણી રહ્યો હતો.અને ધીરે ધીરે દસ વર્ષ પહેલાના ભૂતકાળ માં સરી પડ્યો.ગ્રેજ્યુએટ થયા પછી નોકરી કરવી પડે એમ હતું.ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી.બે નાના ભાઇ અને એક બેન ની જવાબદારી હતી.પિતાજી નું દસ વર્ષ પહેલાં અવસાન થઇ ગયું હતું એટલે સંપૂર્ણ જવાબદારી ધાર્મિક ના માથે જ હતી.અને ગયા વર્ષે તેના લગ્ન પણ થઇ ગયા હતા.

રોશની લેબોરેટરી નામની એક કંપની પોતાના ગામમાં જ નવી ચાલુ થઇ હતી.તેમાં ધાર્મિકને કારકુન તરીકે નોકરી મળી ગઇ.તેની કામની આવડત અને નિષ્ઠા જોઇને તેને એકાઉન્ટન્ટ ની પોસ્ટ આપવામાં આવી. પણ પગારમાં ભયંકર શોષણ હતું.અને કંપનીના ભાગીદારો ની કનડગત પણ ખરી.પણ ગરજે ગધેડાને બાપ કહેવો પડે એ કહેવત ધાર્મિક જાણતો હતો એટલે ચૂપચાપ સહન કરતો હતો.

નોકરીને વીસ વર્ષ થવા આવ્યા હતા.પગાર પણ પ્રમાણમાં ઘણો ઓછો હતો.ધાર્મિક નો બાબો પણ બારમા ધોરણમાં ભણી રહ્યો હતો તેના ખર્ચા હતા.રહેવા ઘર પણ ભાડાનું હતું.પોતાનું મકાન લેવા માટે બેન્કમાંથી લોન લેવાનું તેણે વિચાર્યું હતું.પણ માર્જીન મની પેટે બે લાખ રૂપિયા ભરવા પડે એમ હતા.તેણે કંપનીમાં શેઠને વાત કરી પણ શેઠે ચોખ્ખું પરખાવી દીધું કે અત્યારે કંપની નુકશાનમાં ચાલેછે એટલે લોનની વાત કરવાની જ નહીં. પણ ઘર લીધા વગર ચાલે એમ નહોતું એટલે ધાર્મિકે ઉછીનાપાછીના કરીને ડાઉન પેમેન્ટ ભરીને હાઉસિંગ લોન લઇ લીધી.પણ કરમની કઠણાઇ હવે શરૂ થઇ.કંપની મોટા નુકશાન માં આવી.નુકશાન નું કારણ શેઠિયાઓ ના બેફામ ખર્ચા અને ધંધાની અણઆવડત, ટેક્ષ ચોરીઓના કારણે પડેલી સરકારી રેડો ,ખોટા આંકડાઓ બતાવીને બેન્કમાં થી લીધેલી મોટી લોનો તથા મિથ્યાભિમાન જ જવાબદાર હતું.પણ તેનો ભોગ બન્યા કર્મચારીઓ.

છેલ્લા બાર મહિનાનો પગાર આવવાનો બાકી હતો.કંપની દેવાદાર બની ગઈ હતી.બેન્કો ના તથા લોકોના પૈસા પણ સલવાઇ ગયા હતા.પગાર લેવાનો બાકી હતો એટલે નોકરી ઉપર ગયા વગરતો ચાલે એમ નહોતું.ધાર્મિક સતત તણાવમાં રહેતો હતો.ઘરના ખર્ચા,હાઉસિંગ લોન નો હપ્તો અને લોકો પાસેથી લીધેલા પૈસા પરત કરવાના બાકી હતા.કંપની એ દેવાળું ફૂંક્યું એટલે ધાર્મિકને જે લોકોએ ઉછીના પૈસા આપ્યા હતા તેઓ પણ ઉઘરાણી કરવા લાગ્યા હતા.વધુ કરૂણતા તો એ બનીકે તેની વૃદ્ધ મા બીમાર પડી હોસ્પીટલમાં દાખલ કરવી પડી ત્યારે તેણે શેઠને કહ્યું કે ‘મારો એક વર્ષનો પગાર જમા છે.મારી બા બીમાર છે હવે તો આપો પગાર.’ શેઠે કહ્યું કે ‘બીજેથી વ્યવસ્થા કરીદો.’ તેણે ગુસ્સામાં આવીને શેઠને પરખાવી દીધું ‘શેઠ,પ્રામાણિક માણસને કદી કમજોર સમજશો નહીં.પ્રામાણિક માણસ ખતરનાક પણ બની શકેછે.અને ત્યારે બહુ ભારે પડેછે.દુનિયાના ખતરનાક માં ખતરનાક માણસોના ભૂતકાળ તપાસજો મોટા ભાગના પ્રામાણિક હતા.’ શેઠે તો આ સાંભળીને હસી નાખ્યું.

એકવાર એ સાંજે ઓફિસથી છૂટીને બહાર રોડ ઉપર આવ્યો ત્યાં એક વૃદ્ધ ફકીરે તેની પાસે પચાસ રૂપિયા માગ્યા અને કહ્યું કે અજમેર જઇ રહ્યોછું તારા માટે દુઆ માગીશ.ધાર્મિકની આંખમાં આ સાંભળીને ઝળઝળિયાં આવી ગયાં.ફકીરે કહ્યું ‘બેટા દુઃખી છે?’ ધાર્મિકે બધી વાત કરી અને ફકીરને પચાસ રૂપિયા આપ્યા.ફકીરે જતાં જતાં એટલુજ કહ્યું ‘બેટા બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે.આંખો ખુલ્લી રાખજે કોઈ મોકો આવશે.મોકો ચૂકતો નહીં.મારા આશીર્વાદ છે”

આજે કંપનીનું બેન્કનું દેવું ભરવા માટે એક જમીન વેચી હતી તેના પિસ્તાલીસ લાખ રૂપિયા શેઠ પાસે રોકડા આવ્યા હતા.હજી બેન્કમાં ભરવાની રકમમાં દસ લાખ ખૂટતા હતા પણ હવે કંપની પાસે કોઈ મિલકત નહોતી.આવતીકાલે બીજો શનિવાર અને પછી રવિવાર બે રજાઓ હતી એટલે પૈસા સોમવારે ભરવાના હતા.ધાર્મિક નું મગજ કામે લાગી ગયું.અત્યાર સુધી પોતાની સમગ્ર બુદ્ધિ સારા કામમાં જ વાપરી હતી.એકાદવાર વિલન પણ બનીને તો જોઉં કેટલું સફળ થવાય છે?

બપોરે ઘરે જમીને તેણે શેઠના બંગલા તરફ પગ ઉપાડ્યા.ચોકીદારને કહ્યું કે ‘અંગત કામે મળવું છે.શેઠને કહેજો કે પૈસા લેવા નથી આવ્યો’ તુરંત અંદર જવાનું તેડું આવ્યું.ધાર્મિકે શેઠને પગે પડીને પ્રણામ કર્યા.શેઠે પોતાની પાસે તેને સોફા ઉપર બેસાડ્યો.’બોલો શું કામ હતું?’

ધાર્મિકે ગંભીરતાથી કહ્યું ‘શેઠ અત્યારે આપણી કંપનીની હાલત નાજુક છે એટલે આપ પગાર નથી આપી શકતા તે હું જાણુંછું.પણ મારી હાલત એવી છે કે હું મકાનની લોન લઈને બેસી ગયોછું.દર મહીને બાર હજારનો હપ્તો મારે કેવી રીતે ભરવો? ઘરના ખર્ચા કાઢવા માટે તો હું ટ્યુશન પણ કરુંછું.’

શેઠે ગંભીર ચહેરે કહ્યું ‘અહીં આવવાનું પ્રયોજન?’ ધાર્મિકે પણ અતિગંભીર બનીને કહ્યું કે’ હાલ મારી બેંક લોન આઠ લાખ બાકીછે.મકાનની કિંમત વીસ લાખ છે.જો તમે મને આઠ લાખ રૂપિયા આપોતો હું લોન ચૂકતે કરી દઉં અને પછી મારા મકાન ઉપર તમે લોન લો.હું સહી કરી આપું.વીસ લાખના મકાન ઉપર અઢાર લાખ લોન મળશે એમાંથી આઠ લાખ તમે પરત લઇ લેજો અને દસ લાખ તમને ધંધામાં વાપરવા કામમાં આવશે.અને બેન્કની લોનના હપ્તા તમારે ભરવાના રહેશે.મારું પણ કામ થઇ જશે અને તમારું કામ પણ થઇ જશે.’

ધાર્મિકે એક પુસ્તકમાં વાંચ્યું હતું કે કોઈની પાસેથી ધાર્યું કામ કરાવવું હોયતો તે વ્યક્તિને તેનો ફાયદો બતાવો. અત્યારે તીર બરાબર નિશાન પર લાગ્યું હતું.સાપ-નોળિયા ની રમત શરૂ થઇ ગઇ હતી.

શેઠે થોડું વિચારીને ઘડિયાળમાં જોયું પછી ધાર્મિક ને કહ્યું કે ‘આજે પૈસા ભરી દઇએ તો આજેને આજે દસ્તાવેજ મળી જાય? ધાર્મિકે બેન્ક અધિકારીને ફોન લગાડ્યો એટલે શેઠે ઈશારો કર્યો કે મારું નામ દેવાનું નહીં. ધાર્મિકે સ્પીકર ચાલુ કરીને બેન્કમાં સાહેબને ફોન લગાડ્યો અને સાહેબને પૂછ્યું એટલે સાહેબે કહ્યું કે હાલ જ પૈસા ભરીદો સાતેક વાગ્યે દસ્તાવેજ મળી જશે.પછી ધાર્મિકે સાહેબને પૂછ્યું કે સાહેબ સોમવારે ફરી આ મકાન ઉપર લોન ના કાગળો મુકવાના છે કેટલી લોન મળે? સાહેબે કહ્યું અઢાર લાખ મળી જશે.

શેઠ ઊભા થયા.તિજોરીમાં થી નવ લાખ રૂપિયા લઈને આવ્યા.ધાર્મિકે ગણ્યા.તેણે કહ્યું કે શેઠ આ તો નવ લાખ છે.એટલે શેઠે હસતાં હસતાં કહ્યું કે એક લાખ તારા પગાર પેટે રાખી લે જે.ધાર્મિક રૂપિયા લઈને સીધો બેન્કમાં પહોંચી ગયો.શેઠ તેના ગયા પછી મનમાં ગણગણ્યા કે દુનિયામાં મુર્ખાઓ ની ક્યાં અછત છે? ધાર્મિકે શર્મા સાહેબને મળીને પૈસા ભરી દીધા.સાહેબે એક કલાકમાં દસ્તાવેજ આપી દીધો.ધાર્મિકે શર્મા સાહેબનો નક્કી કર્યા મુજબ ફોનમાં જવાબ આપ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર માન્યો.ધાર્મિક પાસે અત્યારે એક લાખ રોકડા અને એ વીસ લાખના મકાનનો માલિક બની ગયો હતો.

શેઠે મકાન ઉપર લોન લેવા ઘણા ધમપછાડા કર્યા પણ કશું કરી શક્યા નહીં.ધાર્મિક ભૂતકાળમાં થી પાછો વર્તમાનમાં આવી ગયો.ટ્રાફિક ઓછો થયો હતો.ફરી એકવાર એ મનમાં ગણગણ્યો બુદ્ધિ આગળ બળ પાણી ભરેછે.તેણે વૃદ્ધ ફકીરને મનોમન પ્રણામ કર્યા અને ગાડી સ્ટાર્ટ કરી.