Ardh Asatya - 46 in Gujarati Detective stories by Praveen Pithadiya books and stories PDF | અર્ધ અસત્ય. - 46

Featured Books
Categories
Share

અર્ધ અસત્ય. - 46

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪૬

પ્રવીણ પીઠડીયા

રઘુભા ભયંકર રીતે ચોંકયો હતો. ફ્લેટનાં દરવાજા સાથે કશુંક ધડાકાભેર અથડાયું હતું જેનાં થડકાથી જે પલંગ ઉપર તે સૂતો હતો એ પલંગ પણ હલી ઉઠયો હતો. એકાએક તે ઉભો થઇ ગયો અને ગાદલા નીચે સંતાડેલી બંદૂક હાથમાં લઇને તેનો સેફટી કેચ ખોલ્યો. અહીં કોઇના આવવાની શક્યતાં ઝિરો બરાબર હતી છતાં જે ધડાકો સંભળાયો હતો એ તેને સચેત કરવા પૂરતો હતો. સાવધાનીથી તે દરવાજા સુધી આવ્યો અને શ્વાસ રોકીને બહાર શું થાય છે એની પ્રતિક્ષા કરવા લાગ્યો. આ એપાર્ટમેન્ટ સાવ અવાવરૂં પડયું હતું એટલે ઘણાં રખડું કૂતરાઓ અહી દિવસ-રાત પોતાનો અડ્ડો જમાવીને પડયાં રહેતા હતા. તેમાનું જ એકાદું કૂતરું દરવાજા સાથે ભટકાયું હશે એવું તેને લાગ્યું હતું પરંતુ એ છતાં સતર્ક રહેવું જરૂરી હતું.

રઘુભાની નજરો બારણાં નીચેની તડમાં થતી હલચલ ઉપર હતી. તે બારણાંથી થોડે દૂર, મુખ્ય રૂમની દિવાલને અઢેલીને ઉભો હતો. તેની આંખો અને કાન કોઇ શિકારી જાનવરની જેમ તંગ થયા હતા. અને… ભયાનક પવનનો એક જોરદાર સૂસવાટો બારણાં તરફ ગતીથી આવ્યો હોય એમ કોઇ આવીને બારણાં સાથે અથડાયું. ’ધડામ’ અવાજ આવ્યો અને બારણું તેનાં મીજાગરાં સોતું ઉખડીને મુખ્ય રૂમની ફર્શ ઉપર પછડાયું. બારણાંની સાથોસાથ એક વ્યક્તિ પણ ગડથોલિયું ખાતો હોય એમ અંદર પ્રવેશ્યો. ગણતરીની માત્ર ચંદ સેકન્ડોમાં એ ઘટના બની હતી. રઘુભા કંઇ સમજે એ પહેલા તો પેલો વ્યક્તિ તેની સાવ નજીક દોડતો આવ્યો હતો.

એ રાજસંગ હતો. તેની પાસે દરવાજો તોડવાં સિવાય બીજો કોઇ વિકલ્પ નહોતો એટલે તેણે લગભગ આંધળૂકિયા જ કર્યાં હતા. તે થોડો પાછો હટયો હતો અને પછી દોડીને તેણે ફ્લેટનાં બારણા ઉપર પોતાનું શરીર ફંગોળ્યું હતું. તેના ખભાનો ભાગ ભયાનક ગતીથી બારણાં સાથે ટકરાયો હતો અને એક ધમકાનો અવાજ થયો હતો. પહેલા પ્રયાસમાં જ બારણું ખળભળી ગયું હતું એટલે તેનું જોમ બેવડાયું. તે ફરીથી પાછળ ખસ્યો હતો અને સમય ગુમાવ્યાં વગર દોડીને પાછો બારણાં સાથે ટકરાયો. આ વખતે બારણું તેની ટક્કર ખમી શકયું નહી અને બારસાંખમાંથી મીજાગરાં સહિત ઉખડીને અંદર ખાબકયું હતું અને ગતીમાં દોડતું તેનું શરીર બારણાંની સાથે જ અંદર પ્રવેશ્યું હતું. તે કંઇ વિચારે કે કોઇ પ્રતિક્રિયા કરે એ પહેલાં તો તે રઘુભાની એકદમ સન્મુખ જઇને ઉભો રહી ગયો હતો. એકાએક જ એ બન્યું હતું અને તે બન્ને એકસાથે જ ચોંક્યાં હતા. એક સેકન્ડનાં સો માં ભાગમાં તે બન્નેએ એકબીજા ઉપર પોતપોતની બંદૂકો તાણી હતી. એ કમરામાં ભયાનક રીતે સોપો પડી ગયો હતો.

શ્વાસ લે તો પણ અવાજ સંભળાય એટલી ગહેરી ખામોશી એમની વચ્ચે છવાઇ. બન્નેની બંદૂકોનાં નાળચાં એકબીજાના કપાળનું નિશાન લઇ ચૂકયાં હતા. એક હરકત અને બન્નેની ખપોરીનાં પરખચ્ચા આખા કમરામાં ઉડવાનાં હતા. કમરાનું સ્તબ્ધ વાતાવરણ આવનારી ઘડીના ઈંતજારમાં હતું. એ સમયે જ દેસાઇ અંદર પ્રવેશ્યો હતો. તેના હાથમાં તેની ગન હતી. અંદર સર્જાયેલી સ્થિતિ નિહાળીને સ્તબ્ધ બનીને તે ઉભો રહી ગયો. પણ રઘુભા ગભરાઇ ગયો હતો. તેણે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે આવી રીતે તે ઉંઘતો ઝડપાશે. અરે આ એપાર્ટમેન્ટમાં કોઇ આવી ચડશે એની કલ્પના પણ તેને નહોતી કારણ કે સાવ નધણિયાત જગ્યામાં કોઇ શું કામ આવે! જો કે એ થયું હતું અને અત્યારે બે બંદૂકોનાં નાળચે તેનો જીવ પડીકે બંધાયો હતો. સામસામે તકાયેલી બંદૂકો એકાએક ક્યારે ગરજી પડે એ નક્કી કરવું મુશ્કેલ બન્યું હતું. થોડીક ક્ષણો ભયાનક તંગદિલીમાં વિતિ હશે કે એકાએક રઘુભાએ સામેથી નમતું જોખ્યું હોય એમ પોતાના હાથ હવામાં અધ્ધર કર્યાં. પણ એ તેની ચાલ હતી. જેવા તેણે હાથ અધ્ધર કર્યા કે રાજસંગ પોતાની જીત ઉપર મુસ્કુરાયો અને તેણે રઘુભાને કબજે લેવા પોતાની બંદૂક નીચી કરી. બસ, ત્યાં જ એ ભૂલ કરી ગયો હતો.

જેવું તેણે બંદૂકનું નાળચું રઘુભાનાં કપાળેથી હટાવ્યું એ સાથે જ રઘુભાએ તેને એક જોરદાર ધક્કો માર્યો હતો અને કંઇપણ વિચાર્યા વગર ફ્લેટની અંદરની દિશામાં ભાગ્યો. હડબડાહટમાં જ એ થયું હતું અને રઘુભાનાં ધક્કાથી રાજસંગ દેસાઇ તરફ ધકેલાયો હતો. દેસાઇને ગોળી છોડવી હતી પરંતુ રાજસંગ વચ્ચે આવ્યો હતો. રઘુભા છટકયો હતો. બે જ સેકન્ડમાં તે બન્ને પણ રઘુભાની પાછળ દોડયા. રઘુભા જે રૂમમાં હમણાં સૂતો હતો એ રૂમમાં ઘૂસ્યો અને પછી રૂમની બાલ્કનીમાં પહોંચ્યો. તેને ખરેખર સમજાતું નહોતું કે આ કોણ લોકો તેની પાછળ પડયાં છે? એક શક્યતા તેના મનમાં ઉભરી હતી કે જરૂર આ પોલીસવાળા જ હોવા જોઇએ. પોતાની પાસે બંદૂક હતી છતાં તે એ લોકો ઉપર ફાયર કરીને કોઇ નવી મુશ્કેલી ઉભી કરવા માંગતો નહોતો એટલે તેનો ઉપયોગ ટાળ્યો હતો.

પણ રઘુભાની મુશ્કેલીઓ હજું ખતમ નહોતી થઇ. તે બીજા માળે હતો અને તેની બાલ્કનીમાંથી નીચે ઉતરવાનો કોઇ રસ્તો નહોતો. તે મુંઝાઇ ગયો. તેણે બાલ્કનીની રેલિંગે ટિંગાઇને આજુબાજું જોયું પણ ત્યાં કોઇ પાઇપ કે છજ્જૂં નહોતું જેના સહારે તે નીચે ઉતરી શકે. હવે શું કરવું? ભયાનક ઝડપે તે વિચારતો હતો અને સામેથી તેનું મોત આવતું દેખાયું. રાજસંગ અને દેસાઇ ધડાધડ કરતાં અંદર પ્રવેશ્યા હતા અને રઘુભાએ ફરીથી પોતાના હાથ હવામાં અધ્ધર કર્યાં હતા. તેને એમ હતું કે તે બાલ્કનીમાંથી નીચે ઉતરીને છટકી શકશે પરંતુ એવું થયું નહોતું કારણ કે ત્યાંથી નીચે કુદવા સિવાય તેની પાસે બીજો કોઇ રસ્તો જ નહોતો. અને તે બીજા માળેથી કુદીને પોતાના હાથ-પગ ભાંગવા માંગતો નહોતો એટલે તેણે શરણાગતી સ્વિકારવાનું મુનાસિબ માન્યું હતું.

થોડી મહેનત અને દોડાદોડીનાં અંતે રઘુભા જેવો ખૂંખાર આદમી ભરૂચ પોલીસનાં ઝાંબાઝ અફસરોના હાથે ઝડપાયો હતો. રાજસંગે તેની બંદૂક કબ્જે લીધી હતી અને તેના હાથ બાંધવામાં આવ્યાં હતા. પછીનો ઘટનાક્રમ બહું ઝડપી રહ્યો હતો. રઘુભાને પકડીને જીપમાં નાંખવામાં આવ્યો અને જીપને સીધી જ પોલીસ મથકે લેવામાં આવી હતી. સહેજે હો-હલ્લા વગર સુરતનો કુખ્યાત માણસ રઘુભા એકાએક પોલીસની ગિરફ્તમાં સપડાઇ ગયો હતો. દેવેન્દ્ર દેસાઇ અને રાજસંગ રાઠોડની જોડીએ વધું એક મુશ્કેલ જણાતું ઓપરેશન સફળતાથી પાર પાડયું હતું.

@@@

ભરૂચ પોલીસ મથકનાં લોક-અપ રૂમમાં જબરી અફરા-તફરી મચેલી હતી. દેસાઇએ રઘુભાને કંઇપણ પૂછયાં વગર પહેલા તો સારી રીતે ધોયો હતો. તેમાં રાજસંગે પણ પોતાનો હાથ સાફ કરી લીધો અને પછી રઘુભાને એક ખુરશીમાં બેસાડીને તેની આકરી પૂછપરછ શરૂ કરાઇ હતી. રઘુભાએ તેની આખી જીંદગીમાં આજે પહેલીવાર પોલીસના હાથનો માર ખાધો હતો. તે સાવ ધરબાઇ ગયો હતો. તેનો ઉંચો પડછમ દેહ જાણે ગારાનો બનેલો હોય એવો ઢીલોઢફ થઇ ગયો હતો. તે સુરતમાં થયેલાં અકસ્માત વિશે, તેના ડ્રાઇવર કાળીયા વિશે, બંસરીના અપહરણ વિશે અને આ તમામ ઘટનાઓ પાછળ કોનો દોરી સંચાર હતો એ વિશે બધું જ… ડિટેઇલમાં જણાવા તૈયાર થયો હતો. રાજસંગે એ બયાન બાકાયદા રેકોર્ડ કરી શકાય એ માટે કેમેરાની વ્યવસ્થા કરાવી હતી અને એ કેમેરા સામે રઘુભાએ પોતાનું બયાન આપવું શરૂ કર્યું હતું.

@@@

“હું અંગૂઠાછાપ માણસ છું સાહેબ. ભણ્યો નથી પરંતુ આ સમાજમાં રૂપિયા કમાવાં શું કરવું જોઇએ એ ભલીભાંતી શિખ્યો છું. મારો રેતી, કપચી, ઈંટોનો કારોબાર છે. આ કારોબારમાં ક્યારે, કોને, ક્યા સમયે માલની ડિલિવરીની જરૂર પડે એ નક્કી હોતું નથી એટલે સુરતમાં જ્યારે અમુક સમયે જ ભારે વાહનોને એન્ટ્રી મળશે એવો નિયમ લાગું પડયો ત્યારે હું મુંઝાયો હતો. પરંતુ આ દિક્ષિત ખરોને સાહેબ, કમલ દિક્ષિત… તેણે જ મને આ નિયમમાંથી છટકવાનો રસ્તો સૂઝાડયો હતો. તેના બદલામાં મારે તેને દર મહિને નિશ્વિત રકમનો હપ્તો આપવો પડતો હતો. આ અમારી આપસની વ્યવસ્થા હતી જે પાછલા ત્રણ વર્ષથી બેરોકટોક ચાલતી હતી. મારી પાસે ટ્રકોની કમી નહોતી. પાર્ટિઓ કહે ત્યાં અને માંગે એ સમયે હું તેમને માલ સપ્લાઈ કરતો હતો. એ દરમ્યાન જો કોઇ ચેકનાકે મારો ટ્રક અટકાવાય કે કોઇ અકસ્માત થાય તો એ બધું કમલ દિક્ષિત સંભાળી લેતો હતો. પરંતુ કાળીયાએ જે અકસ્માત કર્યો એમાં ઘણુંબધું કાચું કપાયું હતું. એક તો એ અકસ્માતમાં ત્રણ માણસોનાં જીવ ગયાં હતા. ઉપરાંત પેલો રિપોર્ટર, હરામખોર અણીનાં સમયે જ ત્યાં હાજર હતો. તેણે આ કેસને જરૂર કરતાં વધું ચગાવી દીઘો હતો તેમાં દિક્ષિત પણ મૂંઝાયો હતો કે હવે શું કરવું? કારણ કે જો એક વખત પોલીસ ડિપાર્ટમેન્ટની ઈન્કવાયરી શરૂ થઇ ગઇ તો તેનાં કરતૂતો પણ બહાર આવ્યાં વગર રહેવાનાં નહોતા. એટલે તેણે કોઇ બીજો જ રસ્તો અપનાવ્યો. તેને પોતાના જૂનિયર અભય ભારદ્વાજની ઈમાનદારી ઘણાં સમયથી આંખોમાં કણાની જેમ ખૂચતી હતી. દિક્ષિતે તેને આમાં ફસાવી દેવાનો પ્લાન બનાવ્યો અને એ અફસરનાં ભાગ્ય જૂઓ, અકસ્માત થયો તે દિવસે એ સમગ્ર વિસ્તાર તેના અંડરમાં જ હતો. પછી તો શું છે સાહેબ… અભય ભારદ્વાજને ફસાવવો એકદમ રમત વાત સાબિત થઇ હતી. અરે, ખુદ પોતે જ અપરાધી હોવા છતાં દિક્ષિતે તેને સસ્પેન્ડ કર્યો હતો.” રઘુભા પોપટની જેમ એકધારું બોલતો હતો. દેસાઇ અને રાજસંગને આખો ખેલ સમજમાં આવતો હતો.

“કાળીયાનું શું કર્યું તે?” રાજસંગે પૂછયું.

“અકસ્માત પછી તરત એ મારી પાસે આવ્યો હતો. ત્યાં સુધીમાં આખું શહેર અકસ્માત વિશે જાણી ચૂકયું હતું એટલે હું તેને એમ જ છોડી દઇ શકું તેમ નહોતો. તેને ખતમ કરીને ગેરેજમાં જ દાટી દીધો હતો.” રઘુભાએ જાણે કોઇ બહું મોટું પરાક્રમ કર્યું હોય એમ બોલ્યો અને વાત આગળ વધારી. “કાળીયાને માર્યો ત્યારે લાગ્યું કે વાત અહીં જ દફન થઇ જશે પરંતુ નહિં, સુરાએ તેમાં ફાચર મારી હતી. તેણે પેલી છોકરીને મળવા બોલાવી. તેને કાળીયાને શોધવાનું જોમ ઉપડયું હતું એટલે મારે તેને પણ કબ્જે લેવો પડયો હતો અને એ છોકરીને પણ ખામોશ કરવી જરૂરી હતી એટલે તેને સુરા પાસે જ ફોન કરાવીને કોસંબા બોલાવી હતી. મને એમ કે હવે બધા મારી ગિરફ્તમાં આવી ગયા છે એટલે કોઇ પ્રોબ્લેમ ઉભો નહી થાય. પરંતુ એ છોકરીનાં ભાઈએ તેને શોધવા દિક્ષિતને જ ફોન કર્યો હતો અને દિક્ષિતે એ વાત મને જણાવી હતી. પછી તેણે દુનિયાને દેખાડવા બધા પોલીસ સ્ટેશનોમાં એલર્ટ જાહેર કરાવ્યું હતું. મેં એ છોકરીને ’માધવ ઇન્ડસ્ટ્રિઝ’માં બોલાવી હતી અને તેને ત્યાં કેદ કરી હતી. મને એમ હતું કે હવે કોઇ પ્રોબ્લમ ઉભો નહી થાય. પરંતુ મારા ગયા પછી કોઇ પોલીસવાળો આવીને એ છોકરીને છોડાવી ગયો હતો અને તેને ભરૂચ પોલીસ મથકે લઇ આવ્યો હતો. મને દિક્ષિતે એની જાણ કરી હતી અને તરત જ અંડર ગ્રાઉન્ડ થઇ જવાનું કહ્યું હતું. મને લાગ્યું કે જો પોલીસની પહોંચથી બચવું હોય તો તેમનાં નાક નીચે રહેવું જ બહેતર છે એટલે હું અહી આવતો રહ્યો હતો. એ પછીનું તો તમે જાણો જ છો.” રઘુભા અટકયો હતો. તેણે લગભગ બધું જ બકી નાખ્યું હતું. હવે આગળ શું પગલાં લેવા એ દેસાઇ ઉપર હતું. તેણે રાજસંગ સાથે મસલત કરી અને એક નિર્ણય લીધો હતો.

(ક્રમશઃ)