Mara khap ni prabhuta in Gujarati Short Stories by Alpesh Karena books and stories PDF | મારા ખપની પ્રભૂતા

Featured Books
Categories
Share

મારા ખપની પ્રભૂતા

રોજની જેમ આજે પણ મારા મમ્મીએ થેલાનું પાછળનું નાનું ખાનું ખાલી કરી આપ્યું અને કહ્યું કે, તારો બધો કચરો આ ખાનામાં જ નાખજે, નહીં કે ગમે ત્યાં. મારી કચરો મનફાવે ત્યાં ઉડાડવાની ટેવથી મારી માતુ શ્રી સારી રીતે વાકેફ હતા. નિત્યક્રમ માફક આટલું સાંભળીને હું થેલો ડોલાવતો ડોલાવતો શાળાએ જવા નીકળ્યો. મમ્મી સરસ બાબલા જેમ તૈયાર કરી દે અને એક સીરિયસ વિદ્યાર્થીની માફક હું પણ શાળાએ જવા નીકળું.

લગભગ સવારે સાડા સાતની આજુબાજુ ઘરેથી શાળાએ જવા નીકળવાનું થાય. આ સમયે બધા જ માસી-બા સાવરણી લઈને પોતાના ઘરની આગળ સાફ સફાઈ કરતાં હોય. મોઢા આડે સરસ કપડું વીંટેલું હોય કે જેતી સ્કીનમાં વાંધો ન આવે. હાં, પણ બધામાં એક વાત કોમન હોય કે બધી જ મહિલાઓ માત્ર પોતાના ઘરની આગળ જ સફાઈ કરતી નજરે ચઢે. પોતાના ભાગમાં જેટલું આવે એની બે વાર સફાઈ કરી નાખે પરંતુ જે એના ભાગમાં ન આવે એની સામે તો જોવાનું પણ નહીં.

કંઈક આવું જ તમને જોવા મળશે બસ અને ટ્રેનમાં. કે પછી કોઈ સરકારી ઈમારતમાં. બસમાં માણસ પોતે જે સીટ પર બેઠો ત્યાં પોતાના રૂમાલથી સરસ ઘસી ઘસીને સાફ કરશે. પરંતુ જોવા જેવી ખુબી એ કે આખી બસમાં બીજે ક્યાંય પણ કચરો હશે તો એ નહીં ઉઠાવે. ઉઠાવવાની વાત તો દુર પણ કદાચ પોતે પણ કચરો ઠાલવશે. આવું મે તો જોયું છે અને તમે પણ જોયું જ હશે એવી આશા રાખું.

સીધી રીતે જોવા જઈએ તો મને એટલું જ વ્હાલું છે કે જે મારા ખપનું છે. મહિલાને ત્યાં જ સફાઈ રાખવી કે જેટલું ફળિયું એના ખપનું છે. બસમાં અને ટ્રેનમાં પોતાના પુરતી જ સીટને સરખી રાખવી. આપણે ત્યાં એક કહેવત છે કે ‘સ્વચ્છતા ત્યાં પ્રભૂતા’. એ રીતે જોવા જઈએ તો આ તો માત્ર મારા ખપની પ્રભૂતા થઈ કહેવાય. તમારુ શું માનવું છે? પરંતુ તો પછી આ માત્ર મારા ખપની પ્રભૂતા છે એને આખા દેશમાં ક્યારે વ્યાપશું.

શું માત્ર મારા ખપના વિસ્તારમાં સ્વચ્છતા રેહશે તો શક્ય બનશે? ના, આખી સોસાયટી અને દેશનું કઈ નહીં થાય. કદાચ આપણે નાનપણમાં જે બોલતા હતા એ વાક્ય આપણે ભૂલી ગયા છે. રોજ પ્રાર્થનમાં જે પ્રતિજ્ઞા બોલતાં કે ભારત મારો દેશ છે. આ વાક્ય યાદ કરશું તો જરૂર આપણે આખા દેશમાં પ્રભૂતા લાવી શકીશુ.

થોડી વધારે વિસ્તૃત વાત કરું તો, પેલી બધી મહિલાઓને લાગશે કે મારું ફળિયું તો ઠીક પણ એ સિવાય પણ મારો હક અને ફરજ છે કે હું સફાઈ રાખું. બસ અને ટ્રેનમાં પણ મારી સીટની જગ્યાએ મારી બસ કે મારી ટ્રેન માનીને ચાલશું તો ચોક્કસ ફેર પડશે. આ રીતે દરેક માણસ શાળામાં બોલેલું પ્રતિજ્ઞા પત્ર યાદ રાખે તો મારા ખપની પ્રભૂતાની જગ્યાએ મારા દેશની પ્રભૂતા સાબિત થઈ જશે.

છેલ્લે એટલું ચોક્કસ કહીશ કે મારી મમ્મી જેમ થેલામાં પાછળ ખાનું ખાલી રાખી આપે એમ બધાની પાસે એક થેલો હોય તો પણ પોતાના ખપ પૂરતી પ્રભુતા માંથી વિસ્તાર વધે એવી શક્યતા છે. કારણ કે, થેલો હશે એ લોકો કચરો નીચે ફેકવાનાં જ નથી. બસ હોય કે ટ્રેન, સોસાયટી હોય કે શાળા, રસ્તા હોય કે રેસ્ટોરન્ટ, બધે જ સ્વચ્છતા રેહશે. પછી ખપ પૂરતી પ્રભુતા નહીં રહે અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા થશે. બધા આટલું સમજે તો ભારત દેશ આખો પ્રભુતા ધરાવતો દેશ થઈ જાય. અને પછી આપણે જે બોલીએ છીએ કે સ્વચ્છતા ત્યાં પ્રભૂતા એ માત્ર શબ્દ પુરતું ન રહેતા એક વાસ્તવિકતા બની જશે. જય હિન્દ..