Sapna advitanra - 53 in Gujarati Fiction Stories by Amisha Shah. books and stories PDF | સપના અળવીતરાં - ૫૩

Featured Books
Categories
Share

સપના અળવીતરાં - ૫૩



ટન્ ટન્ ટન્... ઘડિયાળ માં અડધી રાતના ત્રણ ડંકા પડ્યા અને એ અવાજે સમીરા હબકી ગઇ. ઇં. પટેલ ની નજરમાં વધી રહેલી તીક્ષ્ણતા જીરવવી તેને માટે અઘરી બની રહી હતી.

"સો, મીસ સમીરા, તમે જાતે અમારી સાથે આવશો કે મારે લેડી કોન્સ્ટેબલ ને અત્યારે તકલીફ આપવી પડશે? "

સમીરા કંપી ગઇ. બસ બે કદમની દૂરી અને ઈં. પટેલ એકદમ તેની લગોલગ થઇ જશે. ઇં. પટેલ એક કદમ આગળ વધ્યા અને વિશાલ સમીરાની આગળ તેની ઢાલ બની ઉભો રહી ગયો.

"સર, પ્લીઝ... ડોન્ટ બી સો હાર્શ... તમે ઇચ્છો તો અહીં જ ગેસ્ટ રૂમમાં સમીરા સાથે વાત કરી શકો છો. પ્લીઝ, અત્યારે અડધી રાત્રે પોલીસ સ્ટેશનમાં જવાનો આગ્રહ ન રાખો. આઇ એશ્યોર યુ, સમીરા વીલ કોઓપરેટ. "

અને પછી સમીરા તરફ જોઇ પૂછ્યું,

"રાઇટ સમીરા? "

અને સમીરા એ તેની પાંપણ ઝુકાવી દીધી. હવે તેની પાસે પોતાના અતીતનું એ કાળુ પાનુ ખોલવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. દસ જ મિનિટમાં બધી વ્યવસ્થા થઇ ગઇ. ગેસ્ટ રૂમમાં ઇં. પટેલ, સબ ઈં. શીંદે, બંને કોન્સ્ટેબલ અને સમીરાની સાથે રચનાબેન પણ હાજર હતા. ઈં. પટેલે લેડી કોન્સ્ટેબલ ની હુલ તો એમજ આપી હતી, બાકી સત્ય તો એ હતુ કે આ છેવાડાના પોલીસ સ્ટેશનમાં ટોટલ સ્ટાફની કમી હતી, ત્યા લેડી કોન્સ્ટેબલ ની તો વાત જ ક્યા કરવી? અને એટલેજ તેમણે રચનાબેનને હાજર રહેવાની પરમિશન આપી હતી.

સમીરા નો ચહેરો ક્લોઝ અપ મા દેખાય એ રીતે કેમેરા સેટ થઇ ગયો હતો. કો. પરમાર ના હાથ વિગતો લખવા માટે થનગની રહ્યા હતા. રચનાબેનને પણ પૂરી ઇંતેજારી હતી એ જાણવાની કે બધુ બરાબર હતુ, સમીરા ના પેરેન્ટ્સ પણ માની ગયા હતા, તો એવા કયા સંજોગો ઉભા થયા કે સમીરાએ વિશાલ સાથે સગપણ નકારી દીધુ અને હવે, એ જ વિશાલ સાથે એનાજ ઘરમાં એના નાનકડા વરૂણ સાથે રહેતી હતી... છતા એ સંબંધ ને કાનુની મહોર લગાવવા તૈયાર નહોતી... હજુ પણ સમીરા વિશાલ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી...

"સો, મારે પૂછવું પડશે કે તમે જાતે જ બોલશો? "

સમીરા ખુરશી પર બેઠી બેઠી પગના અંગૂઠાથી જમીન ખોતરતી રહી. શરૂઆત ક્યાથી કરવી એજ તેને સમજાતું નહોતું. થોડીક ક્ષણો એમજ પસાર થઈ, પણ સમીરા તરફથી કોઈ રિસ્પોન્સ ન મળ્યો એટલે ઇં. પટેલે પોતાની ખુરશીના હાથા પર તેમની સ્ટીક હળવેથી ઠપકારી.

"ઓકે. લેટ મી હેલ્પ યુ. હુ ઇઝ વરૂણ્સ ફાધર? "

સવાલ સાંભળી સમીરાનો ચહેરો સખ્ખત થઇ ગયો. તેના જડબા ભીંસાઇ ગયા, હાથની મુઠ્ઠી વળી ગઇ, ગળાની નસો ઉપસી આવી અને જમણી આંખે બરાબર વચમાં એક નાનકડુ અશ્રુબિંદ આવીને સ્થિર થઇ ગયુ. દાંત ભીંચીને કચડાયેલા સ્વરે એક એક અક્ષર છુટો પાડીને તે બોલી,

"વ... રુ.... ણ... "

"હા, એજ. વરૂણ ના બાયોલોજીકલ ફાધર કોણ છે?"

હવે સમીરાએ ઝૂકેલી નજર ઉઠાવી ઈં. પટેલ ની આંખમાં આંખ નાંખી જોયુ અને ફરી એ જ રીતે બોલી,

"વ.. રુ.. ણ.. "

કોઈને કશું સમજાયુ નહિ, એટલે સામસામુ જોઈ રહ્યા. સમીરા એ મક્કમ અવાજે તેની વાત શરૂ કરી.

"મારી કોલેજમાં ભણતો હતો... મારાથી બે વરસ સિનિયર... હું એફ. વાય. માં અને એ ટી. વાય. માં. એક્ઝામ વખતે અમારા નંબર એકજ બેન્ચ પર આવેલા... એ પહેલી મુલાકાત. "

સમીરા ના મગજમાં અત્યારે અફરાતફરી મચી હતી. કેટલી બધી યાદો હતી! અને કેટલી બધી વાતો હતી! શું કહેવુ અને શું બાકી રાખવુ? બધુ કહેવા જાય તો ઘણો સમય નીકળી જાય, અને જેટલો વધુ સમય જાય એટલો ગુનેગારોને વધુ સમય મળે ભાગવા માટે... તેણે આંખ બંધ કરીને એક ઓવર વ્યૂ લઇ લીધો પોતાની જીંદગીનો. અને પછી શક્ય એટલા ઓછા શબ્દોમાં બધુંજ જણાવી દીધું.

"વરુણ નુ વ્યક્તિત્વ આકર્ષક હતું. કોઇ પણ છોકરી તેને નિગ્લેક્ટ કરી જ ન શકે. પણ સાથે સાથે એ લખ્ખણનો પૂરો હતો. લેક્ચર બંક મારવા, એક્ઝામના પેપર ફોડવા, કોલેજની છોકરીઓને ફસાવવી,... "

"આ તો બધુ ઠીક છે. લગભગ બધા છોકરાઓ આવુ કરતાજ હોય છે કોલેજમાં. એ ઉંમર જ એવી છે. "

ઇં. પટેલ ને વાત આડેપાટે ચડતી લાગી એટલે ફટાફટ માહિતી મેળવવા એમણે વચ્ચે જ કહ્યું. સમીરા એ એક તીખી નજર ઇં. પટેલ પર નાંખી અને ફરી પોતાની વાત આગળ ચલાવી.

"ડ્રગ્સ સપ્લાય, મારામારી, ગુંડાગીરી,.. "

દરેક શબ્દ સાથે સમીરા ના અવાજની તીવ્રતા વધતી જતી હતી. ઇં. પટેલ પણ હવે વધુ સિરીયસ થઈ ગયા હતા.

"ખૂન, હ્યુમન ટ્રાફિકીંગ,... "

"ઓહ! "

એક ઉદ્ગાર બધાના મોઢેથી સરી પડ્યો.

"અને છતા તમે એની સાથે સંબંધ રાખ્યો? "

"હા. હું ગાંડી થઇ ગઇ હતી એના પ્રેમમાં. અને આ બધા ગુણો તો ધીમે ધીમે ખબર પડ્યા. પણ, એ પછી મેં એની સાથેના મારા બધા સંબંધો તોડી નાંખ્યા. અને દૂર ભાગી આવી એની દુનિયા થી. અત્યાર સુધી છુપાવામાં સફળ રહી હતી. પણ જેમ તમે કહો છો એમ, જો એ... એનો હાથ હશે આ કિડનેપીંગમાં, તો આજે નહિ તો કાલે... એ જરૂર મારા સુધી... મારા વરૂણ સુધી પહોંચી જશે!!! એ.. એ કંઈ પણ કરી શકે છે. એનુ કામ જ એ હતું. છોકરીઓને પ્રેમજાળમા ફસાવી વેચી દેવાની. પછી એ છોકરી ક્યા ગાયબ થઈ જાય એ કોઈ જાણી ન શકે. અને એમાંય જો એ છોકરીને પ્રેગ્નન્સી રહી જાય.... તો બોનસ. એ બાળક..... એના શરીરના તમામ વેચી શકાય એવા અંગો સહિત.... "

સમીરા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. રચનાબેનની આંખમાં પણ આંસુ આવી ગયા. તે પોતાની જગ્યાએથી સ્હેજ ઉભા થયા એટલે ઈં. પટેલે હાથમાં રહેલી સ્ટીકથી એમને પાછા બેસી જવાનો ઇશારો કર્યો. પછી કો. તમાકુવાલા સામે જોયુ એટલે તેમણે પાણીનો ગ્લાસ સમીરા પાસે ધર્યો. સમીરાએ બે ઘુંટ પાણી પીને ગ્લાસ પાછો આપ્યો. હવે તે થોડી સ્વસ્થ જણાતી હતી. ઈં. પટેલે ફરી પૂછ્યું,

"તો, તમને લાગે છે કે આ કામ એ વરુણનું હોઈ શકે છે! "

"ડોન્ટ નો, સર. વરુણને મારી માહિતી મળી હોય એ અઘરુ તો છે, પણ અશક્ય નથી. "

"હંમ્... "

ઈં. પટેલ વિચારમાં પડી ગયા. તેમને વિશાલની વાત યાદ આવી કે એ લોકોનો મેઇન ટાર્ગેટ વરૂણ હોય એમ લાગ્યું.

"ઓકે. વરુણ વિશે કોઈ વધુ માહિતી? તેનો કોઇ ફોટોગ્રાફ? "

સમીરાએ નકારમાં માથું હલાવ્યુ. વરુણનો કોઈ ફોટો તેની પાસે નહોતો. તેણે ઘણીવાર વરુણ સાથે ફોટો પડાવવાની ને સેલ્ફી લેવાની કોશિશ કરી હતી, પણ વરુણ કાયમ તેને અટકાવી દેતો.,એમ કહીને કે તેને કેમેરાનો ફોબિયા છે.

"ઓકે. ધેન, એનો સ્કેચ બનાવડાવી શક્શો? "

સમીરાએ હકારાત્મક મસ્તક હલાવ્યુ,એટલે ઈં. પટેલે બીજા દિવસે સ્કેચ બનાવડાવવાનુ નક્કી કરી ત્યારે વાત આટોપી લીધી. ઇં. પટેલ અને એમની પાછળ બાકીના બધા વારાફરતી રૂમની બહાર નીકળ્યા, પણ સમીરા હજુ ત્યાંજ બેઠી હતી, એકદમ જડવત્... તેના મગજમાં ચાલતુ ઘમાસાણ ધીમે ધીમે તેના સંપૂર્ણ અસ્તિત્વ પર હાવી થઇ રહ્યું હતું અને તે એને રોકવાની ભરચક કોશિશ કરી રહી હતી. રચનાબેન સૌથી છેલ્લે બહાર નીકળ્યા. દરવાજા પાસે વિશાલ ઉભો હતો. વરૂણ તેના ખભે સૂઈ ગયો હતો. તેના ચહેરા પર એક હાશકારો વર્તાતો હતો. રચનાબેન બહાર નીકળ્યા એટલે વિશાલ ઉંબરામાંજ તેમની સામે આવ્યો. રચનાબેનની આંખમાં ઝળઝળિયાં હતા અને ગળે ડુમો બાઝેલો હતો. તે બસ વિશાલનો ખભો થપથપાવી ત્યાથી હોલમાં જતા રહ્યા. વિશાલ રૂમમાં ગયો અને બેડ પર વરૂણ ને સૂવડાવી સમીરા પાસે ઉભો રહ્યો. સમીરા એ ખુરશી પર બેઠા બેઠા જ વિશાલનો હાથ પકડી લીધો અને તેના પોંચા પર માથુ ટેકવી તે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. અત્યાર સુધી સાચવી રાખેલા આંસુ એકસાથે વહી નીકળ્યા...

વિશાલે થોડીવાર તો સમીરા ને રડવા દીધી, પછી સાઈડમાંથી ટેબલ ખેંચી તે પણ સમીરા પાસે બેઠો. તેના માથે હાથ ફેરવી માર્દવતાથી કહ્યું,

"થઈ જા હળવી. બધો ભાર ઓગાળી નાંખ. આજે જ્યારે કુદરતે સંજોગ એવા ઉભા કર્યા છે તો ઠાલવી દે બધુ. મને માંડીને બધી વાત કર. વરૂણની સેફ્ટી માટે પણ તારે કહેવુ તો પડશે જ. પ્લીઝ, વિગતે બધુ જણાવ. "

સમીરાના ડુસકાં શમ્યા હતા, પણ હીબકા હજુ ચાલુ હતા. એનો અવાજ પણ મુશ્કેલીથી બહાર નીકળતો હતો. છતા તેણે પોતાની વિતક કહેવાનુ શરૂ કર્યું - વરુણ સાથેની પહેલી મુલાકાત થી...