મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ
ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા
ઓલ આઉટ
આઠ વાગવા આવી રહ્યા છે. બંધ ફ્લેટોના દરવાજા હવે બહારથી ખુલીને અંદરથી ફરીથી બંધ થઇ ગયા છે.
રાકેશ અને અનિતા બંને પોતપોતાની ઓફિસોથી પરત આવી ગયા છે. રાકેશ ટીવી ચાલુ કરીને સોફા પર અડધો સુતો છે. અનિતા પોતાના બંને હાથ વચ્ચે પોતાનું કપાળ પકડીને પલંગ પર બેસી ગઈ છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટી૨૦ મેચ એકદમ રોમાચંક બની ગઈ છે.
“ડાર્લિંગ, એક કપ ગરમ ચા થઇ જાય?” ધોનીએ હેલિકોપ્ટર શોટ મારીને બોલને છક્કા માટે મોકલી દીધો છે.
“ચા તો મને પણ જોઈતી હતી ડીયર.” બોલ હવે માત્ર એક રન માટે મિડ ઓફ પર ગયો છે.
“હા... હા... કેમ નહીં આપણે બંને ચા પીશું, પણ તું બનાવ તો ખરી.” રાકેશની આંખો ટીવી સ્ક્રિન પર જામી ગઈ છે. અંગ્રેજ બોલર આગનો ગોળો પોતાની આંગળીઓમાં ભરાવીને દોડી રહ્યો છે. સામે સુરેશ રૈના છે.
“મારી તબિયત ઠીક નથી ડીયર, તમે જ ચા બનાવીને મને આપોને, પ્લીઝ?” રૈનાના બેટ સાથે ટકરાઈને બોલ હવામાં ઉછળી ચૂક્યો છે.
“શું...” બોલ સીધો ફિલ્ડરના હાથમાં રૈના કેચ આઉટ થઇ ગયો છે.
રાકેશ પોતાની આંખોમાં પ્રશ્નાર્થ લઈને પત્નીની તરફ જોઈ રહ્યો છે.
“જો તમારો ચા બનાવવાનો મૂડ ન હોય તો ‘રમણ ટી સ્ટોલ’ પર ફોન કરીને ત્યાંથી જ મંગાવી લ્યો.” રૈના પછી બીજા જ બોલે ધોની પણ ક્લીન બોલ્ડ થઈને પેવેલીયન પરત જઈ રહ્યો છે.
“અને હા, તમે જરા ઉભા થઈને શાક પણ બનાવી દો ને. હું થોડીવારમાં લોટ બાંધીને રોટલી બનાવી દઉં છું.” એક પછી બીજો બેટ્સમેન આયારામ ગયારામની જેમ આવ-જા કરી રહ્યા છે. છેલ્લી જોડી ક્રીઝ પર છે.
“જો શાક બનાવવાનું મન ન હોય તો ‘રામ ભોજનાલય’ નો નંબર લગાડી દેજો...” છેલ્લો બેટ્સમેન પણ આઉટ... ઓલ આઉટ.
રાકેશ હવે પોતાને જ પોતાની અંદર બંધ કરી રહ્યો છે.
***