Incpector Thakorni Dairy - 3 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૩

Featured Books
Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૩

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું ત્રીજું

અમદાવાદના ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોરે તેમની આસપાસના પોલીસ મથકોમાં એક વાયરલેસ સંદેશ મોકલી આપ્યો હતો. જ્યાં પણ આત્મહત્યા કે મોતનો બનાવ નોંધાય ત્યાં તેઓ જાતે હાજર રહેવાનો આગ્રહ રાખતા હોવાથી તરત જ જાણ કરવી. પહેલા કોલ પછી ઘટના સ્થળે હાજર રહેવાથી તેની તપાસ ઝડપથી થાય એવું તેમને સમજાયું હતું. ઘટના સ્થળ પરથી પુરાવા મેળવવાનું સરળ બનતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરનો સંદેશ પહોંચ્યાને હજુ દસ જ મિનિટ થઇ હતી અને એક પોલીસ મથકમાંથી ફોન આવી ગયો કે એક મહિલાનું સીડી પરથી પડી જવાથી મોત થયું છે. ઇન્સ્પેક્ટર ઠાકોર એક જ ઘૂંટડે ચાનો કપ પૂરો કરી ધીરાજીને લઇ નીકળી ગયા.

શહેરની એક સોસાયટીમાં પહોંચ્યા ત્યારે લોકોનું મોટું ટોળું ભેગું થઇ ગયું હતું. જેમાંના અડધા લોકોને મહિલાના મૃત્યુ સાથે સ્નાન સૂતકનો સંબંધ ન હતો. પણ ઉત્સુક્તાને સંતોષવા અને કંઇક જાણવાના આશયથી એકત્ર થઇ ગયા હતા. મૃત્યુની વાત આમ તો કોઇને પણ આંચકો અને ડર આપે એવી હોય છે. પરંતુ બીજાના મૃત્યુનું રહસ્ય જાણવાની તાલાવેલી ધરાવતા લોકોને હટાવવાનું કામ પોલીસના કર્મચારીઓને નાકે દમ લાવી દે એવું હતું. ભીડમાંથી રસ્તો કરતા ઇન્સ્પેક્ટર ઠાકોર જ્યારે બંગલાની અંદર પહોંચ્યા ત્યારે એક મહિલાની લોહીથી ખરડાયેલી લાશને કપડાથી ઢાંકવામાં આવી હતી. તેની બાજુમાં એક યુવતી રડતી બેઠી હતી. ઘરમાં તેના સિવાય કોઇ દેખાતું ન હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે આ વિસ્તારના હાજર કોન્સ્ટેબલ સાથે વાત કરીને થોડી માહિતી મેળવી લીધી. મરનાર મહિલા વંદનાબેન ત્યાં બેઠેલી તરણા નામની યુવતીની મોટી બહેન હતી. મરનારનો પતિ બિઝનેસના કામથી મુંબઇ ગયો છે. બેન-બનેવીને ત્યાં રહીને કોલેજ કરતી તરણાનું કહેવું છે કે તે પોતાના રૂમમાં વાંચતી હતી ત્યારે કશુંક પડી ગયાનો અવાજ આવ્યો ત્યારે તે દોડતી બહાર આવી. તેણે જોયું તો વંદનાબેન સીડી ઉતરતાં ગબડી જવાથી નીચે લોહીથી લથપથ હાલતમાં પડ્યા હતા. તે પહોંચે ત્યાં સુધીમાં તો બહેનનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું.

કોન્સ્ટેબલ આ મોતને એક અકસ્માત તરીકે જોઇ રહ્યો હતો. પણ ઇન્સ્પેક્ટર ઠાકોર એટલી સરળતાથી તેને આકસ્મિક મોત તરીકે સ્વીકારે એમ ન હતા. તેમણે લાશ પરનું કપડું ખોલીને આખા શરીર પર નજર નાખી. શરીર પર ઠેર ઠેર ઇજાના નિશાન હતા. લોખંડની સીડીનો ભાગ માથામાં અથડાતાં માથું ફાટી જવાથી તેનું મોત નીપજ્યું હોવાનું જણાતું હતું. તેમણે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવા જણાવ્યું. અને આખા ઘરમાં નિરીક્ષણ કર્યું. નીચે એક મોટો હોલ અને કીચન હતું. ઉપર બે મોટા અને એક નાનો રૂમ હતો. જેમાં એક વંદનાબેનનો બેડરૂમ હતો. બીજો ગેસ્ટ માટેનો રૂમ હતો. અને નાના રૂમમાં તરણા રહેતી હતી. ઉપર જવા માટે લોખંડની રેલીંગવાળી એક મજબૂત સીડી બનાવેલી હતી. તેના પગથિયા પર કાર્પેટ પાથરવામાં આવી હતી. સીડીના પગથિયા ઘણા હતા. અને વંદનાબેન પહેલું પગથિયું ઉતરતી વખતે જ સંતુલન ગુમાવીને કે પગ બરાબર ન મૂકાવાથી ગબડ્યા હશે. અને એટલે જ વધુ ગુલાંટ ખાવાથી તેમના માથામાં વાગ્યું હશે. વંદનાબેને બચવા માટે પ્રયત્ન કર્યો હોય શકે. એમ વિચારીને ઇન્સ્પેક્ટર ઠાકોર સીડીના પહેલા પગથિયાથી છેલ્લા પગથિયાનું નિરીક્ષણ કરી રહ્યા. પગથિયા પર વંદનાબેનની કાચની બંગડીઓના ટુકડા પડ્યા હતા. સીડીની રેલીંગના હાથાના ભાગનું નિરીક્ષણ કરતાં એક જગ્યાએ લોહીના ડાઘ દેખાયા. મતલબ કે તેમણે હાથો પકડી બચવાનો પ્રયત્ન કર્યો હતો. પણ હાથ છૂટી ગયો અને તે નીચે પટકાયા. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને કેટલીક સૂચનાઓ આપી. આ કેસ પહેલી નજરે નિર્દોષ અકસ્માત જ લાગતો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર આખા ઘરનું નિરીક્ષણ કર્યા પછી આવતીકાલે બધાને મળીને કેટલીક જાણકારી મેળવવાનું નક્કી કરી પોલીસને તેની કામગીરી કરવા સૂચના આપી નીકળી ગયા.

રસ્તામાં ધીરાજીએ પૂછી જ લીધું:"સર, મારા ખ્યાલથી આ અકસ્માત જ છે....હત્યા થઇ હોય એવું લાગતું નથી...."

"પહેલી નજરે મને પણ એવું જ લાગે છે. પણ એક-બે જગ્યાએ શંકાની સોય ફરી રહી છે. કાલે વંદનાબેન અને તેમના પરિવાર વિશે જાણ્યા પછી જ આગળ વધી શકાય એમ છે. આજે શોકના માહોલમાં એમના મનને ખલેલ પહોંચાડવાનું યોગ્ય લાગતું નથી...." ઇન્સ્પેક્ટર ઠાકોર મનમાં કેટલીક ગણતરીઓ કરતાં બોલ્યા.

બીજા દિવસે સાંજે વંદનાબેનનો પોસ્ટમોર્ટમનો રીપોર્ટ આવી ગયો હતો. લોખંડની સીડી વારંવાર અથડાવાથી તેમનું માથામાં ગંભીર ઇજાઓથી મોત થયું હતું. અને સીડીના હાથા પરથી લેવાયેલા લોહીના નમૂના વંદનાબેનના જ હતા. એક વાત તો સાબિત થઇ ગઇ હતી કે તેમને માર મારીને મારી નાખવામાં આવ્યા નથી. ઇન્સ્પેક્ટર ઠાકોરનું મગજ હવે બીજા ટ્રેક પર વિચાર કરવા લાગ્યું હતું.

ઇન્સ્પેક્ટર ઠાકોર સવારે વંદનાબેનના બંગલા પર પહોંચ્યા ત્યારે પતિ ભાવેશ આવી ગયો હતો. ગઇકાલે બધી વિધિ પતી ગઇ હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરે ભાવેશને પૂછ્યું ત્યારે તેની વાતોમાંથી જાણવા મળ્યું કે દસ વર્ષ પહેલાં એક નાના ગામની વંદના સાથે તેના લગ્ન થયા હતા. વંદનાનું રૂપ સામાન્ય હતું પણ તે ભોળી અને પરોપકારી હતી. તેમનું લગ્નજીવન ખૂબ જ સુખી હતું. અવારનવાર તેઓ ફરવા પણ જતા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે તેમના પ્રવાસનું એક ફોટો આલબમ પણ જોયું. તેમની સાથે તરણા પણ હતી. નાની બહેન તરણા અવારનવાર તેની મોટી બહેનને મળવા આવતી હતી. તે યુવાવસ્થામાં પગલાં પાડી રહી હતી. તે સારી રીતે અભ્યાસ કરી શકે એ માટે શહેરની કોલેજમાં વંદનાબેને તેનું એડમિશન કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. ભાવેશે તરણાને શહેરની કોલેજમાં એડમિશન અપાવ્યું હતું. વંદનાએ તેના રહેવાની વ્યવસ્થા પોતાના બંગલામાં જ કરી આપી હતી. એક હસતો-રમતો પરિવાર આજે વિખરાઇ ગયો હતો. ભવિષ્યની કોઇને ખબર ન હતી. વંદનાના વયોવૃધ્ધ માતા બહુ શોકગ્રસ્ત હતા. કેટલાક સંબંધીઓ પણ વંદનાના સારા સ્વભાવના વખાણ કરી તેને યાદ કરી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર ઠાકોરે જાણકારી મેળવીને રજા લીધી.

ઇન્સ્પેક્ટર ઠાકોર પોલીસ મથકમાં બેસીને બધી કડીઓ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ધીરાજી બોલ્યા:'સર, હવે તો કંઇ વિચારવાનું જ ના રહ્યું...."

ઇન્સ્પેક્ટર ઠાકોર વિચારમાં જ બોલ્યા:"ધીરાજી, બહુ વિચારવાનું છે. આ કેસ મને હત્યાનો લાગી રહ્યો છે. પણ હજુ થોડા દિવસ રાહ જોવી પડશે..."

"શુ વાત કરો છો સર, આ કલ્પના છે કે આધાર સાથે તમારી ગણતરી છે. કેમકે આપણી પાસે કોઇ પુરાવા નથી. હત્યા હોય તો પણ તેને સાબિત કરી શકાય એમ નથી...." ધીરાજીએ હકીકત બતાવી.

ઇન્સ્પેક્ટર ઠાકોર બોલ્યા:"પુરાવા નહીં હોય તો આવશે. ચિંતા કરવા જેવી નથી...."

ધીરાજીને ઇન્સ્પેક્ટર ઠાકોરની વાત સમજાઇ નહીં. તે નાના મોંએ મોટી વાત કરવાનું ટાળતો હતો. ધીરાજીને ઇન્સ્પેક્ટર ઠાકોરના આત્મવિશ્વાસ અતિ લાગતો ન હતો.

બરાબર પંદર દિવસ પછી ઇન્સ્પેક્ટર ઠાકોર વંદનાબેનના બંગલે પહોંચ્યા ત્યારે ત્યાં તાળું લટકતું હતું. ઇન્સ્પેક્ટર ઠાકોરે ભાવેશના મોબાઇલ પર ફોન કર્યો. તે કોઇ કામથી બહારગામ હતો અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી તરણા હવે તેમને ત્યાં રહેતી ન હતી. તે ગામથી જ અપડાઉન કરતી હતી. ઇન્સ્પેક્ટર ઠાકોરને નવાઇ લાગી. ઇન્સ્પેક્ટર ઠાકોરે તરણાનો મોબાઇલ નંબર મેળવી લીધો. અને ફોન કરવા લાગ્યા. ફોન વ્યસ્ત આવતો હતો.

ત્યાં ધીરાજીથી બોલ્યા વગર ના રહેવાયું:"સર, તમે કોના પર અને કેવી રીતે હત્યાનો આરોપ લગાવવાના હતા?"

"ધીરાજી, આપણે તરણાના ગામ જવું પડશે. તમે બધી તૈયારી કરી લો." ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીના સવાલની અવગણના કરી સૂચના આપી. અને તરણાને ફરી ફોન લગાવી પોતે આવી રહ્યા હોવાથી હાજર રહેવા કહ્યું.

ઇન્સ્પેક્ટર ઠાકોર મોડી સાંજે તરણાના ગામમાં પહોંચ્યા. ગામ નાનું જ હતું. તરત જ તેમનું ઘર મળી ગયું. તરણા કોલેજથી આવી ગઇ હતી.

ઇન્સ્પેક્ટર ઠાકોરને જોઇ તરણાને નવાઇ ના લાગી. તેણે આવકાર આપ્યો:"આવો સાહેબ."

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને કહ્યું:"તારી બહેન વંદનાનું મોત આકસ્મિક લાગતું નથી."

તરણાએ ચોંકીને પૂછ્યું:"શું વાત કરો છો સાહેબ?"

"મને તો લાગે છે કે કોઇએ તેને મોતના હવાલે કરી છે..એ સીડી પરથી નીચે પડી નથી. તેને ઉપર ભગવાનને ધામ પહોંચાડી દેવા ધક્કો મારવામાં આવ્યો છે."

"પણ એ દિવસે તો ઘરે કોઇ આવ્યું ન હતું. મને ધડામ- ધડામનો અવાજ આવ્યો એટલે હું મારા રૂમની બહાર નીકળી અને જોયું તો તે સીડી પરથી ગબડીને નીચે પડી હતી. મેં તરત દોડીને એમ્બ્યુલન્સને ફોન કર્યો. પણ તેના શ્વાસ ચાલતા ન હતા. પછી પોલીસને ફોન કર્યો. તેની હત્યા કોણ કરી શકે? અને શા માટે કરે?" વાત કરતી વખતે તરણાના ચહેરા પર ગભરાટ હતો.

"તેની હત્યા તું પણ કરી શકેને?" ઇન્સ્પેક્ટર ઠાકોર ધીમેથી બોલ્યા.

"ઇન્સ્પેક્ટર સાહેબ, આ શું મજાક કરો છો? ભલા હું મારી બહેનની હત્યા શા માટે કરું?" તરણાના સ્વરમાં ગભરાટ સાથે ગુસ્સો ભળ્યો.

"જો, ભોળી બનવાનો પ્રયત્ન ના કર. ભોળી વંદનાને તેં રસ્તામાંથી કેવી રીતે કાઢી તેનું તમારું ષડયંત્ર પકડાઇ ગયું છે." ઇન્સ્પેક્ટર ઠાકોર આત્મવિશ્વાસ સાથે બોલી રહ્યા હતા.

પોતે પકડાઇ ગઇ હોય એવા ભાવ તરણાના ચહેરા પર આવી ગયા. પણ પછી નિશ્ચિંત થઇને બોલી:"તમારી પાસે શું પુરાવા છે?"

"મારી પાસે પોસ્ટમોર્ટમ રીપોર્ટ છે. જેમાં સીડીના હાથા પરથી મળેલા લોહીના ડાઘ વંદનાબેનના હતા. મતલબ કે તેં અને ભાવેશે કાવતરું બનાવી વંદનાને સીડી પરથી ધક્કો મારીને રામશરણ પહોંચાડી દીધી. તે પહેલા પગથિયા પરથી જ ગબડવા લાગી એનો અર્થ એ થયો કે તેને ધક્કો મારવામાં આવ્યો. અને તેણે વચ્ચે સીડીનો હાથો પકડ્યો પણ તેં એને જોરથી ધક્કો મારીને નીચે પાડી. એટલે તેનો હાથ છૂટી ગયો." ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાની શંકા રજૂ કરી દીધી.

તરણા તાળી પાડી બોલી:"વાહ! ઇન્સ્પેક્ટર ઠાકોર! તમારી પાસે વાર્તા બનાવવાની સારી કળા છે. તમારે તો ઇન્સ્પેક્ટર નહીં રાઇટર બનવાની જરૂર હતી. તમારા આ પુરાવા અને તર્ક કોઇ કોર્ટમાં ચાલવાના નથી. તમે વંદનાના મૃત્યુને હત્યા સાબિત કરી શકો એમ નથી..."

"તારી વાત સાચી છે તરણા, આ પુરાવા માન્ય રાખવામા આવે એવા નથી. તું બહુ ચાલાક નીકળી. પહેલી વખત હું કોઇ હત્યાના કેસને સાબિત કરી શક્યો નથી. તું અને ભાવેશ જોરદાર કાવતરું કરી ગયા. કોઇને શંકા પણ ના આવે એ રીતે વંદનાનો કાંટો કાઢી નાખ્યો. આ તારો જ વિચાર હતો કે ભાવેશનો? કેમકે કોઇ યુવતી પોતાની સગી બહેનને મારવાનું વિચારી જ ના શકે...."

"સાહેબ, આજકાલ તો મા પોતાની જણેલી તાજી દીકરીને મોતને ઘાટ ઉતારતા ખચકાતી નથી. આ તો ભવોભવના પ્રેમનો સવાલ હતો. મારે તો માત્ર ધક્કો જ મારવાનો હતો. હવે આરામથી હું અને ભાવેશ જલસા કરીશું. મને વંદનાના મોતનો જરા પણ અફસોસ નથી.... હવે તમે રજા લો. તમારી પાસે કોઇ પુરાવા નથી. આ મોતને અકસ્માત મોત તરીકે નોંધી પ્રકરણ પૂરું કરો. તમારી કોઇ અપેક્ષા હોય તો કહી દો. તમારો ફોન આવ્યો એ પહેલાં જ ભાવેશનો ફોન આવી ગયો હતો કે ઇન્સ્પેક્ટરનું ખિસ્સું ગરમ કરી દેજે." કહી તરણાએ પોતાના પર્સમાંથી પાંચસોની નોટની એક થપ્પી બહાર કાઢી ઇન્સ્પેક્ટર સામે ધરી.

ઇન્સ્પેક્ટર ઠાકોર હસ્યા અને બોલ્યા:"તરણા, તું ગુનેગાર હોવાનો પુરાવો અમારા પોલીસ મથકના કોમ્પ્યુટરમાં આપણી વાતચીતના રૂપમાં સેવ થઇ ગયો હશે. અને પોલીસને લાંચની ઓફરનો વધુ એક ગુનો પણ નોંધાશે." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે પોતાના ખિસ્સામાં મૂકેલી સ્પાય કેમેરાવાળી પેન તરફ ઇશારો કર્યો.

તરણાના સુંદર ચહેરા પરથી જાણે લોહી ઊડી ગયું.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેને કહ્યું:"મને એ જ દિવસે શંકા થઇ હતી કે વંદનાબેન નિર્દોષ હશે. જે રીતે તે પડ્યા અને તેમણે પોતાને બચાવવાનો પ્રયત્ન કર્યો એનો અંદાજ આવ્યો હતો. વંદનાબેન વર્ષોથી રહેતા હોવાથી સીડીના પહેલા પગથિયા પરથી તો કદાચ પડી જ ના શકે. અને મેં જ્યારે જોયું કે ફોટાઓમાં વંદનાબેન સામાન્ય રૂપના હતા અને તું બહુ સુંદર હતી ત્યારે ભાવેશ સાથેના તારા પ્રેમની શંકા વધી હતી. અગાઉના ફોટામાં તું વંદનાની જેમ થોડી ગામડિયણ લાગતી હતી. પણ શહેરમાં આવીને તારા રૂપરંગ બદલાયેલા લાગ્યા. તારા કપડાં અને ઓર્નામેન્ટસ એવું કહેતા હતા કે તને ક્યાંકથી પૈસા અને ભેટ મળે છે. મને પહેલી શંકા ભાવેશ પર જ ગઇ. વંદનાએ તારા સારા ભવિષ્ય માટે તને શહેરની કોલેજમાં અભ્યાસ કરવા પોતાના ઘરમાં રાખી. પણ તે એનું ભવિષ્ય જ ના રહેવા દીધું. મેં તારા કોલની ડીટેઇલની તપાસ કરી એમાં હત્યા પહેલાં અને પછી તમે બંનેએ એકબીજાને ફોન કરવાનું બંધ કરી દીધું હતું. પણ એ પહેલાના દિવસો દરમ્યાનના તારા અને ભાવેશના બપોરના ફોન કોલની સંખ્યા વધુ હતી. એટલે મારી શંકા વધુ મજબૂત બની. ભાવેશને તો એક ગામડિયણને બદલે અલ્લડ જુવાન અને સુંદર યુવતીનો સાથ મળતો હતો એટલે એ તો એક પુરુષ તરીકે તૈયાર જ હોય. મને દુ:ખ એ વાતનું છે કે ભાવેશે વંદનાને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરવા હોય તો કરવા જોઇતા હતા પણ તેના જીવનનો અંત શા માટે લાવી દીધો?"

તરણા હવે સમજી ગઇ હતી કે તેણે સામે ચાલીને પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેને દિલમાં અફસોસ થઇ રહ્યો હોય એવું ચહેરા પર દેખાતું હતું. તે બોલી:"ભાવેશે એને છૂટાછેડા માટે સમજાવી હતી. પણ એ પતિવ્રતા સ્ત્રી માની નહીં. એ ગામડિયણ સાથે ભાવેશને પહેલાંથી જ ગમતું ન હતું. અને હું કોલેજમાં ભણવા તેમને ત્યાં રહેવા ગઇ પછી મારી સાથે વધુ વાત કરવા લાગ્યા. હું તેમની વાતોમાં આવી ગઇ. કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થયા પછી અમે લગ્ન કરવાનું વિચાર્યું હતું. અને એ પહેલાં વંદનાને રસ્તામાંથી હટાવી દીધી...." અને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.

ઇન્સ્પેક્ટર ઠાકોરે તેની ધરપકડ કરી લીધી અને ભાવેશને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા.

વંદનાની હત્યાનો ગુનો નોંધવાની કામગીરી આટોપ્યા પછી પોલીસ મથકમાં ચા પીતા ઇન્સ્પેક્ટર ઠાકોરને ધીરાજીએ કહ્યું:"સર, તમે તો ખરેખર કમાલ કરી દીધો. કોઇપણ પુરાવા વગર કેસને ઉકેલી નાખ્યો..."

ઇન્સ્પેક્ટર ઠાકોર કહે:"ધીરાજી, એક નાનકડી શંકાના આધારે મેં અંધારામાં તીર જ માર્યું હતું. પણ નિશાન પર લાગી ગયું.."

ધીરાજી બોલ્યા:"સર, તમે તો આંખો બંધ કરીને નિશાન લગાવો તો પણ લાગી જાય. તમારી પાસે ત્રીજી આંખ છે!"

ઇન્સ્પેક્ટર ઠાકોર ધીરાજીની વાત સાંભળી હસી પડ્યા.

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.