ચાલુ વર્ષે ‘ઓસ્કર’માં પસંદગી પામેલી અને બાજી મારી ગયેલી ફિલ્મો
‘ઓસ્કર’ એવોર્ડ એ ફિલ્મો માટે બહુ માતબર એવોર્ડ ગણાય છે. તેમાં નોમિનેટ થયેલી અને વિજેતા બનેલી ફિલ્મો અચૂક જોવી જ રહી. ચાલુ વર્ષે ‘ઓસ્કર’ને ૯૦ વર્ષ પૂરા થયા એ નિમિત્તે ‘ખજાનો’ રજૂ કરે છે ચાલુ વર્ષે પસંદગી પામેલી ફિલ્મોની ઝલક.
‘ઓસ્કર’ના ૯૦ વર્ષ નિમિત્તે ખાસ લેખ
મૂવી ગૉસિપ
ગયા પાંચ અંકોમાં પાંચ હપ્તે રજૂ થયેલી ‘IMDb’ પરની શ્રેષ્ઠ ફિલ્મોની શ્રેણી યોગ્ય પ્રતિસાદ આપવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. એ લેખો વાંચીને જો તમને એ બધી ફિલ્મો જોવાનું મન થયું હોય તો એ મારી મહેનતની સફળતા ગણાશે.
પ્રસ્તુત લેખ ચાલુ વર્ષ એટલે કે ૨૦૧૮માં ‘ઓસ્કર’માં નોમિનેટ થયેલી સર્વશ્રેષ્ઠ ફિલ્મો વિશે છે. ‘ઓસ્કર’નું લેવલ આપણા બોલિવૂડના ‘સેટિંગ’વાળા એવોર્ડ્સ કરતા ઘણું ઊંચું હોય છે. ઓસ્કરમાં નોમિનેટ થવું એ આજે પણ કોઈ ફિલ્મ માટે સૌથી મોટું બહુમાન ગણાય છે.
● નરેન્દ્રસિંહ રાણા
આ વર્ષે ઓસ્કરની ઉંમર ૯૦ વર્ષની થઈ. આ ૯૦મા ઓસ્કરમાં શ્રેષ્ઠ ફિલ્મની કેટેગરીમાં નોમિનેટ થયેલી ૯ ફિલ્મોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. જો કે આ ૯ ફિલ્મો સિવાય પણ ઘણી ફિલ્મો હતી જે શ્રેષ્ઠ કહી શકાય તેવી હતી. તેમ છતાં, ઓસ્કરમાં નોમિનેટ થવાના કારણે આ ફિલ્મોની નોંધ ફરજીયાત લેવી જ પડે. તો ચાલો, શરૂ કરીએ આ ૯ ફિલ્મોની સફર.
(૧) થ્રી બિલબોર્ડ આઉટસાઇડ એબિંગ, મિસોરી (Three Billboards Outside Ebbing, Missouri) :
મનુષ્ય હંમેશા એક વિચિત્ર પ્રાણી રહ્યો છે. તેને ‘સારો’ કે ‘ખરાબ’ એવા લેબલ મારવા હંમેશા ભૂલ ભરેલું હોય છે. કોઈ ખરાબ વ્યક્તિ સારા કામો પણ કરી શકે અને કોઈ સારી વ્યક્તિ પણ ભૂલ ભરેલું વર્તન કરી શકે. મનુષ્ય સંજોગોનો ગુલામ છે. તેના નિર્ણયો પર ઘણા પરિબળો અસર કરતા હોય છે. કોઈ વ્યક્તિ ક્યારે શું કરે એ તમે છાતી ઠોકીને ન કહી શકો. વેર લેવાની લાલસા, ગુસ્સો અને પૂર્વગ્રહો જેવા નકારાત્મક વિચારો સામે સકારાત્મક વિચારોનો સંઘર્ષ મનુષ્યના મનમાં સતત ચાલતો રહેતો હોય છે.
લંબાઈમાં ગુજરાતી ફિલ્મોના નામો સાથે હરીફાઈ કરે એવું નામ ધરાવતી આ ફિલ્મ વિશે ઘણું સાંભળ્યું હતું. ફિલ્મકથા છે અમેરિકાના એક નાના શહેરમાં બનતી ઘટનાઓની. એક મા પોતાની દીકરીના હત્યારાને પકડવામાં ઢીલી નીતિ અપનાવી રહેલા શહેરના શેરીફ સામે મેદાને પડે છે. તે શહેરની બહાર આવેલા ત્રણ જાહેરાતના બોર્ડ ભાડે રાખીને તેના પર શેરીફ વિરુદ્ધ લખે છે, અને શરૂ થાય છે એક વિચિત્ર યુદ્ધ જેમાં કોઈ સારું કે ખરાબ નથી. ફિલ્મના બધાં જ પાત્રોની સારી અને ખરાબ બાજુઓ છે. અહીં કોઈ સંપૂર્ણ નથી. પહેલી નજરે નકારાત્મક લાગતા પાત્રો પણ સારા કામો કરે છે અને સારા પાત્રો પણ ખરાબ કામો કરે છે.
ફિલ્મ એકદમ ‘અનપ્રેડિક્ટેબલ’ છે. તમને એમ લાગે કે હવે આમ થશે, પણ થાય કંઈક બીજું જ ! ફિલ્મનો એકમાત્ર નેગેટિવ પોઇન્ટ છે રંગભેદ જેવા, ઓસ્કર માટે બહુ ચગાવવામાં આવતા મુદ્દાનો સમાવેશ.
ફ્રાન્સિસ મેકડોરમેન્ટે પોતાની પુત્રીના હત્યારાને પકડવા મથતી મા તરીકે જબરદસ્ત અભિનય કર્યો છે, પણ ફિલ્મમાં યાદ રહી જાય તેવું પાત્ર સેમ રોકવેલે ભજવ્યું છે. રંગભેદમાં માનનાર પોલીસ અધિકારી તરીકેના પાત્રમાં તેણે જીવ રેડ્યો છે. કુલ ૭ ઓસ્કર માટે નોમિનેટ થયેલી આ ફિલ્મ ‘બેસ્ટ એક્ટ્રેસ’ અને ‘બેસ્ટ સપોર્ટિંગ એક્ટર’ના ઓસ્કર જીતી ગઈ હતી.
(૨) ધ શેપ ઓફ વોટર (The Shape of Water) :
પાણીનો આકાર કેવો હોય ? તમે કદાચ જવાબ ન આપી શકો. મનુષ્યમાં રહેલું સજીવ તત્વ પણ કદાચ બધામાં એક પાણી જેવું છે ! બધાના ચહેરા, શરીર અને રંગ અલગ અલગ હોવા છતાં તમામ સજીવો વચ્ચે કોઈ એક સમાનતા રહેલી છે. આ સમાનતા જ આપણને એકબીજા સાથે જોડે છે. કોઈ સાથે દિલના તાર જોડાઈ જાય ત્યારે ચહેરો, શરીર અને રંગ જેવી બાબતો ગૌણ બની જાય છે.
આવા જ પ્રેમની વાતો ગુઇલેર્મો ડેલ ટોરોની ફેન્ટસી ફિલ્મ ‘શેપ ઓફ વોટર’માં કરવામાં આવી છે. ફિલ્મની કથા અમેરિકા અને રશિયા વચ્ચેના શીતયુદ્ધ વખતની છે. ફિલ્મ એક વિચિત્ર જીવ અને એક મૂંગી છોકરીની પ્રેમ કહાણી છે. એક સરકારી રિસર્ચ સેન્ટરમાં કામ કરતી મૂંગી છોકરીને ત્યાં એમેઝોનના જંગલોમાંથી પકડીને લવાયેલા એક મનુષ્ય જેવા દેખાતા પ્રાણી સાથે દોસ્તી થઈ જાય છે. છોકરી સમાજ દ્વારા તરછોડાયેલા પોતાના મિત્રોની મદદથી તે પ્રાણીને સરકારી કેદમાંથી છોડાવવાનો પ્રયત્ન કરે છે. પાત્રો બે છાવણીઓમાં વહેંચાઈ જાય છે. બન્નેને પકડવા સેન્ટરનો મુખ્ય સરકારી અધિકારી કમર કસે છે અને શરૂ થાય છે એક પોતાની આગવી ઓળખ જાળવી રાખવાની લડત. મુખ્ય સ્ત્રી પાત્રનો સાથ આપનારાઓમાં તેનો વયોવૃદ્ધ ગે મિત્ર, તેની સાથે કામ કરતી અને રંગભેદનો ભોગ બનતી અશ્વેત બહેનપણી અને એક રશિયન જાસૂસ વૈજ્ઞાનિક હોય છે. બધા મળીને પેલા પ્રાણીને બચાવી શકે છે કે નહીં તે જાણવા માટે ફિલ્મ જોવી રહી.
ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યૂઝિક અને સિનેમેટોગ્રાફી જબરદસ્ત છે. ફિલ્મના દૃશ્યો તમને કોઈ પુસ્તકમાં છપાયેલાં રંગીન ચિત્રો જેવાં દેખાશે. ડેલ ટોરોએ ફિલ્મનું નિર્દેશન કરવા ઉપરાંત તેની પટકથા પણ લખી છે. ફિલ્મના ટેક્નિકલ પાસાં સબળ છે. કુલ ૧૩ ઓસ્કર માટે નોમિનેટ થયેલી આ ફિલ્મ ‘બેસ્ટ ફિલ્મ’ સહિત ૪ ઓસ્કર જીતી ગયેલી.
“તારા અદૃશ્ય આકારની હાજરી મેં મારી આસપાસ અનુભવી. તારી એ હાજરીએ મારી આંખોને તારા પ્રેમથી ભરી દીધી. મારું હૃદય અનુકંપાથી ભરાઈ ગયું કારણ કે, તું બધે જ હતી !” – આ ફિલ્મનો એક સંવાદ.
(૩) ગેટ આઉટ (Get Out) :
ખતરો હંમેશા અપરાધીઓથી જ હોય એવું જરૂરી નથી. ક્યારેક તમને પ્રેમથી ભેટનારા લોકો પણ તમારી પીઠ પર ઘા કરતા નથી અચકાતા. લોકો પોતાના પૂર્વગ્રહોને રૂપાળા નામ હેઠળ રજૂ કરીને ગુનાઓ આચરતા ગભરાતા નથી.
ગેટ આઉટ એક સાયકોલોજીકલ હોરર થ્રિલર છે. એક અશ્વેત માણસ પોતાની શ્વેત ગર્લફ્રેન્ડ સાથે શાંતિથી જીવન પસાર કરતો હોય છે. એક દિવસ તેની ગર્લફ્રેન્ડ તેને પોતાનાં માતા પિતાને મળવા આવવાનું આમંત્રણ આપે છે. બન્ને જ્યારે તે છેવાડાના ગામમાં પહોંચે છે ત્યારે અશ્વેતને ઘરના સભ્યોનું વર્તન થોડું વિચિત્ર લાગે છે. ખાસ કરીને તેની ગર્લફ્રેન્ડના માતાપિતા તેને વિચિત્ર લાગે છે. તેને કોઈ ગૂઢ રહસ્ય તેનાથી છૂપાવવામાં આવી રહ્યું હોય તેવી શંકા જાય છે. જેમ જેમ તે ત્યાં સમય પસાર કરે છે તેમ તેમ તેની શંકા દૃઢ બને છે. શું હોય છે તે રહસ્ય ? એવું તે શું હોય છે કે જેના કારણે તે અશ્વેતને ડર લાગે છે ? આ બધા ઉત્તરો મેળવવા આ ફિલ્મ ચોક્કસ જોવી. ફિલ્મનું એક દ્રશ્ય એટલું ડરામણું છે કે તમને ચોક્કસ પરસેવોવાળી દેશે. આ ફિલ્મે ફરી એકવાર સાબિત કર્યું છે કે લોકોને ડરાવવા ફિલ્મોમાં ફરજીયાત ભૂત દર્શાવવા જરૂરી નથી !
ફિલ્મનો નિર્દેશક જોર્ડન પીલ આપણા કપિલની જેમ અમેરિકામાં એક કોમેડી શો ચલાવે છે. તેણે કપિલની જેમ આડા રસ્તે ચડી જવાના બદલે આ જબરદસ્ત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેની નિર્દેશક અને લેખક તરીકેની આ પહેલી ફિલ્મ છે. ફિલ્મ કુલ ૪ ઓસ્કર માટે નોમિનેટ થયેલી અને જોર્ડન પીલ ‘બેસ્ટ ઓરીજનલ સ્ક્રીન પ્લે’નો એવોર્ડ જીતી ગયેલો. તે આ કેટેગરીમાં એવોર્ડ જીતવાવાળો પહેલો અશ્વેત લેખક બન્યો હતો.
(૪) લેડી બર્ડ (Lady Bird) :
આપણી ઉંમર જેમ જેમ વધતી જાય તેમ તેમ આપણે આપણા વ્યક્તિત્વમાં પણ અલગ અલગ રંગો ઉમેરતા જઈએ છીએ. આપણા માતાપિતા આ સમગ્ર પ્રક્રિયામાં આપણા ભાગીદાર હોય છે. તેઓ પણ આપણી સાથે વૃદ્ધિ પામતા જાય છે. આપણે તેમને આપણી સાથે આ સફરનો ભાગ બનાવીએ છીએ.
લેડી બર્ડ ફિલ્મકથા છે એક ટીનએજ છોકરીની કે જે પોતાની માતા સાથે સતત ઘર્ષણમાં ઉતરતી રહે છે. બન્નેના ઝઘડાઓ એકબીજાને દુઃખી કરતા રહે છે. છોકરી એક નાનકડા અમેરિકન શહેરમાં રહે છે. તેને મોટા શહેરમાં આવેલી સારી આર્ટસ કોલેજમાં એડમિશન લેવું છે, પણ તેના માતા પિતાની આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તેઓ એ કોલેજનો ખર્ચ ઉપાડી શકે. પિતા બેકાર છે અને માતા નોકરી કરીને ઘર ચલાવે છે. છોકરી અને માતા વચ્ચે અનેકવાર આ પ્રશ્ને ઘર્ષણ થયા કરે છે. છોકરી માતાને પોતાના સ્વપ્નો પૂરા નહીં કરી શકવા માટે જવાબદાર માને છે. કોઈ પણ ટીનએજરની જેમ તે પણ પ્રેમ, દોસ્તી અને વિજાતીય આકર્ષણના કારણે ઉદ્દભવતી અનેક સમસ્યાઓનો સામનો કરે છે.
ફિલ્મના સંવાદો ખૂબ જ અસરકારક છે. મા-દીકરી વચ્ચે થતી વાતચીત સાંભળવાની મજા આવે છે. ફિલ્મની નિર્દેશિકા અને લેખિકા ગ્રેટા ગ્રેવીંગ છે. મા-દીકરીના રોલમાં સાઓરસી રોનાન અને લૌરી મેટિકલફે સરસ અભિનય કર્યો છે. આ ફિલ્મ કુલ ૫ ઓસ્કર માટે નોમિનેટ થયેલી, પણ દુર્ભાગ્યે એક પણ ઓસ્કર નહોતી જીતી શકી.
“અમે તમારા (સંતાનો) માટે ગમે તેટલું કરીએ, તમને ઓછું જ લાગે છે.” – આ ફિલ્મનો એક સંવાદ.
(૫) ડનકર્ક (Dunkirk) :
ક્રિસ્ટોફર નોલાન દ્વારા નિર્દેશિત આ ફિલ્મકથા છે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બનેલી એક વિખ્યાત ઘટનાની. જર્મન હુમલાઓને કારણે પીછેહઠ કરી રહેલી મિત્ર રાષ્ટ્રોની સેનાના સૈનિકો ફ્રાન્સના છેડે આવેલા ડનકર્કના દરિયાકિનારે આશરો લે છે. એકબાજુ થોડા જ કિલોમીટર દૂર માતૃભૂમિનો કિનારો છે, જ્યારે બીજી તરફ મોતની જેમ પીછો કરી રહેલી જર્મન સેના છે. અંગ્રેજ સરકાર આટલી મોટી સંખ્યામાં સૈનિકોને ત્યાંથી બહાર કાઢવામાં અસમર્થ છે. આ થાકેલા, હારેલા અને કમનસીબ સૈનિકોની કથા ક્રિસ્ટોફર નોલાને પડદા પર અસરકારક રીતે રજૂ કરી છે. ફિલ્મમાં હવા, પાણી અને જમીનના ઉપયોગથી સૈનિકોને ડનકર્કમાંથી કાઢવાની સત્યઘટના વર્ણવી છે. જમીન પર એક અઠવાડિયાની કથા છે. પાણી પર એક દિવસની અને હવામાં એક કલાકના સમયગાળાની કથા છે.
ફિલ્મની સિનેમેટોગ્રાફી પ્રભાવશાળી છે. તમે પોતે ડનકર્કના દરિયાકિનારે પહોંચી ગયા હોય તેમ તમને ફિલ્મ જોતા લાગશે. નોલાન જે ચીજો માટે વિખ્યાત છે તે બધી જ ચીજો આ ફિલ્મમાં છે. નોલાન કદાચ હાલના યુગના સૌથી પ્રતિભાશાળી નિર્દેશક છે કે જેને ખબર છે કે કેમેરાનો ઉપયોગ કેમ કરવો.
ફિલ્મમાં બહુ ઓછા સંવાદો છે. નોલાને સંવાદોની ખોટ કેમેરાવર્ક અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક વડે પૂરી કરી છે. આ ફિલ્મ કુલ ૮ ઓસ્કર માટે નોમિનેટ થયેલી અને કુલ ૩ ઓસ્કર એવોર્ડ જીતી ગયેલી.
“મારી ઉંમરના લોકો યુદ્ધ ફેલાવે છે અને નાની ઉંમરના છોકરાઓને લડવા મોકલે છે.” – આ ફિલ્મનો એક સંવાદ.
(૬) ધ ડાર્કેસ્ટ અવર (The Darkest Hour) :
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનના ઈંગ્લેન્ડ અને તેના વડાપ્રધાન ચર્ચિલ માટેના સૌથી કપરા સમયગાળાનું ચિત્રણ કરતી આ ફિલ્મ ગેરી ઓલ્ડમેનના વિન્સ્ટન્ટ ચર્ચિલ તરીકેના અફલાતૂન અભિનય માટે ફરજીયાત જોવી રહી.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ઈંગ્લેન્ડ હારી રહ્યું હતું. આ કપરા સમય દરમ્યાન રાજા નવા પ્રધાનમંત્રી તરીકે કોની નિમણુંક કરવી તેની દ્વિધામાં હતા. પાર્લામેન્ટ તરફથી ચર્ચિલને વડાપ્રધાન બનાવવાની માંગણી હતી, પણ ચર્ચિલનું નામ વિવાદોથી ઘેરાયેલું હતું. લોકો અને રાજા પાસે તેમની છાપ ખરાબ હતી. રાજા કમને ચર્ચિલને વડાપ્રધાન બનાવે છે. ચર્ચિલ સત્તા પર આવીને કેવી રીતે નિર્ણયો લે છે અને કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરે છે તે આ ફિલ્મમાં અસરદાર રીતે દર્શાવ્યું છે. ફિલ્મમાં ચર્ચિલને એકદમ હીરો કે વિલન ચીતરવાને બદલે મુશ્કેલીઓમાંથી પસાર થતા રાજકીય નેતા તરીકે ચીતરવામાં આવ્યા છે. નોલાનની ‘ડનકર્ક’ જેના પરથી બની છે એ ડનકર્કમાંથી સાથી રાષ્ટ્રોની સેનાને કાઢવાની ઘટનાનો ઉલ્લેખ પણ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.
આ ફિલ્મ કુલ ૬ ઓસ્કર માટે નોમિનેટ થયેલી અને ગેરી ઓલ્ડમેનના ‘બેસ્ટ એક્ટર’ના ઓસ્કર સહિત કુલ ૨ ઓસ્કર એવોર્ડ જીતી ગયેલી.
“જ્યારે તમારું માથું વાઘના મોંમાં હોય ત્યારે તમે તેને તમને ન ખાવા સમજાવી ન શકો.” – આ ફિલ્મનો એક સંવાદ.
(૭) ફેન્ટમ થ્રેડ (Phantom Thread) :
જીવનમાં કારકિર્દી અને સંબંધો વચ્ચે જ્યારે અસંતુલન સર્જાય છે ત્યારે માણસ મુશ્કેલીમાં મૂકાય છે. પૈસા અને પ્રસિદ્ધિ સામે પ્રેમનું મહત્વ કેટલું ? શું પ્રેમ અને હૂંફની ગેરહાજરી હોય તો માણસ જીવી શકે ખરો ? આવા સવાલો મનમાં લાવતી ફિલ્મ એટલે ફેન્ટમ થ્રેડ.
ડેનિયલ ડે લુઇસની ગણતરી વિશ્વના સર્વશ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. ડેનિયલ પોતે અલગારી જીવ છે. કોઈ જાતની લાઈમલાઇટમાં ન રહેનાર વ્યક્તિ છે. એકથી વધુ ઓસ્કર જીતેલો હોવા છતાં ઈચ્છા પડે ત્યારે દુનિયાની નજરોમાંથી ગાયબ થઈ જાય છે. કોઈ પણ રોલ પસંદ કરે ત્યારે તેની પાછળ મહિનાઓ સુધી તૈયારીઓ કરે તેવું તેનું કામ પ્રત્યેનું સમર્પણ છે. આવા અભિનેતાએ થોડા સમય પહેલાં અભિનય ક્ષેત્રે સન્યાસ લેવાની જાહેરાત કરી. તેણે પોતાની છેલ્લી ફિલ્મ તરીકે આ ફિલ્મ પર પસંદગી ઢોળી.
ફિલ્મની કથા છે પચાસના દાયકામાં બહુ પ્રખ્યાત એવા મહિલાઓના લગ્ન માટેના ડ્રેસ બનાવનાર ડિઝાઇનરની જે પોતાના કામને ભગવાન માને છે. તેની પાસે પોતાના લગ્નનો ડ્રેસ સિવડાવવા વિખ્યાત હસ્તીઓ લાઈન લગાવે તેવી તેની પ્રસિદ્ધિ હોય છે. તે એક વેઇટ્રેસને પોતાના ડ્રેસની મોડેલ તરીકે રાખે છે. બન્ને વચ્ચે પ્રેમ થાય છે, પણ ડિઝાઈનરનું કામ પ્રત્યેનું સમર્પણ બન્ને વચ્ચે આવે છે. ફિલ્મનો અંત ચોંકાવનારો છે.
ફિલ્મ પોલ થોમસ એન્ડરસને નિર્દેશિત કરી છે. ફિલ્મ ૬ ઓસ્કર માટે નોમિનેટ થયેલી અને ૧ ઓસ્કર જીતી ગયેલી.
(૮) કોલ મી બાય યોર નેમ (Call me by your name) :
યુવાનીમાં થતો પહેલો પ્રેમ ક્યારેક જિંદગીભર ચાલે તેટલા સંભારણા છોડી જતો હોય છે. આ પ્રેમની ઉત્કટતા આજીવન અનુભવાય છે. પ્રેમ આંધળો હોય છે અને કોઈ જ જાતના બંધનોને કે નિયમોને નથી માનતો. આ વાત ‘કોલ મી બાય યોર નેમ’ ફિલ્મમાં અસરકારક રીતે રજૂ કરાઈ છે.
આ ફિલ્મ એક રોમેન્ટિક ફિલ્મ છે. તેના મુખ્ય બન્ને પાત્રો પુરુષો છે. આ બન્ને વચ્ચેનો પ્રેમ સંબંધ આ ફિલ્મનો હાર્દ છે. ગે રોમાન્સની થીમ પરથી આ પહેલા પણ હોલિવૂડમાં ઘણી ફિલ્મો બની ચૂકી છે.
ફિલ્મકથા છે સત્તર વર્ષના એલીઓની જે ઈટાલીના એક નાનકડા ગામમાં રહે છે. તેના પિતાનો એક ચોવીસ વર્ષનો ઓલિવર નામનો અમેરિકન વિદ્યાર્થી ઉનાળામાં તેના ઘરે રજાઓ ગાળવા આવે છે. પહેલા તો એલીઓ તેનામાં રસ નથી લેતો. તેનો બધો સમય પોતાની ગર્લફ્રેન્ડ અને સંગીત પાછળ પસાર કરતો હોય છે. ધીરે ધીરે એલીઓ અને ઓલિવર વચ્ચે દોસ્તી જામે છે જે પ્રેમમાં પરિણમે છે.
આ ફિલ્મ અમુક દૃશ્યોના કારણે ભારતમાં રિલીઝ થાય તેવી શક્યતા ઓછી છે. ફિલ્મ એકદમ ધીમી છે. દર્શકોને કદાચ કંટાળાજનક પણ લાગે. નિર્દેશકે વાર્તા કરતાં ફિલ્મમાં સંવેદનશીલ પળો સર્જવા પર વધુ ધ્યાન આપ્યું છે.
આ ફિલ્મ આ જ નામની નવલકથા પરથી બની છે. ફિલ્મને કુલ ૪ ઓસ્કર નોમિનેશન મળેલા અને ‘બેસ્ટ એડપ્ટેડ સ્ક્રીનપ્લે’નો ઓસ્કર જીતી ગયેલી.
(૯) ધ પોસ્ટ (The Post) :
સત્યનો સાથ દેવો ક્યારેક અઘરો પડતો હોય છે. સત્યને તમે ગમે તેટલું ઊંડું દફન કરી દો, તે અંતે બહાર આવી જ જાય છે. સત્ય છાપવા અને સરકારોને તેમની ભૂલો દેખાડતા પત્રકારોની કથા એટલે ‘ધ પોસ્ટ’ ફિલ્મ.
ફિલ્મ સત્યઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં અમેરિકન સરકારો દ્વારા વર્ષો સુધી વિયેતનામ યુદ્ધ વિશે ફેલાવવામાં આવેલા જૂઠ્ઠાણાનો પર્દાફાશ કેવી રીતે કરવામાં આવ્યો તેની સનસનીખેજ હકીકતો દર્શાવી છે.
ફિલ્મમાં મેરિલ સ્ટ્રીપ ‘વોશિંગ્ટન પોસ્ટ’ અખબારની માલિકણની ભૂમિકામાં છે જ્યારે ટોમ હેન્ક્સ તેના એડિટરની ભૂમિકામાં છે. બન્ને લીક થયેલા ગોપનીય સરકારી દસ્તાવેજો છાપે છે જેના કારણે સરકાર બન્નેની દુશ્મન બની જાય છે. ફિલ્મમાં પત્રકારત્વની ફરજોને બહુ સારી રીતે દર્શાવી છે. આજના પૂર્વગ્રહોથી પીડાતા ભારતીય મીડિયાવાળાએ ખાસ જોવા જેવી ફિલ્મ !
ફિલ્મ સ્ટીવન સ્પીલબર્ગ જેવા મહારથીએ નિર્દેશિત કરી છે. બન્ને ઓસ્કર વિજેતા મુખ્ય કલાકારોએ પણ સરસ અભિનય કર્યો છે.
www.facebook.com/khajanomagazine
Facebook પર જઈને સર્ચ બોક્સમાં Khajano Magazine ટાઈપ કરો અને ‘ખજાનો’નું ઓફિશિયલ
પેજ લાઇક કરી લો જેથી મેગેઝીન વિષયક તમામ
વિગતો, માહિતી તથા અપડેટ્સ મેળવી શકો.
ફિલ્મ ૨ ઓસ્કર માટે નોમીનેટ થયેલી, પણ એક પણ ઓસ્કર જીતી નહીં શકેલી.
“છાપાંઓ શાસિતો માટે હોય છે, શાસકો માટે નહીં.” – આ ફિલ્મનો એક સંવાદ.
***
તો આ હતી ‘બેસ્ટ ફિલ્મ’ કેટેગરીમાં નોમિનેટ થયેલી ૯ ફિલ્મોની વાત. આ સિવાય પણ ઘણી ફિલ્મો હતી જે સારી હોવા છતાં પણ બેસ્ટ ફિલ્મ કેટેગરીમાં નોમિનેટ નહોતી થઈ શકી. આવી ફિલ્મોમાં ‘ધ ડિઝાસ્ટર આર્ટિસ્ટ’, ‘આઈ ટોન્યા’ જેવી ફિલ્મોનો ઉલ્લેખ કરી શકાય. જ્યારે ‘કોકો’ જેવી અફલાતૂન ફિલ્મ એનિમેશનની કેટેગરીમાં ઓસ્કર એવોર્ડ જીતી ગયેલી તેનો પણ ઉલ્લેખ કરવો પડે. આ બધી જ ફિલ્મો શોધીને જોઈ નાખો. ■
- નરેન્દ્રસિંહ રાણા
આપનું ‘ખજાનો’ મેગેઝીન હવે Facebook પર પણ હાજર છે !