ભાગ ૮
ધ્રુવના ઇન્વેસ્ટરોને ધ્રુવની બિઝનેસ સેન્સ પર ખુબ વિશ્વાસ હતો, તેથી તેમણે ગાંધીનગર પ્રોજેક્ટ અને સ્ટેડિયમ પર ખુબ મોટી રકમ ઈન્વેસ્ટ કરી. બધાએ તેની ખુબ તારીફ કરી પણ ફક્ત રાજેશે તેને ચેતવ્યો,” જરા ધીમો પડ. એક ટાઈમે એક જ પ્રોજેક્ટ કર, જેથી તું પૂર્ણ રીતે તેમાં ધ્યાન આપી શકે.”
ધ્રુવે કહ્યું,”ચિંતા ન કરો અંકલ, હું બંને જગ્યાએ પહોંચી વળીશ.”
રાજેશે શાંતિથી પૂછ્યું,”તારો મોલ તેના તરફ ક્યારે ધ્યાન આપીશ?”
ધ્રુવે કહ્યું,”તેની ચિંતા નથી. ત્યાં જેને જનરલ મેનેજર રાખ્યો છે તે સક્ષમ છે.”
સ્ટેડિયમનું કામકાજ પણ શરુ થઇ ગયું. મધુકર પરચેઝમાં હંમેશની જેમ મનમાની ચલાવી રહ્યો હતો.
એક દિવસ મૃણાલ'સના સ્વિમિંગપુલ તરણસ્પર્ધા શરુ હતી અને અચાનક પાણીમાં કરંટ આવ્યો અને તેમાં રહેલા પાંચ સ્પર્ધકના મૃત્યુ થયા અને પાંચ સ્પર્ધક ગંભીર રીતે ઘાયલ થઇ ગયા. ત્યાં હાજર રહેલા લોકોને ખબર ન પડી કે આ કેવી રીતે થયું? તરત એમ્બ્યુલન્સ બોલાવાવમાં આવી અને થોડીવારમાં પોલીસ આવી. સ્પર્ધાના આયોજકોએ એફ. આઈ. આર. દાખલ કરી. થોડી જ વારમાં ન્યુઝ ચેનલોના પત્રકારોના ધાડા મૃણાલ'સમાં ઉતરી આવ્યા.
સાંજ સુધી તો આખા ભારતમાં આ એક્સીડેન્ટની ખબર પડી ગઈ હતી. સ્ટેટલેવલના પાંચ તરણવીરોના મૃત્યુના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. ધ્રુવ ગાંધીનગરથી સાંજે જ પહોંચી ગયો. પત્રકારો તેને વીંટળાઈ વળ્યાં અને જવાબ માંગ્યો પણ તે જવાબ આપી શક્યો નહિ, થોડી વાર પછી પોલીસ આવીને તેને પોલીસ સ્ટેશન લઇ ગયા. સ્ટેટ લેવલની સ્પર્ધા હોવાથી ગૃહમંત્રીએ તેની દખલ લીધી અને ડી વાય એસ પી રેન્કના બે પોલીસને ઘટનાની તપાસ કરવા મોકલ્યા. ધ્રુવે પોલીસ સ્ટેશનમાં જઈને કહ્યું,”આ કેવી રીતે બની ગયું તેની મને ખબર નથી? છતાં આ ઘટનાની જિમ્મેદારી મારા શિરે છે હું તપાસમાં પૂર્ણ રીતે સહકાર આપીશ.”
પોલીસ અધિકારીએ કહ્યું,”આ ઘટના ખુબ જ ગંભીર છે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારો મોલ પણ સીલ કરવામાં આવશે અને જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારે ક્યાંય બહારગામ જવાનું નથી.”
બીજે દિવસે મુંબઈની પોલીસ ટીમ આવી ગયી અને બધાના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા અને તપાસ કરી ત્યારે ખબર પડી કે પુલના ડ્રેઇનજમાંથી એક વાયર પસાર થતી હતી તેનું આવરણ ખુલ્લું પડી ગયું હતું તેને લીધે પાણીમાં કરંટ આવ્યો હતો અને ઈ એલ સી બી સમય પર ટ્રીપ નહોતું થયું. અને તેનું મુખ્ય કારણ લો ક્વોલિટી મટેરીયલ હતું.
પરચેઝ એકઝીકયુટીવને બોલાવવામાં આવ્યો અને તે વિષે પૂછપરછ કરતા ખબર પડી આ તેણે મધુકરની સલાહ પર કર્યું હતું . મધુકરની પૂછપરછ કરતા તેણે કહ્યું,”મેં ફક્ત સલાહ આપી હતી માનવું ન માનવું તેના પર હતું.”
મધુકરનો જવાબ સાંભળી પરચેઝ એકઝીકયુટીવ વિનય સમસમી ગયો તેણે કહ્યું,”હું તો તમને પિતાની જેમ માનતો હતો, પણ તમે આ રીતે હાથ ઉપર કરી દેશો તેની ખબર ન હતી.” વિનયને અરેસ્ટ કરવામાં આવ્યો સાથે ધ્રુવને અરેસ્ટ કરવામાં આવ્યો. સ્વિમિંગ પુલ સીલ કરી દેવામાં આવ્યો. ધ્રુવ જામીન લઇ બહાર આવ્યો અને વિનયને પણ જામીન પર છોડાવ્યો.
મૃણાલ'સ ખુલ્યું હતું પણ ત્યાં સુધીમાં એટલી બદનામી થઇ ગઈ હતી કે હવે ગણ્યાગાંઠ્યા લોકો જ ત્યાં આવતા હતા. સ્ટેડિયમ પ્રોજેક્ટના ઇન્વેસ્ટરોએ આગળ નાણાં ધીરવાની ના પડી અને આપેલા નાણાં પાછા માગ્યા. ગુજરાત સરકારે તેના ગાંધીનગરના પ્રોજેક્ટની પૂર્ણ તપાસ કરવા પંચ નિમ્યું. ધ્રુવ બધી બાજુથી ફસાઈ ગયો હતો તેના માથે કેસ ની લટકતી તલવાર અને કરોડોનું દેવું. તે પોતાની બધી પ્રોપર્ટી પણ વેચી દે તો પણ તે ભરાઈ શકે તેમ ન હતું ઉપરાંત મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા રમતવીરોના પરિવારોને વળતર તરીકે મોટી રકમ આપી ચુક્યો હતો.
આ બધી ઘટના પાછળ એક જ વ્યક્તિ જવાબદાર હતી તે હતા તેના પિતા મધુકર. તેણે આ ઘટનાની પૂર્ણ તપાસ પ્રાઇવેટ ડિટેકટિવ પાસે પણ કરાવી અને જે વાતો બહાર આવી હતી તેનાથી તે હલી ગયો.
બે મહિના નીકળી ગયા ઘટનાને, તેના પર પૈસા પાછા આપવાનું દબાણ વધતું જતું હતું. તેણે પોતાની પ્રોપર્ટી વેચવાનું નક્કી કર્યું પણ કોઈ ખરીદદાર મળતો ન હતો. મોલ ત્યાં સુધીમાં બદનામ થઇ ગયો હતો. રાત્રે સ્વિમિંગપુલમાંથી ચીસો સંભળાય છે, તેવી પણ વાતો ઉડવા લાગી. તેણે ઇન્વેસ્ટરોને મોલ, બંગલો અને અડધું બંધાયેલ સ્ટેડિયમ પણ તેમના નામે કરી આપવાની ઓફર કરી છતાં તેમણે નકાર આપ્યો.
એક દિવસ સાંજે તેણે પોતાની રૂમમાં પિસ્તોલ પોતાના માથે મૂકીને આત્મહત્યા કરી લીધી. મૃણાલ અને નીલા ધડાકાનો અવાજ સાંભળીને તેની રૂમ તરફ દોડ્યા. રૂમ પહોંચતા ત્યાંનું દ્રશ્ય જોઈને નીલા જમીન પર ફસડાઈ પડી. લોહીના ખાબોચિયા વચ્ચે ધ્રુવનો દેહ પડ્યો હતો. ત્યાં બાજુમાં એક સુસાઇડ નોટ પડી હતી અને એક ચાવી.
ક્રમશ: