મિનિટો સુધી મિત્રતાની પારાકાષ્ટા એ રૂમમાં છવાયેલી રહી. ચાર મિત્રોની એકબીજા માટે ન્યોચ્છવર થવાની ભાવના ચરમસીમા પર હતી.
આખરે મગને મૌન તોડતા કહ્યું, "રાઘવ, તું આટલો મહાન હઈશ એની મને ખબર નહોતી. મેં તારી 'જેવા સાથે તેવા'ની નીતીને તારી ચોરવૃત્તિ સમજી લીધી. તું મને માફ કર દોસ્ત.હું તને સમજી ન શક્યો..અને હવે કોઈએ ત્યાગમુર્તિનો દીકરો થવાનું નથી.આ પૈસાથી આપણી ચારેયની ભાગીદારી પેઢી બનાવીને ડાયમંડનો બિઝનેસ આપણે શરૂ કરવાનો છે..જો કોઈ હવે આ બાબતમાં દોઢ ડાહ્યું થયું છે તો મારા હાથનો માર ખાશે.."
મગનની વાત સાંભળીને ત્રણેય હસી પડ્યા.રાઘવે નાથાને અને મગનને હીરાનો બિઝનેસ કેમ કરવો એની રૂપરેખા સમજાવતા કહ્યું, "મિત્રો, આપણી પાસે રૂપિયા છે..પચ્ચીસ લાખ એ કોઈ નાની રકમ નથી..આપણે પહેલા પાંચ લાખ રૂપિયા ખર્ચીને એક બિલ્ડીંગ ખરીદશું..પાંચ લાખમાં તો કારખાનાની તમામ સામગ્રી આવી જશે. હીરા બજારમાં આપણી એક ઓફિસ પણ લઈ શકીશું..નાથાએ સુરતની ઓફિસ સંભળવાની છે એ માટે ત્રણ ચાર મહિના તારે શીખતાં લાગી જશે ત્યાં સુધીમાં હું બધું ગોઠવી લઈશ..વેડરોડ પર પંડોળ એરિયામાં નવી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીનું બુકીંગ ચાલુ થયું છે.આપણે બે પ્લોટ લઈને બાંધકામ કરીશું.. અને મગન તું ઘાટનો સારો કારીગર થઈ ગયો છો હવે તું તળીયા મથાળાનું કટિંગ પણ શીખી લે..એટલે કાચા હીરામાંથી સંપૂર્ણ તૈયાર હીરા સુધીની બધી જ પ્રોસેસ તને બરાબર સમજાઈ જશે.આપણું પ્રોડક્શન યુનિટ તારે સાંભળવાનું છે.હું મુંબઈની બજારમાં આપણાં કારખાનામાં તૈયાર થયેલો માલ વેચીશ. હવે આપણને લાખોપતી થતા કોઈ રોકી શકશે નહીં..પણ આ ધંધાના જોખમો પણ ધ્યાનમાં રાખવા પડશે.."
"ઈ બધું તો ઠીક પણ આમાં મારે શું કરવાનું છે એ તો કોક કયો..હું તો ડાયમંડનો d પણ જાણતો નથી.અને મને એમાં રસ પણ નથી. તો હું કેવી રીતે તમારો પાર્ટનર રહી શકું.." રમેશે કહ્યું.
''તે કોઈ શીખીને નથી આવતું..તું પણ મારી સાથે બજારમાં આવી જા.. અથવા મગન સાથે તળીયા મથાળા મારવા જતો રે.. છોકરા ભણાવવાથી કંઈ વળવાનું નથી..સમજ્યો ?"
નાથાએ કહ્યું.
"ભલે છોકરા ભણાવવાથી કંઈ ન વળે..પણ મને એ કરવું ગમે છે. મારા જીવનનું ધ્યેય એક ઉત્તમ શિક્ષક બનવાનું છે, હીરાના ધંધામાં લાખો કરોડોની આવક કેમ ન હોય..મને મારી આ સાતસો રૂપિયા ની નોકરી ખૂબ વ્હાલી છે. હું એ ફિલ્ડ છોડવા માંગતો નથી..ભવિષ્યમાં હું ખુદની સ્કૂલ ખોલીશ..
મને મારા ક્યારામાંથી ન ઉખેડો..
ઝાડ થવા મારે જંગલમાં નથી જવું..
હું અહીં મઘમઘતો છોડવો થઉં તોય ઘણું.."
"વાહ રમેશ વાહ..તું તો કવિ જીવ નીકળ્યો. તારી ઈચ્છા આ ધંધામાં ન હોય તો આપણે કંપનીમાં જ સ્કૂલ ચાલુ કરીશું.."
જીવનની એક અલગ જ સફરનો નકશો ચારેય મિત્રોએ બનાવી લીધો. ત્રણેય મિત્રોને વાપરવા માટે દસ દસ હજાર આપીને રાઘવ, બાકીના પૈસા લઈને પાછો મુંબઈ ગયો.
**** ***** **** ****
રામો ભરવાડ ઉપરા ઉપરી બે જગ્યાએ માર ખાઈને ડરી ગયો હતો.
એટલે એને વ્હેમ પડ્યો હતો કે કોઈકે એના ધંધા પર મુઠ મારી છે.. કોઈએ કંઈક મેલી વિદ્યાના પ્રયોગ થી એને હેરાન પરેશાન કરી
નાખ્યો છે. એટલે એણે મોગલ માતાનો માંડવો કરવાની માનતા રાખી !!
મોહનનગરના નાકા પર એને ઉભું રહેવું હવે જોખમી લાગતું હતું. મગન રોજ વિરજી ઠુંમરનાં કારખાને હીરા ઘસવા આવતો હોવાની બાતમી એને ભીમજી મૂછે આપી હતી.અને ભીમજી એ મગનના બચ્ચાને ખોખરો કરવા માગતો હતો.
હવે ખોંખારો ખાઈને મૂછે વળ ચડાવીને એ મગન સામે આંખ મારવાની તો દૂર..સામું પણ જોતો નહોતો. રામાં ભરવાડે એને કહ્યું હતું કે મગન ક્રાઈમ બ્રાન્ચમાં જોડાયેલો પોલીસ છે. પણ ભીમજીના દિમાગમાં એ વાત ઉતરતી નહોતી.આ માણસ પોલીસ હોય એવું જરાય લાગતું નહોતું. પણ ક્રાઈમ બ્રાન્ચ કઈ બલા છે તેની એને ખબર નહોતી.
ભીમજી જેવા કારીગરોની ડિમાન્ડ એટલા માટે રહેતી કે ખૂબ ઓછું વજન મારીને વધુ હીરાનો ઘાટ કરવાની ક્ષમતા ધરાવતો હતો.કાચા હીરાને બને તેટલો ઓછો ઘસીને મોટામાં મોટો હીરો કેમ બનાવવો એની કોઠાસૂઝ આવા અભણ કારીગરો ધરાવતા હતા. કોઈપણ કારખાનામાં ભીમજી જેવા કારીગરોની ખૂબ ડિમાન્ડ રહેતી.એ ડિમાન્ડનો પૂરેપૂરો લાભ,આવા કારીગરો એડવાન્સ રૂપિયા માગીને લેતા.જે "બાકી" કહેવાતી. જેમ કારીગર સારો તેમ એને વધુ બાકી આપવામાં આવતી. એક શેઠ બીજાના કારખાનમાંથી આવા કારીગરોને એને મળેલી બાકી કરતા વધુ મોટી ઓફર કરીને પોતાના કારખાનામાં ખેંચી લાવતા. કારખાનેદારો વચ્ચે એકબીજાના કારીગરો ખેંચી લેવાની આ હરીફાઈ
ને કારણે ભીમજી જેવા કારીગરોની ડિમાન્ડ વધતી જ રહેતી.
વિરજી ઠૂંમર ભીમજીને પચાસ હજાર રૂપિયા જેવી મોટી રકમની "બાકી" આપીને બીજાના કારખાનેથી ખેંચી લાવ્યો હતો. સામાન્ય રીતે કારીગરે દર મહિને પોતાના કામના મહેનતાણા માથી અમુક રકમ જમા કરાવવા
ની શરત રહેતી.પણ ભીમજીએ એક પણ રૂપિયો "બાકી" પરત કરવા જમા કરાવ્યો નહોતો. રામાં ભરવાડની મદદથી એ વિરજી ઠૂંમરે આપેલા "બાકી" રૂપિયાનું બુચ મારવા તૈયાર થયો હતો.
કારીગરો આવી બાકી લઈને ભાગી જતા. પોતાના ગામ કે અન્ય શહેરમાં બીજાના કારખાનેથી નવી બાકી લઈને ત્યાં કામે બેસી જતા.થોડા દિવસો પછી ફરી ત્યાં બુચ મારીને વળી ત્રીજી જગ્યાએ નવી બાકી મેળવતા.
આ રીતે પોતાના રૂપિયા લઈને નાસી જતા કારીગરો પાસેથી એ રૂપિયા વસુલ કરવા શેઠિયાઓને રામાં ભરવાડ કે જોરુભા જેવા માથાભારે લોકોની જરૂર પડતી.અને આવી બાકી વસુલ કરવાનું કામ આ લોકોને સોંપવું પડતું. આ લોકો પોતાનું કમિશન લઈને આવા કારીગરોને ગમે ત્યાંથી શોધી કાઢીને "બાકી" ની વસુલાત કરતા. જો કારીગર આ રૂપિયા આપવાની ના પાડે તો એને ઢોરમાર મારવામાં આવતો.કારીગરનું અપહરણ કરવામાં આવતું. કયારેક આ રીતે માર પડવાથી કારીગરો અપાહીજ થઈ જતા. અને કેટલાકનું મોત પણ થઈ જતું.એ વખતે પોલીસ પોતાની રીતે તોડ કરતી.
માત્ર બાકી લઈને નાસી જનાર જ નહીં, કારખાના
માંથી હીરા ચોરનાર કે બદલું મારનાર કારીગરોને પણ શેઠલોકો પકડીને કારખાનામાં ગોંધી રાખતા.
અને ચોરેલા હીરા પાછા ન આવે ત્યાં સુધી માર મારવામાં આવતો. ઘણા કારખાનેદાર આ માટે પોતાના માણસો રાખતા. કેટલાક વિશ્વાસુ કારીગરો પણ શેઠની આવી ઉઘરાણી પતાવી આપતા.
ભીમજીએ રામાને 50 હજારનું બુચ મારવાની વાત કરી ત્યારે એને મગન નો કોઈ ડર નહોતો.એક લબાડ જેવો છોકરો પોતાનું કંઈ પણ બગાડી શકે એવો સહેજ પણ ખ્યાલ એના દિમાગમાં નહોતો.
ભીમજી,પોતાને શેર અને મગનને ગીદડ માનતો હતો.પણ રામાએ એ પોલીસ હોવાની વાત કરી ત્યારે એ વિચારમાં પડ્યો હતો..!
"અલ્યા, તું પોલીસમાં છો
તો પછી આ હીરા ઘસવાનું કારણ શું ? અલ્યા તમને કોઈને ખબર છે ? આ ભાઈ પોલીસમાં છે..!"
ભીમજીએ એક દિવસ મગનને ટપાર્યો.
"તું તારા કામથી કામ રાખ.
હું પોલીસમાં હોઉં કે હીરા ઘસુ હોવ..તારે એ જાણવાની જરૂર નથી.."
મગને બેફિકરાઈથી કહ્યું.
તે દિવસે એક ડંડો ઠોકી લીધા પછી એને ભીમજીની બીક રહી નહોતી.પણ એ કારખાનામાં પોલીસવાળું નાટક વધુ વિખ્યાત કરે એવું મગન ઈચ્છતો નહોતો. જો આ વાત કારખાનામાં ફેલાય તો બધા જ કારીગરો પૂછપુછ
કરે.જે મગનની પોલ ખોલી શકે એવી બાબત હતી.
અને એકવાર જો રામાં ભરવાડને ખ્યાલ આવી જાય કે મગનને અને પોલીસને નાવા કે નિચોવવાનો'ય સબંધ નથી તો એની ઉપરથી પોતાની ધાક નીકળી જાય.અને રામો ભરવાડ પછી હેરાન કર્યા વગર રહે નહીં.એ વાત મગન સારી રીતે જાણતો હતો.
નાથાને, મગને આ વાત કરી હતી. નાથો કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરનું નામ ચાવડા સાહેબ છે એવું જાણી લાવ્યો હતો. ગમે તેમ કરીને એકવાર વિરજી ઠુંમરના કારખાને ચાવડા સાહેબ મગનને મળવા આવે એવી કંઈક યોજના ઘડવાની હતી. બધા કારીગરોની હાજરીમાં પોલીસ ઇન્સ્પેકટર મગન સાથે હાથ મિલાવીને એની બાજુમાં બેસીને હીરા ચોરનાર કારીગરોને પકડવાની વાત કરે એવું આયોજન કરવાનું મગન અને નાથાએ કરવાનું નક્કી કર્યું હતું.
ચાવડા સાહેબને એ માટે તૈયાર કરવા એ અશક્ય હતું. એનો ઈલાજ નાથાને સુજી આવ્યો હતો.પોતાના કોઈ દોસ્તને પોલીસ ઇન્સ્પેક્ટરનો ડ્રેસ પહેરાવીને નકલી પોલીસ ઇન્સ્પેકટર તૈયાર કરવાની યોજના જ કામ આવે તેમ હતી. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈને અહીં કારખાનામાં ભોજીયો ભાઈ પણ ઓળખતો ન હોય એ સ્વાભાવિક હતું.
આ રીતે વિરજી ઠુંમરના કારખાનામાં મગન પોતાના હીરા સાથે પોતાનું વજન પણ વધારવા માગતો હતો.
નાથાએ એ માટે કોલેજના નાટકમાં કામ કરી ચૂકેલા જયેશ મેવાડાને તૈયાર કર્યો હતો. આ નાટક, બસ્સો રૂપિયા ચાર્જ લઈને જ્યેશે બખૂબી પાર પાડી આપવાની ખાતરી આપી હતી..
* * * * * * *
આજ ઘણાં દિવસો પછી મગન અને નાથો કોલેજ આવ્યા છે.એમ.કોમ.ના કલાસમાં એ બન્નેને પ્રવેશતા જોઈને ચમેલીની આંખો ચમકી ઉઠી.મગન અને નાથાએ જીન્સ અને ટીશર્ટ ચડાવ્યા હતા. વાળમાં હલકું ફુલકું તેલ નાખીને એકદમ વ્યવસ્થિત માથું બન્નેએ ઓળ્યું હતું. આંખ પર એક સરખા જ ગોગલ્સ,કમરમાં ગુસીના બેલ્ટ અને પગમાં રીબોકના સ્પોર્ટ શૂઝ ઠબકારીને બન્નેએ રમેશનો સ્પ્રે પણ છાંટયો હતો.
મગને ગોગલ્સ ઉતારીને ટીશર્ટના કોલરમાં ભરાવ્યાં. અને ચમેલી સામે હાથ હલાવીને હાઈ કર્યું. નાથાએ પણ છોકરીઓના વૃંદમાં નજર નાખી અને નધણીયાતું સ્માઈલ એ તરફ ફેંક્યું. એકલવડીયા બાંધાનો નાથો આજે ચોકલેટી લાગતો હતો. નાથાએ યલો અને મગને રેડ ટીશર્ટ ઠઠાડયું હતું..
રાઘવે જતી વખતે બન્નેના ખિસ્સામાં દસ દસ હજાર નખાવ્યા હતા..
"જાવ દીકરાઓ જલસા કરો..સ્લીપરિયા અને ભેંસના ચામડાના બુટ ફગાવી દો.. લબાડીયા બુશકોટ અને ઢીલા ઢીલા પેન્ટ ફાડીને ફેંકી દો..હવે તમે ડાયમન્ડ છો..ધૂળના ઢેફા નહિ.."
મગનને એના જુના કપડાં,અને સ્લીપર પોતાની ફટીચર બેગમાં મુકતો જોઈને નાથાને નવાઈ લાગી હતી.
"અલ્યા એ ગાભા બેગમાં શું લેવા ખોસે છે ? તારા ગાભા કંઈ નરશી માધાનું હીરાનું પડીકું છે..? નાખ એને કચરામાં.." નાથાએ મગનના જુના કપડાં એની બેગમાંથી ખેંચ્યા.
એને રોકતા મગને કહ્યું,
"નાથા..તેં લાવારીસ પિક્ચર જોયું છે ને ! એમાં અમિતાભને સારી નોકરી મળી જવા છતાં એ પોતાનો લિબાસ સાચવીને મુકતા કહે છે કે આદમી કો આપની ઔકાત ભૂલની નહીં ચાહીએ..નાથા આપણી ઔકાત આ જુના ગાભા છે એ આપણે યાદ રાખવાનું છે.. જેથી ગરીબ માણસો પ્રત્યે આપણને હંમેશા દયા ભાવ રહે, અભિમાન આવે ત્યારે આ ફટીચર બેગ અને તારા આ લટકી રહેલા બગલઠેલા સામું જોઈ લેવાનું..આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ એ યાદ કરાવશે આ આપણી પોતીકી ચીજો."
નાથાએ મગનની પીઠ થાબડી હતી.
ચમેલીની બાજુમાં જ આજે મગને બેઠક લીધી. અને નાથો એની પાછળની બેન્ચ પાસે પહોંચ્યો ત્યારે એને જોઈને એ બેન્ચમાં બેઠેલા વિદ્યાર્થીએ ખસીને નાથાને જગ્યા કરી આપી.
"સાલું દેખાવનો દબદબો તો જો..લઘરવઘર વેશ હતો ત્યારે છેલ્લી બેન્ચમાં બેસવું પડતું'તું...આજ આ જીન્સ ટીશર્ટને જોઈએ ત્યાં જગ્યા મળે છે...આભાર દોસ્ત.."કહીને નાથો પણ ગોઠવાયો.
"સેન્ટ મસ્ત છે યાર..ક્યાંથી લીધું.."બાજુવાળાએ નાથાને પૂછ્યું.
"આવજે ને મારી રૂમે.. છાંટી આપીશ.મારા દોસ્તનું છે..અને બહુ મોંઘું હોય..કોકનું મળે તો છાંટી લેવાય.બાપાના પૈસે સેન્ટ છાંટવાના સવાદીયા નો થવાય..હવે કપડાંનું નો પૂછતો..હમજ્યો.."
નાથાનો જવાબ સાંભળીને
બધા હસ્યાં. ચમેલીએ મગન તરફ ખસીને એની અડોઅડ બેઠી.
"ઓ મગન, ટું આજે બો મસ્ટ લાગટો છે. પણ ટૂં કેવો માનસ છે..ટને કંઈ ભાન બાન મલે કે ની..આજે પચ્ચીસમેં ડીવસે તું ડેખાયેલો મલે.. હમના આવતા મન્ઠમાં તો એક્ઝામ ઠહે..ટું બિલકુલ ભન્યો જ નઠ્ઠી તો હું મારું કપાલ લખવાંનો ઉટો પેપડમાં..ચલ આજ હું તને માડી બુક્સ આપવા..ટું અને નાઠીયો લખી લેવ..
કઈ જાટના ટમે લોકો છો એ જ ટો મને હમજ ની પડે.."
"આભાર..ચમું ! આ દુનિયાના જટિલ જંગલમાં મારો માર્ગ કરવા હું તો છું ભમુ..! જાણું છું કે તારા દિલમાંથી એક સ્નેહનું ઝરણું નાચતું કુદતું નીકળ્યું છે.કારણ કે હું તો તને છું ગમું..! પણ મારા પથની કેડીને કંટકવિહોણી કરવા હું છું ઝઝુમું..આભાર મારી દોસ્ત ચમું.. !"
મગનના સંવાદમાં ચમેલીને બે વખત આવેલું 'ચમું' શબ્દ સિવાય કંઈ સમજ ન પડી. એણે મગન સામે આંખો પટપટાવીને સ્મિત કર્યું. મગને એને ચમું કહ્યું હતું એટલે એને ગલીપચી થઈ રહી હતી..
"જો પાછો આને હુમલો આવ્યો..સાલો છોડીયું ભાળીને ભૂરાંટો થાય છે"નાથાએ પાછળથી મગનને ઠોસો માર્યો. એ જ વખતે તારીણી દેસાઈ કલાસમાં દાખલ થયા. બધા સ્ટુડન્ટ ઉભા થયા અને ગુડમોર્નિંગ કહ્યું.
"સીટ ડાઉન ગાયઝ...ગુડ મોર્નિંગ.." તારિણી દેસાઈએ કલાસમાં નજર ફેંકી..મગનને ચમેલીની અડોઅડ બેઠેલો જોઈને એમને ચંપક યાદ આવી ગયો.એમની આંખોમાં એક તણખો સળગીને તરત જ ઓલવાઈ ગયો.
નાથાએ હજુ પણ ગોગલ્સ ચડાવી રાખ્યા હતાં. તારિણીને પોતાના કલાસમાં કોઈ આવી હીરોગીરી કરે તે પસંદ નહોતું.
"હેલો..ઓ હીરો.ગોગલ્સ ઉતાર હવે..ગાર્ડનમાં નથી બેઠો તું..કલાસરૂમ છે..એક તો ચોમાસાની વીજળીની જેમ ક્યારેક ક્યારેક ચમકો છો અને આજે પાછા ઠાઠમાઠથી પધાર્યા છો..
બાપાએ પૈસા મોકલ્યા લાગે છે..."
કલાસ ખખડાટ હસી પડ્યો. નાથાએ ઝંખવાઈને ગોગલ્સ ઉતારી નાંખ્યા. અને ઉભા થઈને "સોરી મેમ..પૈસા બાપાએ નથી મોકલ્યા.. આમેં જાતે જ કમાયા છીએ. અને બાપાએ મોકલ્યા હોય તો પણ તમે મારા બાપુજીને અહીં લાવી શકો નહીં.. તમે સ્ટાફરૂમમાં બેભાન થઈને ઢળી પડ્યા'તા તે દિવસે અમે તમને હોસ્પિલ ભેગા કર્યા'તા..એ આવી રીતે અમારો પટકી પાડવા નહીં. તમે સીધી રીતે પણ કહી શક્યા હોત કે ભાઈ તું ગોગલ્સ ઉતારી નાખ..જો તમે એમ કર્યું હોત તો અમને તમારા પ્રત્યે અભાવ ન આવેત. પણ તમે લોકો સાવ નગુણા છો.."
નાથાએ બેસતાં બેસતાં મગનને કહ્યું, "ઉઠ, મગન હવે તારો વારો..ઓલ્યા સ્પેશિયલ બાણ કાઢ આજ..ભલે થઈ જાય."
કલાસમાં પિન ડ્રોપ સાયલન્સ થઈ ગયું. આશરે ચાલીશ વિદ્યાર્થીઓની એંશી આંખો વારાફરતી તારિણી અને મગન તરફ અપ ડાઉન કરી રહી.
મગન ખોંખારો ખાઈને ઉભો થયો.એ જોઈને તારિણીને આ અગાઉ મગને જે થ્રુ આઉટ શબ્દોની સાઠમારી કરેલી એ યાદ આવ્યું.
"જો ભાઈ મેં તને કશું જ કહ્યું નથી. પ્લીઝ તું કંઈ બોલતો નહીં. બેસી જા, બેસી જા...ચમેલી તું એને બેસાડી દે.. પ્લીઝ.."
કલાસ ફરી વખત ખખડયો.
"સાયલન્ટ પ્લીઝ..આપણે ટોપીક શરૂ કરીએ છીએ."
બધાએ ફરી મગન સામે જોયું. ચમેલીને થોડા દિવસો પહેલા પપ્પાની થયેલી ધુલાઈ યાદ આવી.
"જે કેવું હોય ટે કહી જ ડેવ ની..ઉભો ઠયો જ છે ટો હું બોલ્યા વગડ જ બેહી પડવાનો ? ટો ઉભો જ હુકામ ઠયો..."
નાથાએ બેઠા બેઠા ફરી અવાજ કર્યો, "જૂનો ટોપિક પૂરો થયા પેલા નવો ટોપિક શરૂ કરવાનો નથી. ચાલ મગન આપણો ટોપિક ચાલુ કર.. મેડમ તમારે સાંભળવું જ પડશે.તમે મારા બાપુજી નું નામ લઈને રણશીંગુ ફુક્યું છે. બોલ મગના..હવે"
" જુઓ તારિણી મેડમ. આપના ચક્સુઓ જ્યારે પણ અમારા મુખ નિહાળે છે ત્યારે તમારા દિલમાં દબાયેલી નફરતનો ધોધ અમને દૂર ધકાવે છે.શા માટે ? કંઈ લખ્યું છે અમારા લલાટે ? તમારા જ્ઞાનની સરવાણીના સ્ત્રાવનો લ્હાવ આ તમામની જેમ અમે પણ લઈ શકીએ છીએ..કારણ વગર તમે અગર મગર કર્યા કરશો આ રીતે, તો ક્યાં જઈને ઠરશો..ડિયર નાથેશનું તમે સ્વમાન ઘવાય એવું વાણી વર્તન કરીને, મને ફરીને ફટકો માર્યો છે.. આ વાતનો ઝટકો લાગ્યો હોવાથી અમે આપના વિરુદ્ધ ફરિયાદ કરીને તમને ફરી વખત યાદ રહે એવું તો જરૂર કરીશું..
ચાલ નાથા..આપણે ડીન સાહેબને મળીએ.."કહીને મગન ચાલતો થયો.એની પાછળ નાથો અને ચમેલી પણ કલાસમાંથી નીકળી ગયા. વાતનું વતેસર થઈ ગયું. તારીણી દેસાઈને પોતાની ભૂલ સમજાઈ હતી. લેક્ચર હવે લેવો કે નહીં એ એમને સમજાતું નહોતું. પર્સમાંથી બોટલ કાઢીને એમણે પાણી પીધું અને કમને લેક્ચર લીધું.
* * * * * * * * * * * *
રસિક દવે ફરી એકવાર તારીણીને યાદ કરતા કરતા કેટલાક હિસાબો જોઈ રહ્યા હતા.અને "મુજે તેરી મ્હોબત કા સહારા મિલ ગયા હોતા..અગર તુફાં નહિ આતા...કિનારા..આ મિલ ગયા હોતા..."
એ ગીત ગણગણતા હતાં.
ત્યાં જ પટ્ટાવાળા છગને અડધિયા બારણાને ધક્કો માર્યો અને જોરથી ગાંગર્યો.
છગનને રસિકલાલ બિલકુલ પસંદ નહોતા.અને રસિકલાલને કોઈ મોટા અવાજે બોલે એ બિલકુલ રાસ આવતું નહીં. છગન પટ્ટાવાળો આ વાત જાણતો હતો. એટલે જાણી જોઈને જોરથી જ બોલતો..
"સાહેબ.. તમારો સહારો લેવો બે સોકરા અને એક સોડી આયાં સ. કિનારા મયલા હોય તો કાંઠે આવો. અને હું ઇમને માલિપા મોકલું કે નઈ ઈ કયો.."
"છગના, તને હજાર વખત કીધું છે કે ધીમે બોલ.. ડફોળ સમજતો જ નથી.."
"સાહેબ મને ભગવાને અવાજ જ એવો દીધો સ. હવે બોલોને મોકલું છોકરાવને..?"
"મોકલ..અને તું જા અહીંથી.."રસિકલાલે કંટાળીને કહ્યું.
ઓફિસના બારણાના અડધીયાને ધક્કો મારીને નાથો, મગન અને ચમેલી ડીન રસિકલાલ દવે સમક્ષ અદબ વાળીને ઉભા રહ્યાં.
રસિકલાલે ત્રણેયને પગથી માથા સુધી જોઈને કહ્યું,
"યસ..?"
"સર, અમારે તારીણી દેસાઈ વિરુદ્ધ કમ્પ્લેન કરવાની છે..!" નાથાએ કહ્યું.
"હેં..એં... એં.. એં...! તારિણી વિરુદ્ધ કંમ્પ્લેઇન..
કેમ શું થયું..?"
રસિકલાલને દિલની દુનિયાની ક્ષિતિજે એક તક નો સૂરજ ઉગતો દેખાયો.
"તારિણી વિરુદ્ધની કંમ્પ્લેઇન ગંભીર હોય તો સારું." મનના પડદા પર માફી માંગતી તારીણીની આંખોમાંથી દડી રહેલા આંસુ લૂછતો રસીક એમને દેખાયો..એ રસિક આગળ વધીને તારિણીને છાતીએ વળગાડે એ પહેલાં નાથો બોલ્યો, "સર..અમને લોકોને એ મેડમ ટાર્ગેટ કરે છે..કલાસમાં ઉતારી પાડે છે..આ ચમેલીને અમારા વિરુદ્ધ ભડકાવે છે. તમે એમને સૂચના આપી દેજો. નહિતર..." નાથાએ કહ્યું.
"નહિતર..શું..? બોલને.. ભાઈ..? શું કરી લઈશ તું ? ભડાકો કરવાનો છો..? ક્લાસના સંખણા બેસવું નથી..અને મેડમની ફરિયાદ કરવા દોડ્યા આવ્યા..?"
"સર તમે વાત તો સાંભળો..આ ચમેલીને પૂછો.અમે એને ભોળવતા નથી..તો પણ એ આને એમ કીધા કરે છે કે તું આ લોકોથી દૂર રહેજે.એના પપ્પાને પણ એમણે બોલાવેલા અમારી ફરિયાદ કરવા.. સર આવું ન ચાલે..
તમે અમારી ફરિયાદ ન સાંભળો તો અમારે ક્યાં જવું..તમે ડીન છો.."
નાથાએ ચમેલીનું નામ આપ્યું એટલે રસિકલાલના મનમાં ચમકારો થયો..
"તું પેલા ચંપક ગોટાવાળાની છોકરી છો ?"
રસિકલાલને ચંપકના ગોટાનો સ્વાદ યાદ આવતા મોંમાં પાણી આવી ગયું.
"હા હા...સડ.. અમાડી સડનેમ કાંટાવાલા છે..પન અમાડા ગોટા બહુ જ વખનાટા છે..સડ મને એવા એ બોવ જ ટોડચડ કડતાં છે..મેં કાંઈ નાની કીકલી ની મલું...મને બઢી જ હમજ પડટી છે..." ચમેલીએ ચલાવ્યું.
"એમ ? તને બધી જ સમજ પડે ? શું સમજ પડે છે ? ભણવાને બદલે આવા છોકરાઓ જોડે રખડવાની ? તારા પપ્પાને હું ઓળખું છું. હું આવી ગયો તમારા ગણપતના ગોટા ખાવા...લીંબુ નીચોવીને ગરમ ગરમ ગોટા ખાવાની શું લિજ્જત છે..
વાહ..ચોમાસાનો ધોધમાર વરસાદ પડતો હોય..ને ટાઢ
ના ઉખરાટા બોલતા હોય ને બરાબર એ વખતે જો ગણપતના ગોટા મળી જાય
ને તો અહાહા..હા.." રસિકલાલે રસનો ઘૂંટડો ગળ્યો.
"સર અમારી કમ્પ્લેન.." નાથાએ યાદ કરાવ્યું. પણ
રસિકલાલનો અવાજ સાંભળીને છગન અડધિયા
ને ધકાવીને અંદર આવ્યો.
"સાહેબ, લિયાવું ગોટા ? અહીં હામે જ મળે સે..બોવ મસ્ત..લાવો પચ્ચાના લેતો આવું..આ સોકરા'ય ખાશે..ચયારેક તો ખીસુ સુટુ મુકો..તમારી પેલા જે શાબ હતા ઇ તો બવ ખવડાવતા..તમે તો ભીંડાને'ય ચીકાસમાં વાંહે રાખો ઇમ સવો.."
"નાલાયક..છગના..બહાર જા...જા બહાર..! સાલો નાસ્તાથી જ ધરાતો નથી.."
રસિકલાલ ખીજાયા. એમના મોંમાંથી થુંકના છાંટા ટેબલ પર પડ્યા.
એ જોઈને ચમેલી હીહીહી
કરીને હસી પડી.
"સર અમારી કમ્પ્લેન.." વળી નાથાએ યાદ કરાવ્યું.
"એય છોકરી કેમ હસે છે..જા મારા માટે કાલે ગરમ ગરમ ગોટા બે કિલો લેતી આવજે.અને તું શું ક્યારનો કમ્પ્લેન કમ્પ્લેન ચોટયો છો..જાવ અહીંથી, હું એમને સમજાવી દઈશ.."
"ઉંચા પદને પામીને આપ અમારી દાદ ફરિયાદ કાને ધરતા નથી સાહેબ.. આપના આવા ઉદંડ સ્વભાવને જોઈને મને અત્યંત દુઃખ થાય છે.આપ અમારી લાગણી અને માંગણીને ધ્યાનમાં લીધા વગર ગોટામાં ધ્યાન આપીને તમારું નામ મોટામાંથી કઢાવીને લોટામાં બોળાવી રહ્યાં છો.આપનું નામ રસિક હોવાને લીધે તમે બીજી વાતોમાં રસ લઈ રહ્યાં છો..અને અમારી ફરિયાદ વારંવાર યાદ કરાવવા છતાં તને નીરસ રહ્યાં છો.તારીણી મેડમના
ત્રાસથી ત્રસ્ત થઈને અમે તમારી આગળ ધા નાખી, પણ તમારા મોં પરથી ન ઉડી માખી..ગોટા તો તમે લીધા છે ચાખી છતાં નથી ધરાયા..અરે નાથા ચાલ આપણે અહીં ખોટા છીએ ભરાયા..."
અત્યાર સુધી ચુપ ઉભેલો મગન આખરે ઉપર મુજબ સંવાદ બોલ્યો.અને રસિકલાલને વિચારતા મૂકીને ચમુંનો હાથ પકડીને એને ખેંચતો ઓફિસમાંથી બહાર નીકળી ગયો.
રસિકલાલ, લાલ થઈને એને જતો જોઈ રહ્યાં.