Angat Diary - Satyamev Jayate in Gujarati Philosophy by Kamlesh K Joshi books and stories PDF | અંગત ડાયરી - સત્યમેવ જયતે

Featured Books
Categories
Share

અંગત ડાયરી - સત્યમેવ જયતે

અંગત ડાયરી
============
શીર્ષક : સત્યમેવ જયતે
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ


જો તમે ટીચર હો અને પરીક્ષાના સુપરવિઝન દરમિયાન તમારા પોતાના પુત્રને ચોરી કરવા ન દીધી હોય, જો તમે ટ્રાફિક પોલીસમાં હો અને તમારા ભત્રીજાને ટ્રિપલ સવારીમાં જતો રોકી પહોંચ ફાડી દીધી હોય, જો કોર્પોરેટર, મેયર, મંત્રી, પક્ષઅધ્યક્ષ કે વડાપ્રધાન હો અને તમારો સગ્ગો ભાઈ કારખાનામાં મજુરી કરતો હોય તો યાદ રાખજો તમે શ્રીમદ ભગવદ ગીતાના પહેલા અધ્યાયનો પહેલો શ્લોક પરફેકટલી સમજ્યા છો.. જેમાં વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રના મુખે ‘મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય’ મૂકી છેક પાંચ હજાર વર્ષ પહેલા કહી રાખ્યું હતું કે જે વ્યક્તિ પદનો દુરુપયોગ કરશે તેઓ ધૃતરાષ્ટ્ર જેવું ફળ મેળવશે. જેના જુવાનજોધ દીકરાનું અવસાન થયું હોય તેને પૂછજો કે સંતાન મૃત્યુની પીડા કેવી હોય છે... ધૃતરાષ્ટ્રએ સો સંતાનો ગુમાવ્યા. એની પીડાનું શું કહેવું? એક સંપન્ન વ્યક્તિએ બળાપો કાઢતા કહેલું કે મારી પીડા હું તમારી સામે શબ્દોમાં વ્યક્ત કરું તોયે પચાસ સાંઠ ટકા જ વ્યક્ત કરી શકું...બાકી ભીતરી દર્દ વ્યક્ત પણ ન થઇ શકે એવું હોય છે.

મહાભારતમાં પાંડવો પાંચ જ હતા અને કૌરવોની સંખ્યા સો હતી. હંમેશા સજ્જનોની સંખ્યા ઓછી અને દુર્જનોની સંખ્યા વધુ રહેવાની. ઓફિસમાં ખંતથી કામ કરતા દસે બે કર્મચારી જ જોવા મળશે. હું એમ નથી કહેતો કે બાકીના આઠ દુર્જન હશે.. કદાચ દુર્જન પણ બે ત્રણ જ હોય, બાકીના પાંચ પંદર તટસ્થ, ચિંતિત, નિષ્પક્ષ કે બેફિકર, મૂક બેઠા હશે. બેઠા-બેઠા સમાજના, જ્ઞાતિના કે ઓફિસના સજ્જનો કે દુર્જનોની પ્રવૃતિઓ જોતા હશે. એક સંતે સતયુગ અને કલિયુગની કલ્પના સમજાવી જે મને ગમી. સમાજમાં ૧૫ ટકા પોઝીટીવ અને ૧૫ ટકા નેગેટીવ લોકો હોય છે. બાકીના ૭૦ ટકાનું કંઈ નક્કી નથી હોતું. જો નેગેટીવ લોકો વધુ સક્રિય હોય અને તેઓ ૧૫માંથી ૧૬ કે ૨૦ ટકા થાય ત્યારે પેલા ૭૦ ટકા લોકો નેગેટીવીટીથી પ્રભાવિત થાય છે. એટલે સમાજમાં કલિયુગ હોય તેવું લાગે છે. જો સજ્જન લોકો સક્રિય બને અને તેઓ ૧૦ ટકામાંથી ૨૦ ટકા થાય તો પેલા ૭૦ ટકા સજ્જનો પાછળ જોડાઈ જાય છે અને સમાજમાં સતયુગ લાગે છે. ફર્ક માત્ર પાંચ ટકા લોકો ક્યા પક્ષમાં જાય છે તેનાથી પડે છે. બાકી મહાભારત કાળના ૭૦ ટકા લોકો એટલે જ અઢાર અક્ષોહિણી સૈન્ય. જે હણાયું અને તે લોકોના નામ પણ આપણને ખબર નથી. જે લોકો અત્યારેય માત્ર ખાઈ-પીને જલસા જ કરે છે એ આખું અઢાર અક્ષોહિણી સૈન્ય જ છે.
આપણે ક્યાં છીએ..? સજ્જનમાં, દુર્જનમાં કે તટસ્થમાં?

મહાભારત સીરીયલનો એક સંવાદ તટસ્થોને સમર્પિત કરું છું. એ દ્રશ્યમાં ભીમ નિયમ વિરુદ્ધ ગદા મારી દુર્યોધનને હરાવે છે ત્યારે તીર્થયાત્રામાંથી પરત આવેલા બલરામ ભીમને પડકારે છે. અને એને નિયમો વિરુદ્ધ જવા બદલ ખૂબ ખીજાય છે અને યુદ્ધ માટે પડકારે છે. ત્યારે કૃષ્ણ બલરામ એટલે કે આજના તટસ્થોને કેટલાક ધારદાર પ્રશ્નો પૂછે છે : મોટા ભાઈ, તમે આજે નિયમ વિરૂદ્ધની વાત કરો છો તો ત્યારે ક્યાં હતા કે જયારે દુર્યોધનની કમ્પનીએ બેફામ બની નિયમો તોડ્યા હતા. અભિમન્યુને નિયમ વિરૃદ્ધ માર્યો, દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું.

અરે મારા તટસ્થ મોટાભાઈ... તમે તટસ્થ રહેવા માટે તીર્થયાત્રાએ જતા રહ્યા? યુદ્ધ જાહેર થાય પછી પૃથ્વી પરના તમામ યોદ્ધાઓ માટે એક જ તીર્થસ્થાન હોય છે અને એ એટલે યુદ્ધભૂમિ... અને એ છોડી તમે જતા રહ્યા.. મિત્રો શ્રી કૃષ્ણની આ વાત આપણી ઓફિસ, જ્ઞાતિ, ટીમ અને રાજકારણમાં તટસ્થતાનો અંચળો ઓઢી દુર્જનોને સહાય કરતા તમામ બલરામોને લાગુ પડે છે.

ખેર, શ્રાવણ મહિનો આવી રહ્યો છે... કૃષ્ણજન્મ એટલે કે જન્માષ્ટમી તારીખ ૨૩ ઓગષ્ટ ૨૦૧૯ (આજ થી ૨૬ દિવસ પછી) નો દિવસ આવે એ પહેલા એના વિચારોને આપણે આપણા જીવનમાં ઉતારવા ગીતાજીને આજના સંદર્ભમાં સમજી, ઘરમાં, જ્ઞાતિમાં, ઓફિસમાં, સોસાયટીમાં સજ્જનોનો પક્ષ લઇ સતયુગ માણીએ તો આપણું જીવન ખરેખર સાર્થક થાય...

ખેર.. છેલ્લો શ્લોક.. સજ્જન અર્જુનો માટે....
‘યત્ર યોગેશ્વર: કૃષ્ણ: યત્ર પાર્થ: ધનુર્ધર: તત્ર શ્રીર્વિજ્યોર્ભુતી: ધ્રુવા નીતીર્મતીર્મમ...’
સત્યમેવ જયતે.