Inspector Thakorni Dairy - 2 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી - ૨

ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી

રાકેશ ઠક્કર

પાનું બીજું

અમદાવાદના પોલીસ મથકમાં ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર એસ. વી. ઠાકોર એક કેસનો હજુ ઉકેલ લાવે ત્યાં બીજો કેસ જાણે તેમની રાહ જોતો હોય એવું થતું હતું. તેમને આત્મહત્યાના કેસમાં જ વધુ રસ પડતો હતો. અને તે એવા જ કેસ હાથ પર વધુ લેતા હતા. પોલીસ કમિશ્નરે પણ ખાસ સૂચના આપી રાખી હતી કે કોઇપણ પ્રકારના મોતના કેસ એક વખત ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર અવશ્ય મૂકવા. તે હત્યાનો કેસ હશે તો ઇન્સ્પેક્ટર ઠાકોર તેના મૂળ સુધી પહોંચીને સત્ય બહાર લાવીને જ ઝંપશે.

ઇન્સ્પેક્ટર ઠાકોરના ધ્યાન પર આજે જે કેસ આવ્યો હતો એ એક પુરુષના મોતનો હતો. જેનું ઘરમાં પડી જવાથી માથામાં ગંભીર ઇજાઓને કારણે મોત થયું હતું. આ એક અકસ્માત મોતનો કેસ હતો. આ કેસ જ્યારે ઇન્સ્પેક્ટર ઠાકોરને સોંપવામાં આવ્યો ત્યારે એક સપ્તાહ વીતી ગયું હતું. ઘટના પછી તે સ્થળ પર ગયો ન હતો. એટલે પહેલાં આખા કેસની જે વિગતો પોલીસ ડાયરીમાં હતી એ પોતાની ડાયરીમાં નોંધી લીધી હતી. શહેરના છેવાડાના એક વિસ્તારમાં એક બંગલામાં રહેતા પતિ-પત્નીનું જોડું તૂટી ગયું હતું. વાત એવી હતી કે મહિકા નામની યુવતીના લગ્ન બે વર્ષ પહેલાં નર્વણ નામના યુવાન સાથે થયા હતા. બંનેનું લગ્નજીવન સુખી હતું. અને નર્વણનું મોત થયું એ મહિકા સાથેના પ્રેમાલાપ પછી જ થયું હતું. એટલે બંનેના સુખી લગ્નજીવન અંગે કોઇ શંકા કરી શકાય એમ ન હતું. પણ 'નામ છે એનું ઇન્સ્પેક્ટર ઠાકોર, એની નજર છે બહુ ચકોર' એમ અમસ્તું જ પોલીસ બેડામાં કહેવાતું ન હતું. તે જ્યાં શંકા ના ઊભી થતી હોય ત્યાં કલ્પના કરીને ચકાસી જોતો. પછી એ શંકા ખોટી પડે તો તેને વાંધો ન હતો. ઇન્સ્પેક્ટર ઠાકોરે ડાયરીમાં લખેલા મહિકાના પ્રસંગના વર્ણન મુજબ આખું ચિત્ર આંખ સામે ખડુ કર્યું.

એ રાત્રે મહિકા પ્રેમના જોશમાં હતી. નર્વણ પણ લગ્નજીવનની બીજી એનીવર્સરી ઉજવવા ઉત્સાહમાં હતો. મહિકા અને નર્વણ બહારથી જમીને બંગલે આવ્યા અને થોડીવાર બેડરૂમમાં બેઠા. પછી નર્વણે મહિકાને સાથે સ્નાન કરીને સૂઇ જવાની વાત કરી. પતિના રોમાન્ટિક મિજાજના રંગે રંગાયેલી મહિકાએ હા પાડી. અને બંને આલિશાન બંગલાના બાથટબમાં એકબીજાની બાંહોમાં ડૂબી ગયા. નર્વણ ક્યારેક બીયર પીતો હતો. આજે તેણે થોડો નશો કર્યો હતો અને સાથે મહિકાનો નશો ચડ્યો હતો. તે બાથરૂમમાંથી જલદી નીકળવા તૈયાર થતો ન હતો. મહિકાએ તેને સમજાવી- પટાવીને બહાર કાઢ્યો. અને તે પણ પાછળ આવવા લાગી. પણ નર્વણે બરાબર શરીર સાફ કર્યું ન હતું અને નશામાં હતો. થોડા પગલાં ચાલ્યો ત્યાં લીસી ટાઇલ્સમાં બીયરને કારણે લથડતા ભીના પગને કારણે લપસીને ગબડી પડ્યો. તે એવો પડ્યો કે માથાના પાછળના ભાગે ટાઇલ્સમાં વાગવાથી ગંભીર ઇજા થતાં ત્યાં જ તેનો જીવ ઊડી ગયો. મહિકાએ રડારોડ કરી મૂકી. નર્વણમાં જીવ બાકી હોય તો બચાવવા એમ્બ્યુલન્સને ફોન કર્યો. એમ્બ્યુલન્સ દસ જ મિનિટમાં આવી ગઇ. ડોક્ટરે નાડી જોઇને તેને મૃત ઘોષિત કરી દીધો. પોલીસે રાત્રે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી મહિકાનું બયાન લઇ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી. પીએમ રીપોર્ટમાં સ્પષ્ટ આવી ગયું કે નશાની હાલતમાં પડી જવાથી શરીરમાં એક-બે જગ્યાએ સામાન્ય માર વાગવા સાથે માથામાં ગંભીર ઇજા થવાથી નર્વણનું મોત થયું છે.

ઇન્સ્પેક્ટર ઠાકોરે પીએમ રીપોર્ટ પર એક ઉડતી નજર નાખી પોલીસનો અકસ્માત મોતનો અભિપ્રાય વાંચ્યો. પહેલી નજરે આ એક આકસ્મિક સ્થિતિમાં મોતનો બનાવ હતો. મહિકા સાથે તેના લગ્નને બે જ વર્ષ થયા હતા. તેની ચાલચલગત સારી હોવાનું નોકરી માટે મહિકાએ કોઇની ઓળખાણથી મેળવેલું શહેરના મેયરનું સર્ટીફિકેટ પણ રજૂ કર્યું હતું. મહિકા જ્યાં નોકરી કરતી હતી ત્યાંના સ્ટાફના બે-ત્રણ કર્મચારી સાથે વાત કર્યા પછી ઇન્સ્પેક્ટર ઠાકોરને તેના ચરિત્ર પરની શંકા કરી હતી તે પોતે દોરેલા ચિત્રમાંથી કાઢી નાખવી પડી. નર્વણ પાસે એવી કોઇ માલમિલકત પણ ન હતી અને કોઇ વેર પણ ન હતું કે કોઇ તેને મારી નાખવાનું કાવતરું કરે. ઇન્સ્પેક્ટર ઠાકોરે એ વિસ્તારના રાત્રિના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવવા પ્રયત્ન કર્યો. પણ સોસાયટીમાં ક્યાંય કેમેરા ન હતા. ફક્ત સોસાયટીની બહાર નીકળવાના મુખ્ય માર્ગ પર થોડી આગળની બાજુ કેમેરા હતા. પણ એમાં એ સમયે દેખાતા વ્યક્તિ કે વાહનોમાંથી કયું મહિકાની સોસાયટીમાંથી આવ્યું છે એ ખાતરી સાથે કહી શકાય એમ ન હતું. અને નર્વણના મૃત્યુ સમયની આસપાસના એક કલાકના ફૂટેજમાં એ મુખ્ય માર્ગ પરથી ઘણા ટુવ્હીલર- ફોરવ્હીલર વાહનો પસાર થતા દેખાયા. રાત્રિને કારણે તેની સંખ્યા ઓછી હતી. તો એકલ-દોકલ ચાલતા જતા લોકો પણ ઓછા હતા.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સતત એક સપ્તાહ સુધી બધી બાબતોનો ફરીથી અભ્યાસ કરી લીધો. અને મહિકાની એક મુલાકાત લઇ આ કેસનો અંતિમ અભિપ્રાય આપવાની વાત કહી. ઇન્સ્પેક્ટર ઠાકોરે ધીરાજીને સાથે લીધા. રસ્તામાં ધીરાજીએ પૂછ્યું:"સર, આ વખતે તો અકસ્માત મોતનો જ કેસ બની રહ્યો છે. કોઇ કારણ યુવતીની વિરુધ્ધમાં જતું દેખાતું નથી. તમે એનો મોબાઇલ નંબર પણ ટ્રેસ કરીને જોઇ લીધો. છેલ્લા છ માસમાં તેણે કોઇ બીજાની સાથે પ્રેમાલાપ કર્યો હોય કે બીજી કોઇ શંકાસ્પદ વાત કરી હોય એવું કશું ધ્યાન પર આવ્યું નથી. હવે આપણે નવું શું પૂછીશું?"

"ધીરાજી, નવું કંઇ જ પૂછવાનું નથી. જૂનું ફરી પૂછીને જ નક્કી કરવાનું છે." ઇન્સ્પેક્ટર ઠાકોરના મનમાં કોઇ વાત રમતી હતી એનો ધીરાજીને ખ્યાલ ન હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે સાંજનો સમય પસંદ કર્યો હતો. નર્વણના મોતને પંદર દિવસ થઇ ગયા હોવાથી મહિકા નોકરીએ પાછી વળગી ગઇ હતી. દૂરના સગા-સંબંધીઓ પોતપોતાના ઘરે જતા રહ્યા હતા. મહિકાએ હમણાં આ બંગલામાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોર મહિકાના ઘરે પહોંચ્યા ત્યારે તે આવી ગઇ હતી.

"નમસ્તે બહેન, હવે અમે કેસના અંતિમ નિર્ણય પર પહોંચી ગયા છે. તમારી સાથે થોડો વાર્તાલાપ કરીને હું મારો રીપોર્ટ આપી દઇશ. તમે પણ હવે લાંબો સમય કદાચ અહીં રહેશો નહીં. તમારા સંબંધીઓ તમને એકલા રહેવા દેશે નહીં ને?"

મહિકાએ ઇન્સ્પેક્ટર ઠાકોરના સવાલ પર સહેજ વિચાર કરીને કહ્યું:" ઇન્સ્પેક્ટર સાહેબ, તમારી વાત સાચી છે. મારા દૂરના સંબંધીઓ છે. માતા-પિતા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા. મારા મામાએ મને મોટી કરી અને ભણાવી. મામીનો સ્વભાવ થોડો ખરાબ હતો. પણ મેં નભાવી લીધું. ગ્રેજ્યુએશન પૂરું થઇ ગયું હતું. અને મામીએ તેમના સંબંધીના બતાવેલા યુવાન નર્વણ સાથે લગ્ન કરી લીધા. ન જાણે અમારા સુખી લગ્નજીવનને કોની નજર લાગી ગઇ. બે જ વર્ષમાં નર્વણનો સાથ છીનવાઇ ગયો. ઘણા સંબંધીઓ બીજા લગ્ન કરવાની સલાહ આપી ગયા છે. પણ આ આઘાતમાંથી બહાર નીકળવાનું સરળ નથી. હમણાં તો હું લગ્ન વિશે વિચારવાની માનસિક સ્થિતિમાં નથી. ભવિષ્યની ખબર નથી..."

"તમારા ભવિષ્યની મને ખબર છે!" કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે મહિકાને સહેજ ચોંકાવી દીધી.

"તમને વિશ્વાસ છે કે હું ફરી લગ્ન કરીશ?" મહિકાએ સ્વાભાવિક રીતે વાત આગળ વધારી.

પણ ઇન્સ્પેક્ટર ઠાકોર ગંભીર હતા:"ભવિષ્યમાં તારે લગ્ન કરવા હશે તો પણ થઇ શકશે નહીં. તેં તારા હાથે જ બંગડીઓ ઉતારી છે. હવે તારા હાથમાં પોલીસની બેડીઓ પડશે..."

"વોટ? તમે આ શું કહી રહ્યા છો? મને ધમકાવીને શું સાબિત કરવા માગો છો?" મહિકાનો સ્વર ઉગ્ર થઇ ગયો.

"હવે વધારે બનાવટ કરવાનું છોડી દે. તારો ગુનો સ્વીકારી લે." ઇન્સ્પેક્ટર ઠાકોરે ઠંડા કલેજે કહ્યું.

"કયો ગુનો? તમે શું વાત કરી રહ્યા છો?" મહિકાને આંચકો લાગ્યો હતો.

ઇન્સ્પેક્ટર ઠાકોરે કડક સ્વરમાં કહી જ દીધું:"તારા પતિની હત્યાના આરોપમાં તને ગિરફ્તાર કરવા આવ્યો છું."

" ઇન્સ્પેક્ટર તમે કેવી રીતે આવો આરોપ મૂકી શકો? નર્વણનું પડી જવાથી મોત થયું છે. મેં તેની ચાકુ મારીને હત્યા કરી હોય એવી વાત તમે કરી રહ્યા છો..." મહિકાએ પોતાનો પક્ષ રજૂ કર્યો.

"મેડમ, નર્વણનું મોત માથામાં ટાઇલ્સ વાગવાથી નહીં પણ મારવાથી થયું છે." ઇન્સ્પેક્ટર ઠાકોરે રહસ્ય ખોલ્યું.

"આ તમે કેવી રીતે કહી શકો?" મહિકા આશ્ચર્ય સાથે ચિંતામાં બોલી.

"એ રાતની વાત હું તમને કહું છું.. સાંભળો. મેં બધી જ તપાસ કરી લીધી છે. તમે સદાન નામના યુવાનના પ્રેમમાં પગલ છો. સદાન સાથે મળીને તમે નર્વણનું મોત નીપજાવ્યું છે. સદાનને નજીકના શહેરમાંથી ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે અને તેણે ગુનો કબૂલી લીધો છે. તમે આયોજન એવું કર્યું હતું કે પોલીસની આંખમાં ધૂળ નાખી જ દીધી હતી. હું થોડી વધુ ઉલટ તપાસ કરું છું. સમુદ્રમાં ઉંડા પાણીમાં ડૂબકી મારીએ તો જ સાચા મોતી મળે. મેં પોસ્ટ મોર્ટમ રીપોર્ટનો ફરીથી ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો ત્યારે મને પહેલી શંકાસ્પદ કડી મળી. તેમાં એવું લખ્યું હતું કે માથામાં બે વખત ટાઇલ્સ વાગવાથી નર્વણનું મોત થયું હતું. અને વાળમાં પથ્થરના થોડા ઝીણા કણ પણ હતા. જેને ધૂળ સમજવામાં આવી હતી. મતલબ કે ઘરની લીસી ટાઇલ્સમાં માથું પછડાવાથી મોત થયું ન હતું. મેં તમારી ગેરહાજરીમાં એક દિવસ આ ઘરની આસપાસમાં તપાસ કરી ત્યારે બહારના દરવાજાની બાજુમાં ફૂલછોડના કૂંડા નીચે એક પથ્થરની ટાઇલ્સ મૂકેલી જોઇ. એને હું લઇ ગયો અને તેની એફએસએલમાં તપાસ કરાવી તો નર્વણના માથામાં જે પથ્થરના કણ હતા એ આ જ ટાઇલ્સના હતા. સીસીટીવી કેમેરા આ સોસાયટીમાં નથી. પણ બહારના મુખ્યમાર્ગ પરના કેમેરામાં નર્વણના મૃત્યુના સમય પછીની ચોથી મિનિટે એક સ્કૂટી પર બુકાની બાંધેલી છોકરી ગભરાટમાં ભાગતી દેખાઇ. તેના પર કોઇ નંબર ન હતો. એટલે તેને શોધવાનું મુશ્કેલ હતું. તેની બોડી લેંગ્વેજને જોઇને મને શંકા થઇ કે છોકરીના ડ્રેસમાં તે એક છોકરો હોવો જોઇએ. અને એ જ છોકરો એ જ રૂપમાં નર્વણના મૃત્યુના એક કલાક પહેલાં પણ છોકરીના ડ્રેસમાં ત્યાંથી પસાર થતો હતો. તેનો પત્તો લગાવવાનું મારા માટે મુશ્કેલ હતું. તું એનો સંપર્ક કરે તો જ તેના સુધી પહોંચી શકાય એમ હતું. પણ તારા મોબાઇલને ઓબ્ઝર્વેશનમાં મૂક્યા પછી કોઇ માહિતી ના મળી. તમે થોડા સમય માટે મોબાઇલથી સંપર્ક કરવાનું બંધ કરી દીધું હશે એવું માન્યું. પણ પછી વિચાર આવ્યો કે છેલ્લા છ માસમાં તમે બંનેએ કોઇ વાત કરી હોય એવું પણ મોબાઇલના કોલ રેકોર્ડીંગ સાંભળ્યા પછી ધ્યાન પર આવ્યું ન હતું. મતલબ તમે કે રૂબરૂ મળતા હશો. પણ હવે થોડા દિવસ રૂબરૂમાં મળવાનું ટાળશો એ નક્કી હતું. તો પછી તમે સંપર્ક કેવી રીતે કરતા હશો એ વિચારતાં ખ્યાલ આવ્યો કે ઓફિસના લેન્ડલાઇન પરથી તું એને કોલ કરતી હોઇ શકે. તારી ઓફિસના કોલની ડિટેઇલ કઢાવી ત્યારે કેટલાક નંબર પર વારંવાર ફોન થતા હોવાનું ધ્યાન પર આવ્યું. અને તપાસ કરતાં સદાન પકડાઇ ગયો. તેણે ગુનો કબૂલી લીધો છે...." ઇન્સ્પેક્ટર ઠાકોર શ્વાસ લેવા અટક્યા.

પછી સદાન પાસેથી મળેલી માહિતીના આધારે કહ્યું:"તમે બંને કોલેજ કાળથી એકબીજાના પ્રેમમાં પાગલ હતા. ખરાબ સ્વભાવવાળી મામીના ઓળખીતાના પુત્ર નર્વન સાથે લગ્ન કરવાની એ મજબૂરીએ થોડો સમય તું સદાનથી દૂર રહી. પણ સદાન સાથેના પ્રેમમાં અડચણરૂપ બનેલા નર્વણને દૂર કરવા એક કાવતરું રચ્યું. તમારું આયોજન કોઇને શંકા ના પડે એવું હતું. બીજી એનીવર્સરીએ રાત્રે તેં નર્વણ સાથે પ્રેમનું નાટક કર્યું અને જરૂર કરતાં વધારે બીયર પીવડાવ્યો. તેને જાણીજોઇને બાથરૂમમાં લઇ આવી અને એક-બે મિનિટ મસ્તી કરી બહાર લઇ આવી. ત્યાં ચોરીચૂપી આવેલા સુદાનની મદદથી નર્વણના ભીના પગ અને બીયરના નશામાં તેનું માથું બહાર મૂકેલા કૂંડા નીચેની ટાઇલ્સથી ઇજા કરી ભાંગી નાખ્યું. પણ "તે મરશે નહીં તો?" એવી શંકાથી બે વખત તેના માથા પાછળ સુદાને ઘા કર્યા અને તેને એવી રીતે જમીન પર પાડ્યો કે ટાઇલ્સમાં માથું પછડાવાથી ઇજા થઇ હતી એવું સાબિત થાય...."

ઇન્સ્પેક્ટર ઠાકોરે આખી કહાની કહી એ પછી મહિકાનો સુંદર ચહેરો પડી ગયો હતો. તેણે પોતાની હાર સ્વીકારી લીધી હતી.

"મહિકા, નર્વણને માથામાં ઘા કરીને પતાવી દીધો ત્યારે તમને અંદાજ નહીં હોય કે કોઇ વિચિત્ર માથાનો ઇન્સ્પેક્ટર તમને મળવાનો છે...." કહી ઇન્સ્પેક્ટર ઠાકોરે મહિકાના હાથમાં બેડીઓ પહેરાવી દીધી.

*

મિત્રો, માતૃભારતી પર મારી સૌથી વધુ વંચાયેલી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. એક અતિ સ્વરૂપવાન અને માદકતાથી છલકાતી કોલેજગર્લ અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને અર્પિતા તેની જાળમાં ફસાઇને તરફડવાને બદલે કેવી રીતે તેમની સામે અદ્રશ્ય જાળ બિછાવી એક પછી એક, ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની વાર્તા છે. દરેક પ્રકરણે દિલચશ્પ વળાંકો લેતી અને રોમાંચક પ્રસંગોથી ભરપૂર આ નવલકથા તમારું ભરપૂર મનોરંજન કરશે. અને તેનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી લઘુનવલ "આંધળો પ્રેમ", નવલિકાઓ, બાળવાર્તાઓ, બાળગીતો તથા અમૂલ્ય સુવિચારોની શ્રેણી 'વિચારમાળાના મોતી' અને પ્રેરણાત્મક વાર્તાનો ખજાનો ધરાવતી 'જીવન ખજાનો' શ્રેણી પણ આપને જરૂર વાંચવી ગમશે.

***

મિત્રો, માતૃભારતી પર રજૂ થયેલી મારી બીજી નવલકથા 'લાઇમ લાઇટ' પણ પસંદ કરવામાં આવી છે. એક રૂપાળી યુવતી રસીલીના હીરોઇન બનવાના સંઘર્ષ સાથે ફિલ્મી દુનિયાના અંધારાં-અજવાળાંની રહસ્યમય વાતો કરતી અને આ ક્ષેત્રના કાવા-દાવા, હવસ, પ્રેમ અને ઝગમગાટને આવરી લેતી આ નવલકથા સંપૂર્ણ કાલ્પનિક છે. અને કોઇ રોમાંચક, દિલધડક, રહસ્યમય ફિલ્મની જેમ તમને ૪૮ પ્રકરણ સુધી જકડી રાખશે એવી મને ખાતરી છે.