Ardh Asatya - 50 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 50

Featured Books
Categories
Share

અર્ધ અસત્ય. - 50

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫૦

પ્રવીણ પીઠડીયા

દેવાને ઝાડ સાથે બંધાયેલો છોડીને જ અભય ચાલી નિકળ્યો હતો. દેવાનું શું થશે એ ફિકર તે કરવા માંગતો નહોતો કારણ કે બે વખત તેણે તેની ઉપર ભયાનક હુમલો કર્યો હતો અને બન્ને વખત તે બાલબાલ મરતાં બચ્યો હતો એટલે તેને મરવાં માટે તરછોડતા સહેજે ગ્લાની તેને ઉદભવતી નહોતી. તે કબિલાની ખોજમાં નિકળ્યો ત્યારે દેવાની આંખોમાં જે અસહાયતાનાં ભાવો છવાયા હતા અને જે રીતે તે કરગર્યો હતો એની પણ તેના ઉપર કોઇ અસર થઇ નહોતી. તે જંગલમાં અંતર્ધાન થયો ત્યારે પણ દેવો વિહવળ નજરે તેની પીઠને તાકી રહ્યો હતો.

એક દિશા અભયને મળી હતી. પેલા અદ્ભૂત અને અજાયબી સમાન ઝરણાઓની પાછળ, ગાઢ જંગલોમાં કોઇક જગ્યાએ કબિલો હતો એવું દેવાએ કહ્યું હતું. એ કબિલા સુધી પહોંચવા માટે તેણે પહાડનો ચકરાવો ફરવાનો હતો અને પછી આગળ વધતા એક નદી વટાવવી પડવાની હતી. તેની સૌથી પહેલી મંઝિલ એ ઝરણાઓ સુધી પહોંચવું એ હતી. તેણે ચાલવાનું શરૂ કર્યું ત્યારે મધ્યાહનનો સમય થયો હતો. મતલબ કે જો તે થોડી ઉતાવળ કરે તો ચોક્કસ સાંજ પડતાં પહેલા એ કબિલા સુધી પહોંચી શકે એમ હતો. તેની પાસે પોતાની સુરક્ષા માટે ગન હતી અને દેવાનો લઠ્ઠ પણ તેણે સાથે લઇ લીધો હતો.

આકાશમાં વાદળો ઘેરાયેલા હતા અને હળવી બુંદા-બાંદી પણ શરૂ હતી. અભય લગભગ દોડતો જ હોય એમ પૂર્વ દિશા તરફ આગળ વધતો હતો. બહું જલ્દી તે પેલી નાનકડી અમથી પહાડી સુધી આવી પહોંચ્યો હતો. તે એની ઉપર ચઢયો અને ઝરણાઓનું અદભૂત દ્રશ્ય ફરી તેની સામે ખડું થયું. તે અવાક બનીને ત્યાં જ ઉભો રહી ગયો. તેને સખત ઉતાવળ હતી છતાં નજરો સામે દેખાતાં નજારાને મન ભરીને જોવાની લાલચ તે રોકી શકયો નહી. આવું મનોહર દ્રશ્ય તેણે ફક્ત હોલીવૂડ ફિલ્મોમાં જ જોયું હતું. ભારતમાં કોઇ સ્થળે, અને એ પણ ગુજરાતમાં આટલાં સુંદર ઝરણાઓ ધોધ સ્વરૂપે વહેતાં હોય એવી તો કલ્પના પણ ક્યારેય કરી નહોતી તેણે. પણ ખેર, તેણે આગળ વધવાનું હતું. તેની પાસે સમય બહું જ ઓછો હતો એટલે ઘડીક ત્યાં ઉભા રહીને મન ભરીને ધોધને નિહાર્યા બાદ તે પહાડીની ડાબી તરફ ચાલી નિકળ્યો. એ તરફથી ગોળ ફરીને તે પહાડની પાછળ પહોંચી શકે એમ હતો.

એકધારા ચાલવાથી તેના શરીરે પરસેવો ફૂટી નિકળ્યો હતો. વરસાદમાં તે સંપૂર્ણપણે બિંજાઇ ચૂકયો હતો છતાં જંગલમાં વર્તાતો સખત ઘામ અને સતત ચાલવાથી ઉભરતો પરસેવો તેને પજવી રહ્યાં હતા. વારેવારે અટકીને તે દિશા નક્કી કરી લેતો હતો કારણ કે જંગલમાં એક વખત રસ્તો ભટકયાં પછી યોગ્ય દિશાભાન રહેતું હોતું નથી અને જંગલ ક્યારે તમને પોતાનામાં સમાવી લે એ કહેવું મુશ્કેલ બની જાય છે.

લગભગ કલાકેકની દડમઝલ કાપ્યાં બાદ એકાએક તે એક જગ્યાએ આવીને અટકી ગયો. તેના જીગરમાં આનંદ ઉદભવ્યો અને હાંફતી છાતીએ તે પોતાની નજરો સામે વેગથી વહેતી જતી નદીને જોઇ રહ્યો. દેવાએ ખરેખર તેને સાચો રસ્તો ચીંધ્યો હતો એની ખાતરી આ નદીને જોઇને થઈ. એનો મતલબ એ પણ નિકળતો હતો કે તેણે જે કબિલાનું ઠેકાણું ચિંધ્યું હતું એ પણ સત્ય જ હશે. અભયનાં મનમાં અપાર ઉત્સાહ ઉદભવ્યો. તે ભીલ કબિલાની બિલકુલ નજીક આવી પહોંચ્યો હતો એ હકીકત તેને ઉત્સાહિત કરવા માટે પૂરતી હતી. તે આગળ વધ્યો અને નદીનાં સૌથી નજીક બે કાઠાં જ્યાં દેખતાં હતા ત્યાં આવીને ઉભો રહ્યો. નદીનો પટ લગભગ પચ્ચીસેક મિટર જેટલો પહોળો હશે. એ પટમાં નદીનું પાણી ધસમસતું વહેતું હતું. પાછલાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદ એકધારો વરસી રહ્યો હતો એટલે નદી તેના પૂરાં ઉફાણથી વહેતી હતી. શું કરવું જોઇએ? તે વિચારતો ઉભો રહ્યો. પચ્ચીસ મિટર તરવું તેના માટે મુશ્કેલ તો નહોતું જ, પરંતુ જે વેગથી પાણી ધસમસતું વહેતું હતું એ પાર કરવું જોખમભર્યું તો હતું જ. તે ગહેરા વિચારમાં ખોવાયો. નદીને પાર કરવાનું જોખમ ઉઠાવ્યાં વગર કામ પાર પડશે એવી કોઇ શક્યતાં ફિલહાલ તો જણાતી નહોતી કારણ કે નદીની પેલે પાર જવાનો બીજો કોઇ રસ્તો દૂર સુધી તેને દેખાતો નહોતો. તે ઘડીક વિચારતો ઉભો રહ્યો અને આખરે તેણે મન મકકમ કર્યું. વરસાદમાં તે સંપૂર્ણપણે ભિંજાઇ તો ચૂકયો જ હતો એટલે કપડાં પલળશે એવી કોઇ ફિકર તેને નહોતી. તેનું આખું શરીર દુખતું હતું છતાં એની પરવાહ કર્યા વગર તે નદીનાં ધસમસતાં પ્રવાહમાં કૂદી પડયો.

નદીનો પ્રવાહ અત્યંત વેગીલો હતો. જંગલના ઉંડાણમાંથી વહેતું આવતું પાણી તેની સાથે અસંખ્ય ડાળખાંઓ અને વેલાને ખેંચી લાવતું હતું જે તેના રસ્તામાં બાધાં બનતું હતું. અભય કૂદી તો પડયો હતો પરંતુ ઘડીભરમાં જ તેને સમજાયું હતું કે અત્યંત વેગથી વહેતાં નદીનાં પ્રવાહને ખાળવા તેણે કપરી મહેનત કરવી પડશે નહિંતર તે ડૂબી જશે અને નદી પોતાની સાથે તેને પણ વહાવીને લઇ જશે. તેણે ઝડપથી હાથ-પગ ચલાવવાં માંડયા. સામો કાંઠો બહું દૂર નહોતો પરંતુ ત્યાં સુધી પહોંચવું એ ખરેખર અઘરું કામ હતું. તેનું કસાયેલું મજબૂત શરીર અને લાંબા હાથનાં હલેસા નદીના ધસમસતાં પ્રવાહને જબરી ટક્કર આપી રહ્યાં હતાં. તે પાણીનાં વહેણની સાથે નીચાણવાળા વિસ્તાર તરફ તરતો ગયો. અને… થોડીક મશક્કત બાદ તે સામેનાં કિનારે આવી પહોંચ્યો. આટલું તરતાં પણ તે લસ્ત થઇ ગયો હતો અને કિનારે પહોંચતાં જ કાંઠાંની ભીની જમીન ઉપર ચત્તોપાટ પથરાઇ ગયો. તેના શ્વાસોશ્વાસ ઝડપી અને અનિયંત્રિત દશામાં ચાલતાં હતા. આખું શરીર ભયાનક મહેનત કરવાથી તૂટતું હતું. ઘણીવાર સુધી તે એ હાલતમાં જ પડયો રહ્યો હતો. દેવા સાથે થયેલી લડાઇમાં તેના દેહ ઉપર અસંખ્ય ઘાવ પડયાં હતા. એ ઘાવમાં તો જાણે રીતસરનો બળવો થયો હોય એમ દુઃખાવો ઉપડયો હતો. પણ એમ હાર માની લેવાનો અભયનો સ્વભાવ નહોતો. તે ઉઠયો અને આગળ વધ્યો. ભીલ કબિલા સુધી પહોંચી ન જાય ત્યાં સુધી તે રોકાવા માંગતો નહોતો. જો કે તેની મંઝિલ વધું દૂર નહોતી. લગભગ કલાક જેવું ચાલ્યો હશે કે એકાએક તે અટકી ગયો.

સામે… ઝાડવાંઓના ધેરા વચ્ચેથી આછાં સફેદ ધૂમાડાની પાતળી સેર ઉઠતી હતી અને વાદળો છવાયેલા આકાશમાં સમાઇ જતી હતી. અભયની ચાલમાં એ જોઇને અચાનક તેજી ભળી હતી. જેની તલાશમાં તે આટલી ભયાનક જદ્દોજહેદ વેઠીને અહીં સુધી પહોંચ્યો હતો એ કબિલો તેનાથી ચંદ કદમોના ફાંસલા ઉપર જ દેખાતો હતો. તેના મનમાં ધમધમાટી વ્યાપી ગઇ અને તે દોડયો… આડબીડ ઉગેલા વૃક્ષોના ઘેરાને વટાવતો તે જંગલની વચાળે બનેલાં એક કાચા, ઘાસ આચ્છાદિત ઝૂપડાં જેવા ઘર સામે આવીને ઉભો રહ્યો. આકાશમાં ઉઠતો ઘૂમાડો આ ઘરમાંથી જ નિકળતો હતો. તેની આંખોમાં ચમક પથરાઇ. તે આગળ વધ્યો અને એ ઘર વટાવીને તે થોડી ખૂલ્લી દેખાતી જગ્યામાં આવ્યો. આ એ જ કબિલો હતો જેની તેને તલાશ હતી એ વાતની થોડીવારમાં તેને ખબર પડવાની હતી. જંગલની બરાબર મધ્યમાં થોડાક વૃક્ષોને કાપીને ખૂલ્લાં મેદાન જેવું બનાવાયું હતું. એ મેદાનની ફરતે છૂટા-છવાયાં કાચા ઝૂંપડાઓની હારમાળા હતી. એ ઝૂંપડાઓની છત વૃક્ષોનાં પાંદડાઓની આચ્છાદિત હતી અને ઢાળિયા જેવા તેના છજ્જાઓમાંથી વરસાદનું પાણી ટપકી રહ્યું હતું. અભયને અંદાજ તો આવી જ ગયો કે જે કબિલાની તેને તલાશ હતી, એ કબિલામાં જ તે આવી પહોંચ્યો છે. હવે તેણે કબિલાનાં મુખિયાને મળવાનું હતું. તે થોડો આગળ વધીને ચોગાનની બરાબર મધ્યમાં જઇને ઉભો રહ્યો અને પછી કમર ઉપર હાથ ટેકવી ચારેબાજુંનો જાયજો લીધો.

@@@

એ બુઢ્ઢાની આંખોમાં અજીબ ચમક ઉભરાઇ આવી. હમણાં જ એક છોકરો આવીને કહી ગયો હતો કે કોઇ આવ્યું છે જેણે તેમને બોલાવી લાવવાં કહ્યું છે. બુઢ્ઢાએ તેની ઝાંખી થતી જતી નજરોથી પહેલાં તો આકાશ ભણી તાકયું અને પછી મનમાં જ કશુંક બબડયો. જાણે આ ઘડીનો વર્ષોથી તે ઈંતજાર કરતો હોય એમ તેના કરચલીવાળા ચહેરા ઉપર એકાએક અનેરી ચમક પથરાઇ. તે હડપ કરતો ઉભો થઇ ગયો અને લાકડીના ટેકા વગર જ ચાલવાં માંડયો. તેના જીગરમાં વિચિત્ર પ્રકારનો શૂન્યાવકાશ ફેલાયો હતો. કોણ આવ્યું હતું અને શું કામ આવ્યું હતું એ જાણવાની પણ જાણે જરૂર ન હોય એમ કોઇ અજબ ટ્રાન્સમાં ચલતો તે કબિલા વચ્ચેની ખૂલ્લી જગ્યામાં આવીને ઉભો રહ્યો. તેની નજર મેદાન વચાળે ઉભેલા એક યુવાન વ્યક્તિ સુધી જઇને અટકી. કબિલાના લોકો તેની આસપાસ ઘેરો ઘાલીને ઉભા હતા અને કંઇક કૂતૂહલતાંથી અને થોડા ડરથી તેને જોઇ રહ્યાં હતા. આટલાં વર્ષોમાં અભય પહેલો એવો બહારી વ્યક્તિ હતો જે આ કબિલા સુધી આવ્યો હોય એટલે કબિલાવાસીઓમાં જબરી ઉત્સૂકતાં ફેલાઇ હતી. થોડીકવારમાં તો લગભગ આખો કબિલો ત્યાં એકઠો થઇ ગયો હતો અભયને ધારી-ધારીને જોઇ રહ્યો હતો.

અભયે અહીં પહોંચીને સૌથી પહેલા કબિલાના મૂખિયાની પૃચ્છાં કરી હતી એટલે એક છોકરો દોડતો ક્યાંક ચાલ્યો ગયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે તેની પાછળ એક વયોવૃધ્ધ બૂઝૂર્ગ માણસ પણ આવતો દેખાયો. કદાચ તે જ આ કબિલાનો મૂખિયા હોવો જોઇએ એવું અનુમાન અભયે લગાવ્યું અને એ વ્યક્તિ તેના સુધી આવે એની રાહ જોઇને ઉભો રહ્યો.

પરંતુ એ વ્યક્તિ અભય સુધી આવવાનાં બદલે ત્યાં જ ખોડાઇને ઉભો રહી ગયો અને અપલક નજરે તે અભયને જોઇ રહ્યો.

(ક્રમશઃ)