Jaane-ajaane - 41 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (41)

Featured Books
Categories
Share

જાણે-અજાણે (41)

હાલત બગડવા લાગી એટલે રેવાને થયું કે જો હું આવી હાલતે દાદીમાં સામે જઈશ તો તે ચિંતામાં મુકાશે એટલે રેવા ત્યાંથી ચાલી ઘરની બહાર થોડે દુર આવેલાં ઝાડની પાછળ જઈ બેસી ગઈ. એટલામાં રોહન બહાર નિકળ્યો. આસપાસ નજર ફેરવવા લાગ્યો. ખબર નહીં શું શોધતો હતો!... શું તેણે રેવાને જોઈ લીધી હતી?

ખબર નહીં... પણ રોહનનું ધ્યાન કોઈકને શોધવામાં હતું. તેનાં ચહેરાં પર એક અસમંજસનો ભાવ દેખાતો હતો. તે બાઈકને એમ અડકી રહ્યો હતો જેમ કોઈકનો અહેસાસ તેને થયો હોય. બીજી તરફ રેવા પોતાની જ જાતથી લડતી હતી અને અસ્પષ્ટ દ્રશ્યો સાથે એક જગ્યા બેસી રહી. રોહનને આસપાસ જોતાં કોઈ દેખાયું નહી એટલામાં સાક્ષીની બૂમ સંભળાયી અને તે અંદર ચાલ્યો ગયો. રેવા એકસાથે બે વાર્તા રચવા લાગી હતી. તેને જાતે જ ખબર નહતી. થોડીવારમાં તેની તબિયત સુધરી અને તેનાં જીવમાં જીવ આવ્યો. છતાં તે ખુશ નહતી. તેનું મન કોઈક ગૂંચવણમાં પડી ગયું હતું. અને પોતાના વિચારોમાં જ ખોવાય ગઈ. રેવા વિચારવા લાગી " આ શું થાય છે?... જ્યારે પણ મને લાગે છે કે હવે મારાં જીવનમાં બધું સુધરી જશે ત્યારે જ કંઈક અજુગતું થઈ જાય છે. જ્યારે હું મારો ભૂતકાળ યાદ કરું તો યાદ આવતો નથી. અને હવે હું બધું ભૂલી નવી શરૂઆત કરવાં માંગું છું ત્યારે મને આમ ભણકારા થાય છે.... મને તો ખબર પણ નથી કે મારી વિતેલી જીંદગી કેવી હતી!.. શું તેમાં કોઈ એવું હતું કે જે કૌશલની જગ્યા લઈ શકે?... શું કોઈ એવું હતું કે જેને મારી ચિંતા મારાંથી વધારે હતી?... હું તો બધું ભૂલી નવી શરૂઆત કરવાં માંગું છું પણ શું કોઈ એવું હતું જેને હું સૌથી વધારે ચાહતી હતી!?...

ના..ના.... એમ કેમનું કોઈ હોવાનું!... પણ જો રહ્યું હશે તો?... તો તો હું તેની સાથે પોતાની અને કૌશલની સાથે પણ અન્યાય કરી રહી છું!... પણ કૌશલ.... પણ મારો ભૂતકાળ...?... શું કરું કંઈ જ સમજાતું નથી.
( અશ્રુ ભરેલી આંખોથી) કેમ ભગવાન?.. કેમ?.... મારી સાથે જ કેમ?..." આજે રેવાને હાથમાં આવેલી ખુશીઓ ફરીથી છૂટવા લાગી. કૌશલ ફરીથી તેનાથી દૂર થવાં લાગ્યો. અને જાણે-અજાણે તેનું કારણ રોહન જ બન્યો. બપોરની તેજ તાપમાં ધૂળમાં બેઠેલી રેવાને પાછળથી પોતાનાં નામની બૂમ સંભળાયી. કૌશલ તેની પાછળ ઉભો હતો. જેમ સવારે કહેવાં મુજબ કૌશલ આજે આખો દિવસ રેવાને આપવાનો હતો. પણ રેવાનું મન તો બીજા જ પાટે ચડી ગયું હતું. તેને આમ કંઈક વિચારતાં જોઈ કૌશલ તેની સાથે ધૂળમાં બેસી ગયો. અને તેનો હાથ પોતાનાં હાથમાં લઈ પુછ્યું " શું થયું? " આ બે શબ્દો રેવાને કમજોર બનાવી ગયાં અને રેવાનાં મનની બધી લાગણીઓ આંખોથી છલકી પડી.
રોકવાની કોશિશ છતાં વિફળ પ્રયાસ પછી પણ નિકળતાં આંસુ જોઈ કૌશલ થોડો ગભરાયો. પણ રેવાને સમય આપતાં કશું બોલ્યો નહીં. ઘડીકવારમાં રેવાએ વાત શરૂ કરી. કૌશલ મને નથી સમજાતું મારાં માટે શું સાચું છે અને શું ખોટું છે!... હું જ્યારથી આ ગામમાં આવી છું મેં માત્ર મારાં પરિવારને માંગ્યો છે. અને આજે આ ગામનાં લોકો મારો પરિવાર બની ગયાં છે. એટલી હદ્દ સુધી કે મને મારાં ઘરની યાદ નથી આવી રહી. પણ આજે મને તારાં માટે બીક લાગે છે... આજે મને મારાં માટે બીક લાગે છે!... તું એકમાત્ર વ્યક્તિ છે જેની સાથે હું ઝઘડી છું, વાત પણ સાંભળી છે અને છતાં મિત્રતા પણ કરી છે. અને પહેલાં દિવસથી આજ સુધીમાં ઘણાં બદલાવ, ઉતાર-ચઢાવ અને પરિસ્થિતિને કારણે એક અલગ સંબંધ જોડાય ગયો છે. જે માત્ર આપણો છે કોઈની દેન નથી. પણ....." " પણ શું? " કૌશલે તરત પુછ્યું. " પણ જો મારાં ભૂતકાળની લીધે આપણાં સંબંધ પર અસર થશે તો?... જો ભવિષ્યમાં તને મારાં વિશે કંઈક એવું જાણવાં મળશે કે જે આપણાં વચ્ચે... મતલબ... જે નહીં સારું હોય તો?... " રેવાએ અચકાતા કહ્યું.

કૌશલ થોડીવાર વિચારમાં પડી ગયો અને પછી ધીમેથી રેવાની થોડી નજીક જઈ બોલ્યો " તો પણ હું તારો સાથ નહીં છોડું. આપણો સંબંધ સામાન્ય નથી. અને બીજી વાત, મને તારી પાસેથી કોઈ આશા નથી રાખવી. હું માત્ર તને ખુશીઓ આપવાં માંગું છું. હું તારી સંભાળ લેવા માંગું છું. હું તને તારો હક્ક આપવા માંગું છું. તારાં જીવનમાં હું એ વ્યક્તિ બનવા માંગું છું કે જ્યારે તું મારું નામ સાંભળે ને તો તારાં ચહેરાં પર ખુશી આવી જાય એક સ્મિત આવી જાય... અને મેં તારા માટે ના પહેલાં કોઈ વિચારસરણી બાંધી હતી કે ના ભવિષ્યમાં બાંધીશ. " રેવાની આંખોમાંથી આંસુ ટપ ટપ પડવા લાગ્યા. આજથી પહેલાં આટલો નિસ્વાર્થ સંવાદ પોતાનાં માટે સાંભળ્યો નહતો એટલે તેને લાગણીની અસર થોડી વધારે જ હતી.

કૌશલ ઊભો થયો અને નીચે બેઠેલી રેવા તરફ હાથ લંબાવતા કહ્યું " હું તારાં દરેક નિર્ણયમાં સાથ આપીશ કોઈ પ્રશ્ન પૂછ્યા વગર. તું મને તારી આસપાસ હંમેશા તારાં પડખે જ ઉભેલો જોઈશ..." અને રેવાએ તેનો હાથ કૌશલનાં હાથમાં મુકી દીધો. જેમ એકમાત્ર વિશ્વાસ કૌશલ પર જ દેખાય રહ્યો હતો. છેવટે રેવા અને કૌશલે આખો દિવસ પોતાની મસ્તીમાં પસાર કર્યો. ના કોઈ શર્ત કે ના કોઈ આશ વગરના પાયે બંધાયેલો આ સંબંધ જાણે-અજાણે તેમને અનેક નવી પરીક્ષાઓ તરફ ખેંચી રહ્યો હતો.
રાત્રીનાં અંધકાર ચારે તરફ ફેલાય રહ્યાં હતાં અને પવનનાં ઠંડાં વાયરાં વહી રહ્યા હતાં. રેવા પોતાનાં ઘરમાં હતી, દાદીમાં સાથે હતી છતાં તેને કંઈક આભાસ હતો, કંઈક ખોટું થવાનો આભાસ. જોતજોતામાં તેનું મન અધીરુ થવાં લાગ્યું એટલે તે ઘરની બહાર ઓટલે બેઠી. પવનની ઝડપે વહેતો ઠંડી સુસવાટા મારનાર હતી. રેવાનું મન- મગજ એ ઠંડી પર નહતું. ના જાણે શું વિચારતી હતી. થોડીવારમાં તેનું માંથુ નીચું ઝૂક્યુ અને પોતાનાં હાથને પગ પર ટેકવી પોતાનાં માંથાને હાથની હથેડીઓ પર ટેકવી બેસી રહી. સામેથી ચાલતાં આવતાં પગલાનો અવાજ સંભળાયો. ધીમે ધીમે નજીક આવતો એ અવાજ જાણીતો નહતો. છતાં રેવાને તે અજાણ્યો પણ નહતો લાગી રહ્યો. પણ તે પોતાનાં વિચારોમાં મશગુલ તે અવાજને અવગણી રહી. સામેથી એક હાથ લંબાયો અને સાથે એક અવાજ આવ્યો " કોણ છો તમેં?.. શું થયું આમ કેમ બેઠા છો?" અલાજની તીવ્રતા રેવાનાં કાનથી તેનાં મગજ સુધી ફેલાય ગઈ. મગજની નસો એકસાથે કાંપી ઉઠી. અને એક ઝટકો તેનાં મગજને વાગ્યો. તે આંખ ઉંચી કરીને જોવે તે પહેલાં તેને તમ્મર આવી ગયાં અને તે નીચું જ જોતી રહી. રેવાનું મોં તે ઉભેલાં વ્યક્તિને દેખાય નહતું રહ્યું. એટલે ફરીથી ઉપર જોવાં આગ્રહ કર્યો. રેવાએ એક ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી ઉપર તરફ નજર કરી. સામેં ઉભેલાં વ્યક્તિની આંખો પહોળી થઈ ગઈ, તેને ભર શિયાળે પરસેવા છૂટી ગયાં. રેવાનાં ચહેરાં એ તેની બોલતી બંધ કરી દીધી. અને રેવાએ તે વ્યક્તિને જોતાં જ ફરીથી તબિયત બગડવા લાગી. તેનાં શ્વાસ રોકાય રહ્યાં હતાં. ધમનીઓમાં રક્ત અગ્નિ જેમ ઉછાળો મારવાં લાગ્યું. અને અચાનક તેની આંખે અંધારાં આવી ગયાં અને રેવા ત્યાં જ બેભાન બની જમીન પર પટકાય ગઈ. આ જોઈ સામેં ઉભેલી વ્યક્તિ ઊંધા પગે પાછી ભાગી ગઈ. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રોહન હતો.

રેવાને જોતાં જ તેને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો અને ગભરામણમાં ત્યાંથી ભાગી ગયો. રેવાને આજે પોતાની નિયતિ હોવાનો અહેસાસ એક ક્ષણ માટે થઈ ચુક્યો હતો જેનાં કરણે તે બેભાન જમીન પર પડી ગઈ.

થોડાં સમય પછી જેમતેમ કરી દાદીમાં રેવાને ઘરની અંદર લાવ્યાં. બેભાન રેવાને જોતાં તેમની ગભરાતાં ગભરાતાં અનંતને પોતાને ઘેર બોલાવ્યો. ઘણાં દિવસો પછી અનંત રેવાને ત્યાં આવ્યો હતો. રેવાને આટલાં લાંબા સમયે જોતાં તેની મનની ખુશીનો પાર જ ના રહ્યો. અનંતનાં મનની લાગણીઓ આજે તેની આંખોમાં ચોખ્ખી દેખાતી હતી. દાદીમાં પણ તે લાગણીઓ જોઈ શક્તાં હતાં. જે ચમક અને ચિંતા દાદીમાં એ કૌશલની આંખોમાં જોઈ હતી તેવી જ ચમક અને ચિંતા આજે અનંતની આંખોમાં જોતાં દાદીમાંને કોઈ અસામાન્ય સ્થિતિનો અનુભવ થઈ રહ્યો હતો. પણ સમય અને સ્થાનની મર્યાદા સમજતાં તે કશું બોલ્યાં નહીં.

રોહનને ખબર પડી ગઈ છે કે રેવા એટલે કે નિયતિ જીવતી છે અને ગામમાં જ રહે છે...શું પગલું ભરશે રોહન?.. બીજી તરફ અજાણ્યા સંબંધો અનંત, રેવા અને કૌશલ વચ્ચે રચાય રહ્યાં હતાં. શું પરિણામ લાવશે આ લાગણી અને ઈચ્છાઓ?!....