ડિમ્પલ કાપડિયા
વાત ૧૯૭૦ની છે. ચુનીભાઈ કાપડિયાના શાંતાક્રુઝ ના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી આમંત્રિત મહેમાનોમાં અન્ય ફિલ્મી કલાકારોની સાથે રાજકપૂર પણ હાજર હતા. તે દિવસે જ રાજકપૂરની નજરમાં પતંગિયાની જેમ ઉડાઉડ કરતી તેર વર્ષની ડિમ્પલ વસી ગઈ હતી. લગભગ બે વર્ષ બાદ રાજકપૂરે “બોબી” માટે ડિમ્પલને કરારબધ્ધ કરી હતી. રાજકપૂરની ખ્વાહીશ હતી કે ડિમ્પલ બિલકુલ નરગીસ જેવો જ વાસ્તવિક અભિનય કરે તેથી તેણે “બોબી” નું શુટિંગ શરુ કરતા પહેલાં ડિમ્પલને નરગીસની કેટલીક જૂની ફિલ્મો પણ બતાવી હતી. તા. ૨૮/૯/૧૯૭૩ના રોજ “બોબી” રીલીઝ થઇ ત્યારે ડિમ્પલની ઉમર સવા સોળ વર્ષ હતી.
ડિમ્પલ કાપડિયાનો જન્મ ૮/૬/૧૯૫૭ના રોજ થયો હતો. બીઝનેસમેન ચુનીભાઈ કાપડિયાને ત્રણ દીકરી અને એક દીકરો હતા સૌથી મોટી ડિમ્પલ. ”બોબી” રીલીઝ થઇ તેના છ મહિના પહેલા માર્ચ ૧૯૭૩માં સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ડિમ્પલ સમક્ષ રાત્રે બે વાગે જૂહુ બીચના ઉછળતા દરિયાની સાક્ષીએ લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. દેશની લાખો છોકરીઓની જેમ ટીનએજર ડિમ્પલ પણ રાજેશ ખન્ના પાછળ પાગલ હતી. સ્કૂલમાંથી બંક મારીને તેણે કાકાની ઘણી ફિલ્મો પણ જોઈ હતી.
તે દિવસોમાં રાજેશ ખન્નાનું અંજુ મહેન્દ્રુ સાથે તાજું જ બ્રેક અપ થયું હતું. રાજેશ ખન્ના અને ડિમ્પલના ઘડિયા લગ્ન લેવાયા હતા. રાજેશ ખન્નાએ કંકોતરીને બદલે બે હજાર જેટલા ટેલીગ્રામ કરીને સગાં સંબંધી, મિત્રો અને ખાસ તો સમગ્ર બોલીવુડને લગ્નનું આમન્ત્રણ પાઠવ્યું હતું. લગ્નમાં રાજકપૂરે ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. હોટેલ હોરાઈઝનમાં રીસેપ્શન રાખવામાં આવ્યું હતું. સર્પાકારે દોઢેક કી. મી. જેટલી લાંબી લાઈનમાં ઉભા રહીને શુભેચ્છકો ત્રણ કલાકે સ્ટેજ પર પહોંચી શક્યા હતા. જેમાં મોટા મોટા ફિલ્મી માંધાતાઓ હતા. માત્ર બે વ્યક્તિ ગેરહાજર હતી. અંજુ મહેન્દ્રુ અને રિશી કપૂર. વાસ્તવ માં “બોબી” ના શુટિંગ દરમ્યાન રિશી કપુર ડિમ્પલ પ્રત્યે આકર્ષાયો હતો. સ્વાભાવિક રીતે જ તેણે લગ્નમાં હાજરી આપવાનું ટાળ્યું હતું. યુરોપની હનીમુન ટુર કરીને પરત આવ્યા બાદ રાજેશ ખન્નાએ ડિમ્પલના જન્મ દિવસની શાનદાર પાર્ટી રાખી હતી જેમાં જયા અને અમિતાભે પણ હાજરી આપી હતી.
“બોબી” સુપર ડુપર હિટ ફિલ્મ હતી. ફિલ્મના ઓરીજનલ અંત મુજબ તો બંને પ્રેમી પંખીડા પાણીમાં તણાઈને જીવ આપી દે છે. જયારે બીજો અંત એટલેકે સુખાન્તનું પણ શુટિંગ કરવામાં આવ્યું હતું. રોમાન્સથી ભરપુર આ ફિલ્મમાં દર્શકો કદાચ રિશી અને ડિમ્પલને મરતાં સ્વીકારી નહિ શકે તેવી આશંકા સૌથી પહેલી પ્રેમનાથે વ્યક્ત કરી હતી. “મેરા નામ જોકર”ની નિષ્ફળતાને કારણે રાજ કપૂર “બોબી” બાબતે કોઈ પણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતા નહોતા. આખરે “બોબી”નો અંત ખાધું પીધુંને રાજ કર્યું વાળો જ રાખવા માં આવ્યો હતો. “બોબી” માટે ડિમ્પલને ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો.
૧૯૮૪માં બે દીકરીઓને લઈને ડિમ્પલે આશીર્વાદ બંગલો કાયમ માટે છોડી દીધો હતો. જોકે રાજેશખન્ના સાથે તેણે કાયદેસરના ડિવોર્સ છેક સુધી નહોતા લીધા.
બીજી ઇનિંગ્સમાં ડિમ્પલની જીતેન્દ્ર સાથે “જખ્મી શેર” અને સની દેઓલ સાથે “મંઝીલ મંઝીલ” રજુ થઇ હતી. બંને ફિલ્મો ફ્લોપ નીવડી હતી. તે દિવસોમાં ડિમ્પલનું સની દેઓલ સાથે નું ઇલુ ઇલુ ખૂબ ચગ્યું હતું. ત્યાર બાદ રમેશ સીપ્પીની “સાગર” રજુ થઇ. જોગાનુજોગ હીરો રિશી કપૂર જ હતો. ”સાગર”માં બીચ પરના ડિમ્પલના બીકીની વાળા દ્રશ્યોએ ખૂબ ચકચાર મચાવી હતી. ફિલ્મ હિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં કમલ હસન પણ હતો. “સાગર”ની સફળતા બાદ ડિમ્પલ તેના પિતા ચુનીભાઈ લાલજીભાઈ કાપડિયાના વતન ચોટીલા આવી હતી. ચારસો ચુમાલીસ પગથીયા ચડીને તેણે ચામુંડા માતાજીના દર્શન કર્યાં હતા. તે દિવસોમાં ડિમ્પલની ચોટીલાની મુલાકાતને મીડિયાએ ખાસ્સું કવરેજ આપ્યું હતું. ૧૯૮૭માં ડિમ્પલે મહેશ ભટ્ટની “કાશ”માં જેકીશ્રોફની પત્નીનો રોલ કર્યો હતો. તૂટી રહેલા લગ્ન જીવનને બચાવવા માટેના પતિ પત્નીના સંઘર્ષની જ તેમાં કથા હતી. ફિરોઝ ખાને એક વાર કહ્યું હતું કે “ડિમ્પલ કે અંદર જો ગુસ્સા હૈ વોહ બહોત આછી તરાહ સ્ક્રીન પે બહાર આતા હૈ. ”. ”જાંબાઝ” માં ફિરોઝ ખાને ડિમ્પલ પાસે એક ગીતમાં અનિલકપુર સાથે અતિ બોલ્ડ દ્રશ્યો પણ દર્શાવ્યા હતા . તે ગીત એટલે “જાને જાના . . ઓ જાને જાના “.
“સાગર” અને “જાંબાઝ” ના બોલ્ડ દ્રશ્યો જોઇને દર્શકોએ માની લીધું હતું કે ડિમ્પલ બોલ્ડ દ્રશ્યોના સહારે જ તેની સેકન્ડ ઇનીગ્સમાં ચાલશે પણ “લેકિન” ,”રૂદાલી” અને “દ્રષ્ટિ “માં ડિમ્પલનો અભિનય જોઇને તેના વિવેચકો પણ દંગ રહી ગયા હતાં. ”લેકિન” રવીન્દ્રનાથ ટાગોરની વાર્તા પર આધારિત હતી. પ્રોડ્યુસર લતા મંગેશકર હતા અને દિગ્દર્શન ગુલઝારનું હતું. હીરો વિનોદ ખન્ના હતો. હેમા માલિનીએ પણ તેમાં ગેસ્ટ રોલ કર્યો હતો.
“રૂદાલી” માટે તો ડિમ્પલને ૧૯૯૩નો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો હતો. ”રૂદાલી” બંગાળી લેખિકા મહાશ્વેતાદેવીની વાર્તા પરથી કલ્પના લાઝમીએ બનાવી હતી. સ્ક્રીપ્ટ ગુલઝારે લખી હતી. ડીમ્પલ સાથે તેમાં રાખી,રાજ બબ્બર તથા અમઝદ ખાન પણ હતા. ફિલ્મનું શુટિંગ રાજસ્થાનના સાવ નાના ગામડામાં થયું હતું.
૧૯૯૪ માં ડિમ્પલે બંગાળી ફિલ્મ “આંતરલીન” માં પણ અભિનય કર્યો હતો. ફરહાન અખ્તરની પ્રથમ ફિલ્મ “દિલ ચાહતા હૈ” માં અક્ષય ખન્ના તેનાથી મોટી ઉમરની સ્ત્રી (ડિમ્પલ) સાથે પ્રેમ માં પડે છે તેવી સ્ટોરી હતી.
પતિ થી અલગ રહેતી ડિમ્પલે જૂના મતભેદ ભૂલીને રાજેશ ખન્નાને લોકસભાની ચૂંટણી વખતે પ્રચારમાં સાથ આપ્યો હતો તથા ખન્નાની જીવલેણ ગંભીર બીમારી વખતે આદર્શ ભારતીય નારીની જેમ જ તેની પડખે ઉભી રહી હતી. લગભગ પંચોતેર જેટલી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર ડિમ્પલને બોબી, સાગર, રૂદાલી અને ક્રાંતિવીર માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યા હતા.
***