Devil Return-2.0 - 6 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-2.0 - 6

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-2.0 - 6

ડેવિલ રિટર્ન 2.0

ભાગ-6

ફાધર વિલિયમ જોડેથી વેમ્પાયર ફેમિલી સાથે જોડાયેલો ભૂતકાળ જાણ્યાં બાદ હવે અર્જુન જોડે એક નવી યોજના હતી જેનાં થકી એ વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરી શકશે. અર્જુન સાંજે ઉઠ્યો એ સાથે જ સીધો અભિમન્યુ જ્યાં સૂતો હતો ત્યાં જઈ પહોંચ્યો.

"કેમ છે અભિને.. ?"પીનલ તરફ જોઈને અર્જુને પૂછ્યું.

"પપ્પા, તમે આવી ગયાં.. "અર્જુનનો અવાજ સાંભળી અભિમન્યુ આંખો ખોલતાં બોલી પડ્યો.

"હા, દીકરા હું આવી ગયો.. અને શું થઈ ગયું મારાં ચેમ્પિયન ને.. ?"અર્જુને અભિમન્યુ ની જોડે બેસતાં કહ્યું.

અર્જુને પુછેલાં સવાલનાં જવાબમાં અભિમન્યુ થોડો સમય મૌન સેવી બેસી રહ્યો. અભિમન્યુ નાં આમ ચૂપ-ચાપ બેસી રહેતાં અર્જુનને થોડું અજુગતું જરૂર લાગ્યું પણ અભિમન્યુ એનાં જવાબનો જવાબ શું આપે એમ વિચારી અર્જુને પોતે ખોટો સવાલ પૂછી લીધો હોવાનું લાગતાં કહ્યું.

"અભિ, તું જલ્દી સાજો થઈ જા એટલે આપણે તારી ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ ખાવા જઈશું.. "

"અભિને હવે ઘણું સારું છે.. તમે તમારી ડ્યુટી પર જાઓ. હું આનું ધ્યાન રાખીશ. "પીનલ અર્જુન ને ઉદ્દેશી બોલી.

પીનલ નાં આમ બોલતાં જ શહેરમાં બની રહેલી ઘટનાઓની યાદ જાણે તાજી થઈ હોય એમ અર્જુન અભિમન્યુનાં કપાળે ચુંબન કરી એને કાલે મળીશું એમ કહી પોતાનો પોલીસ યુનિફોર્મ પહેરી બુલેટ પર સવાર થઈને પોલીસ સ્ટેશન તરફ ચાલતો થયો.

*****

પોતે આખો દિવસ પહેલાં ચર્ચમાં અને પછી ઘરે વિતાવવાનાં લીધે આજે દિનભર શું બન્યું એનો અહેવાલો લેવાં અર્જુને પોલીસ સ્ટેશનમાં પગ મુકતાં જ નાયકને પોતાની કેબિનમાં આવવાં જણાવ્યું.

"જય હિંદ સર.. "નાયકે અર્જુનની સામે રાખેલી ખુરશીમાં સ્થાન લેતાં કહ્યું.

"જય હિંદ.. નાયક આજે આખો દિવસ શું કર્યું.. ?"

"સાહેબ, જે લેબ આસિસ્ટન્ટ અને ચોકીદાર ની વેમ્પાયર દ્વારા ઘાતકી રીતે હત્યા કરાઈ હતી એમની અંતિમ વિધિ આવતીકાલે પૂરાં માન-સમ્માન સાથે ગોઠવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. "નાયક બોલ્યો.

"સરસ.. તું જલ્દીથી બધાં પોલીસકર્મીઓને હોલમાં આવવાનું જણાવ.. મારે એમની સાથે અગત્યની વાત કરવી છે. "અર્જુન નાયકને ઉદ્દેશીને બોલ્યો.

"જી સર.. "આટલું કહી નાયક પોતાનાં સ્થાનેથી ઉભો થયો અને અર્જુનની કેબિનની બહાર નીકળી ગયો.

વિસ મિનિટની અંદર તો રાધાનગર પોલીસ સ્ટેશનનો સમસ્ત સ્ટાફ પોલીસ સ્ટેશનમાં આવેલાં કોન્ફરન્સ હોલમાં એકત્રિત થઈ હતો. ગઈકાલે ફોરેન્સિક લેબમાં જે કંઈપણ બન્યું એ જાણ્યાં બાદ સમગ્ર પોલીસ સ્ટાફ દુઃખી અને ક્રોધિત જણાતો હતો.

અર્જુનનાં હોલમાં પ્રવેશતાં બધાં પોલીસકર્મીઓએ ઉભાં થઈને અર્જુનનું માન રાખ્યું. અર્જુને હોલમાં પહોંચતાં જ બધાં પોલીસકર્મીઓને ઉદ્દેશતાં કહ્યું.

"ગઈકાલે રાતે ફોરેન્સિક લેબમાં શું બન્યું એની તમને સૌ ને ખબર જ હશે.. જો ના ખબર હોય તો જણાવી દઉં કે આપણે જે રક્તપિશાચ યુવતીની અલ્ટ્રાવાયોલેટ તરંગોની મદદથી હત્યા કરી હતી એનાં રક્તપિશાચ ભાઈ-બહેનો ગઈકાલે રાતે ફોરેન્સિક લેબ પર હુમલો કરી બે લેબ આસિસ્ટન્ટ અને ચોકીદાર ની હત્યા કરી એ યુવતીનાં મૃતદેહને પોતાની સાથે લઈ ગયાં. "

અર્જુનનાં આમ બોલતાં જ આ ખબર જાણતાં હોવાં છતાં બધાં પોલીસકર્મીઓ અંદરો-અંદર ચર્ચા કરવાં લાગ્યાં. અર્જુને વાઘેલા તરફ જોઈ ઈશારાથી બધાં ને શાંત કરવાં કહ્યું એટલે વાઘેલાએ પોતાની જગ્યાએથી ઉભાં થઈ પોતાનાં ભારે અવાજમાં બધાં પોલીસકર્મીઓને શાંતિ રાખવા કહ્યું. વાઘેલા ની વાત માની બધો પોલીસ સ્ટાફ શાંત થઈ ગયો અને આગળ અર્જુન શું જણાવવા માંગે છે એ સાંભળવા કાન સરવા કરી બેસી ગયો.

એ બધાં નાં શાંત થતાં જ અર્જુન બોલ્યો.

"આપ સૌ એ તો જાણી જ ગયાં છો કે રાધાનગરમાં જે ભેદી હુમલાઓ થઈ રહ્યાં છે એ પાછળ રહસ્યમય શક્તિ ધરાવતાં રક્તપિશાચોની ટુકડી રહેલી છે.. પણ એ રક્તપિશાચ કોણ છે અને ક્યાંથી આવ્યાં એ અંગે આજે હું તમને કંઈક જણાવવા માંગુ છું. "

આખરે એ રક્તપિશાચ કોણ છે અને ક્યાંથી આવ્યાં એ જાણવાની આતુરતા સાથે બધો પોલીસ સ્ટાફ શાંતિથી બેસી ગયો એટલે અર્જુને ફાધર વિલિયમે જણાવેલી વેમ્પાયર ફેમિલીની સચ્ચાઈ જણાવવાનું શરૂ કર્યું. ક્રિસ અને એનાં ભાઈ-બહેનો સાથે જે કંઈપણ થયું એ જાણ્યાં બાદ પોલીસકર્મીઓને એ બધાં તરફ લાગણી જરૂર પેદા થઈ પણ પછી જે રીતે શૈતાનીયત ની પૂજા કરતાં એ રક્તપિશાચ ભાઈ-બહેનો માસુમ મનુષ્યોની ક્રૂર હત્યાઓ કરી રહ્યાં હતાં એ મનમાં આવતાં એ લોકોનો નાશ કરવો આવશ્યક છે એવું એમને લાગ્યું.

"સર, તમે કહ્યું એ મુજબ વેમ્પાયર ફેમિલીમાં કુલ સાત સભ્યો છે અને એ બધાં જોડે ચમત્કારિક શક્તિઓનો ભંડાર છે.. તો પછી એ લોકોનો મુકાબલો આપણે કેમ કરી શકીશું.. ?"અશોક ચિંતિત વદને અર્જુનને ઉદ્દેશીને બોલ્યો.

"અશોક તારો આ પ્રશ્ન હાલનાં સંજોગોને ધ્યાનમાં રાખીને લાજમી છે.. પણ જો એ વિચારી આપણે એ વેમ્પાયર ફેમિલીનો સામનો નહીં કરીએ તો આગામી થોડાં દિવસોમાં આ સુંદર શહેરને એ લોકો કબ્રસ્તાન બનાવી મુકશે. "

"ડર ત્યારે જ તમને ડરાવે જ્યારે તમે એને વધુ પડતું મહત્વ આપો.. ફાધર વિલિયમ જોડેથી જે કંઈપણ જાણવાં મળ્યું એ મુજબ યોજના અમલમાં મૂકીને એ રક્તપિશાચોની ટુકડીને અવશ્ય ખતમ કરી જ શકાશે. "અર્જુન અશોકની વાતનો પ્રત્યુત્તર આપતાં બોલ્યો.

અર્જુનની વાત સાંભળી બધાં જ પોલીસકર્મીઓની અંદર નવી ઉર્જાનો સંચાર જરૂર થયો છતાં એ લોકો અર્જુન કઈ રીતે વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરવામાં સફળ થઈ એની ઉપર પૂર્ણપણે આસ્વસ્થ તો નહોતાં જ. એ લોકોનાં ચહેરા પરથી એમનાં મનની વાત સમજી ગયેલો અર્જુન એ પોલીસકર્મીઓને ઉદ્દેશીને બોલ્યો.

"તમને લોકોને એવું લાગતું હોય કે વેમ્પાયર ફેમિલીનાં એ સભ્યોનો ખાત્મો કરવાનું કામ લગભગ નામુમકીન જેવું છે પણ એ કાર્ય કરીશું ત્યારે જ આપણે રાધાનગરમાં વસતાં દરેક નાગરિકની સુરક્ષા ની આપણી ફરજ નિભાવી શકીશું.. "

"એસીપી સાહેબ, તમે વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરવાનો જે પ્લાન બનાવશો એમાં અમે તમારી સાથે જ છીએ.. પણ અમે જાણી શકીએ કે આપણે આગળ શું કરીશું.. ?"જાનીએ અર્જુનને ઉદ્દેશીને કહ્યું.

જાનીનાં પ્રશ્નનાં ઉત્તરમાં અર્જુને વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરવાની જે યોજના બનાવી હતી એની રૂપરેખા આપવાનું શરૂ કર્યું. જેમ-જેમ અર્જુન પોતાની યોજના સંભળાવી રહ્યો હતો એમ-એમ નાયક, જાની, અબ્દુલ, વાઘેલા, અશોક સહિતનાં બધાં જ પોલીસકર્મીઓનાં ચહેરા પરનાં ભાવો બદલાઈ રહ્યાં હતાં. પોલીસકર્મીઓનાં ચહેરાનાં બદલાતાં ભાવ એ બાબત તરફ ઈશારો કરી રહ્યાં હતાં કે અર્જુનની યોજના પર એ લોકોને ધીરે-ધીરે વિશ્વાસ બેસી રહ્યો હતો.

અર્જુને પોતાની યોજના સંપૂર્ણ સંભળાવ્યા બાદ પોલીસકર્મીઓને ઉદ્દેશીને બોલ્યો.

"તો સાથીદારો તમે હવે તૈયાર છો એ વેમ્પાયર ફેમિલીનો ખાત્મો કરી માસુમ શહેરીજનો અને મોહનકાકા ની મોત નો બદલો લેવાં.. ?"

"યસ સર.. અમે તૈયાર છીએ. "અર્જુનની વાતનો ઊંચા સાદે પ્રત્યુત્તર આપતાં.

"તો પછી જલ્દી લાગી જાઓ મેં કહ્યું એ મુજબ કામે લાગી જાઓ.. આજે જો એ વેમ્પાયર પરિવારનો કોઈપણ સદસ્ય રાધાનગરમાં પગ મુકશે તો એ જીવિત નહીં જાય એનો મને વિશ્વાસ છે. "અવાજમાં એક અલગ જ જુસ્સા સાથે અર્જુન બોલ્યો.

અર્જુનનાં આમ બોલતાં જ રાધાનગર પોલીસ સ્ટેશનનાં બધાં જ પોલીસકર્મીઓ લાગી ગયાં અર્જુનની યોજના મુજબ પોતાને સોંપેલું કામ કરવામાં.

અર્જુને શેખને કોલ કરીને ટૂંકમાં વેમ્પાયર ફેમિલીનાં વિશે અને એમનો અંત કરવાં પોતે કરેલાં આયોજન અંગે કહી સંભળાવ્યું. પોતાનાં બે લેબ આસિસ્ટન્ટની જે પ્રકારે ક્રિસ અને એનાં ભાઈ-બહેનો એ હત્યા કરી હતી એ નજરે નીહાળ્યાં બાદ શેખનાં મનમાં જે ક્રોધ ભભૂક્યો હતો એ અર્જુનની વાત સાંભળી મહદઅંશે શાંત થઈ ગયો હતો. અર્જુન પોતાની યોજનામાં સફળ થાય એવાં સુભાષીશ આપી શેખે અર્જુન સાથેનો કોલ ડિસ્કનેક્ટ કરી દીધો.

*****

રાતનાં અગિયાર વાગ્યાં જેટલો સમય થયો હતો.. રાત્રીનો ભૂતાવળ ભાસતો અંધકાર અને શીતળ પવનની લહેરખી સમુદ્રકીનારાનાં વાતાવરણને વધુ ભયાવહ બનાવતું હતું. અચાનક વેમ્પાયર ફેમિલી જે જહાજ પર વસવાટ કરતી હતી એ જહાજ સમુદ્રકીનારાથી બસો મીટર દૂર દ્રશ્યમાન થયું.

એ જહાજની તૂતક ઉપર અત્યારે ડેવિડ અને બ્રાન્ડન ઉભાં-ઉભાં આકાશ ભણી જોઈ રહ્યાં હતાં. વાદળોથી ઘેરાયેલાં આકાશમાં અત્યારે ના તો તારાં દેખાતાં હતાં ના ચંદ્ર.. આમ છતાં ચંદ્રની આછેરી રોશની વાદળોને ચીરીને નીચે જમીન પર થોડે-ઘણે અંશે આવી જરૂર રહી હતી.

"ડેવિડ, તને લાગતું નથી ટ્રીસા સાથે ગઈકાલે જે થયું એ પછી આપણે આવું કરનારાં પોલીસકર્મીઓને એની સજા આપવી જોઈએ. "બ્રાન્ડને એનાં મોટાં ભાઈ ડેવિડને કહ્યું.

"તારી વાત સાચી તો છે પણ આનો બીજો અર્થ પણ નીકળે એ અંગે પણ વિચારવું રહ્યું.. "ડેવિડ થોડો સમય ચુપકીદી સેવ્યાં બાદ બોલ્યો.

"શું અર્થ નીકળે ભાઈ.. ?"બ્રાન્ડને ડેવિડ ની વાત સાંભળી આશ્ચર્ય સાથે પૂછ્યું.

"એમ જ કે હવે આપણે વધુ સાવધ થઈ જવાની જરૂર છે.. ટ્રીસાનાં જેમ આપણે હવે નાની અમથી પણ ભૂલ નથી કરવાની. "ડેવિડે બ્રાન્ડન ને ચેતાવતાં કહ્યું.

ડેવિડની વાત સાંભળી બ્રાન્ડન જાણે એની વાત ગળે ઉતરી ગઈ હોય એમ હકારમાં ડોકું હલાવવા લાગ્યો. થોડો સમય બંને ભાઈ આમ જ જહાજનાં તુતક પર ઉભાં રહી અહીં-તહીંની વાતો કરતાં રહ્યાં.

"ચલ ત્યારે હું રૂમમાં જાઉં.. "બ્રાન્ડન ને ખભે હાથ મૂકી આટલું કહી ડેવિડ પોતાનાં રૂમ તરફ આગળ વધ્યો.

ડેવિડ નાં જતાં જ બ્રાન્ડન કંઈક વિચારતાં થોડો સમય જહાજનાં તૂતક પર એમ જ ઉભો રહ્યો.. ગઈકાલે એને જોયેલી પોતાનાં બહેન ટ્રીસાનો મૃતદેહ વારંવાર બ્રાન્ડનની આંખો સમક્ષ આવી રહ્યો હતો. પોતે જેને તુચ્છ સમજતો હતો એવાં મનુષ્યો દ્વારા ટ્રીસા સાથે જે કંઈ કરવામાં આવ્યું હતું એ પાછળ કોણ-કોણ છે એ જાણવાં અને એ માટે જવાબદાર લોકોને સજા આપવાં બ્રાન્ડને કોઈને જણાવ્યાં વગર રાધાનગરમાં જવાનું મન બનાવી લીધું.

બ્રાન્ડન જહાજ પરથી કૂદીને સમુદ્રની સપાટી પર આવ્યો અને જાણે પાણીની જગ્યાએ જમીન પર ચાલતો હોય એ રીતે સમુદ્રનાં કિનારા તરફ ચાલતો થયો.

જહાજ દરિયામાં જે રીતે અચાનક પ્રગટ થયું એ દ્રશ્ય સમુદ્રકિનારે દીવાદાંડી પર રહેતો મુસ્તફા આ વખતે જોઈ ગયો હતો. આખરે છેલ્લાં પાંચ દિવસથી રડાર પર મળતાં સિગ્નલ અને રડાર મશીનમાંથી આવતાં અવાજ પાછળનું સાચું કારણ મુસ્તફાને મળી ગયું હતું.

વેમ્પાયર ફેમિલીનું જે પ્રકારનું ભવ્ય જહાજ હતું એની બનાવટ જોઈને મુસ્તફા ચોંકી ગયો.. રાધાનગરમાં થોડાં દિવસોથી થઈ રહેલાં હત્યાકાંડ પાછળ આ જહાજ પર મોજુદ લોકો જ હશે એવું મુસ્તફા વિચારતો હતો ત્યાં એની નજર જહાજનાં તૂતક પર ઉભેલાં બ્રાન્ડન અને ડેવિડ પર પડી.

એ અજાણ્યાં લોકોને જોઈ મુસ્તફાની શંકા સુદૃઢ બની કે આ લોકો જ એ રહસ્યમય લોકો છે જેમને અત્યાર સુધી રાધાનગરમાં તેર-તેર લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. થોડીવારમાં બ્રાન્ડન રાધાનગર શહેર તરફ ચાલતો થયો એ દ્રશ્ય પણ મુસ્તફાએ નિહાળ્યું.

"આ વિશે મારે એ. સી. પી સાહેબને જણાવવું પડશે.. "મનોમન આટલું બોલી મુસ્તફા પોતાની ડાયરીમાં લખેલો અર્જુનનો નંબર શોધવા લાગ્યો. મુસ્તફા મોબાઈલ ફોનનો ઉપયોગ નહોતો કરતો એટલે દીવાદાંડી પર લગાવેલી લેન્ડલાઈન મારફતે અર્જુન ને કોલ કરવાં એને પોતાની કોન્ટેક્ટ નંબર ધરાવતી ડાયરીનાં પન્ના ફેંદવાનું શરૂ કર્યું.

"મળી ગયો.. "ડાયરીનાં એક પન્ના પર લખેલો અર્જુનનો નંબર વાંચતાં જ બોલી પડ્યો.

મુસ્તફા લેન્ડલાઈન મારફતે અર્જુનનો સંપર્ક સાધવા જ જતો હતો ત્યાં જ બહાર કશોક સળવળાટ થયો, આમ થતાં જ મુસ્તફા સાવધ થઈ ગયો. મુસ્તફાએ નંબર ડાયલ કરવાનું પડતું મૂકી રીસીવર એનાં ઠેકાણે મુક્યું અને હિંમત એકઠી કરી બહાર કોણ છે એ જાણવાં બારી બહાર ડોકિયું કર્યું.

******

વધુ આવતાં ભાગમાં.

મુસ્તફા સાથે શું થશે.. ?બ્રાન્ડન સાથે અર્જુનનો મુકાબલો થતાં શું થશે?કેમ એ લોકો રહેતાં હતાં એ જહાજ કોઈની નજરે નહોતું ચડ્યું. ? અર્જુને શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી બચાવવા કઈ યોજના બનાવી હતી.. ?ઘંટડી વગાડી કોને વેમ્પાયર ફેમિલીને ત્યાં બોલાવી હતી.. ? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો ભાગ.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો.. આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન. આર. પટેલ (શિવાય)

***