ટુથ બિહાન્ડ લવ
પ્રકરણ-22
હાય. માં... સ્તવને ઘરે આવીને માં ને ગળે વળગાડી દીધી. પાપા એરપોર્ટ આવે એ પહેલાં ઘરે જ પહોંચી ગયો. પાપાને રસ્તામાંથી જ ના પાડી કે એ ટેક્ષીમાં પહોંચી જ રહ્યો છે. હાથમાં રહેલી બેગ અને શુટકેશ નીચે ફેંકીને માં ને જ વળગી ગયો. આજે જાણે ઘરનું આંગણું ખુશીઓથી નાચી ઉઠ્યું.
માં એ કપાળ ચૂમીને ઓવારણા લીધાં અને પછી પાપાને વળગી ગયો. બંન્ને જણાને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં વિનોદભાઈ સ્તવનનાં પાપાએ સ્તવનને બાંહોમાં ભરીને કહ્યું "દીકરા તું જાણે છે ? અમારાં માટે તો તારી બાહોંજ અમારું સુનિશ્ચિત સુખ છે દીકરાનાં દીલાસે હવે જીંદગી જીવાય છે બસ નજરથી અને હૃદયથી તનેજ જોઇએ છીએ જીવીએ છીએ એમ બોલતાં બોલતાં પાપાની આંખો ભરાઇ આવી વિનોદાબેન પણ લાગણી પરવશ થયાં.
સ્તવનને ઘરે આવીને આજે જાણે બધુંજ સુખ પાછું મળી ગયું. માં નાં હાથની રસોઇ, પાપાનાં હાથનું વ્હાલ આજે જાણે સ્વર્ગની છત્રછાયામાં શ્વાસ લેવા લાગ્યો. "દીકરા જા તું ફ્રેશ થઇ સેવામાં માં મહાદેવનાં દર્શન કરી આવ ત્યાં સુધી તારાં માટે સરસ આદુ ફુદીનાની ચા બનાવી લાવું.
વિનોદભાઇને કહ્યું "મારાં માટે પણ મુકજો ચા ઘણાં સમય પછી હું સ્તવન સાથે ચાની ચૂસકી લઇશ. કેમ દીકરા બરોબરને ? જા તું ફ્રેશ થઇને આવ ત્યાં સુધી હું હીંચકે તારી રાહ જોઊં છું એમ કહીને વરન્ડામાં લટકાવેલાં અતિપ્રિય હીંચકા પર જઇને બેઠાં.
સ્તવન ફ્રેશ થઇને આવ્યો ત્યાં સુધીમાં માં ચા બનાવીને ત્રણે માટે લઇ આવી. સ્તવન હીંચકા ઉપર પાપા સાથે અને માં સામે નેતરનાં સોફા પર બેઠાં અને બધાને ચા આપી સ્તવને કહ્યું "આજે કેટલાય સમયે કેટલું સારું લાગે છે ?
તારાં હાથની મસ્ત કડક આદુ ફુદીનાની ચા અને પાપાની આ શિખામણની જગ્યા... એમ કહીને જોરથી હસી પડ્યો.
વિનોદભાઇએ કહ્યું "દીકરા હવે અનુભવ સભર જીંદગી જીવ્યા પછી મારી પાસે શિખામણ અને વ્હાલ સિવાય બીજું શું છે ? એ પણ બધું તારા માટે છે.
અરે ! પાપા હું તો મજાક કરું છું સીરીયસ કેમ થાવ?
આમ સ્તવન માં-પાપા સાથે ક્યાંય સુધી વાતો કહતો રહ્યો. રહેવા જમવાનું-કોલેજ ભણતર-પ્રોફેસર થીસીસ રૂમ પાર્ટનર, બેંગ્લોર હવામાન આમ જુદી જુદી જાતની બધી જ વાતો કરી અને એ લોકો વાતો કરતાં કરતાં ક્યાંય સુધી બેસી રહ્યાં. સમયની ગતિમાં બે-ત્રણવાર ચા પીવાઇ ગઇ અને બપોર ક્યારે થઇ ગઇ ખબર જ ના પડી.
માં બોલી "હાય હાય મને આ વાતોનાં વડાંમા બપોર ક્યાં થઇ ગઇ ખબર જ ના પડી... હજી તો રસોઇ બનાવવાની બાકી છે હું તો સાવ વાતો સાંભળવા જ બેસી રહી.. તને ભૂખ લાગી હશે.. મને ભાન જ ના રહ્યું.
સ્તવને કહ્યું "અરે મંમી કેમ ચિંતા કરો છો. ખાવાનું હવે આવતું જ હશે. તને બીજીવારની ચા બનાવવા ગયાં ત્યારે જ મેં ઓનલાઇન ઓર્ડર આપી દીધો છે હમણાં આવી જશે.
માં એ કહ્યું "અરે હું કેટલાય દિવસથી તૈયારી કરીને બેઠી છું બધુ તૈયાર છે તારાં માટે ખાસ પૂરણપોળી બનાવી છે અને ખમણનું ખીરું તૈયાર છે શું કામ મંગાવ્યુ ? હમણાંજ બધુ બનાવી દઊં છું કેન્સલ કરાવી દે.
"માં કઈ નહીં હવે સાંજેં શાંતિથી દબાઇને ખઇશ હવે વાતો કરવાં બેઠાં છીએ તો બેસોને... હમણાં સાંજે પાછું મારે જવાનું છે.. "ક્યાં જવાનો છે આજે આવ્યો છે હવે ઘરેજ મારી સાથે રહેવાનું છે ક્યાંય જવાનું નથી.
"અરે માં હું ઘરે જ રહીશ... મારે સ્તુતિને સરપ્રાઇઝ આપવાની છે મે એને કહ્યું જ નથી કે હું આવવાનો છું હું બસ એને ઘરે જઇને લઇ આવું. સાથે જમીશું બધાં પછી અને અહીંજ રહીશું ક્યાંય બહાર નહીં જઇએ.
"ઓહ ઓકે એ આઇડીયા સારો છે સ્તવન સારું કર્યું. ભલે સ્તુતિને તું લઇ આવ સાથે મળીને જમીશું આમેય ઘણાં દિવસ થઇ ગયાં સ્તુતિને જોઇ નથી ફોન પર વાત થયા કરે... હમણાંથી એણે કંઇક ભણવાનું શરૂ કર્યું છે એવું કહેતી હતી એટલે રૂબરૂ નથી આવી શકાતું. સાચુ કહું અત્યારની ઊંમરમાં ભણવાનું ભણી લેવું પછી તો બધું આજ છે જીવનમાં દિકરા તો જા એને તેડી લાવ પછી શાંતિથી વાતો કરીશું હું સાંજની તૈયારીઓ જ કરું.
************
સ્તવને બાથ લીધો અને તૈયાર થઇને નીકળતાં નીકળતાં સાંજ થઇ ગઇ. એણે પોતાની બેગ વિગેરે ખાલી કરી. માંની સૂચનાં પ્રમાણે બધાં જ કપડાં વોશ કરવા કાઢ્યા. અને ખૂબ કાળજીથી બેંગ્લોરથી લાવેલી ગીફટ એણે પોતાનાં રૂમમાં વોર્ડરોબમાં મૂક્યું અને એ તૈયાર થઇને બહાર નીકળ્યો ટેક્ષી કરીને સ્તુતિનાં ઘરે પહોચ્યો.
"આવ આવ દિકરાં ઘણાં સમયે જોયો એમ કહીને અનસુયા બહેન સ્તુતિની મંમીએ આવકાર આવ્યો. પણ સ્તવનની નજરનો સ્તુતિને ખોળી રહી હતી. અનસુયા બ્હેન સમજી ગયાં કહ્યું "અરે દીકરા તું જેને શોધે છે એ હજી ઓફીસે છે આજે શ્રૃતિ કંઇક બહાર ગઇ હતી તો એ બધુ કામ લઇને બેઠી છે હું પણ હમણાં જ આપણી ઓફીસથી આવી છું. પણ તું કેમ છે ? કેવું છે ભણવા રહેવાનું બધું ? ફાવે છે ?
અરે મંમી તમે તો ઘણાં પ્રશ્ન પૂછી લીધાં. બધુંજ સરસ છે હું ઓકે છું એકદમ ફીટ. પણ ઓફીસ ક્યાં છે અહીંજ સ્ટેશન નજીક છે ને ? હું ત્યાં જ જઇને સરપ્રાઇઝ આપું એને, મને એડ્રેસ આપો.
અનસુયાબહેન હસ્તાં હસતાં કહ્યું "આ એડ્રેસ છે એમ કહીને એડ્રેસ સમજાવ્યુ અને આનંદ આંખોમાં જાણે સમાતો નહોતો એ નરી આંખે જોઇ રહ્યાં. મનોમન સુખ પામી રહ્યાં.
સ્તવને એડ્રેસ લઇને સીધો ઓફીસે પહોચ્યો કોમ્પેલક્ષમાં બીજા માળે ઓફીસ હતી. પ્રવેશ દ્વારમાં કાચનો દરવાજો જે બંધ હતો એણે કાચમાંથી અંદર નજર કરી તો અંદરનાં કોર્નરમાં લેપટોપ પર બેસી સ્તુતિ કંઇક કામ કરી રહી હતી એ કામમાં એટલી મશગુલ હતી કે એણે સ્તવન દરવાજે આવ્યો છે એનું ધ્યાન જ ના પડ્યું.
સ્તવને હળવેથી દરવાજો ખોલી બંધ કરીને પ્રવેશ કર્યો જોયુ બે ટેબલ ખાલી છે અને છેલ્લાં ટેબલ પર સ્તુતિ ધ્યાનથી કામ કરી રહી છે. એ ધીમાં પગલે આગળ ગયો અને અચાનક સ્તુતિની સ્તવન પર નજર પડી.
જેવી નજર પડી સ્તુતિ એકદમ ઉભી થઇ ગઇ. આંખોમાં આવકાર ચહેરા પર ખુશી અને હોઠ ભીનાં થયાં ઉભી થઈ દોડીને સ્તવને વળગી પડી હોઠ ભીનાં થયેલાં સ્તવનનાં ભીનાં કરી દીધાં... એય ચોર ક્યાંથી ટપક્યો ? જોરદાર સરપ્રાઇઝ ? મારાં ચિત્તચોર આજે તો તે ખજાનો લૂંટાવી દીધો. તરસતી તારી સ્તુતિને અમૃતપાન કરાવી દે આજે તારાં વિરહનાં તાપને ઠારી દે તારી સ્તુતિને તારામાં સમાવી દે મારાં લાખેણાં સ્તવન. એમ કહીને સ્તુતિ સ્તવનને ચૂમીઓનાં વરસાદથી નવરાવી રહી એને ભાનજ ના રહ્યું કે દરવાજે પાપા આવીને ઉભાં છે અને પાપા પાછા વળી ગયાં. કોઇને ખબર જ ના રહી.
સ્તવને પણ સ્તુતિને ખૂબ પ્રેમથી વળગાવી દીધી. તરસતાં હોઠને ખૂબ અમૃતપાન કરાવી દીધું ક્યાંય સુધી બંન્ને પ્રેમી જીવ એકબીજામાં પરોવાયેલાં રહ્યાં. અને સ્તુતિમાં ફોન પર રીંગ વાગી.. "હલ્લો બેટા હું પાપા... તું ઓફીસ બંધ કરીને ઘરે આવી જજે હું સીધોજ ઘરે જઊં છું તું રાહ ના જુએ એટલે ફોન કર્યો છે. અને સ્તવનને કહેજે મને મળીને જાય. ઓકે બાય કહીને ફોન મૂક્યો.
સ્તુતિ "ફોનમાં સાંભળતી રહી અને ઓકે પાપા કહીને ફોન મૂક્યો. એણે સ્તવને જોરથી ચુંબન કરીને કહ્યું "દુશ્મન હું તારામાં પાછળ પાગલ બની વળગી રહી.. પાપા આવીને ગયાં લાગે છે તને અને મને આમ જોઇને ઘરે જતાં રહ્યાં તને મળીને જવા કહ્યું છે.. સાવ લૂચ્ચોજ છે મને ભાન ભૂલાવે.
સ્તવનતો સાંભળીને ખૂબ હસી પડ્યો. અરે આપણને ખબરજ ના પડી પાપા આવીને ગયાં. હવે એમને મળતાં પણ સંકોચ થશે. કંઇ નહીં હવે આપણે પલાળ્યુ છે તો પૂરું મૂંડીને જ મળીશું. એમને કહી દે તું મારાં ઘરે આવે છે અને પછી રાત્રે મૂકવા આવીશ ત્યારે મળીશ...
સ્તુતિ કહે "તું ખરેખર જબરો છે મને ભરાવે છે તુંજ ફોન પર કહી દે હું લગાવી આપું છું મારાંથી વાત નહીં થાય મને ખૂબ શરમ આવે છે. સ્તુતિએ ફોન લગાવ્યો સ્તવને રાત્રે મળીશું અને સ્તુતિ મારાં ઘરે જમીને આવશે. એમ કહીને ચિંતામુક્ત કરીને બંન્ને ઓફીસ બંધ કરીને સ્તવનનાં ઘરે પહોંચી ગયાં.
સ્તવનનાં ઘરે પહોંચી સ્તુતિ -માં પાપાને પગે લાગી સ્તુતિએ મદદ કરવા કહ્યું પણ વિનોદાબેને ના પાડી તને શાંતિથી રૂમમાં બેસો રસોઇ થશે બોલાવીશ. સ્તવનને જોઇતું હતું વૈદે કીધું સ્તુતિને રૂમમાં લઇ જઇ બારણું બંધ કર્યું અને...
વધુ આવતા અંકે ........ પ્રકરણ-23