Mari Chunteli Laghukathao - 22 in Gujarati Short Stories by Madhudeep books and stories PDF | મારી ચૂંટેલી લઘુકથાઓ - 22

Featured Books
Categories
Share

મારી ચૂંટેલી લઘુકથાઓ - 22

મારી ચૂંટેલી લઘુકથાઓ – મધુદીપ

ભાવાનુવાદ: સિદ્ધાર્થ છાયા

નિદાન

બે બિલાડીઓની લડાઈમાં આ વખતે વાંદરો ફાવી ગયો એટલે એણે પુરેપુરી રોટલી કબજે કરીને પોતે જ સિંહાસન પર આરૂઢ થઇ ગયો. તેણે તરતજ નગરમાં જાહેરાત કરાવી દીધી કે તેને રાજા નહીં પરંતુ નગર સેવક કહીને બોલાવવામાં આવે કારણકે તે સામાન્ય જનતાની વચ્ચેથી આવ્યો છે અને આથી જ તે તેમનો સેવક બનીને તેમના સુખ દુઃખ વહેંચવા માંગે છે. જનતા તો એકદમ ખુશ ખુશાલ થઇ ગઈ.

તો ભાઈઓ વાત હવે એ રીતે આગળ વધે છે કે શિયાળાની એક રાત્રીએ નગર સેવકને કેટલાક ભૂતપૂર્વ પ્રજા વત્સલ રાજાઓની વાર્તાઓ યાદ આવી એટલે એ પણ પોતાના એક વિશ્વાસુ સહાયકની સાથે પ્રજાનું સુખ દુઃખ જાણવા માટે રસ્તાઓ પર નીકળી પડ્યો.

રાત્રીનો બીજો પહોર વીતી રહ્યો હતો. ઠંડીએ રસ્તા પર વાહનોની ગતિ વધારી દીધી હતી. બધા જ પોતપોતાના ઘેર પહોંચવા માટે ઉતાવળમાં હતા. જે લોકો બેઘર હતા એ લોકો મેટ્રોના પુલ નીચે તથા રસ્તાની બંને તરફ આવેલી ફૂટપાથ પર આશરો લઇ ચૂક્યા હતા. નગર સેવક ક્યાંય પણ રોકાયા વગર તીવ્ર ગતિથી વાહન આગળ વધારતો જતો હતો. નગર સેવકને ઊંઘ આવી રહી હતી પરંતુ તેનું વાહન અચાનક જ દુરાગ્રહી થઇ ગયું અને રોકાઈ ગયું.

“શું આપણી નગર યાત્રા પૂર્ણ થઇ ગઈ સહાયક?” નગર સેવકની તંદ્રા ભંગ થઇ.

“ના શ્રીમાન! આપણું વાહન ખરાબ થઇ ગયું છે.” સહાયકે વિનમ્રતાથી કહ્યું.

“તો?”

“તો આપણે ક્યાંક નજીકમાં જ આશ્રય લેવો પડશે, શ્રીમાન.”

“તો શું આપણે ત્યાં ચાલીને જવું પડશે?”

“જી, શ્રીમાન.”

“ઓફ્ફ...શું મુસીબત છે!”

સામે જ મોટા બંગલાઓનો વિસ્તાર હતો. “અહીંયા તો જરૂરથી આશ્રય મળી જશે,” એમ વિચારીને બંનેના પગલાં એ તરફ વધવા લાગ્યા.

આ બંને એક બંગલાની સામે પહોંચીને બંને રોકાઈ ગયા. ત્યાં કોઈક ત્રીજો પણ હતો જે આ બંનેને અહીં જોઇને ત્યાંથી ભાગી જવાની ફિરાકમાં હતો.

“ઉભો રહે...!” સહાયકના કડક અવાજે પેલા ત્રીજા વ્યક્તિને રોકાઈ જવા પર મજબૂર કરી દીધો.

“તું?” પેલા ત્રીજા વ્યક્તિને ઓળખીને હવે નગર સેવક આશ્ચર્યમાં મુકાઈ ગયા.

“હા શ્રીમાન.”

“તું આ સમયે અહીંયા શું કરી રહ્યો છે? આ તો તારો વિસ્તાર નથી!”

“હું અહીં ચોરી કરવાના ઈરાદાથી આવ્યો છું શ્રીમાન.” નગર સેવકનો મોભો જ એવો હતો કે પેલાના મોઢેથી સત્ય નીકળી પડ્યું.

“અમારો સભ્ય અને ચોરી? પણ કેમ?” નગર સેવક ચોકી ઉઠ્યો.

“શું કરું શ્રીમાન, તમે જે પગાર આપો છો તેનાથી તો પરિવારનું ભરણપોષણ નથી થઇ શકતું.”

“તું સાચું બોલ્યો એટલે અમને ખૂબ પ્રસન્નતા થઇ છે.” નગર સેવકે પોતાના સાથી સભ્યના વાહનમાં પરત થવાનો નિર્ણય લીધો.

બીજા દિવસે નગર સેવકે પોતાના સાથી સભ્યોની સભામાં ઘોષણા કરી – “અમને એ જાણીને ખૂબ કષ્ટ પહોંચ્યું છે કે ઉચિત સાધનોના અભાવે આપણા સભ્યોને પોતાના પરિવારના ભરણપોષણ માટે ચોરી જેવા ખરાબ કૃત્યોનો સહારો લેવો પડે છે. આ જાણીને અમને ખૂબ શરમ આવે છે અને અમે અમારા તમામ સભ્યોના પગાર અને ભથ્થાંમાં ચારગણી વૃદ્ધિ કરવાની જાહેરાત કરીએ છીએ જેથી તેમને આ પ્રકારના અનુચિત કાર્યો કરવાની જરૂર ન પડે.

નગર સેવકની આ જાહેરાતનું સહાયકો તથા સભ્યો સહીત સામાન્ય જનતાએ પણ તાલી વગાડીને સ્વાગત કર્યું. સામાન્ય જનતાને વિશ્વાસ હતો કે નગર સેવક બહુ જલ્દીથી તેમને મળી રહેલા સંસાધનોમાં પણ ચારગણી વૃદ્ધિ કરવાની ઘોષણા કરશે જેથી તેમને પણ પોતાના પરિવારના ભરણપોષણ માટે અનુચિત માર્ગ પર ચાલવાની જરૂર ન પડે. પોતાની સમસ્યાઓનું બહુ જલ્દીથી થનારા આ નિદાનની આશાથી જનતામાં અપાર હર્ષ અને ઉત્સાહ છે.

***