અર્ધ અસત્ય.
પ્રકરણ-૪૯
પ્રવીણ પીઠડીયા
“અનંતસિંહ ક્યાં છે દેવા?” ધડકતાં હદયે ભારે ઉત્સુકતાથી અભયે એક પ્રશ્ન પૂછયો હતો.
“એ તમે વૈદેહીબા ને પૂછો.” દેવાએ જવાબ આપ્યો અને અભય સન્નાટામાં પહોંચી ગયો હતો. તેને આશંકા તો હતી જ કે જરૂર વૈદેહીસિંહ આ મામલામાં કંઇક જાણે છે, પરંતુ દેવાના મોઢે તેમનું નામ ઉભરીને સામે આવશે એ સ્વપ્નેય નહોતું વિચાર્યું. શું વૈદેહીસિંહ ખુદ પોતાના ભત્રિજાને ગાયબ કરી શકે, અથવા કોઇની પાસે કરાવી શકે? એ વિચાર જ કેટલો ભયાનક હતો. તે અમંગળ કલ્પનાઓના ઘેરામાં અટવાઇ પડયો હતો. પોલીસની ડ્યૂટી દરમ્યાન તેણે એવા કેટલાય કેસ હેન્ડલ કર્યાં હતા જેમાં દિમાગ ચકરાઇ જાય અને દુનિયાદારી ઉપરથી લોકોનો વિશ્વાસ ડગમગી જાય. સામાન્ય માણસોના કેસમાં આવું થતું હોય તો આ તો રાજઘરાનાનો મામલો હતો. સત્તા, સંપત્તિ અને આધિપત્ય માટે રાજ-પરિવારમાં કેવા કાવાદાવા ખેલાતાં હોય છે એની અસંખ્ય કહાનીઓ તેણે સાંભળી હતી. અરે આખો ઇતિહાસ એવા કિસ્સાઓથી ભર્યો પડયો હતો જેમાં લોહીની સગાઇ ધરાવતા પાત્રોએ પોતાનાં જ અંગત સગાઓને બેરહમીથી મોતને ઘાટ ઉતાર્યા હોય. એટલે અનંતને ગાયબ કરવામાં વૈદેહીસિંહનો હાથ ન હોય એવું માનવાનું તેની પાસે કોઇ ઠોસ કારણ પણ નહોતું. તેણે દેવાનો કોલર પકડયો અને તેને ઝકઝોરી નાંખ્યો.
“તારું કહેવું એમ છે કે વૈદેહીસિંહે ખુદ પોતાના જ સગા ભત્રિજાને ગાયબ કર્યો છે? તું મને ગાંડો સમજે છે કે હું તારી વાત માની લઉં?” દેવો સાચું જ બોલે છે એ પરખવા તેણે પૂછયું. પણ દેવો આંખો ફાડીને તેને જોતો રહ્યો. તેણે અભયની વાતનો કોઇ જવાબ આપ્યો નહી. “હરામખોર, તને પૂછું છું. સંભળાતું નથી?”
“ન માન, મારે શું?” આટલો સખત માર ખાવા છતાં કોઇ ઢિઢ ગુનેગારની જેમ તે વરતી રહ્યો હતો. તેનાં મોઢામાંથી લાળ મિશ્રિત લોહી વહીને તેના પહેરણ ઉપર ફેલાતું હતું. તેની આંખો વારેવારે બંધ થતી અને ઉઘડતી હતી. લાગતું હતું કે તે હમણાં બેહોશ થઇ જશે. એ પહેલા તેની પાસેથી સત્ય જાણવું જરૂરી હતું પરંતુ એ ત્યાં જ અટકી ગયો હતો અને પોતાનું મોઢું સીવી લીધું હતું. હવે તેને કેમ બાલતો કરવો એ અભયની સમજમાં આવતું નહોતું. થર્ડ ડિગ્રી કરતા પણ વધું માર તેણે ખાધો હતો છતાં આ એક વાત ઉપર આવીને તે ખામોશ બની ગયો હતો એ થોડું અજૂગતું લાગતું હતું. જો તેણે વૈદેહીસિંહનું નામ લીધું જ છે તો પછી હવે તે અટક્યો કેમ? જ્યારે કોઇની ઉપર આળ લગાવ્યું જ છે તો પૂરેપૂરી સચ્ચાઇ જણાવવામાં તેને શું પ્રોબ્લેમ હોઇ શકે! અભયનું માથું એ વાત ઉપર ઠનક્યું. તે વિચારમાં પડયો અને અચાનક તેને કંઇક યાદ આવ્યું. એકાએક તેણે સમૂળગો વિષય જ બદલી નાંખ્યો.
“અચ્છા છોડ એ વાત. તને તો ખબર જ હશે ને કે વર્ષો પહેલાં આ જંગલમાં એક ભીલ કબિલો હતો, મારે એ કબિલા વિશે જાણવું છે. ખાસ કરીને એક ભીલ કન્યા, જે એ કબિલામાંથી ગાયબ થઇ હતી. એના વિશે તને કંઇ ખબર છે?.” અભયને ખુદને આ પ્રશ્ન પૂછતી વખતે આશ્વર્ય થયું કે કેમ એ ભીલ યુવતી વારેવારે તેના મન ઉપર છવાતી હતી? ખરેખર તો એ વિશે સાવ અનાયાસે તેને જાણવા મળ્યું હતું અને વળી પૃથ્વીસિંહજીનાં કેસ સાથે ફિલહાલ તેને કંઇ લાગતું વળગતું પણ નહોતું.
“કઈ ભીલ યુવતી અને કેવો કબિલો?” દેવો પણ સાવ અસંબંધ્ધ પ્રશ્ન સાંભળીને ચોંકયો હતો. અને પછી એકાએક કંઇક યાદ આવ્યું હોય એમ તેની બૂઝાતી જતી આંખોમાં વિસ્મય ઉભર્યું. “તમે કેમ જાણો એ કબિલા વિશે? એ તો વર્ષો પહેલાની વાત છે.”
“હું કેમ જાણું છું અને મારે તેની સાથે શું લેવાદેવા છે એ અગત્યનું નથી. તને શું ખબર છે એ કહે.” અભય બોલ્યો. દેવો વર્ષોથી રાજ-પરિવારની સેવામાં હતો, ઉપરાંત તે અહીનાં ચપ્પેચપ્પાથી વાકેફ હતો એટલે તેને કબિલા વિશે જાણકારી હશે જ એવું તેનું અનુમાન સાચું પડતું લાગ્યું.
“એક કબિલો હતો ખરો પરંતુ એ તો ઘણાં લાંબા સમય પહેલાની વાત છે. મને તો અત્યારે સરખું યાદ પણ નથી. પૃથ્વીસિંહજી બાપુની હવેલી જ્યારે જીવંત હતી એ સમયે આ જંગલમાં જેટલાં પણ કબિલાઓ હતા એ બધાં રાજગઢની રિયાસતનાં તાબા હેઠળ આવતાં. એટલે ઘણી વખત એ કબિલાના લોકો બાપુના દરબારમાં આવતા પણ ખરાં. હવે એમાં ક્યારેક કોઇ ગાયબ થયું હોય કે બીજી કોઇ સમસ્યા ઉદભવી હોય તો તેનો અત્યારે મને ખ્યાલ ક્યાંથી હોય! તમે વૈદેહીબાને કેમ નથી પૂછતાં. તેઓ જરૂર જાણતા હશે.” દેવો સરખું બોલી પણ શકતો નહોતો છતાં વિસ્તારથી તેણે કહ્યું. અભય વિચારમાં પડયો. દેવો વારેવારે વૈદેહીસિંહનું નામ લેતો હતો. તે ખુદ તેની માલકિનને જ આમાં સંડોવી રહ્યો હતો એ થોડું અજૂગતું લાગતું હતું. બની શકે કે તે પોતાની ચામડી બચાવવાં બધો દોષ વૈદેહીસિંહ ઉપર ઢોળી રહ્યો હોય. પણ એક રીતે તેની વાત સાચી હતી. જો તે વૈદેહીસિંહને જ પકડે તો ઘણાં ખરાં સવાલોનાં જવાબ મળી શકે તેમ હતા. તેને અત્યારે જ ઉડીને વૈદ્હીસિંહ પાસે પહોંચી જવાનું મન થયું. દેવાને ઢાલ તરીકે વાપરીને તે એમની ઉપર સચ્ચાઇ કબૂલવા દબાણ ઉભું કરી શકે એમ હતો. પરંતુ તે થોભ્યો. અહી સુધી આવ્યાં બાદ તે ખાલી હાથે પાછો જવા માંગતો નહોતો. તે એક નિર્ધાર કરીને નિકળ્યો હતો કે જંગલમાં જઇને તે ગુમ થયેલી ભીલ કન્યાની કોઇ નિશાનીઓ મળે એની તપાસ કરશે. તેણે ઘડિયાળમાં જોયું, હજું તેની પાસે સમય હતો. પછી તેણે દેવા સામું જોયું. તેને અહીં જ બંધાયેલો મુકીને તે કબિલાની ખોજમાં જઇ શકે તેમ હતો કારણ કે આ અઘોર જંગલમાં ભાગ્યે જ કોઇક આ તરફ આવતું હશે.
“ઓ.કે. હું પાછો ફરીશ ત્યારે વૈદેહીસિંહ સાથે એ બાબતે મસલત કરી લઇશ. પણ ત્યાં સુધી તું અહી જ બંધાયેલો રહેશે.” અભય બોલ્યો અને પોતાની ગન શોધવા તે ઝાડીઓની અંદર ઘૂસવા તૈયાર થયો. તેની વાત સાંભળીને દેવાનું માથું એક ઝટકા સાથે ઉચું થયું.
“એટલે તું મને અહી મરવા છોડીને જવા માંગે છે?” તેનો અવાજ ધ્રૂજતો હતો.
“ તો શું કરું એ તું જ કહે, મારે એ ભીલ કન્યાની હકીકત જાણવી છે. એ જાણ્યાં વગર હું પાછો ફરવાનો નથી.”
“પણ ત્યાં સુધીમાં હું મરી જઇશ.”
“ભલેને મરી જતો, એમાં મારે શું? તું પણ મારી સાથે એ જ તો કરવાનો હતો ને! તું કંઇ મારી આરતી ઉતારવા તો પાછળ આવ્યો નહોતો.” ભયાનક લહેજામાં અભય બોલ્યો. દેવો સહમી ગયો. જો અભય અહીથી એ કબિલાની શોધમાં ચાલ્યો જાય તો ભગવાન જાણે તે ક્યારે પાછો ફરે. કલાકો લાગી જાય એમાં. ત્યાં સુધી તે અધમૂઇ હાલતમાં જીવતો ન જ બચી શકે. તે જાણતો હતો કે આ જંગલમાં દિપડાઓનો ત્રાસ હતો. જો તે પોતાને થયેલી ઈજાઓથી ન મરે તો ચોક્કસ એકા’દ દિપડાનો કોળિયો બની જાય. મતલબ કે બન્ને તરફથી તેનું મોત નિશ્ચિત હતું. એ ખ્યાલે એકાએક તે લસ્ત બની ગયો અને તેના મો-માંથી એક નિઃશ્વાસ નિકળ્યો.
“જો હું તમને એ કબિલા વિશે જણાવું તો પહેલા દવાખાના ભેગો કરશોને?” લગભગ યાચનાભર્યા સ્વરે તેણે પૂછયું. તેની આંખોના ડોળામાં લોહી તરી આવ્યું હતું જેનાં લીધે તે ઓર ભયાનક લાગતો હતો.
“એ તો તું કેટલું સાચું બોલે છે એની ઉપર આધાર રાખે છે.” અભય પણ ગાંજયો જાય એમ નહોતો.
“અહીથી થોડા આગળ વધશો એટલે એક નાનકડી એવી ટેકરી આવશે. એ ટેકરીની બરાબર સામે એક ઉંચો, સીધો, કાળા પથ્થરોનો બનેલો પહાડ છે. એ પહાડ ઉપરથી ઘણાંબધાં ધોધ પડતા જોવા મળશે. વર્ષો પહેલા ત્યાં એ ધોધ નહોતા અને પહાડની તળેટીમાં ભીલ લોકોનો એક કબિલો વસેલો હતો. મને યાદ છે ત્યાં સુધી કોઇક કારણોસર એ લોકોએ ત્યાંથી પોતાનો કબિલો ફેરવી નાંખ્યો હતો અને તેઓ ગહેરા જંગલની અંદર રહેવા ચાલ્યાં ગયા હતા. આજે પણ એ કબિલો ત્યાં હશે. તમારે જો કોઇ ભીલ કન્યા ગુમ થઇ હતી કે નહી એ વિશે જાણવું હોય તો એ કબિલાનાં લોકોને મળો. એમને જરૂર ખબર હશે.” દેવો હાંફતા અવાજે બોલ્યો. તેને ઘણીબધી જાણકારી હતી પરંતુ તે અભયને કહેતો નહોતો. પણ હવે તેની કેપેસીટી લગભગ પૂરી થવા આવી હતી. જો તેને જલ્દી સારવાર ન મળી તો ચોક્કસ તે મરી જવાનો હતો.
“આ વાત તેં પહેલા કેમ ન કહી?” અભય ભયાનક રીતે ચોંકયો હતો કારણ કે તેણે એ જગ્યા જોઇ હતી. અરે ગઇકાલે રાત્રે જ તે એ જગ્યાએ જઇ આવ્યો હતો અને આજે પણ ત્યાં જવા જ ઘરેથી નિકળ્યો હતો. તે માની નહોતો શકતો કે અત્યારે જ્યાં ધોધ સ્વરૂપે ઝરણાઓ વહે છે, સમયનાં કોઇ પડાવે એમાનું કશું જ ત્યાં નહોતું. અને પહાડની તળેટીમાં જ્યાં નાનકડું તળાવ સર્જાતું હતું ત્યાં ભીલ લોકો રહેતાં હતા. તેમનો કબિલો ત્યાં હતો.
“ભૂલ થઇ ગઇ માયબાપ, પણ હવે મને છોડો અને રાજગઢ લઇ ચાલો. હું અહી જ મરવા નથી માંગતો.”
“એ કબિલો કઇ દિશામાં આવ્યો છે દેવા?” અભયે પૂછયું.
“પહાડની પાછળ પૂર્વ દિશામાં ક્યાંક છે. પણ એ માટે તમારે એક નદી ઓળંગવી પડશે અને પહાડનો આખો ગોળ ચકરાવો ફરીને ત્યાં જવું પડશે. ત્યાં પહોંચવા માટે કમસેકમ પાંચ-છ કલાક ચાલવું પડશે.” દેવો બોલ્યો. તે અભયને સંપૂર્ણ સહકાર આપવાનાં મૂડમાં આવી ગયો હતો. તેને આશા જાગી હતી કે અભય હવે તેને રાજગઢ લઇ જશે. પરંતુ… અભયનાં મનમાં અલગ જ વિચાર ઉદભવ્યો હતો. તે ઝડપથી ઝાડીઓમાં ઘૂસ્યો અને પોતાની ગન હાથવગી કરી પેન્ટમાં ખોસી. પછી તે દેવાએ બતાવેલા રસ્તે ચાલતો થયો. દેવો આશ્વર્ય અને આઘાતથી તેને જતો જોઇ રહ્યો.
“ઓ હોય, તું ક્યાં જાય છે? તેં વચન આપ્યું હતું કે તું મને રાજગઢ પહોંચાડીશ. એમ વચન આપીને તું ફરી ન શકે.” દેવાએ બૂમ પાડીને અભયને રોકયો.
“હું કંઇ હરિશચંદ્રનો દિકરો નથી અને તારા મોઢે વચન પાલનની દૂહાઇ શોભતી નથી. જ્યાં સુધી એ કબિલો નહી મળે ત્યાં સુધી તું અહી જ બંધાયેલો રહીશ.” અભય દાંત ભિંસતા બોલ્યો અને જોતજોતામાં જંગલની અંદર સમાઇ ગયો.
(ક્રમશઃ)